આતંકવાદીઓના ક્રૂર હુમલા બાદ પહલગામમાં પર્યટકોનો ધમધમાટ

- પહેલગામના આતંકવાદીઓના હુમલા પછી પર્યટકોની સંખ્યામાં 60થી 70 ટકાનો ઘટાડો થયો હતો, આજેય પહેલગામમાં રાત્રિ રોકાણ કરતાં ખચકાઈ રહેલા પર્યટકો
પહલગામમાં ગુજરાતના પર્યટકો સહિત ભારતના 25 પર્યટકોને રહેંસી નાખવાના ક્રુરતમ આતંકવાદી હુમલાના આઠ મહિના વીતિ ગયા પછી હવે ફરીથી પર્યટકોનો નોર્મલ પ્રવાહ ચાલુ થવા માંડ્યો છે. આ હુમલામાં પહલગામનો જ એક મુસ્લિમ પણ મરાયો હતો. પહેલી જાન્યુઆરીના અરસામાં આ પ્રવાહ પહેલાની માફક જ ચાલુ થવા માંડ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હા, પહેલાની તુલનાએ એક મોટો તફાવત એ છે કે પર્યટકો હવે દિવસના ભાગે જ ફરવાના સ્થળે જવાનું પસંદ કરી રહ્યા છે. તેઓ પહલગામમાં રાત્રિ રોકાણ કરવાનું પસંદ જ કરતાં ન હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
આમેય પર્યટકો પહલગામની પ્રાકૃતિક સૌંદર્ય પર આફરીન છે. જોકે સરકારે કરેલી સલામતીની વ્યવસ્થાની સરાહના તો કરી રહ્યા છે, પરંતુ મનના ઊંડા ખૂણામાં થોડી શંકા અને ભયનો ફફડાટ હોવાનું તેમની વાતો પરથી વરતાઈ રહ્યું છે. આ જ કારણસર તેઓ પહેલગામમાં રાત્રિ રોકાણ કરવાનું પસંદ કરતાં ન હોવાનું માનવામાં આવે છે.
બૈસરન મેદાનોમાં થયેલા ભયાનક આતંકી હુમલાએ પર્યટનને સંપૂર્ણ રીતે થંભાવી દીધા બાદ હવે આઠ મહિનાથી વધુ સમય પછી, પહલગામનું રિસોર્ટ શહેર પર્યટકોની નોંધપાત્ર વાપસી જોઈ રહ્યું છે. 2024ના વર્ષમાં પર્યટકોની સંખ્યામાં અંદાજે 50થી 55 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ સીઝનમાં પ્રથમ વખત આટલો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. આ હુમલાએ આખા પર્યટનના બિઝનેસનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. એક સ્થાનિક પર્યટન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં પહલગામમાં પર્યટકોની સંખ્યા ઓછી રહે છે, પરંતુ આ વર્ષે ખાસ કરીને મેઇનલેન્ડ ભારતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ બૈસરન મેદાનોમાં 25 પર્યટકો અને એક સ્થાનિક ઘોડાસવારી કરનારને ગોળી મારી હત્યા કરી હતી, જેના કારણે ખીણ વિસ્તારમાં જવાનું પર્યટકોએ બંધ જ કરી દીધું હતું. આતંકવાદીઓએ હુમલો કર્યો તે સમયે ભારત દ્વારા પાકિસ્તાન સામે લેવામાં આવેલી સૈન્ય કાર્યવાહીથી ભય વધુ વધી ગયો હતો. 2025માં કાશ્મીરમાં અંદાજે 10.47 લાખ દેશી પર્યટકો આવ્યા હતા, જે 2024ના લગભગ 26 લાખ પર્યટકોની સરખામણીમાં ઘણો ઘટાડો દર્શાવે છે, જોકે હવે પર્યટકોની આવકમાં પુનઃવધારાના સંકેતો જોવા મળી રહ્યા છે.
સ્થાનિક ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ નવા વર્ષની પૂર્વસંધ્યાએ પર્યટકો ફરીથી સ્થળોએ આવવા લાગ્યા છે, પરંતુ મોટાભાગે દિવસીય પ્રવાસ પસંદ કરી રહ્યા છે અને રાત્રિ રોકાણ ટાળી રહ્યા છે. છતાં પહલગામ આવનારા પર્યટકોની સંખ્યા વધી રહી છે. પરંતુ ટૂંકી મુલાકાતો કારણે ખર્ચ મર્યાદિત રહે છે અને હોટલ બુકિંગ પણ ઓછું થાય છે. આમ હોટલના ધંધા હજીય વધી રહ્યા નથી. હોટેલના માલિકોને રોકાણ કરવા માટે આવનારાઓ મળતા જ નથી. પર્યટન ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે પર્યટકો થકી શરૂ થયેલી આ નવી આવક પર્યટન પર ભારે નિર્ભર સ્થાનિક અર્થતંત્ર માટે બહુ જ મોટી રાહત લઈને આવી છે. પર્યટકોનો આરંભ ન થયો હોત તો સ્થાનિક લોકોની આવક બંધ થતાં તેમણે જીવન નિર્વાહ માટે અલગ વિકલ્પ શોધવાની ફરજ પડી ગઈ હોત. પરંતુ તેમના નસીબે પર્યટકોનો પ્રવાહ ફરી ચાલુ થવા માંડ્યો છે.
ATV (ઓલ-ટેરેન વ્હીકલ) ઓપરેટરનું કહેવું છે કે પર્યટકોની વધતી સંખ્યાએ દૈનિક આવક ફરી શરૂ કરવામાં મદદ કરી છે અને મહિનાઓ સુધી ધંધો મંદ રહ્યા બાદ સ્થાનિક ઓપરેટરોમાં ફરી આત્મવિશ્વાસ આવ્યો છે. આગામી અઠવાડિયાઓમાં પર્યટકોનો પ્રવાહ સતત રહેશે તેવી આશા છે. પરિણામે ગયા કેટલાંક મહિનાઓમાં થયેલા નુકસાનની થોડી ભરપાઈ થઈ જાય તેવી સંભાવના છે.
પર્યટકોની પ્રતિક્રિયા
પહલગામની મુલાકાતે આવેલા પર્યટકોએ કાશ્મીરની સલામતી મજબૂત હોવાની અને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રભાવિત થઈ રહ્યા હોવાની વાત કરતા થયા છે. પર્યટકો કહે છે કે કાશ્મીર ખરેખર ધરતી પરનું સ્વર્ગ છે. કાશ્મીર પર્યટકો માટે સલામત, શાંત અને અદભુત રીતે સુંદર છે. તેમણે કહ્યું કે લોકો અહીં આવીને તેની મોહક પ્રાકૃતિક સુન્દરતા અને ઉષ્માપૂર્ણ આતિથ્ય સત્કારને માણવો જોઈએ અને અનોખી સંસ્કૃતિનો અનુભવ કરવો જોઈએ. આ વિશેષતાઓ માત્ર ફોટા કે વિડિયોમાં સંપૂર્ણ રીતે ઝીલાઈ શકતી નથી. રૂબરૂ મુલાકાતથી તેનો અનુભવ થાય છે.



