• 9 October, 2025 - 11:37 AM

આવકવેરા ધારાને સુધારવા આજે સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવશે

  • સમગ્ર કાયદો 2.60 લાખ શબ્દોમાં પૂરો થઈ જશે, જૂના કાયદાથી કદમાં 50 ટકા ઓછો થઈ જશે.

     
  • સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવી સરળ ભાષામાં કાયદો તૈયાર કરવામાં આવશે.

     
  • વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને આવકવેરાનો કાયદો હવે બોજ ન લાગે તેની તકેદારી લેવામાં આવી છે

ree

આવકવેરાનો કાયદો સરળતાથી સમજી શકાય તે માટે બિનઉપયોગી કલમો દૂર કરી દેવા માટે અને હયાત કલમોને નવેસરથી તૈયાર કરવા માટે નવું ઇન્કમટેક્સ બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે.  ટેક્સના વહીવટમાં વધુ પારદર્શકતા લાવી શકાય તે માટે આ ખરડામાં કેન્દ્ર સરકારને નવી યોજના તૈયાર કરવાની છૂટ પણ આપવામાં આવી છે. આવકવેરાના નવા સુધારેલા બિલ-ખરડામાં વેરાને લગતા મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખવામાં આવ્યા છે. તેની સાથે જ કાયદામાં સાતત્ય રહે તેવા સુધારાઓ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

 

નવા સુધારેલા કાયદા માટેના ખરડામાં જાહેર ન કરવામાં આવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર પણ નવા સુધારેલા કાયદામાં કરવામાં આવશે. તેમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટનો પણ સમાવેશ ખરી દેવામાં આવ્યો છે. નવા સુધારેલા કાયદાના માધ્યમથી કલમ 80 એમને પુનઃપ્રસ્થાપિત કરવામાં આવશે. કંપનીઓ દ્વારા અન્ય કંપનીઓને આપવામાં આવતા ડિવિડંડ પર ડિડક્શન-વેરા કપાત કરવાની છૂટ આપવામાં આવશે. આ સુધારો કરવાથી બમણો વેરો વસૂલવાની સમસ્યાનો ઉકેલ આવી જવાની સંભાવના છે.

 

વેરાની કરવામાં આવેલી ચોક્કસ ચૂકવણી માટે શૂન્ય વેરાનું પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થાને અટકાવી રાખવાની જૂની જોગવાઈને ફરીથી અમલમાં લાવે તેવી સંભાવના રહેલી છે. અગાઉ આ વ્યવસ્થાને કાઢી નાખવામાં આવી હતી.

 

આવકવેરાના કાયદામાં કરવામાં આવનારા મહત્વના ફેરફારોમાં અત્યારના આકારણી વર્ષ અને ફાઈનાન્શિયલ યર જેવી ટર્મ્સ વાપરવામાં આવે છે. તેમાં જે વર્ષનું ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું થાય તે વર્ષને ફાઈનાન્શિયલ યર તરીકે ઓળખાવવામાં આવે છે. તેના રિટર્નની પછીના વર્ષમાં આકારણી કરવામાં આવે ત્યારે તે વર્ષને આકારણી વર્ષ તરીકે ઓળખાવવામાં આવે છે. આ ફાઈનાન્શિયલ યરને બદલે ટેક્સ યર શબ્દ સમુહનો ઉપયોગ કરવામાં આવશે. તેને માટે કલમ 819થી 236માં ફેરફાર કે સુધારો કરવામાં આવશે.

 

આવકવેરાના નવા ખરડામાં ભાષાને એકદમ સરળ રાખવામાં આવશે. દરેક વાક્યને બને એટલા ટૂંકા રાખવામાં આવશે. તેમ કરવાથી કાયદાને દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકશે. જૂના કાયદામાં કુલ 5.12 લાખ શબ્દ છે. આ શબ્દોની સંખ્યા ઘટીને 2.60 લાખની કરી દેવામાં આવશે. આમ કાયદાના પુસ્તકને લગભગ અડધું કરી દેવામાં આવશે.

 

કરદાતાનો વ્યક્તિગત સંપર્ક કર્યા વિના જ ટેક્નોલોજીની મદદથી વેરાની આકારણી કરીને વેરાની વસૂલી પર નવા કાયદાના માધ્યમથી ફોકસ કરવામાં આવશે. હા, નવા કાયદામાં કેન્દ્ર સરકારને વેરા માટે નવી યોજનાઓ બનાવવાની સત્તા આપવામાં આવશે. જોકે આ સ્કીમ સંસદની મંજૂરી વિના અમલમાં લાવી શકાશે નહિ.

 

નવો સુધારેલો ઇન્કમટેક્સ એક્ટ કરદાતાઓ સરળતાથી સમજી શકશે. આવકવેરાની સમગ્ર સિસ્ટમને સરળ બનાવશે. આવકવેરાના કાયદાનું પાલન કરવાનો બોજ હળવો કરશે. તેમ જ નવો કાયદો પારદર્શકતા વધારશે. નવો કાયદો સ્પષ્ટ રીતે સમજી શકાય અને સરળ લાગે તેવો બનાવવામાં આશે. તેથી કોર્ટ કેસ થવાની સંભાવના ઓછી થઈ જાય તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કાયદો સરળ લાગે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

Read Previous

Stock Idea : માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામોમાં બમ્પર નફો કરે તેવી સંભાવના

Read Next

બધી જ આઈટેમ્સ પર GSTનો દર 17 ટકા કરી દેવાની ભલામણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular