અમેરિકાથી મળતા ટેક્સટાઈલ પ્રોડક્ટ્સના ઓર્ડરમાં ૨૫-૩૦ ટકાનો ઘટાડો
અમેરિકાથી મળતા ટેક્સટાઈલ પ્રોડક્ટ્સના ઓર્ડરમાં ૨૫-૩૦ ટકાનો ઘટાડો
ભારતીય ટેક્સટાઈલ નિકાસકારો સામે પડકાર ઊભો થયો પરંતુ યુરોપ અને બ્રિટનથી ઓર્ડરનો પ્રવાહ ચાલુ થતા મળી મોટી રાહત
અમેરિકામાં નાતાલ અને ન્યુ યરના તહેવારોની શોપિંગ સીઝન માટે ભારતીય ગાર્મેન્ટ નિકાસકારોને મળતા ઓર્ડરમાં ૨૫ થી ૩૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. અમેેરિકામાં ઊંચા ફુગાવા, ભૌગોલિક-રાજકીય અસ્થિરતા અને વધારાના ટેરિફ અંગેની આશંકાઓને કારણે અમેરિકી ખરીદદારોએ ખૂબ જ સાવચેતીપૂર્વક ઓર્ડરમાં કાપ મૂક્યો છે. આ નિર્ણયની સીધી નેગેટિવ અસર ગુજરાત (સુરત, અમદાવાદ) અને મુંબઈ જેવા ભારતના મુખ્ય ટેક્સટાઈલ હબ પર પડી છે. સુરત અને અમદાવાદમાં ડેનિમ, સિંથેટિક ફેબ્રિક અને કોટન પ્રોડક્ટ્સ બનાવતી એમએસએમઈ એકમોને અમેરિકાથી મળતા મોટા ઓર્ડર્સ અટકી જતાં અથવા ફરીથી વાટાઘાટો હેઠળ આવતાં પ્રોડક્શન ક્ષમતામાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે. તેવી જ રીતે મુંબઈ સ્થિત મોટા ગાર્મેન્ટ એક્સપોર્ટ હાઉસીસ જે વૈશ્વિક રિટેલ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા છે, તેમને પણ માર્જિનમાં કાપ મૂકીને કે ભારે ડિસ્કાઉન્ટ આપીને કારખાના ચાલુ રાખવાની નોબત આવી છે.
‘એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (AEPC)ના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬માં ભારતીય રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસ વાર્ષિક ધોરણે ૧૩.૭ ટકા વધીને $૧.૧ અબજ નોંધાઈ હતી. જોકે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ મહિના (એપ્રિલ થી સપ્ટેમ્બર) દરમિયાન કુલ નિકાસ ૬.૨ ટકા ઘટીને $૭.૨ અબજ રહી છે, જે અગાઉના વર્ષે $૭.૭ અબજ હતી. આમ ભારતની અમેરિકા ખાતેની નિકાસ પર બેવડો ફટકો પડ્યો છે.
લોજિસ્ટિક્સ પડકારો: સુએઝ કેનાલને બદલે કેપ ઓફ ગુડ હોપના લાંબા દરિયાઈ માર્ગે વહાણો મોકલવા પડતાં ટ્રાન્ઝિટ ટાઈમ વધ્યો છે અને ભાડાં બમણાં કરતાં વધુ થઈ ગયાં છે. આથી નિકાસકારોએ નવેમ્બર સુધીમાં ડિલિવરી પહોંચાડવા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જ શિપમેન્ટ રવાના કરવાં પડ્યાં છે.
રૂપિયા અને ડોલરનું તફાવત: રૂપિયાના મૂલ્યમાં ફેરફારને કારણે રૂપિયામાં નિકાસ ૬ મહિનામાં ૩.૪ ટકા વધીને રૂ.૬૯,૩૦૦ કરોડ દેખાય છે, પરંતુ ડોલર ટર્મ્સમાં વાસ્તવિક કમાણી ઘટી છે.
યુરોપ અને બ્રિટનના દરવાજા ખૂલતાં મળેલી રાહત
અમેરિકી બજારમાં સુસ્તી વચ્ચે યુકે-બ્રિટન અને યુરોપિયન યુનિયન તરફથી માગમાં સુધારો આવતાં ભારતીય ટેક્સટાઈલના નિકાસકારોને મોટી રાહત મળી છે. બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પ્રક્રિયા અને યુરોપિયન સંઘના દેશો સાથે અનુકૂળ વાટાઘાટોને કારણે યુરોપના ખરીદદારો તરફથી ઓર્ડર્સ વધી રહ્યા છે. તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન અને ‘બેસ્ટ કોર્પોરેશન’ જેવા અગ્રણી નિકાસકારોના જણાવ્યા મુજબ ગયા વર્ષના ટેરિફ આંચકા અને અનિશ્ચિતતાની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિટન અને યુરોપિયન ખરીદદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે, યુરોપિયન રૂટ પર રાતા સમુદ્રની કટોકટી અને મોંઘા લોજિસ્ટિક્સ હજુ પણ પડકારરૂપ છે, પરંતુ યુરોપમાંથી મળતા ઓર્ડર્સે નિકાસકારોને ફેક્ટરીઓ બંધ થવાથી બચાવી લીધા છે.
આગામી મહિનાઓમાં શું થવાની સંભાવના છે
સમગ્ર રીતે જોતાં, યુએસ માર્કેટની સુસ્તી અને મોંઘા ભાડાંએ ભારતીય ગાર્મેન્ટ એક્સપોર્ટ ક્ષેત્રને દબાણમાં રાખ્યું છે. જોકે, તહેવારોની બીજી સીઝન માટે લોજિસ્ટિક્સ સ્થિતિ સુધરવાની અને સુએઝ કેનાલ પર દરિયાઈ વાહનવ્યવહાર ધીમે ધીમે સામાન્ય થવાની આશા છે. યુકે-યુરોપ બજારમાં પકડ મજબૂત બનાવીને અને નિકાસનું વૈવિધ્યકરણ કરીને ભારતીય નિકાસકારો નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ભાગ (H2) માં રિકવરી મેળવવાની આશા પણ ભારતના નિકાસકારો રાખી રહ્યા છે.
