• 16 January, 2026 - 12:09 AM

રશિયા પાસેથી ભારત ક્રૂડની ખરીદી ઘટાડી બંધ કરી તે માટે ભારત સામે ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ વૉર

N 

 

‘હજીય ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ’, મોદી ‘જાણતા હતા કે હું ખુશ નહોતો’ ડોનાલ્ડ ટ્રમ્પ

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને મુદ્દે ટ્રમ્પની ભારતને ચેતવણી, ટ્રમ્પ બધાં જ દેશો પર દાદાગીરી કરવાની માનસિકતામાંથી બહાર નહિ આવે તો ફેંકાઈ જશે, અમેરિકાને પણ નુકસાન થશે

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં ભારતના રશિયન તેલ ખરીદીમાં થયેલા ઘટાડાને અમેરિકાના વેપાર દબાણ સાથે જોડતા કહ્યું છે કે જો ભારત અમેરિકાની ચિંતાઓનું સમાધાન નહીં કરે તો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર “હજીય ખૂબ જ ઝડપથી” ટેરિફ (આયાત શુલ્ક) વધારી શકીએ છીએ.

ચોથી જાન્યુઆરીએ ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી પરત ફરતી વખતે એર ફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધો અંગે તેમની નારાજગીથી અવગત હતા અને તે મુજબ નીતિમાં ફેરફાર કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક બહુ સારા સારા વ્યક્તિ છે. તેમને ખબર હતી કે હું ખુશ નહોતો અને મને ખુશ રાખવું મહત્વપૂર્ણ હતું. તેઓ અમારો સાથે વેપાર કરે છે અને અમે તેમના પર બહુ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ. તે તેમના માટે બહુ ખરાબ સાબિત થઈ શકે છે.”

ટ્રમ્પના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમ દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં રશિયન તેલ ખરીદી રહ્યા છે. આ દેશો પર વોશિંગ્ટન ફરી દબાણ વધારી રહ્યું છે. 2022માં યુદ્ધ શરૂ થયા બાદ ભારત ડિસ્કાઉન્ટ ભાવે મળતા રશિયના સમુદ્રમાંથી મેળવવામાં આવતા ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ખરીદદાર બન્યું છે. તેથી અમેરિકા અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. તેથી જ ભારત અને તેના સાથી દેશોએ ટીકા કરી હતી. તેમનું માનવું છે કે તેલમાંથી મળતી આવક રશિયાના યુદ્ધ પ્રયાસોને મજબૂત બનાવે છે. આમ વાસ્તવમાં અમેરિકા રશિયાની પાંખો કાપવા માગે છે. તેને માટે ભારત પર દબાણ વધારી રહ્યું છે.

અમેરિકાએ અગાઉ ભારતીય માલ પર ભારે ટેરિફ લાદવાનું પગલું લીધું જ છે. ગયા વર્ષે કુલ ટેરિફ 50 ટકા સુધી વધારવામાં આવ્યા હતા. તેમાંથી 25 ટકા સીધા ભારત દ્વારા રશિયન તેલ ખરીદી સાથે જોડાયેલા હોવાનું જણાવાયું હતું. અમેરિકા કહે છે કે આ પગલાં ભારત સાથેના વેપાર ખાધને ઘટાડવા અને વેપાર સંબંધોને નવી દિશા આપવા માટે લેવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અમેરિકન કૃષિ ઉત્પાદનો માટે બજાર પ્રવેશ જેવા મુદ્દાઓ પર મતભેદને કારણે વાતચીતમાં વારંવાર અડચણ આવી છે.

ટ્રમ્પ સાથે પ્રવાસ કરી રહેલા અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહમે જણાવ્યું હતું કે ટેરિફ દબાણના કારણે ભારતને રશિયન તેલની ખરીદી પર પુનર્વિચાર કરવો પડ્યો છે. તેમના કહેવા મુજબ હાલની ટેરિફ વ્યવસ્થાએ જ ભારતને રશિયન ક્રૂડની આયાત ઘટાડવા માટે મજબૂર કર્યું છે અને વેપારના માધ્યમથી દંડ કરવાનું વલણ જ વિદેશ નીતિનું અસરકારક સાધન સાબિત થઈ શકે છે. મને ખરેખર લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અંગે જે પગલાં લીધાં છે તેને પરિણામે જ હવે ભારત નોંધપાત્ર રીતે ઓછું રશિયન ક્રૂડ તેલ ખરીદી રહ્યું છે. તેમણે ભારતના રાજદૂતના નિવાસસ્થાને થયેલી તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાં મુખ્ય ચર્ચા ટેરિફમાં રાહત મેળવવા અંગે હતી.

ગ્રેહમ 2025ના Sanctioning Russia Actના સહ-પ્રાયોજકોમાંના એક છે. આ પ્રસ્તાવિત કાયદો રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરવાની દિશામાં આગળ ન વધે તો રશિયન તેલ અને ગેસ ખરીદતા દેશો પર 500 ટકા સુધીના સેકન્ડરી ટેરિફ લાદવાની સત્તા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને  આપશે. આ બિલને હાલ અમેરિકી સેનેટમાં 85 Co-promoters એટલે કે સહ-પ્રાયોજકોનો ટેકો છે. “જો આ સંઘર્ષનો અંત લાવવો હોય તો રશિયાના પ્રમુખ પુટિનના ગ્રાહકો પર દબાણ લાવવું જરૂરી છે. આ કાયદો રાષ્ટ્રપતિને ટેરિફનું સ્તર નક્કી કરવાની સંપૂર્ણ છૂટ આપશે.”

અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા લાગુ કરાયેલા કડક પ્રતિબંધોની અસર હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. બજાર ડેટા અનુસાર, ડિસેમ્બરમાં ભારતની રશિયન ક્રૂડ આયાત ઘટીને લગભગ 1.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ પર આવી ગઈ હતી, જે જૂનમાં નોંધાયેલી મહત્તમ આયાતની સરખામણીમાં લગભગ 40 ટકા ઓછી છે અને ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.

છતાં પણ ભારત સતત પોતાની ઊર્જા નીતિનું સમર્થન કરતું આવ્યું છે. ભારતનું કહેવું છે કે સસ્તા રશિયન પુરવઠા તેની ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે અને તેની ખરીદી આંતરરાષ્ટ્રીય નિયમોને અનુરૂપ છે. નવી દિલ્હી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એકતરફી દબાણનો વિરોધ પણ કરે છે. વેપાર તણાવ યથાવત હોવા છતાં, બંને દેશોએ રાજદ્વારી સંવાદ ચાલુ રાખ્યો છે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે સંપર્ક ચાલુ છે અને ગયા વર્ષે અટકેલી વ્યાપક વેપાર કરારની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. તેમ છતાં રશિયન ક્રૂડ ઓઈલની આયાતનો મુદ્દો હજી પણ મુખ્ય અવરોધ બની રહ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે વેપાર દબાણ અમેરિકાના હાથમાં છે અને જો દેશો પોતાનો અભિગમ બદલે તો ટેરિફ ઝડપથી વધારી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે “અમે તેમના-ભારત પર બહુ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ,” ટ્રમ્પે પુનરાવર્તન કરતાં જણાવ્યું, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમની સરકાર વૈશ્વિક ઊર્જા અને ભૂ-રાજકીય ગોઠવણી બદલવા માટે પ્રતિબંધો સાથે વેપાર પગલાંનો ઉપયોગ કરતી રહેશે. આ નિવેદનો સૂચવે છે કે ભારત-રશિયા ઊર્જા સંબંધો અને ભારત-અમેરિકા વેપાર સંબંધો નજીકથી જોડાયેલા રહેશે અને ટેરિફ વોશિંગ્ટનની દબાણ નીતિનું મુખ્ય સાધન રહેશે.

 

Read Previous

બાળકોના ભાવિને સલામત બનાવવા કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો?

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular