UAE સાથેના FTAથી ભારતની દાગીનાની નિકાસ 50 ટકા વધશે
બેન્કો સોનું આપે તો તેના પર 5થી 6 ડૉલરનું પ્રીમિયમ માગે છે. હવે ગાંધીનગરમાં ચાલુ થયેલા ગિફ્ટ સિટીમાં વિદેશી બેન્કોના બોન્ડેડ વેરાહાઉસ પાસેથી ગોલ્ડ મેળવવાનો રસ્તો ખૂલ્યો છે.
યુએઈમાં FTA હેઠળ દાગીનાની નિકાસ કરવા પર કોઈ અપર લિમિટ મૂકવામાં આવી ન હોવાથી ડ્યૂટી ફ્રી એક્સપોર્ટની સુવિધાનો મહત્તમ લાભ દાગીનાના નિકાસકારોને મળશે.

જેમ્સ એન્ડ જ્વલરીનું વિશ્વનું કોઈ ડેસ્ટિનેશન હોય તો તે ભારત જ છે. તેથી જ દુનિયાના વિકસિત અને વિકસી રહેલા દેશોમાં ભારતમાંથી સોના, ચાંદી અને હીરાના દાગીનાની જંગી નિકાસ થાય છે. આ નિકાસ સતત વધતી રહેવાની છે. સિંગાપોર અને ઇટાલીમાં મશીનની ડિઝાઈનથી સંઘેડા ઉતાર ઘરેણાં તૈયાર કરવામાં આવે છે. તેની સામે ભારતમાં દાગીના બનાવવાની કળા અદભૂત છે. તેમાંય દક્ષિણ ભારત લો કે પછી ઉત્તર ભારત લો, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની દરેકની ડિઝાઈનમાં વિવિધતા છે. પોતપોતાની સંસ્કૃતિની છાંટ તેમાં જોવા મળે છે. આ જ વેરાયટી વિશ્વના દાગીના ખરીદવા ઇચ્છુકનું મન મોહી રહ્યા છે. તેથી જ ભારતને ઘરેણાની નિકાસમાં કોઈ ટક્કર આપી શકે તેમ નથી.તેમાં વળી ભારત સરકારે યુનાઈટેડ આરબ અમિરાત-યુએઈ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા તે પછી ભારતના સોના, ચાંદી અને હીરાના દાગીના બનાવનારાઓને માટે ખરેખર અચ્છેદિન આવી શકે છે. ભારત સરકાર પણ ઇચ્છે છે કે ભારતમાંથી નિકાસ વધે અને ભારતની વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો થાય. ઉદ્યોગ જે દિશામાં આગળ વધી રહ્યો છે તે જોતા નિકાસમાં વધારો થશે એ વાતમાં કોઈ બેમત નથી.
લગનગાળાને કારણે નિકાસ વધીઃ

દાગીનાની નિકાસના ક્ષેત્રમાં અમદાવાદના અગ્રણી લક્ષ્મી જ્વેલર્સના વિપુલ મહેતાનું કહેવું છે, “સોના ચાંદીના અને હીરાના દાગીનાની નિકાસમાં 20થી 30 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ ઘણી જ સારી છે. લગનગાળો હોવાથી વિદેશમાં વસતા એટલે કે બ્રિટન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોની લેવાલી ઘણી જ સારી રહી છે. ઉનાળાની આ સીઝન હવે પૂરી થવામાં છે, શિયાળામાં એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરીના ગાળામાં ફરીથી ડિમાન્ડમાં વધારો જોવા મળશે. અમેરિકા ઉપરાંત યુરોપિયન સંઘના દેશોમાં, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલીમાં પણ ભારતના હીરાના દાગીનાની ડિમાન્ડ ખાસ્સી છે. તેની નિકાસ માટેનો અવકાશ ઘણો જ સારો છે.” હજી કોરોનાના ભયને કારણે પહેલા જેટલું ટ્રાવેલિંગ ચાલુ થયું નથી. ટ્રાવેલિંગ ચાલુ થઈ જતાં દાગીનાની ડિમાન્ડ વધશે અને નિકાસ પણ વધશે. સમાજના એક વર્ગની આવક વધી રહી છે. દર કલાકે એક અબજપતિનો ઉમેરો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં દાગીનાની ડિમાન્ડમાં તો રહેવાની જ છે.
ભારતીય ડાયમન્ડ જ્વેલરીની વિદેશમાં ધૂમ ડિમાન્ડઃ

સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ અને ડાયમંડ જ્વેલરીના અગ્રણી નિકાસકાર દિનેશ નાવડિયાનું કહેવું છે, “ભારતની ડાયમંડ જ્વેલરીનો 70 ટકા હિસ્સો અમેરિકામાં જ જાય છે. ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ વેચાણ થકી 70 ટકા ડાયમંડ જ્વેલરી અમેરિકામા જ જાય છે. યુએઈ કંટ્રીમાં મોટી તક છે. તેને કારણે દુનિયાભરના દેશો સુધી પહોંચવાની તક મળી રહી છે. ભારતમાંથી દાગીનાની આયાત કરવા માટે મોટી ઇમ્પોર્ટ ડ્યૂટી ચૂકવવી પડતી હતી તે દેશના નાગરિકો પણ હવે ભારતીય દાગીના ખરીદી શકશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો કરાર ન કર્યા હોય તેવા દેશો પણ દુબઈના ઓપન માર્કેટમાંથી ભારતના ડાયમંડના દાગીનાઓ સારી કિંમતે ખરીદી શકશે. ભારત સરકાર સીવીડી ડાયમંડ તૈયાર કરવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સહયોગ આપે તો ભારતની નિકાસમાં હજીય ઘણો વધારો થઈ શકે છે.”
સીવીડી ડાયમન્ડમાં પ્રયોગો જરૂરીઃ

સીવીડી ડાયમંડ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ડાયમંડ છે. કુદરત પેટાળમાં જે ગરમી અને ગેસનો સપ્લાય આપીને રફ ડાયમંડ તૈયાર કરે છે તે જ ડાયમંડ લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે. તેમ કરવાથી રફ ડાયમંડની અત્યારે આયાત કરીને તેમાં વેલ્યુ એડિશન કરીને નિકાસ કરવામાં આવે છે તેને બદલે રફ પણ દેશમાં જ તૈયાર થશે. આ રફને પૉલિશ કરીને તેમાંથી ડાયમંડના દાગીના તૈયાર કરીને એક્સપોર્ટ કરવામાં આવશે તો તેને પરિણામે દેશ હૂંડિયામણની વધુ આવક કરી શખશે. એક પ્રકારના સિન્થેટિક ડાયમંડ છે. તેની ક્વોલિટીમાં ઘણો સુધારો આવી ગયો છે. ભૂતળમાં જે પ્રક્રિયા થાય છે તે જ પ્રક્રિયા લેબોરેટરીમાં કરવામાં આવે છે. દિનેશ નાવડિયા કહે છેઃ “સીવીડી હાઈપ્રેશન અને હાઈ ટેમ્પરેચર બે પ્રકારના ડાયમંડ બને છે. આ ડાયમંડ રિએક્ટરમાં બનાવવામાં આવે છે. તે બનાવવા માટે રિએક્ટરમાં 3900થી 4000 સેન્ટિગ્રેડ ગરમી આપવામાં આવે છે. તેના પર હિલિયમ, નાઈટ્રોજન તથા એમોનિયા ગેસનો મારો ચલાવવામાં આવે છે. ભૂતળના જ્વાળામુખી વચ્ચે થતી પ્રક્રિયાને રિએક્ટરમાં કરાવવામાં આવે છે. ચીનની સરકાર તે તૈયાર કરવાના અખતરા કરી રહી છે. ભારત સરકારે પણ તે અખતરા કરવા જોઈએ અથવા તો કરનારાઓને મદદ કરવી જોઈએ.” આ રીતે સીવીડી ડાયમંડ બનાવી લેવામાં આવશે તો ભારતે અબજો ડૉલરના ખર્ચે આયાત કરવા પડતા રફ ડાયમંડની આયાત કરવાની જરૂર રહેશે નહિ. રફ ડાયમંડ પણ પોતાને ત્યાં જ મળી રહેશે. રફથી માંડીને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઈન ભારતમાં જ થશે. તેનાથી હૂંડિયામણની આવક અનેક ગણી વધી જશે, કારણકે આ ડાયમંડના દાગીનાનું બજાર અત્યાર વિશ્વમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારતને ફળશેઃ
અમદાવાદના સોનાના આયાતકાર કાર્તિક પંચાલની વાતમાં પણ તેનો પડઘો પડે છે. તેમનું નું કહેવું છેઃ “સોના ચાંદીના દાગીનાનું માર્કેટ ઘણું ડેવલપ થશે. યુએઈ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ભારતની નિકાસમાં ખાસ્સો વધારો થશે. આ વધારો ધીમે ધીમે થશે. આપણા નિકાસકારો માટે યુએઈને કારણે બહુ જ સારી તક ઊભી થઈ છે. ગલ્ફ સેક્ટરના દેશોમાં જ નિકાસ 25થી 50 ટકા વધી શકે છે. માત્ર યુએઈમાં જ આ વધારો જોવા મળશે. કારણ કે ભારત અને યુએઈ વચ્ચે ફ્રી ટ્રેડ માટે Comprehensive Economic Partnership Agreement (CEPA) સેપા એગ્રીમેન્ટ થયા છે. આ એગ્રીમેન્ટ હેઠળ ભારતીય જ્વેલર્સને માર્કેટ સારું મળશે. હા, તેને માટે યુએઈમાં ઇન્ડિયાના સર્ટિફિકેટ ઓફ ઓરિજિન સાથે જે દાગીનાઓ જશે તેના પર 5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગશે નહિ. તેથી ભારતમાંથી નિકાસ વધશે.”
આમ પણ દુબઈ ગ્લોબલ ટ્રેડનું કેન્દ્ર છે. ભારતીય દાગીનાની ડિઝાઈનમાં બહુ જ વેરાયટી છે. સાઉથ, નોર્થ વેસ્ટ અને ઇસ્ટની ડિઝાઈન પેટર્નમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. દરેકની સંસ્કૃતિની નોખી ઝાંય ભારતીય દાગીનાઓમાં જોવા મળે છે. સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં એટલે કે આ દેશોમાં વસતા ભારતીયો, સાઉદી અરેબિયન્સ, પાકિસ્તાની, નેપાળીઓ, અખાતના અન્ય દેશોના લોકો અને બાંગલાદેશીઓમાં ભારતીય દાગીનાઓ તેની ડિઝાઈનની વિવિધતાને કારણે ઘણાં જ લોકપ્રિય છે. તેમની સાથેસાથે જ વિદેશી બાયર્સમાં પણ તેની લોકપ્રિયતા વધી છે.

કાર્તિક પંચાલનું કહેવું છેઃ “ભારત યુએઈ વચ્ચેના કરારને પરિણામે તેનાથી ટર્નઓવર 50 ટકા જેટલું વધી જવાની સંભાવના છે. ગોલ્ડ અને ડાયમંડ બંનેની જ્વેલરીની નિકાસ વધશે. બીજા શબ્દોમાં કહીએ ભારતમાંથી યુએઈ વધુ જ્વેલરી મંગાવવાનો સ્કોપ વધી ગયો છે. ગુજરાતમા ડાયમંડ જ્વેલરીની એક્સપોર્ટ ઓછી થાય છે. તેથી ગુજરાતમાં ડાયમંડ જ્વેલરીની નિકાસ કરવા માટે મુંબઈ સુધી જવું પડી રહ્યું છે.” આમ ગુજરાતમાંથી પણ ડાયમંડ જ્વેલરીની નિકાસ થઈ શકે તેવી વ્યવસ્થા થવી જરૂરી છે.
ગોલ્ડના સંગ્રહ માટે સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ જરૂરીઃ

અમદાવાદની જ્વેલરીના સેક્ટરની ઝવેરી એન્ડ કંપનીના ડિરેક્ટર કિશોર ઝવેરી કહે છે, “જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વધારવી છે, પરંતુ બેન્કોમાંથી ડ્યૂટી ફ્રી ગોલ્ડ મળતું નથી. એક પછી એક બેન્કોમાં અટવાતા રહો, ત્યારે માંડ માંડ સોનું મળે છે. રાષ્ટ્રીયકૃત બેન્કોના સોનું રાખતી જ નથી. અમદાવાદના એક જ્વેલરી એક્સપોર્ટરને રાષ્ટ્રીયકૃત બેન્કોના ઊંબરા ઘસ્યા પછી છેલ્લે કરુર વૈશ્ય બેન્કમાંથી સોનું મળ્યુ હતું. કાચો માલ જ ન હોય તો ફિનિશ્ડ પ્રોડક્ટ્સ તૈયાર કેવી રીતે કરવા તે એક સમસ્યા બની જાય છે. તેમાંય વળી માત્ર દોઢ બે કિલો ગોલ્ડ લેવા ઇચ્છનારાઓને સોનું મળતું જ નથી. સમગ્રતયા વાત કરીએ તો દરેક એક્સપોર્ટર્સને સોનું મળતું નથી.” બેન્કો સોનું આપે છે તો પાંચથી છ ડૉલરના પ્રીમિયમ માગે છે. આ નિકાસકારોને નડી રહ્યું છે. એમએમટીસી અને એસટીસી બંધ થઈ જતાં આ સમસ્ય વધુ તીવ્ર બની છે. બેન્કો પાસે ગોલ્ડનો સંગ્રહ કરવા માટેની સેન્ટ્રલાઈઝ સિસ્ટમ જ નથી. બેન્કોને જીએસટીથી લઈને બોન્ડેડ વેરહાઉસને લગતી સમસ્યાઓ નડી રહી છે. તેથી તેઓ સોનું રાખીને તેનો વેપાર કરવામાં રસ ધરાવતા જ નથી. કારણ કે તેને માટેની પ્રોસિજર પણ ઘણી લાંબી છે.
આયાત માટે એડવાન્સ લાઈસન્સની પ્રથાને વિદાય આપવી જરૂરીઃ
બીજું, સોનાની ડ્યૂટી ફ્રી આયાત કરવા માટે એડવાન્સ લાઈસન્સ લેવું પડે છે. સંપૂર્ણપણે હેન્ડમેડ જ્વેલરી માટે જ ડ્યૂટી ફ્રી ગોલ્ડની આયાત કરવાની છૂટ મળે છે. આ અંગેનો સરકારનો પરિપત્ર છે. અત્યારે સમય મશીન મેડ જ્વેલરીનો જમાનો આવી ગયો છે. તેથી આ અવરોધ બહુ જ નડી રહ્યો છે. સંપૂર્ણપણે મશીનથી જ્વેલરી બનાવનારાઓને તેનો લાભ મળતો જ નથી. હેન્ડમેડ જ્વેલરી બનાવનારાઓને જ તેનો લાભ મળે છે. હા, કોઈપણ જ્વેલરી મેકર ડ્યૂટી ફ્રી ગોલ્ડની આયાત કરવામાં આવે તો તેના પર 10.75 ટકા વત્તા જીએસટીના 3 ટકા રકમ કસ્ટમ્સ રાખી લે છે.
સરકારે પ્રાઈવેટ નોમિનેટેડ એજન્સીને બંધ કરી દીધા છે. હવે પ્રાઈવેટ નોમિનેટેડ એજન્સીને રાખ્યા જ નથી. હવે નવા સ્થપાઈ રહેલા ગિફ્ટ સિટીમાં વિદેશી બેન્કો અને કંપનીઓ લોકલ મેન્યુફેક્ચરર્સને જ્વેલરી એક્સપોર્ટ માટે સોનું આપવાની વ્યવસ્થા કરી છે. તેમની પાસે સોનાનો મોટો જથ્થો મળી રહે છે. તેથી એક કે બે કિલો સોનું માગનારાઓને પણ સોનું મળી રહે છે. તેમને એક્સપોર્ટ માટે ગોલ્ડ જ્વેલરી બનાવનારાઓને સોનું આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગોલ્ડ જ્વેલરીના નિકાસની તક અંગે વાત કરતાં કિશોર ઝવેરી જણાવે છે, “યુએઈ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ-FTA હેઠળ 5 ટકા ડ્યૂટી માફ કરવામાં આવી છે. આ રીતે દાગીનાની એક્સપોર્ટ કરવામાં કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી. યુએઈ અને અખાતના દેશોમાં સોનાના કે હીરાના દાગીનાની નિકાસમાં બહુ જ મોટો વધારો થઈ જશે. દુબાઈ અને અખાતના દેશોમાં સોનાના દાગીના બનાવવા માટેનો ખર્ચ 20 ટકા જેટલો ઊચો આવે છે. તેનો લાભ ભારતને બહુ જ મળશે. ભારતની નિકાસ વધી જશે.”

નિકાસ વધવાનું આ પણ એક કારણ છેઃ
યુરોપ, અમેરિકા, હોન્ગકોન્ગ, ચીન સહિતના દેશોમાં વસતા ભારતીયો વિદેશથી જ જ્વેલરી ખરીદશે. ભારતમાં આવીને તેમને 11 ટકા કસ્ટમ્સ ડ્યૂટી અને 3 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવો પડે છે. તેઓ દુબઈથી કે યુએઈથી ખરીદી લેશે તો દાગીના તેટલા તેમને સસ્તા પડશે. પરિણામે ભારતની નિકાસમાં મોટો વધારો થઈ જશે. જોકે વિદેશથી લગ્ન સહિતના પ્રસંગો કરવા માટે અમદાવાદ કે ભારત આવીને ભારતમાંથી જ દાગીના ખરીદનારાઓને દાગીને 12થી 15 ટકા સસ્તી પડે છે. તેઓ હવે બહારથી જ સોનાના દાગીના ખરીદી લેશે. તેની સીધી અસર એક્સપોર્ટ ન કરતાં અને માત્ર સ્થાનિક સ્તરે વેપાર કરનારાઓના ધંધા પર અસર આવી શકે છે. તેમના એનઆરઆઈ-NRI કસ્ટમર્સ ઘટી શકે છે. તેમનો ધંધો જળવાઈ રહે તેવું સરકાર ઇચ્છતી હોય તો તેમને ત્યાં સોનાના દાગીનાઓ લઈ જતાં એનઆરઆઈને તેઓ દાગીના લઈને વિદેશ જાય ત્યારે એરપોર્ટ કસ્ટમ્સ પર જીએસટીના ત્રણ ટકા બાદ કરી આપવા જોઈએ. વિદેશમાં પણ આ રીતની સિસ્ટમ ઘણી બધી કોમોડિટી માટે કરવામાં આવેલી છે. વિશ્વ વેપાર સંઘના કરાર હેટળ સ્થાનિક ટેક્સની એક્સપોર્ટ કરી શકાતી નથી. તેથી આ વ્યવસ્થા થવી જરૂરી છે.
“FTA હેઠળ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં એક ટકા રાહત સાથે 120 દર વરસે 120 ટન સોનું આયાત કરવાની છૂટ આપી છે. તેમાં જ્વેલરીના ટર્નઓવર પ્રમાણે અરજદારને પ્રોરેટા પ્રમાણે સોનાની ફાળવણી કરશે. તેમાંથી જ્વેલરી જ બનાવીને વેચી શકાશે. તેનો લાભ લોકલ પ્લેયર્સને મળશે.”