• 9 October, 2025 - 8:58 AM

આવકવેરાનું રિટર્ન ભરવું વધુ સરળ બન્યું:ટીડીએસ, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટની વિગતો આપોઆપ જ ફોર્મમાં આવી જશે

  • પગારદાર હવે જાતે જ તેમના રિટર્ન ફાઈલ કરી શકશેઃ આવકવેરાના રિટર્ન માટેના ફોર્મ તૈયાર કરવામાં આ વરસે 100 દિવસનો વિલંબ થયો
     
  • આવકવેરાના સુધારેલા ફોર્મને કારણે મધ્યમ વર્ગના કરોડો કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં મોટી રાહત મળશે.
     
 
image from freepik

image from freepik

આવકવેરા વિભાગે આઈટીઆર-ઇન્કમટેક્સ રિટર્નમાં જરૂરી ટીડીએસ, ટીસીએસ અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટના ડેટા-વિગતો સાથેનું આઈટીઆર ફોર્મ 2 કરદાતાને તૈયાર મળી જાય તેવું ફોર્મ તૈયાર કરીને અપલોડ કરી દીધું છે. પરિણામે આવકવેરાના રિટર્નની પ્રમાણમાં ઓછી સમજણ ધરાવતા કરદાતાઓ પણ તેમના રિટર્ન સરળતાથી ફાઈલ કરી શકશે.

સરકારે કરી આપેલી નવી વ્યવસ્થાને પરિણામે એક કરતાં વધુ ઘર ધરાવતા પગારદાર કર્મચારીઓ કે પછી શેર્સ, મિલકત વેચીને મૂડીલાભ મેળવી ચૂકેલા કરદાતાઓ પણ નાણાંકીય વર્ષ 2024-25ના વર્ષનું રિટર્ન સરળતાથી ફાઈલ કરી શકે છે. આ રિટર્ન ફાઈલ કરવા માટે તેમણે એક્સેલ ફાઈલ ડાઉનલોડ પણ કરવી પડશે નહિ. તેમ જ રિટર્નને મેન્યુઅલી અપલોડ કરવાની જફા પણ કરવી પડશે નહિ. તેને માટે આઈટીઆર-2 ફોર્મ ઓનલાઈન ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવી દીધું છે.

અત્યાર સુધી માત્ર આઈટીઆર-1 અને આઈટીઆર-4 ફોર્મ ઇ-ફાઇલિંગ માટે ઓનલાઈન ઉપલબ્ધ હતા. સત્તરમી જુલાઈએ આઈટીઆર-2 અને આઈટીઆર-3 માટેની એક્સેલના ફોર્મેટમાં તૈયાર કરી દેવામાં આવેલી યુટિલિટીઝ-ફોર્મ બહાર પાડી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે યુટીલિટી જાહેર કરવાના નિર્ધારિત સમય કરતાં ત્રણ મહિનાથી વધુ લાંબો વિલંબ થયો છે.

આ સંજોગોમાં આઈટીઆર-2 ફોર્મના માધ્યમથી રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓ પાસે બે વિકલ્પ રહે છે. એક, ઓનલાઈન ફોર્મમાં આપોઆપ જ ભરાઈ જતી માહિતી સાથે સીધું ઓનલાઈન રિટર્ન ફાઈલ કરી શકે છે. બીજું, એક્સેલ યુટિલિટી ડાઉનલોડ કરી, ફોર્મ ભરીને જેસોન-JSON ફાઈલ જનરેટ કરીને અપલોડ કરવાની પદ્ધતિનો આશરો લઈને રિટર્ન ફાઈલ કરી શકે છે. એક્સલ ફોર્મેટમાં રિટર્ન ફાઈલ કરવામાં ખાસ્સો સમય લાગી જતો હતો. તેના ટેકનિકલ પાંસાંઓને પરિણામે ઘણાં કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ પડતી હતી.

આઈટીઆર-2નો ઉપયોગ કરનારા કરદાતાઓમાં પગાર અથવા પેન્શનથી આવક મેળવનારાઓનો સમાવેશ થાય છે. જે કરદાતાઓ પાસે એક કરતાં વધુ ઘર હોય, તેમ જ શેર કે અન્ય અસ્ક્યામતો વેચવાથી કેપિટલ ગેઈન થયો હોય, વિદેશમાં પોતાની માલિકીની મિલકત હોય અને તે વેચી હોય તેવા કે પછી વિદેશથી આવક મેળવતા કરદાતાઓ આઈટીઆર-2 ફાઈલ કરે છે. હા, વિદેશી મિલ્કત કે વેપારથી કે વ્યવસાયથી આવક ન હોય તેવા કરદાતાઓ આઈટીઆર-3 ફાઈલ કરે છે.

જોકે આઈટીઆર-3 હજી ઓનલાઈન ફાઈલિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. આ ફોર્મ ખાસ કરીને વ્યક્તિગત વ્યવસાય કરતા લોકો માટે છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો ફ્રીલાન્સર્સ, કન્સલ્ટન્ટ્સ, શેર્સ કે ક્રિપ્ટો કરન્સીના સોદા કરનારાઓ, વિદેશમાં મિલકત કે વિદેશમાંથી જટિલ આવક ધરાવતા લોકો માટે આઈટીઆર-3 ફોર્મ છે. અત્યારે આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટેના પોર્ટર પર આઈટીઆર-3 ફોર્મ ઉપલબ્ધ તો છે, પણ તે પણ જૂની એક્સેલથી જેસન-JSON પદ્ધતિથી જ અપલોડ કરવું પડે છે.

આવકવેરા વિભાગ સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ કે મે મહિનામાં યુટિલિટીઝ અને ફોર્મ રજૂ કરે છે. પણ આ વર્ષે ફોર્મ ઓનલાઈન મૂકવામાં ખાસ્સો વિલંબ સાથે થયો છે. જોકે આઈટીઆર-1 અને આઈટીઆર-4 તો મે મહિનામાં જ બહાર પાડી દેવામાં આવ્યા હતા. પરંતુ આઈટીઆર-3 અને આઈટીઆર-3 જાહેર કરવામાં સો દિવસનો વિલંબ થયો છે. આ વિલંબ થવાનું કારણ આપતા સીબીડીટી જણાવે છે કે તેમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે. તેથી જ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈથી લંબાવીને પંદરમી સપ્ટેમ્બર અગાઉથી જ કરી દેવામાં આવી છે.

પગારદાર કરદાતાઓએ શેર્સ કે મિલકત વેચી હોય તેમને અગાઉ આઈટીઆર-2 પઆઈલ કરવામાં તકલીફ પડતી હતી. હવે આ કરદાતાઓ આઈટીઆર-2 સરળતાથી ભરીને રિટર્ન ફાઈલ કરી શકે છે. આ કામગીરી ઝડપથી, પારદર્શક રીતે અને માનસિક દબાણ વિના કરી શકાશે. આવકવેરાના સુધારેલા ફોર્મને કારણે મધ્યમ વર્ગના કરોડો કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં મોટી રાહત મળશે.

Read Previous

રિજ્યોનલ ચેમ્બર્સ સાથે ગુજરાત ચેમ્બરનું ઓરમાયું વર્તન? સ્થાનિક મંડળોમાં ભારે નારાજગી

Read Next

ઝુનઝુનવાલાનો શેરબજાર મંત્ર: 5000 રૂપિયાથી એમ્પાયર ઊભું કરનારા ‘શેર કિંગ’નું રહસ્ય ખુલ્યું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular