વેપારીઓના બેન્ક એકાઉન્ટ આડેધડ એટેચ કરી રહેલા એસજીએસટી-સીજીએસટીના અધિકારીઓ

- ઓનલાઈન પોર્ટલ પર વીસ વર્ષ પહેલાની ડિમાન્ડ દેખાય તો પણ તે ડિમાન્ડની સચ્ચાઈને ચકાસ્યા વિના જ ફ્રીજ કરાતા બેન્ક એકાઉન્ટ
અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમોને(GST Rules) ચાતરી જઈને સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી(GST and CGST officers)ના અધિકારીઓ દરોડાના કિસ્સામાં જરૂર હોય કે ન હોય વેપારીઓના બેન્ક ખાતાઓ ફ્રીજ કરી દે છે. દરોડો પાડ્યા પછી તપાસ અધિકારીઓને લાગે કે બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરવા જેવું છે તો તેના કારણો આપીને અને કમિશનરની મંજૂરી લઈને એટેચમેન્ટ કરવાનું રહે છે. જીએસટી પોર્ટલ પરના વેપારીઓના એસજીએસટી અને સીજીએસટી એક્ટની કલમ 83 (Section 83 of CGST and SGST act)હેઠળ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી દે છે.
આ એટેચમેન્ટ એક વર્ષ સુધી જ રાખવાનો નિયમ(Breach of rule of attachment period by officers) છે. છતાં અધિકારીઓ એટેચમેન્ટ હટાવતા નથી. એક વર્ષ પછી એટેચમેન્ટ હટાવવાનો ઓર્ડર કરવો અધિકારીઓ માટે ફરજિયાત છે. પરંતુ આ પ્રકારનો ઓર્ડર કરતાં નથી. એક વર્ષથી વધુ સમય સુધી એટેચમેન્ટ હટાવવા માટે અધિકારીઓ પાસે બેન્ક એકાઉન્ટને એટેચ રાખવા માટેના સંગીનમાં સંગીન કારણો હોવા જોઈએ. આ કારણે વેપારીઓને જણાવવા જરૂરી છે. પરંતુ અધિકારીઓ વેપારીઓને આ બાબતમાં જાણ કરવાની તસદી શુદ્ધા લેતા નથી.
દરોડા સિવાયના કેસમાં કોઈ વેપારી સામે કોઈ ઓર્ડર થયો હોય અને વેપારીને અપીલ કરવા માટે મળતા ત્રણ મહિના ઉપરાંત એક મહિનાના ગ્રેસ પિરિયડમાં વેપારી અપીલ કરવામાં નિષ્ફળ જાય તો પણ તેના બેન્ક એકાઉન્ટને એટેચ કરી દેવામાં આવી રહ્યા છે. આ જ રીતે વેટ-વેલ્યુ એડેડ ટેક્સ(VAT Related cases)ના કોઈ જૂના લેણા તેમને પોતાના કોમ્પ્યુટરમાં દેખાય તો કે આગળના કાયદા હેઠળની ડિમાન્ડ દેખાય તો પણ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી દે છે. 2002-03ના વર્ષની બાકી ન બોલતી હોય પણ કોમ્પ્યુટરમાં ડિમાન્ડ દેખાય તો પણ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરીને તેના લેણા વસૂલી લે છે. કાયદેસર તે ડિમાન્ડ બાકી છે કે કોર્ટમાં નીકળી ગઈ છે તેની ખરાઈ કર્યા વિના જ તેઓ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી દેતા હોવાની ફરિયાદો સતત વધી રહી છે.
વેપારીઓના ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાંથી બારોબાર પૈસા ખેંચી લેતા હોવાનું જોવા મળે છે. કોઈ વેપારીને નોટિસ આપ્યા વિના અને તેની આકારણી બાકી ન હોવા છતાં અને ડિમાન્ડ નીકળતી ન હોવા છતાં તે વેપારીએ અન્ય કોઈ વેપારી સાથે ખરીદીનો સોદો કર્યો હોય અને જેની પાસેથી ખરીદી કરી હોય તેનો જીએસટી રજિસ્ટ્રેશન નંબર રદ થઈ ગયો હોય તો તેવા કેસમાં ખરીદનારની ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર(Electronic credit ledger)ની રકમમાંથી સોદાની રકમના જીએસટીને બ્લોક કરી દે છે. ક્રેડિટ લેજરમાં એટેચ કરી દે છે.
આ સોદો ત્રણ વર્ષ પહેલાન હોય તો પણ ક્રેડિટ બ્લોક કરી દેવામાં આવે છે. તેના પર લેવામાં આવેલી ટેક્સ ક્રેડિટની રકમ બ્લોક કરી દેવામાં આવે છે. અમદાવાદના બચત ભવનમાંથી કેટલાક ડેપ્યુટી કમિશનરોએ આ પ્રકારે વેપારીઓને નોટિસ આપ્યા વિના તેમના ખાતા બ્લોક કરી દીધા છે. માત્ર ઓનલાઈન ડિમાન્ડ દેખાઈ તેને ચકાસ્યા વિના જ તેમના ખાતાંમાંની રકમ બ્લોક કરી દેવામાં આવે છે.
આમ ગુજરાત અને કેન્દ્ર સરકારના જીએસટી અધિકારીઓ વેરો ન મળવાનો હાઉ ઊભો કરીને વેપારીઓના બેન્ક એકાઉન્ટના આડેધડ ફ્રીજ કરી રહ્યા છે. બેન્ક એકાઉન્ટને ફ્રીજ કરવાની સમય મર્યાદા વીતિ ગયા પછીય તે એકાઉન્ટ ખોલી આપતા નથી. પરિણામે વેપારી આલમની હાલાકી વધી રહી છે.
વેપારીઓના બેન્ક ખાતામાંથી કોઈપણ રકમ ડેબિટ ન થાય અને વેપારી તે ખાતામાંથી કોઈપણ આર્થિક વહેવાર ન કરી શકે તેવી નોબત લાવી દે છે. પરિણામે વેપારીઓના પેમન્ટ તેમની સામેના ડિપાર્ટમેન્ટના લેણા સામે એડજસ્ટ થયા કરે છે અને વેપારીઓના બિઝનેસના વહેવારો અટકી પડે છે. state GST કે Central GST Act, 2017ની કલમ 83 અને CGST Rules, 2017ની Rule 159 હેઠળ આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
વેપારીનું બેન્ક ખાતું ક્યારે ફ્રીઝ કરી શકાય તેમાં ઊંડા ઉતરીએ તો GST રીટર્ન એટલે કે GSTR-3B અથવા GSTR-1 રિટર્ન સમયસર ન ભરનાર વેપારીઓના ખાતાઓ ફ્રીજ કરી દેવામાં આવે છે. રિટર્ન ફાઈલ કરવામાં વારંવાર ડિફોલ્ટ થનારા વેપારીઓના ખાતા પણ ફ્રીજ કરી દેવામાં આવે છે. તેમ જ કોઈ વેપારીએ ડિપાર્ટમેન્ટને માન્ય ન હોય કે પછી ગેરકાયદેસર ITC (Input Tax Credit)ના દાવા મૂક્યા હોય કે પચી બિલ-Invoicesના વ્યવહાર પૂર્ણ ન હોવા છતાં ITC લેવા માટેના ક્લેઈમ મૂકી દેવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓમાં બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી દેવામાં આવે છે. આજ રીતે મિસમેચના કેસમાં, ઓડિટ મિસમેચના કિસ્સામાં, માત્ર પેપર પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓના કિસ્સામાં એકાઉન્ટ ફ્રિજ કરી દેવામાં આવે છે. ખરીદારો પાસેથી GST વસૂલવામાં આવતો હોવા છતાં સરકારમાં તે જમા ન કરાવનારના ખાતાઓ પણ ફ્રિજ કરી દેવામાં આવે છે.
ખાતુ ફ્રિજ થયાની જાણકારી કઈ રીતે મળે
- GST-પોર્ટલ પર “DRC-22” નામની provisional attachment order ઉપલબ્ધ હોય શકે છે
- તમારા બેંકમાંથી અથવા GST વિભાગ તરફથી ઈમેલ/એસએમએસ, અથવા branch દ્વારા સંદેશ મોકલી આપવામાં આવે છે.
- ચેક કે UPI અથવા online transaction કરતાં સમય પર ટ્રાન્ઝેક્શન ફેઈલ જાય તો તેવા કિસ્સાઓમાં પણ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હોવાનું અંદાજ લગાવી શકાય છે.
- પરિસ્થિતિને સાચી રીતે સમજવા માટે વેપારીએ જીએસટીના પોર્ટલ પરથી DRC-22 ઑર્ડર ડાઉનલોડ કરી લેવો જોઈએ. આ ઓર્ડરમાં બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરવાનું કારણ આપ્યું હોય તો તે જાણી શકાય છે. કયા GST ઓફિસરે એકાઉન્ટ ફ્રિજ કર્યું છે તે પણ જાણી શકાય છે. કયા કાયદા હેઠળ પગલું લેવાયું છે તે પણ જણાવવામાં આવે છે.
બેન્ક એકાઉન્ટનું એટેચમેન્ટ દૂર કરવા આટલું કરી શકાય
- સૌથી પહેલા તો વેપારીએ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના નિર્ણય સામે Objection ફાઇલ કરવું જોઈએ. તેને માટે ફોર્મ-Form DRC-22A ભરવાનું આવશે. આ ફોર્મ ભરીને GST Portalના Services, User Services, Provisional Attachment, File Objectionમાં જઈને તમારા વિરોધની રજૂઆત કરી દો. તમે તેમાં સ્પષ્ટ જણાવી દો કે બેન્ક એકાઉન્ટનું attachment સદંતર અયોગ્ય, અન્યાયપૂર્ણ છે. તમારો બિઝનેસ અત્યારે ચાલુ જ છે. તમે નિયમોનું વ્યવસ્થિત પાલન કરેલું છે.
- તમારા દાવાના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો જોડી દેવાના રહે છે. આ દસ્તાવેજોમાં File કરેલા GST returns, GST dues paymentsનાં challans, ITC reconciliation, બેન્ક statements, ક્રેડિટ કે ડેબિટ લેજર, વ્યવસાયનો પુરાવો, CA/consultantનો સ્પષ્ટીકરણ લેટર મૂકવાનો રહેશે.
- ત્યારબાદ GSTના સંબંધિત ઓફિસર આ અંગે ચર્ચા કરી લો. તેને ઈમેલ મોકલીને કે પછી રૂબરૂ મુલાકાત લઈને તમારી રજૂઆત કરી શકો છો. તેમના એટેચમેન્ટથી તમારા ધંધા પર પડનારી અસરની તેને સમજણ આપો.
- અધિકારીએ બાકી બતાવેલી જીએસટીની રકમ સાઈડમાં લઈ લઈને બેન્ક ખાતામાં પડેલા બાકી નાણાંનો પગાર-salary, આવશ્યક ચૂકવણા-essential payments માટે ઉપયોગમાં લેવાની છૂટ આપવાની માગણી કરો. કેટલીક વાર અધિકારીઓ આ પ્રકારની મંજૂરી આપી દેતા હોવાનું જોવા મળે છે.
- તમે રજૂ કરેલી માહિતી પૂરતી હશે તો DRC-23 order એટલે કે ખાતાનું એટેચમેન્ટ દૂર કરી દેવાનો-unfreeze order મળે શકે છે. બેન્ક પણ 24થી 48 પરિસ્થિતિને જાણી લઈને બેન્ક ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપી દે છે.
- GST અધિકારી movable-જંગમ કે પછી સ્થાવર મિલકત-immovable property, બેન્ક ખાતું, જમીન, ફેક્ટરી, વાહન, ઇન્વેન્ટરી સ્થગિત કરી દેવાનો અધિકાર ધરાવે છે. હા તેને માટે વ્યવસ્થિત કારણ લેખિતમાં આપવાને અધિકારી બંધાયેલો છે. માત્રને માત્ર GSTને લગતી કાર્યવાહી-proceedings ચાલુ હોય તે દરમિયાન જ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરી શકે છે.
- Attachment આંશિક હોય તો પ્રક્રિયા પૂર્ણ થયા પછી auto release ન કરવામાં આવે તો તેને પણ પડકારી-challenge કરી શકાય છે.




