અમૂલ ફરી એકવાર ભારતની નંબર વન ફૂડ બ્રાન્ડ બની
ભારતની ટોચની 5 ફૂડ બ્રાન્ડ્સમાં અમૂલ, મધર ડેરી, બ્રિટાનિયા, નંદિની અને ડાબરનો સમાવેશ

અમૂલ ફરી એકવાર ભારતની નંબર વન ફૂડ બ્રાન્ડ બની છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ) એ બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 – 2025 રિપોર્ટ અનુસાર ફરીથી ભારતની નંબર 1 ફૂડ બ્રાન્ડનો ખિતાબ જાળવી રાખ્યો છે. 2024-25માં અમૂલની બ્રાન્ડ વેલ્યુમાં 24% નો તગડો વધારો જોવા મળ્યો છે. અમૂલની બ્રાન્ડ વેલ્યુ વધીને 4.1 અબજ અમેરિકી ડૉલરને એટલે કે અંદાજે રૂ. 34,000 કરોડને વળોટી ગઈ છે. આ સાથે અમૂલે ભારતના ફૂડ અને ડેરી ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
ભારતની ટોચની 5 ફૂડ બ્રાન્ડ્સમાં અમૂલ, મધર ડેરી, બ્રિટાનિયા, નંદિની અને ડાબરનો સમાવેશ થાય છે. આ પાંચ કંપનીઓમાં અમૂલ સૌથી મોખરે છે. અમૂલની આ સફળતાના કારણમાં ઊંડા ઉતરીએ તો અમૂલનો મજબૂત અને સતત વધી રહેલો પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો છે. તેમાંય ખાસ કરીને અમૂલના પ્રોટીન આધારિત અને હેલ્થ-કેન્દ્રિત ઉત્પાદનોની સતત વધી રહેલી સંખ્યાને કારણે ભારતીય બજારમાં અમૂલના પ્રોડક્ટ્સની ડિમાન્ડ સતત વધી રહી છે. અમૂલનું મેનેજમેન્ટ નવા પ્રોડક્ટ્સ સ્પર્ધાત્મક ભાવથી બજારમાં મૂકતી હોવાથી તેના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. તેના ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. તેથી અમૂલના વેચાણ અને આવકમાં તગડો વધારો જોવા મળી રહ્યો છે.
સૌથી મજબૂત ભારતીય બ્રાન્ડ તરીકે પણ અમૂલ જાણીતી છે. બ્રાન્ડ સ્ટ્રેન્ગ્થ ઇન્ડેક્સમાં જણાવ્યા મુજબ અમૂલનો સ્કોર 100માંથી 91.2નો છે. અમૂલની બ્રાન્ડને AAA+ રેટિંગ અપાયું છે. આ બાબત અમૂલની બ્રાન્ડમાંના ગ્રાહકોના ભરોસા અને પસંદગીને પ્રતિબિંબિત કરે છે. અમૂલના પ્રોડક્ટ્સનો નોર્થ અમેરિકન માર્કેટમાં પ્રવેશ એ એક વ્યૂહાત્મક અને લાંબા ગાળાનો મહત્વપૂર્ણ નિર્ણય છે. તેમાં મોટા પડકારો આવશે પરંતુ તેના માધ્યમથી વૈશ્વિક સ્તરે અમૂલના પ્રોડક્ટ્સનું માર્કેટ વધવાનો નિર્દેશ મળી રહ્યો છે.

અમૂલની પ્રસ્તુત સિદ્ધિ અંગે વાત કરતાં શ્રી જયેન મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, GCMMF (અમૂલ) એ જણાવ્યું હતું કે, “2025 માં અમૂલને ભારતની મજબૂતમાં મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે ઓળખવાનો સન્માન મળવો એ ગૌરવની વાત છે. 2024 ના બ્રાન્ડ ફાઈનાન્સ રિપોર્ટમાં અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ અને ડેરી બ્રાન્ડ તરીકે પણ માન્યતા અપાઈ હતી. આ શ્રેષ્ઠતા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ સાથે જોડાઈ ગઈ છે, તે અમારી સંસ્થાની સહકારી પદ્ધતિની શક્તિ અને સ્થિરતા દર્શાવે છે. આ બધા યશના ભાગીદાર ગુજરાત અને ભારતના લાખો દૂધ ઉત્પાદકો છે. આ દૂધ ઉત્પાદકોએ હંમેશા ગુણવત્તાસભર અને વાજબી ભાવથી ડેરી ઉત્પાદનો ગ્રાહકો સુધી પહોંચાડવામાં સંસ્થાને મદદ કરી છે. અમૂલ ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો વ્યાપ વિસ્તારતો રહેશે અને આ સિદ્ધિ અમારા માટે ઉંચા ધોરણ જાળવવાની જવાબદારી વધારશે.”