કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ”નો બે દિવસીય “MSME કોન્કલેવ” યોજાશે
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે.
આ આયોજનના ભાગરૂપે રાજકોટમાં આગામી તા. 8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વિગેરે વિવિધ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના દ્વિતીય દિવસે એટલે કે, તા. 9 જાન્યુઆરી, 2026ના રોજ “MSME કોન્કલેવ”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનારો, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
તદુપરાંત, આ કોન્ક્લેવમાં કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ 12 જિલ્લાઓમાં સ્થિત અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ માઇક્રો તથા સ્મોલ એકમોને નીચે મુજબની કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
1. મહિલા ઉદ્યોગ સાહસિક (51 ટકા કે તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમો)
2. યુવા ઉદ્યોગ સાહસિક (35 વર્ષથી નાની વયના ઉદ્યોગકારોના એકમો)
3. અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક
4. અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક
5. જનરલ કેટેગરી એવોર્ડ (જે ઉદ્યોગકારોનો ઉપરોક્ત દર્શાવેલ 1 થી 4 કેટેગરીમાં સમાવેશ થતો નથી તે ઉદ્યોગકારો-એકમો)
નાણાકીય વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા MSME એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ઉદ્યોગ વિભાગ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રના મહત્તમ MSME ઉદ્યોગોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.



