ગુજરાતમાં ખાણીપીણીના સ્ટોલ પણ GSTના દાયરામાં આવશે? મોટા ભાગના ખાણીપીણીના સ્ટોલવાળાઓ GST ભરતા નથી
જીએસટી વિભાગ દ્વારા સુરત સહિત અમદાવાદમાં ખાણીપીણીના વેપારીઓને ત્યાં જીએસટીની તપાસ શરૂ કરી હતી. સુરતમાંથી જ 50 લાખની જીએસટી ચોરી મળી આવી હતી. તેના કારણે હવે જીએસટી વિભાગ દ્વારા ખાણીપીણીના વેપારમાં તગડી કમાણી કરવા છતાં જીએસટી ભરપાઈ કરતા નહીં હોય તેવા વેપારીઓને જીએસટીના દાયરામાં લાવવા માટે કવાયત હાથ ધરી છે. તે અંતર્ગત ખાણીપીણીના વેપારીઓને ત્યાં જીએસટી ચોરી પકડી પાડવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા.
સ્ટેટ જીએસટી વિભાગે થોડા દિવસો પહેલા ખાણીપીણીના વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. આ દરોડા પાડવાનો મુખ્ય હેતુ એવો હતો કે આગામી દિવસોમાં અન્ય ખાણીપીણીના વેપારીઓ પર પણ તવાઈ આવી શકે છે. તે પહેલા તેઓ દ્વારા સામે ચાલીને જીએસટી નંબર લઇને નિયમ પ્રમાણે જીએસટી ભરવા માટે આગળ આવે
બીજુ કારણ એવું પણ છે કે મોટાભાગના ખાણીપીણીના વેપારીઓ કમાણી મસમોટી કરતા હોવા છતાં જીએસટી નંબર લેતા નથી. તેના કારણે સરકારને જીએસટીની આવક ગુમાવવી પડે છે. જોકે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો જીએસટી નંબર લઈને કંપોઝિશન સ્કીમનો લાભ લે છે. જયારે ફાસ્ટ ફૂડના નામે વેપાર કરતા 90 ટકા ખાણીપીણીના વેપારીઓએ તો હજુ સુધી જીએસટી નંબર જ લીધો નથી. જોકે તે પૈકી અનેક વેપારીઓની તો રોજની કમાણી ઓછામાં ઓછી પાંચ હજારની હોય છે. જ્યારે તહેવારો અને રજાના દિવસોમાં તે કમાણી 10 હજાર અને તેના કરતાં પણ વધી જતી હોય છે. તેમ છતાં તેઓ દ્વારા જીએસટી નંબર લેવામાં આવતો નહીં હોવાના લીધે હવે જીએસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં ખાણીપીણીનો વેપાર કરતા હોવા છતાં જીએસટી નંબર લીધો નહી હોય તેઓ સામે કડક પગલાં ભરે તેવી શક્યતાઓ ઊભી થઇ છે.
સરકારને સીધી પાંચ ટકા લેખે થતી જીએસટીની આવક
ખાણીપીણીના વેપાર સાથે સંકળાયેલાઓ મોટાભાગના વેપારીઓ કંપોઝિશન સ્કીમનો લાભ લેતા હોય છે. તેઓ દ્વારા પોતાના ટર્નઓવરના પાંચ ટકા લેખે જીએસટી ભરપાઇ કરી દેતા હોય છે. જ્યારે એક પણ રૂપિયાની ક્રેડિટ પરત લેતા હોતા નથી. જોકે તેમાં પણ વેપારીનું ટર્નઓવર વધુમાં વધુ 1.50 કરોડ હોય તેવા વેપારીઓએ જ તેનો લાભલઇ શકતા હોય છે. જેથી ખાણીપીણીનો વેપાર કરનારા મોટાભાગના 1.50 કરોડથી ઓછું જ ટર્નઓવર હોય છે. આ ઉપરાંત કંપોઝિશન સ્કીમનો લાભ લેવામાં આવે તો સરકારને સીધી પાંચ ટકા લેખે જીએસટીની આવક થઇ શકે તેમ છે. આ કારણોસર સરકારની આવકમાં પણ ખાસ્સો એવો વધારો થતો હોય છે. તેમજ મોટા શહેરોમાંથી જ ખાણીપીણીના વેપાર થતી દર વર્ષે લાખ્ખો રૂપિયાની આવક ગુમાવવી નહીં પડે તે માટે હવે ખાણીપીણીના વેપારીઓ પણ જીએસટીના દાયરામાં લાવવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.