આઈઓએલ કેમિકલ્સમાં મોટો ઊછાળો આવવાની દેખાઈ રહેલી સંભાવના

આઈઓએલ કેમિકલ્સ 1986ની સાલમાં સ્થપાયેલી કંપની છે. તેની મેન્યુફેક્ચરિંગ કેપેસિટીની મદદથી જંગી ઉત્પાદન કરવા સક્ષમ છે. મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાને કારણે પ્રોડક્શન કોસ્ટની બાબતમાં વધારાનો એડવાન્ટેજ મેળવી શકે તેમ છે. સ્પેશિયાલિટી કેમિકલ એ આ કંપનીનું એક મોટું જમા પાસું છે. તેથી કંપનીને જુદાં જુદાં ક્ષેત્રમાં વિકાસ સાધવાની અને બિઝનેસને સંગીન ફલક પર લઈ જવાની તક મળી રહે છે.
સપ્ટેમ્બર 2021માં આ સ્ક્રિપ લેવાનું સૂચન ક્રયું ત્યારબાદ તેના ભાવમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બાવન અઠવાડિયાની વધઘટ પર નજર નાખવામાં આવે તો તેનો ભાવ 40 ટકા તૂટી ગયો છે. તેનો વર્તમાન બજાર ભાવ રૂ. 461ની આસપાસનો છે. આ સ્ક્રિપમાં ઇન્વેસ્ટ કરવાનું સૂચન કરવામાં આવ્યું ત્યારે તેનો ભાવ રૂ. 796ની આસપાસનો હતો. તમને સવાલ થશે તો ગરબડ ક્યાં થઈ? ચાલો, આપણે વિશ્લેષણ કરીએ. આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલ્સ એ એક સંપૂર્ણ દેવા મુક્ત કંપની છે. તેની પાસે રોકડની રેલમછેલ છે. કંપની એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ-બલ્કડ્રગ જેના થકી દર્દીઓ માટે દવા તૈયાર કરવામાં આવે છે.) એટલે કે બલ્ક ડ્રગ અને સ્પેશિયાલિટી કેમિકલના ઉત્પાદનનું કામ કરે છે. ભારતમાં આઈબ્રુપ્રોફેન નામની પેઈનકીલરની સૌથી મોટુ ઉત્પાદક કંપની આઈઓએલ કેમિકલ્સ છે. આઈબ્રુપ્રોફેનના વિશ્વના કુલ બજારનો 35 ટકા હિસ્સા આ કંપનીના હાથમાં હોવાનો કંપનીના મેનેજમેન્ટનો દાવો છે. આઈબુપ્રોફેન બનાવવા માટેનું બલ્કડ્રગ-કાચો માલ પણ કંપની પોતે જ બનાવતી હોવાથી તેને ખાસ એડવાન્ટેજ છે. તાવ અને પીડા ઓછી કરવા માટે આ દવા ખાસ વપરાય છે. તેના પ્રોડક્ટ બાસ્કેટમાં આઈબ્રુપ્રોફેનનો હિસ્સો 29 ટકા, કેમિકલ્સને 59 ટકા અને અન્ય ફાર્મા પ્રોડક્ટ્સનો 12 ટકા હિસ્સો છે. કંપની આઈસોબ્યુટાઈલ બેન્ઝિન પણ બનાવે છે. જે, આઈબ્રુપ્રોફેન બનાવવા માટેનું મહત્વનું ઘટક છે. આઈસોબ્યુટાઈલના કુલ બજારનો 30 ટકા હિસ્સો કંપની પાસે છે. કંપની ઓર્ગેનિક આલ્કોહોલમાંથી ઇથાયલ એસેટેટ બનાવે છે. આ એક ખાસ પ્રકારનું કેમિકલ છે. તદુપરાંત દવા બનાવતી જુદી જુદી કંપનીઓને દવા બનાવવા માટે જોઈતા જુદાં જુદાં રૉ મટિરિયલ – કાચા માલનું પણ તે ઉત્પાદન કરે છે. સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાને અંતે કંપનીનું ચોખ્ખું વેચાણ રૂ. 538 કરોડનું રહ્યું છે. સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની ચોખ્ખા વેચાણની આવક કરતાં તેમાં બે ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની કંપનીની વેરાપૂર્વેની આવકની તુલનાએ આ વરસના ત્રિમાસિક ગાળાની આવક 43 ટકા ઘટીને રૂ. 63 કરોડ થઈ છે. તેના ઓપરેટિંગ માર્જિન 32 ટકાથી ઘટીને 8 ટકા પર આવી ગયા છે. તેથી જ આઈઓએલસ કેમિકલની શેરદીઠ આવક ઘટીને સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાને અંતે રૂ. 31 પર આવી ગઈ છે. સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેની શેરદીઠ કમાણી રૂ. 127ની હતી. તેના કારણમાં ઊંડા ઉતરીએ. તે માટેના કાચા માલના ભાવ વધી ગયા હતા. આ ભાવ વધારાનો બોજ કંપની ગ્રાહક-દરદીઓને માથે નાખી શકી નહોતી. તેથી તેના માર્જિન 24 ટકા ઘટીને 8 ટકાની સપાટીએ આવી ગયા હતા. બીજું, કંપનીના પ્રોડક્ટ્સનું વેચાણ પણ આ ગાળામાં ઘટી ગયું હતું. ભારત અને વિશ્વના દેશોમાં કોરોનાનો પ્રભાવ વધી જતાં પેરાસિટામોલનું વેચાણ વધી ગયું હતું. કોરોનામાં આઈબ્રુપ્રોફેન બહુ અસરકારક ન હોવાની ઇમેજ ઊભી થતાં તેનું વેચાણ કપાયું હતું. હવે કંપનીઓ ગુમાવેલા બજારને ફરી કેપ્ચર કરવા તૈયારી આરંભી દીધી છે. આ તૈયારી તેમને સફળતા અપાવશે તેવો કંપનીને વિશ્વાસ છે. તેમના પ્રોડક્ટ્ની ડિમાન્ડ વધી જશે તેવી તેમને ખાતરી છે. ત્રીજું, પ્રોડક્ટ માટે જરૂરી કાચા માલના ભાવમાં આવેલા વધારાનો બોજ ગ્રાહકોને માથે નાખી દેવાથી કંપનીના વેચાણ પર કોઈ જ અવળી અસર નહિ આવે તેવી તેમનો ખાતરી થઈ છે. 2021-22ના નાણાંકીય વર્ષના ડિસેમ્બર 2021 અને માર્ચ 2022માં પૂરા થનારા ત્રિમાસિક ગાળામાં તેના માર્જિન નોર્મલ થઈ જવાની ગણતરી છે. કંપનીનું વોલ્યુમ અત્યારે 60થી 65 ટકાની રેન્જમાં છે. તે વધીને 80 ટકાથી ઉપર જવાની ગણતરી છે. એપીઆઈમાં કંપનીના માર્જિન સરેરાશ 25થી 30 ટકાની આસપાસના હોય છે. માર્જિનની આ રેન્જથી આગળ પહોંચી જવાની કંપનીના મેનેજમેન્ટની ગણતરી છે. આગામી ત્રણ વર્ષમાં કંપનીની નિકાસ 40થી 45 ટકાની રેન્જમાં રહેવાની ગણતરી છે. કંપનીનું મેનેજમેન્ટ તેનો ગ્રોથરેટ 15થી 18 ટકાનો રહેવાનો અંદાજ માંડીને બેઠું છે. તેનું કામકાજ વધીને રૂ. 2800થી 2900 કરોડનું તઈ જવાનો અંદાજ છે. વેરા પૂર્વેનો નફો 20થી 25 ટકાની આસપાસનો રહે તેવું લક્ષ્યાંક મેનેજમેન્ટે રાખ્યું છે. કંપની પાસે રોકડની રેલમછેલ છે. 2017માં કંપની પાસે રોકડ નહોતું. 2018 અને 2019માં પણ રોકડ પ્રભાવ પાડે તેટલી નહોતી. 2020માં કંપની પાસેની રોકડ વધીને રૂ. 150 કરોડની થઈ હતી. 2021માં આ રોકડનું પ્રમાણ અત્યાર સુધીમાં વધીને રૂ. 365 કરોડને વળોટી ગયું છે. આ રોકડનો ઉપયોગ કંપની તેના વળતર વધારવા માટે કરવા જઈ રહી છે. ડિસેમ્બર જાન્યુઆરીમાં આ માટેના આયોજનોનો જાહેરાત થવાની ધારણા છે.