અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 15 ટકા મર્યાદામાં જ પ્રવેશ આપવાનો મૂક્યો પ્રસ્તાવ
અમેરિકા ઉચ્ચ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં અમેરિકાના રિસર્ચના પ્રોગ્રામો અને યુનિવર્સિટીઓના બજેટ પર પણ અવળી અસર પડવા માંડી
અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશને સીમિત કરતાં તેમના થકી થતી આવક ઘટશે તેથી અંદાજે 700 કરોડ ડૉલરનો ખર્ચ ઘટાડવો પડશે અને 60,000 લોકોની નોકરી પણ અસર પડશે
અમદાવાદઃ અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકા ગમન પરનો ગાળીયો વધુ ચુસ્ત કરવાનો પ્રસ્તાવ અમેરિકી પ્રમુખે મૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નવા પ્રસ્તાવ મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પ્રવેશને મહત્તમ 15 ટકા સુધી સીમિત કરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે.જોકે આ પ્રસ્તાવ હવે પછી લાગુ કરવામાં આવશે.
અમેરિકાની સરકારે વિઝા આપવામાં વિલંબની નીતિ અપનાવવાની સાથે સાથે જ પ્રતિબંધ મૂકતી કેટલીક નીતિઓ અપનાવીને પરદેશથી અમેરિકા આવતા અસંખ્ય વિદેશી ઉમેદવારોના અમેરિકા જવા પર બ્રેક લગાવી દીધી છે. પરિણામે એશિયાના દેશો અને આફ્રિકાના દેશોના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. આ દેશોમાંથી અમેરિકા ઉચ્ચ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં અમેરિકાના રિસર્ચના પ્રોગ્રામો અને યુનિવર્સિટીઓના બજેટ પર પણ અવળી અસર પડવા માંડી છે. આ રહ્યું તેનું ઉદાહરણ. અમેરિકાની જ DePaul University, ઓછા આવકને કારણે ખર્ચ ઘટાડવાની કોશિશ ચાલુ કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મૂકેલો પ્રસ્તાવ નીચે મુજબ છે. ટ્રમ્પે ઉચ્ચ શિક્ષણ માટે -A Compact for Academic Excellence in Higher Education- નામનો મેમો બહાર પાડ્યો છે. તેમાં ઉચ્ચત્તમ યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે. આ સૂચના મુજબ અંડરગ્રેજ્યુએટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો માત્ર 15 ટકાની મર્યાદામાં જ પ્રવેશ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ અભ્યાસ ક્રમ માટેની કુલ બેઠકોમાંથી માત્ર પાંચ ટકા વિદ્યાર્થીએ જ એક દેશમાંથી લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિઝા કન્સલ્ટન્ટ પંકજ પટેલનું કહેવું છે કે, “પંદર ટકાની મર્યાદામાં પણ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર નવ ટકા જ રાખવાની રહેશે. આમ સો વિદ્યાર્થી અરજી કરે તો તેમાંથી માત્ર 15ને જ પ્રવેશ આપવા માટે વિચાર કરવામાં આવશે. તેમાંથી માત્ર નવ ટકા ભારતીયોનો પ્રવેશ આપવામાં આવશે. આમ સોમાંથી માંડ દોઢથી બે જ ભારતીય વિદ્યાર્થીઓ પ્રવેશ મળી શકશે. સંભવતઃ 100 અરજીઓમાંથી એક ભારતીયને અમેરિકા ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવાનો માંડ ચાન્સ મળી શકશે. આમેય ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનું વલણ ઘટવાનો આરંભ થઈ ચૂક્યો છે.” અલબત્ત વિશ્વભરના નિષ્ણાતો માને છે કે એડમિશન માત્ર ને માત્ર મેરિટને આધારે થવું જોઈએ. રાષ્ટ્રીયતાને આધારે નહિ
આ અગાઉ પણ અમેરિકા અભ્યાસ કરવા માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓનો પ્રવેશ ઘટવાની શરૂઆત થઈ ગઈ હતી. International Trade Administration-ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે ઑગસ્ટ 2025માં 3,13,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓની સંખ્યામાં 2024ની સરખામણીમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજીતરફ બાર મહિના દરમિયાન કુલ પ્રવેશમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમાંથી એશિયાના દેશોમાંથી અમેરિકા અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધારે 24 ટકાનો, ભારતમાંતી જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 45 ટકાનો અન ચીનમાંથી જતાં વિરદ્યાર્થીઓની સંખ્યામાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકાની જ યુનિવર્સિટીઓનાં રેકોર્ડ તપાસતા આ હકીકત બહાર આવી રહી છે. યુનિવર્સિટી ઓફ ઇલિયોનોઈસ અર્બાના કેમ્પેઈન-University of Illinois Urbana-Champaignમાં 13,268 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. તેમ જ Buffalo-યુનિવર્સિટીમાં 4,087 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ બંને યુનિવર્સિટીઓએ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે, પરંતુ ગ્રેજ્યુએટ સ્તરના પ્રવેશમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે. ઇલિયોનોઈસ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યામાં 22 ટકા અને બફેલો યુનિવર્સિટીમાં વિદેશી વિદ્ય્રાથીઓના પ્રવેશની સંખ્યામાં 58 ટકાનો ઘટાડો થયો છે. બજી યુનિવર્સિટી ગ્રેડ ઇન્ગ્રેસો-grad ingressoમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 62 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે યુનિવર્સિટીઓની આર્થિક હાલત બગડી રહી છે. તેમાંથી DePaul યુનિવર્સિટીએ તાત્કાલિક પગલાં લેવા માંડ્યા છે. તેણે નવા સ્ટાફની ભરતી અટકાવી છે. મેનેજમેન્ટના ખર્ચમાં કાપ મૂકવા માંડ્યો છે.
પંકજ પટેલનું માનવું છે કે “આંતરરાષ્ટ્રીય પ્રવેશ માટેના નવા પ્રસ્તાવ ને કારણે 30-40 ટકાની ઘટ આવી જવાની શક્યતા છે.” તેની અસર હેઠળ યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ થકી થતી આવક ઘટશે તેથી અંદાજે 700 કરોડ ડૉલરનો ખર્ચ ઘટાડવો પડશે અને 60,000 લોકોની નોકરી પણ અસર પડશે.