12,668 કરોડની બાકી લેણી રકમ સાથે વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને દેવાળિયા જાહેર કર્યા

રૂ.12,668 કરોડની બાકી લેણી રકમ: NCLT મુંબઈએ વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને નાદાર જાહેર કર્યા
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચ દ્વારા ભારતીય કોર્પોરેટ ક્ષેત્રના એક સમયના અગ્રણી ઉદ્યોગપતિ અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમોટર વેણુગોપાલ નંદલાલ ધૂતને નાદાર-દેવાળિયા જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ₹12,668 કરોડની બાકી લેણી રકમ અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ગ્રાહ્ય રાખતાં ટ્રિબ્યુનલે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
આ ચુકાદો ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ-આઈબીસી, 2016ની કલમ 126 હેઠળ ન્યાયિક સભ્ય વિનય ગોયલ અને ટેકનિકલ સભ્ય ચરણજીત સિંહ ગુલાટીની બેંચ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ નોંધ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ અરજી કાયદાની કલમ 123 હેઠળ દર્શાવેલી તમામ વૈધાનિક આવશ્યકતાઓને પરિપૂર્ણ કરે છે, જેના કારણે અરજી દાખલ કરવી યોગ્ય અને ન્યાયસંગત છે.
આ કાર્યવાહી વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ અને વીડિયોકોન ટેલિકોમ્યુનિકેશન્સ લિમિટેડ સંબંધિત ધિરાણ સુવિધાઓ માટે વેણુગોપાલ ધૂતે વ્યક્તિગત જામીનદાર-પર્સનલ ગેરેન્ટર તરીકે આપેલી વ્યક્તિગત ગેરંટીઓમાંથી ઉદ્ભવી હતી. સ્ટેટ બેન્ક અને તેની સહયોગી બેંકો દ્વારા આપેલા ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ ધિરાણમાં ડિફોલ્ટ થતાં, ફેબ્રુઆરી 2018માં લેણદારો દ્વારા આ ગેરંટી લાગુ કરવામાં આવી હતી.
જૂન 2018માં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસમાં દાખલ કરાઈ હતી, જે બાદમાં વીડિયોકોન જૂથની અન્ય 12 કંપનીઓ સાથે જોડી દેવાઈ હતી. ચાલુ વર્ષે 8 એપ્રિલે NCLT દ્વારા ધૂત સામે પર્સનલ ઇન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ધૂતે સિલિગુડીમાં પ્રસ્તાવિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ દ્વારા 36 મહિનામાં રૂ. 600 કરોડ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ, આ યોજના ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ-આઈબીસીના નિયમો મુજબ રેઝોલ્યુશન પ્રોફેશનલની સલાહ વગર તૈયાર કરાઈ હોવાનું અને ભવિષ્યની બિનઅધિકૃત મંજૂરીઓ પર નિર્ભર હોવાનું જણાતાં લેણદારોએ તેને ફગાવી દીધી હતી. પરિણામે, 17 જુલાઈના રોજ NCLTએ આ પ્લાન રદ કરી ધૂત સામે બેંકરપ્સી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી હતી.
નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે આશિષ નારાયણને નાદારી ટ્રસ્ટી-બેન્કરપ્સી ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ધૂતની તમામ મિલકતો તેમને તુરંત સોંપવા આદેશ કર્યો છે, જેથી લેણદારો વચ્ચે વહીવટ અને ભંડોળની વહેંચણી થઈ શકશે. 30 સપ્ટેમ્બર સુધીના વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ. 12,668.06 કરોડની જવાબદારી હેઠળ ટ્રિબ્યુનલે ધૂતને 7 દિવસમાં પોતાની નાણાકીય સ્થિતિ ટ્રસ્ટીને સબમિટ કરવા અને ટ્રસ્ટીને 90 દિવસમાં પ્રારંભિક અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
ભારતના ઉદ્યોગ જગતમાં પર્સનલ ગેરંટી અને નાદારીના ભૂતકાળના ઉદાહરણો
1. વિજય માલ્યા – કિંગફિશર એરલાઇન્સ (બ્રિટનની કોર્ટ ચુકાદો: જુલાઈ 2021)
કિંગફિશર એરલાઇન્સ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સામે આશરે રૂ. 9,000 કરોડની કોર્પોરેટ લોન પેટે આપેલી વ્યક્તિગત ગેરંટી સંબંધિત કેસમાં લંડનની હાઇકોર્ટે જુલાઈ 2021માં વિજય માલ્યા સામે નાદારીનો ઓર્ડર આપ્યો હતો. આ ચુકાદાથી બેંકોને માલ્યાની વૈશ્વિક અસ્કયામતો જપ્ત કરવાનો માર્ગ મોકળો થયો હતો.
2. અનિલ અંબાણી – રિલાયન્સ કમ્યુનિકેશન્સ (NCLT મુંબઈ: જૂન 2026)
રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom) અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ દ્વારા SBI પાસેથી લેવાયેલી રૂ.1,200 કરોડની લોન માટે ધિરાણ આપતી વખતે અનિલ અંબાણીએ પર્સનલ ગેરંટી આપી હતી. જૂન 2026માં NCLT મુંબઈ બેંચે IBC ની કલમ 95 હેઠળ અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારી સંશોધન પ્રક્રિયા (Personal Insolvency Resolution Process) શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
