શેરબજારમાં નફામાં ગાબડું: ઊંચા ભાવોની ભૂલ છુપાવવા ટેક્સને કારણે નફો ઘટતો હોવાનું બહાનું કાઢતો રોકાણકારો!
શેરબજારમાં નફામાં ગાબડું: ઊંચા ભાવોની ભૂલ છુપાવવા ટેક્સનું બહાનું!
ઊંચા ભાવે ઇન્વેસ્ટ કર્યા પછી અપેક્ષા મુજબનો નફો ન થતાં ગણિતો ખોટા પડ્યા ત્યારે ટેક્સના ભારણ પર દોષનો ટોપલો નાખ્યો
સપ્ટેમ્બર ૨૦૨૪ માં સેન્સેક્સ ૮૫,૮૩૬.૧૨ પોઈન્ટની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ હતો ત્યારે બજારમાં ચોતરફ મલ્ટીબેગર અને કમ્પાઉન્ડિંગની ચર્ચા હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં (ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં) મુખ્ય સૂચકાંકોમાં ૧૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને વ્યક્તિગત શેરોમાં ૫૦ થી ૬૦ ટકા સુધીનું જંગી ગાબડું પડ્યું છે. બીએસઈ-BSE 500ના દર ૧૦માંથી ૬ શેરોએ નેગેટિવ રિટર્ન આપ્યું છે, જ્યારે ૭૦ ટકા શેરો બેંક એફડી (FD) જેટલું વ્યાજ આપવમાં પણ નિષ્ફળ રહ્યા છે.
હવે જ્યારે બજારમાંથી અપેક્ષિત નફો મળતો બંધ થયો છે, ત્યારે રોકાણકારો, ટ્રેડર્સ અને એડવાઈઝર્સે પોતાનો વાંક છુપાવવા માટે ટેક્સ (STT અને LTCG)નો વાંક કાઢવાનું શરૂ કર્યું છે. તેની સાથે જ આગામી બજેટ પહેલા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અને લોંગ-ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ઘટાડવાની માંગ તીવ્ર બની છે. પરંતુ માર્કેટ નિષ્ણાતોના મતે, આ માત્ર એક બહાનાબાજી છે; ખરી વાસ્તવિકતા એ છે કે રોકાણકારોએ મોંઘા ભાવે શેરો ખરીદવાની ગંભીર ભૂલ કરી હતી.
એડવાઈઝર્સ અને ટ્રેડર્સની રજૂઆત અને વાસ્તવિકતા
માર્કેટ પાર્ટીસિપન્ટ્સ રજૂઆત કરી રહ્યા છે કે વધારાના ટેક્સ અને એફઆઈઆઈ (FII)ની સતત વેચવાલીને કારણે બજાર તૂટી રહ્યું છે. જોકે, આ રજૂઆત પાછળનું સત્ય અલગ છે.
-
FII વેચવાલીનું બહાનું: FIIs એ રૂ. ૫.૭ લાખ કરોડની વેચવાલી કરી તેને ટેક્સ સાથે જોડવામાં આવે છે. પરંતુ ૨૦૨૪માં જુલાઈ મહિનામાં LTCG ટેક્સ ૧૦ ટકાથી વધીને ૧૨.૫ ટકા થયો તે પછી પણ FIIs એ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૪ માં રૂ. ૬૧,૪૭૧ કરોડનું રોકાણ કર્યું જ હતું. વાસ્તવમાં ગ્લોબલ વ્યાજદરમાં ફેરફાર અને અમેરિકાના બોન્ડના રોકાણમાં થતી આવક-યીલ્ડ વધવાથી વિદેશી ભંડોળ પાછું ખેંચાયું છે તે હકીકત છે. જોકે એલટીસીજી કે પછી એસટીટી તરીકે ઓળખાતા ટેક્સના કારણે વળતર ઘટ્યું નથી.
-
મૂલ્યાંકન પ્રત્યે અંધાપો: મૂલ્ય રોકાણના પિતા ગણાતા બેન્જામિન ગ્રેહામે ચેતવણી આપી હતી કે “ગમે તેટલી સારી કંપની હોય, પણ જો તેનો ભાવ ખૂબ ઊંચો ચૂકવવામાં આવે તો તે સટ્ટાખોરી બની જાય છે.” સપ્ટેમ્બર ૨૦૨૪ માં નિફ્ટી ૫૦ નો P/E ૨૪ હતો અને તેના ઘટક શેરોનો સરેરાશ P/E ૪૪ સુધી પહોંચી ગયો હતો.
બ્લ્યુચિપ-સેન્સેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં પડેલું ગાબડું
નીચે દલાલ સ્ટ્રીટની અગ્રણી બ્લ્યુચિપ કંપનીઓના શેરના ભાવોમાં જાન્યુઆરી ૨૦૨૬ અને ૧૫મી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન થયેલા ઘટાડાની વિગતો દર્શાવવામાં આવી છે:
| શેરનું નામ (Company) | જાન્યુઆરી ૨૦૨૬ નો ભાવ (રૂ.) | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ નો ભાવ (રૂ.) | ઘટાડાની ટકાવારી (%) |
| ટ્રેન્ટ (Trent Ltd) | રૂ.૭,૮૫૦ | રૂ.૪,૪૭૪ | -૪૩% |
| એશિયન પેઇન્ટ્સ (Asian Paints) | રૂ.૨,૮૮૦ | રૂ.૨,૦૪૪ | -૨૯% |
| બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ (Britannia) | રૂ.૫,૭૯૦ | રૂ.૪,૪૦૦ | -૨૪% |
| ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer) | રૂ.૧,૧૫૦ | રૂ.૯૩૧ | -૧૯% |
| નેસ્લે ઇન્ડિયા (Nestle India) | રૂ.૨,૪૫૦ | રૂ.૨,૨૫૪ | -૮% |
(નોંધ: સપ્ટેમ્બર ૨૦૨૪ માં આ કંપનીઓનો P/E રેશિયો ૬૨ થી ૨૨૧ સુધીનો અત્યંત મોંઘો હતો, જેના કારણે ગ્રોથ ધીમો પડતાં ભાવોમાં કડાકો બોલ્યો છે.)
ગ્રાહકોની ગણતરીમાં ફેર પડવાના અન્ય મુખ્ય કારણો
ટેક્સ ઉપરાંત રોકાણકારોની ગણતરી ઊંધી પડવા પાછળ નીચે મુજબના પરિબળો જવાબદાર છે. એક, કંપનીઓની કમાણી તેમની વિનિયોગ કરેલી કિંમત જેટલી ઝડપથી વધી શકી નથી. બે, TCS, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી મેચ્યોર કંપનીઓને ૨૫ થી ૩૩ ના ગ્રોથ P/E મલ્ટિપલ અપાયા હતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને ધીમા વિકાસને કારણે આ શેરોમાં ૩૨ થી ૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ, વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણાં કાઢીને અન્ય સસ્તા નિકાસલક્ષી બજારો તરફ વળ્યા તેથી પણ શેર્સના રોકાણ પર મળતું વળતર ઓછું થયું છે. ચાર, રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ-સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના માધ્યમથી ઊંચા ભાવે સબસ્ક્રાઇબ કરતા રહ્યા છે. તેની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઊંચા ભાવે માલ વેચીને બહાર નીકળી ગયા છે.
STT અને LTCG ટેક્સ નફામાં કેટલું ગાબડું પાડે છે?
હાલમાં લિસ્ટેડ શેરો પર ૦.૧ ટકા STT (ખરીદ-વેચાણ પર) અને ૧૨.૫ ટકા LTCG (રૂ. ૧.૨૫ લાખથી વધુના નફા પર) લાગે છે. એક રોકાણકારે રૂ. 10 લાખનું રોકાણ કરીને મધ્યમ ગાળામાં રૂ. 4 લાખનો નફો મેળવ્યો છે.
-
રોકાણ: ₹૧૦,૦૦૦,૦૦૦ | વેચાણ કિંમત: ₹૧૪,૦૦૦,૦૦૦ | કુલ નફો: ₹૪,૦૦૦,૦૦૦
-
STT (૦.૧% લેખે): ખરીદી અને વેચાણ પર કુલ મળીને આશરે રૂ. ૨,૪૦૦
-
LTCG ટેક્સ: (રૂ. ૪,૦૦૦,૦૦૦ – રૂ. ૧,૨૫,૦૦૦ કરમુક્ત) = રૂ.૨,૭૫,૦૦૦ ના ૧૨.૫ ટકા = રૂ. ૩૪,૩૭૫
-
ટેક્સનું ગાબડું: કુલ નફામાંથી રૂ. ૩૬,૭૭૫ (આશરે ૯.૨ ટકા) ટેક્સમાં જાય છે.
બીજું ઉદાહરણ જોઈએ. મોટા રોકાણકારે રૂ. ૫૦ લાખના રોકાણ પર રૂ. ૫૦ લાખનો મલ્ટીબેગર નફો કર્યો છે.
-
રોકાણ: રૂ.૫૦,૦૦૦,૦૦૦ | વેચાણ કિંમત: રૂ.૧,૦૦,૦૦,૦૦૦ | કુલ નફો: રૂ.૫૦,૦૦૦,૦૦૦
-
STT (૦.૧ ટકા લેખે): ખરીદ-વેચાણ પર કુલ રૂ.૧૫,૦૦૦
-
LTCG ટેક્સ: (રૂ.૫૦,૦૦૦,૦૦૦ – રૂ.૧,૨૫,૦૦૦) = રૂ.૪૮,૭૫,૦૦૦ ના ૧૨.૫ ટકા = રૂ.૬,૦૯,૩૭૫
-
ટેક્સનું ગાબડું: કુલ નફામાંથી રૂ.૬,૨૪,૩૭૫ (આશરે ૧૨.૫%) ટેક્સમાં જતો રહે છે.
ત્રીજું ઉદાહરણ જોઈએ. નાના રોકાણકારે રૂ.૨ લાખના ટૂંકા ગાળાના રોકાણ પર ફક્ત રૂ. ૨૦,૦૦૦ નો નાનો નફો કર્યો છે.
-
રોકાણ: રૂ.૨,૦૦,૦૦૦ | વેચાણ કિંમત: રૂ.૨,૨૦,૦૦૦ | કુલ નફો: રૂ.૨૦,૦૦૦
-
STT: આશરે રૂ.૪૨૦
-
LTCG ટેક્સ: જો નફો રૂ.૧.૨૫ લાખની વાર્ષિક મર્યાદાની અંદર હોય તો LTCG = રૂ.૦ લાગે છે. પરંતુ જો STCG ગણાય તો ૨૦ ટકા લેખે ૪,૦૦૦ એલટીસીજી ચૂકવવો પડે છે.
-
રૂ.ટેક્સનું ગાબડું: જો LTCG મર્યાદામાં હોય તો ટેક્સની અસર નહિવત (૨.૧ ટકા જ રહે છે.
ઉપરના ત્રણેય ઉદાહરણોમાં જોઈ શકાય છે, ટેક્સ નફામાંથી ૯ થી ૧૨ ટકા જેટલો હિસ્સો લે છે, પરંતુ શેરોના ભાવમાં જે ૪૦ થી ૫૦ ટકાનો કડાકો બોલ્યો છે તેની પાછળ ટેક્સ નહીં પણ મોંઘા ભાવે ખરીદી કરવાની રોકાણકારોની ભૂલ જ નુકસાની માટે જવાબદાર છે.

