• 9 October, 2025 - 8:59 AM

કપાસના ઊંચા ભાવ ટેક્સટાઈલ માર્કેટના ગણિતો ફેરવી નાખશે

ree

 

કપાસના ભાવમાં આગઝરતી તેજી છે. હાલ કપાસના ભાવ ક્યારેય ન જોવા મળ્યા હોય તેટલા ઊંચા ગયા છે. અમેરિકાના સટોડિયાઓ સક્રિય થયા હોવાથી કપાસના ભાવ વધી રહ્યા હોવાની વાત વહેતી થઈ છે. ન્યુયોર્ક માર્કેટમાં કપાસના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. ભારતના વાયદા બજારો પણ તેનો એડવાન્ટેજ લેવા સક્રિય બની રહ્યા છે. ભારતમાં કપાસ અને તેને પગલે યાર્નના ભાવમાં ઊછાળો ન આવે તે માટે મિલરો કપાસ પરની આયાત ડ્યૂટી નાબૂદ કરી દેવાની માગણી કરવા માંડ્યા છે. કપાસની આયાત ડ્યૂટી ઘટાડવામાં આવે તો કપાસની આયાત થવાના રસ્તા ખૂલી શકે છે. તેથી અત્યારના ભાવ તૂટી જાય તો માલ પકડીને બેસી રહેનારાઓ તેમનો માલ વર્તમાન ભાવે બજારમાં ઠાલવી દેવાની કોશિશ કરશે. તેને કારણે ભારતની કોમોડિટી માર્કેટના ખેલાડીઓ પણ સટ્ટો કરીને ભાવ ઊછાળવાની કવાયત કરવાથી અળગા રહે તેવી સંભાવના છે. તેથી જ આયાત ડ્યૂટી ઘટાડવાની સાથે કોમોડિટી બજારના કપાસના વાયદાને નિયંત્રણમાં રાખવાની માગ ઊઠી છે.

 

પશુપતિ ગ્રુપની કંપની પશુપતિ કોટસ્પિન લિમિટેડના પ્રમોટર સૌરિન પરીખ કહે છે, “કપાસના ભાવ રૂ. 75000થી ઉપર નીકળી જાય તો સ્પિનિંગ કંપનીઓના માર્જિન ધોવાઈ જવાની સંભાવના રહેલી છે. હા, કપાસના ભાવ રૂ. 55000થી 58000ની આસપાસ હતા ત્યાં સુધી તેમના માર્જિન સારા હતા, તેમને ફાયદો પણ સારો મળ્યો છે. પરંતુ બજાર રૂ.68000થી છલાંગ મારીને રૂ. 75000ની સપાટીને આંબી ગયા ત્યારે તેમના માર્જિન કપાવા માંડ્યા છે. જોકે એલ.પી ગૃપના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ જિતેન્દ્રનો મત થોડો ભિન્ન છે. તેઓ કહે છે, “ત્રીસ કાઉન્ટના કોટન યાર્નના કિલોદીઠ ભાવ રૂ. 325ના રૂ. 360ને આંબી ગયા છે. દરેક કાઉન્ટના યાર્નના ભાવમાં 10 ટકાનો મિનિમમ વધારો આવી પણ ગયો છે. કપાસનો પાક ઓછો હોય અને કપાસમાંથી યાર્ન બનાવતી સ્પિનિંગ મિલો કમાઈ રહી છે. બાંગલાદેશ, યુરોપિયન સંઘના દેશો અને દક્ષિણ અમેરિકાના એટલે કે લેટિન અમેરિકાના દેશોમાં યાર્નની નિકાસ થાય છે. ડિસેમ્બર 2021માં યાર્નની નિકાસમાં 30 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને બાંગલાદેશમાં વધારે નિકાસ થઈ છે. ભાવ વધ્યા પછી નવું બાયિંગ આવે છે કે નહિ તેની રાહ જોવામાં આવી રહી છે. હા, બજારના શોર્ટટર્મ લોન્ગટર્મ પ્રેડિક્શન કરવા અત્યારની સ્થિતિમાં અઘરા લાગી રહ્યા છે.” કોટન શર્ટિંગમાં સામાન્ય રીતે 30, 40 અને 50 કાઉન્ટનું યાર્ન વપરાય છે. તેની સામે પેન્ટ માટે 7થી 20 કાઉન્ટના યાર્ન લાગે છે. તેને કેટલો એડવાન્ટેજ મળે છે તે સમય જ કહી શકશે.

 

સૌરિન પરીખ કહે છેઃ “કપાસના ભાવ રૂ. 68000થી રૂ. 75000 સુધી ગયા તે તબક્કામાં કપાસના ભાવની વધારાની સામે યાર્નના ભાવમાં વધારો થયો નથી. કારણે કે આ ભાવ વધારો તેઓ સંપૂર્ણપણે યાર્ન ખરીદારો પર પાસ કરી શકે તેમ જ નથી. બીજું, યાર્ન ખરીદીને ફેબ્રિક્સ બનાવનારા તે વધારો રિટેઈલર્સને માથે પાસ કરી શકે તેવી સ્થિતિમા જ નથી.” તેથી કપાસના ભાવ વધારાની નકારાત્મક અસર બજાર પર પડી શકે છે.

 

કપાસના વર્તમાન ઊંચા ભાવ સટ્ટાકીય તેજીનું પરિણામ છે. આ વરસે સીઝનની શરૂઆતમાં કપાસનું બજાર રૂ. 58000થી શરૂ થઈને અત્યારે રૂ. 75000ની સપાટીએ પહોંચ્યું છે. તેમાં ગમે ત્યારે ઘટાડો આવી શકે છે. આ વરસે ભારતનો કપાસનો અંદાજિત ક્રોપ 3.55 કરોડ ગાંસડીનો માનવામાં આવતો હતો. તે ઘટીને 3.25થી 3.30 કરોડ ગાંસડી થવાની શક્યતા છે. બીજી તરફ કપાસનો વપરાશ વધ્યો છે. કારણ કે સ્પિનિંગ મિલોના માર્જિન વધ્યા છે. સ્પિનિંગ મિલોની કમાણી સારી હોવાથી તેઓ યાર્ન બનાવીને તેની નિકાસ પણ વધુ કરી રહ્યા છે. તેથી રૂનો વપરાશ વધ્યો છે. પહેલા 3.20 કરોડ ગાંસડીના વપરાશ સામે આ વરસે 3.60 કરોડ ગાંસડીનો વપરાશ થવાની ધારણા છે. આમ કપાસનો ભારતમાંનો વપરાશ 40 લાખ ગાંસડી જેટલો વધ્યો છે. બીજીતરફ આર્થિક તાકાત ધરાવતા ખેડૂતોએ કપાસના માલ પરની પકડ મજબૂત કરી છે. તેઓ કપાસ ધીમી ગતિએ વેચી રહ્યા છે. સામાન્ય રીતે જાન્યુઆરી સુધીમાં બજારમાં આવી જતાં માલની તુલનાએ આ વરસે ઓછો કપાસ બજારમાં ઠલવાયો છે. તેથી પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્રીજું, અમેરિકામાં પણ પાક ઓછો છે. તેથી અમેરિકાના વાયદા બજારમાં કપાસમાં મોટી તેજી જોવા મળી રહી છે. આ તેજી ફંડામેન્ટલના આધારે નથી. તેમાં સટોડિયા પણ જવાબદાર છે. કારણ કે અમેરિકાના ફંડોની પણ કપાસમાં મોટી લેવાલી હોવાથી સટ્ટા પ્રેરિત તેજીને ટેકો મળ્યો છે. આ તેજી પાકની વાસ્તવિક પરિસ્થિતિ કરતાં વધુ પડતી મોટી છે.

 
ree

 

કપાસ અને યાર્નથી આગળની ચેનલની વાત કરવામાં આવો તો રૂના ભાવ વધ્યા છે, પરંતુ ફેબ્રિક્સના ભાવ વધ્યા નથી. શર્ટિંગના ફેબ્રિક્સના ભાવ નજીવા વધ્યા છે. તેમાંય ડેનિમમાં તો સાવ જ ખરાબ સ્થિતિ છે. તેમાં ઊંચા ભાવે લેવાલી જ નથી. તેથી કપાસના ભાવની તેજી ટેક્સટાઈલ માર્કેટને પર ખરાબ અસર કરી શકે છે. તેથી જ કપાસના ભાવ ન વધે તે માટે કપાસના વાયદાના બજારો પર નિયંત્રણ લાવીને સટોડિયાને પરિસ્થિતિનો ગેરલાભ લેતા અટકાવવા માટે કોમોડિટીમાં કપાસના વાયદાના બજાર પર લગામ તાણવાની પણ માગણી મિલરો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે તેની મોટી અસર ટેક્સટાઈલ મિલો પર પણ પડી શકે છે. તેની સાથે જ સ્થાનિક બજારના ફેબ્રિક્સ, ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને કાપડના વેપાર તથા એક્સપોર્ટ પર તેની અસર પડી શકે છે.

 

ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી રાહુલ મહેતા કહે છે, “કપાસના ભાવ વધારાની એક્સપોર્ટ પર બહુ જ ખરાબ અને સીધી અસર પડી શકે છે. નિકાસકારે એક્સપોર્ટના કોન્ટ્રાક્ટ સાઈન કર્યા હોય તે નિશ્ચિત રકમ પર સપ્લાય આપવા માટે સાઈન કર્યા હોય છે. આ ઓર્ડર લીધા તેના ચારથી છ માસમાં સપ્લાય કરવાનો હોય અને તેવા સંજોગોમાં કપાસના ભાવમાં 20થી 25-30 ટકાનો વધારો આવી જાય તો તેમને માટે તો ઓર્ડર પૂરા કરવા પણ કઠિન બની જાય છે. એક્સપોર્ટના ઓર્ડર રદ કરવા પડે તેવી નોબત આવી શકે છે. એક્સપોર્ટના ઓર્ડરમાં ભાવ વધારો ખરીદનારને પાસ કરી શકતા નથી. તેથી રેડીમેડ ગારમેન્ટની નિકાસ પર પણ તેની અસર પડી શકે છે. ગયા વર્ષે અંદાજે 13.50 અબજ ડૉલરની નિકાસ હતી. તેમાં સરેરાશ દસથી બાર ટકા વધારો આવે જ છે. આ વરસે 15 અબજ ડૉલરની પાર કરી જાય તેવી સંભાવના છે. હવે બદલાયેલા સંજોગોમાં પરિસ્થિતિમાં કોઈ મોટો ઘટાડો ન આવે તેવી આશા રાખવી જોઈએ.” તેમનું કહેવું છ કે 2019-20ના વર્ષમાં ભારતમાંથી 15,509 અબજ ડૉસકના રેડીમેડ ગારમેન્ટની નિકાસ થઈ હતી. 2021-22ના વર્ષની આવત કરવામાં આવે તો એપ્રિલથી નવેમ્બર સુધીના ગાળામાં 9665 અબજ ડોલરના રેડીમેડ ગારમેન્ટની નિકાસ થયેલી છે. નવેમ્બર સુધીના આંકડાઓને જોવામાં આવે તો વર્ષના અંત સુધીમાં 15500 અબજ ડૉલરની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે.

 

ભારતમાંથી રેડીમેડ ગારમેન્ટની આજે અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોમાં નિકાસ થાય છે. વિશ્વ બજારમાં આપણા હરીફોમાં બાંગલાદેશ, વિયેટનામ, કમ્બોડિયા અને ચીનનો સમાવેશ થાય છે. આ હરીફો સામે ટકવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે રેડીમેડ ગારમેન્ટ પર વધારો આવે તો તેની સીધી અસર નિકાસ પર આવી શકે છે. બાંગલાદેશ આપણને ટફ કોમ્પિટીશન આપી રહ્યું છે. શ્રીલંકાનો પણ તેમાં સમાવેશ થાય છે. આ દેશો ભારતમાંથી યાર્ન લઈને ફેબ્રિક્સ અને ગારમેન્ટ તૈયાર કરે છે. તેની નિકાસ કરે છે. ભારતમાંથી બાંગલાદેશમાં યાર્નની ઇમ્પોર્ટમાં અંદાજે 105 ટકાનો વધારો થયો છે. તેથી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સના માર્કેટમાં એટલે કે ગારમેન્ટના માર્કેટમાં બાંગલાદેશ ભારતને ટફ કોમ્પિટિશન આપવા સજ્જ છે.

 
ree

 

રાહુલ મહેતાનું કહેવું છે કે કપાસના ભાવમાં મોટો વધારો આવે તો સ્થાનિક બજારમાં તેની અસર પડે છે. નિકાસકારો પર પડતી અસર કરતાં આ અસર જુદી છે. સ્થાનિક બજારમાં ત્રણ મહિના પૂર્વે કોટન લઈ લીધું હોય તો તેની તરત અસર ન પડે તેવી શક્યતા છે. પરંતુ ત્રણ મહિના પછી તેમના પર તેની અસર જોવા જ મળશે. તેના પર પણ અસર તો આવવાની જ છે. આજે ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સના પણ એટલા ઊંચા માર્જિન નથી કે તેઓ તે વધારો પચાવી શકે. તેઓ જ્યાં થઈ શકે ત્યાં ભાવ વધારાનો બોજ આગળ પાસ કરવાનો પ્રયાસ કરશે. આમેય ટેક્સટાઈલના પ્રોડક્ટ્સના ભાવમાં 20થી 25 ટકાનો વધારો આવી ચૂક્યો છે. હજી વધુ વધારો આવે તો તેની સીધી અસર હેઠળ કપડાંનો વપરાશ ઓછો થઈ શકે છે. કન્ઝમ્પ્શન પેટર્ન પર તેની અસર પડશે. દર વર્ષે બાર શર્ટ લેનારા આવનારા દિવસોમાં છ શર્ટ લેશે. રૂ. 1200-1500ના શર્ટ લેનારા રૂ. 800-1000ના શર્ટ લેવાનું ચાલુ કરી દેશે. તેથી દરેક ગ્રેડમાં કન્ઝમ્પશન પેટર્નમાં ઘટાડો જોવા મળી શકે છે. ઘણાં કસ્ટમર્સ તેમની ખરીદી કરવાનું મુલતવી પણ રાખી શકે છે. તેની સીધી અસર મેન્યુફેક્ચરિંગ પર પડી શકે છે. તેમનો માલ ન ખપતો હોય તો તેમણે પ્રોડક્શન ઘટાડવું પડે. પ્રોડક્શન ઘટે તો તેની સીધી અસર હેઠળ રોજગારી ઓછી થશે. આમ ચેઈન ઇફેક્ટ આખી ઇન્ડસ્ટ્રી પર આવે છે.

 
જિનિંગ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ શકે
 

જિનિંગ ઉદ્યોગને કપાસના ભાવ વધી ગયા પછી કંઈ મળી શકે તેવી સ્થિતિ જ નથી. તેથી જિનિંગ પર તેની ખાસ્સી અવળી અસર થઈ છે. વર્તમાન બજાર ભાવે કપાસ લઈને જિનિંગ કરવામાં આવે તો તેમના કોઈ જ માર્જિન છૂટી શકે તેમ નથી. પરિણામે જિનિંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આછું રહે. તેની સીધી અસર તેમના કામકાજ પર પડી શકે છે.

 
ભાવ ઘટે તો સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીને લાભ વધુ થાય
 

રૂ બજાર સીઝનની શરૂઆતમાં રૂ. 58000થી વધીને રૂ. 75000 થયું છે. પાક 355 લાખ ગાંસડીને બદલે 325થી 330 લાખ ગાંસડી. સ્પિનિંગ મિલના માર્જિન સારું હોવાથી વપરાશ વધ્યો છે. વપરાશ 320 લાખ ગાંસડીથી વધીને 360 લાખ ગાંસડી થયો છે. કપાસનું ઉત્પાદન ઘટ્યું અને વપરાશ વધ્યો. તેના ભાવ નીચા આવશે તો સ્પિનિંગ ઇન્ડસ્ટ્રી માટે લાભકારક સાબિત થશે. સ્પિનિંગના માર્જિન સપ્ટેમ્બર 2020 પછી સારા હતા. છેલ્લા બે માસથી માર્જિન ઘટતું જાય છે. રૂ. 75000ના રૂના ભાવ પહોંચે ત્યારે માર્જિન રહેતું નથી. ઓક્ટોબર 2020થી સ્પિનિંગને બહુ જ સારું હતું. તેથી સ્પિનિંગ મિલોના સારી કમાણી થઈ છે. કપાસમાં ભાવ વધ્યા હોવાથી ભાવ હજીય વધવાની આશાએ ખેડૂતો તેમની પાસેનો માલ છોડવા માગતો નથી. સમય જતાં આર્થિક રીતે મજબૂત બની ગયેલા ખેડૂતો વધુમાં વધુ માલ હોલ્ડ પર રાખી રહ્યો છે. ગુજરાતના બજારમાં 15મી જાન્યુઆરી સુધીમાં માલ જેટલો ઠલવાય છે તેનાથી ઓછો માલ આ વરસે બજારમાં ઠલવાયો છે. ખેડૂતો ધીમીગતિએ વેચી રહ્યા છે. તેજી માટે આ કારણ પણ જવાબદાર છે. (12જાન્યુઆરી સુધીમાં બજારમાં ઠલવાયેલા માલના આંકડા લેવા. ગયા વરસની તુલનાએ)

 
કપાસના ઊંચા ભાવ ટકી નહિ શકે
 

અમેરિકામાં કોટનનો ક્રોપ ઓછો હોવાથી અમેરિકાના વાયદા ઊંચા ગયા છે. સમગ્રતયા બજારનો ટ્રેન્ડ તેજી તરફી છે, એમ પશુપતિ ગ્રુપના સૌરિન પરીખનું કહેવું છે. પરંતુ તેજી ફંડામેન્ટલી મજબૂત નથી. ઇન્વેસ્ટમેન્ટ ફંડોએ મોટું બાયિંગ કરીને લેવાલી કરી છે. તેથી તેજી થઈ છે. પરંતુ તેજી જરૂર કરતાં વધુ થઈ છે. તેઓ બજારમાંથી નીકળશે ત્યારે બજાર તૂટી જશે. બીજું કારણ રૂના ભાવ જેટલા યાર્નના ભાવ વધ્યા નથી. યાર્ન કરતાંય ફેબ્રિક્સના ભાવ એટલા વધ્યા નથી. યાર્ન બનાવનારાઓ કપાસનો આ ભાવ વધારો પચાવી શકે તેમ નથી, કારણ કે ફેબ્રિક્સના ભાવમાં વધારો નથી. ડેનિમના વેપાર તો સાવ જ ખરાબ સ્થિતિમાં છે. ટેક્સટાઈલ માર્કેટમાં કપાસથી માંડીને કાપડ અને ગારમેન્ટ સુધીની ચેનલનો વિચાર કરવામાં આવે તો કપાસની તેજી ટકે તેવો અવકાશ જણાતો નથી.

 
ડૉલર રૂપિયાના ભાવની પણ અસર દેખાશે
 

અમેરિકી ડૉલર સામે રૂપિયો મજબૂત છે. ડૉલરના ભાવની તુલનાએ કપાસનું એક્સપોર્ટ ઓછું થશે. તે ભારતીય મિલોને ટેકારૂપ રહેશે. ભારતનું રૂ વર્લ્ડના રૂ કરતાં ઊંચું છે અને તેથી ભારતનું રૂ લેવાનું અયાતકાર દેશોને પરવડે તેમ નથી.

 
વિવિંગને અપેક્ષા પ્રમાણે લાભ મળતો નથી
 

યાર્નના ભાવ જેટલા વધ્યા તેટલા ભાવ ફેબ્રિક્સના વધ્યા નથી. તેથી ફેબ્રિક્સમાં થોડી ગણી ડિમાન્ડ છે. તેથી વિવર્સ તે ભાવ વધારો આગળ પાસ કરી શકતા નથી. પરંતુ ફેબ્રિક્સવાળાને જોઈએ તેટલું માર્જિન નથી મળી શકતુ. તેથી તેઓ ઊંચા ભાવ આપવા તૈયાર નથી. ફેબ્રિક્સ માટે બજાર કદાચ થોડું ગણુ સારું હશે પરંતુ ડેનિમનું બજાર જરાય સારું નથી. તેથી વિવર્સને અત્યારના ભાવે બહુ પ્રોત્સાહન મળે તેમ જણાતું નથી.

 
રિટેઈલરની ખરીદી ઘટી શકે
 

ત્રીજી લહેરમાં ઓમિક્રોનનો અને કોરોનાનો ફેલાવો ઝડપી છે, પરંતુ ઘાતક ઓછો છે. ત્રણથી પાંચ દિવસમાં રિકવરી આવી જાય છે. બીજી તરફ સરકારે લોકોની હેરફેર પર અંકુશો લગાવવા માંડ્યા છે. હાલ સરકારે રાત્રિ કરફ્યુ નાખ્યો છે, સરકારી કચેરીમાં ઓફિસ સ્ટાફની હાજરી મર્યાદિત કરી છે, કરફ્યુના કલાકો વધાર્યા છે. તેથી ઇન્ડસ્ટ્રીમાં પણ કર્મચારી આવતા ગભરાય છે. ઘરમાં અણધાર્યો ખર્ચ આવી જાય તે માટે કપડાંની ખરીદીને લોકો અગ્રક્રમ આપતા નથી. તેમાં ભાવ વધે તો ડિમાન્ડ ઓર ઘટી શકે છે. કોટનની તુલનાએ યાર્ન, ફેબ્રિક્સ અને ગારમેન્ટમાં વધારો નથી આવ્યો. તેથી બજાર ઘટવું જોઈએ તેમ મને લાગે છે. કોરોના વધે તો રિટેઈલરની ખરીદ શક્તિ પર અવળી અસર પડવાની સંભાવના જોવામાં આવે છે.

Read Previous

માત્ર ₹65નો શેર હવે કરશે ધમાલ! રાજકોટની કંપનીના મોટા પ્લાનને મળી ગ્રીન સિગ્નલ

Read Next

લોન સમય પહેલાં ભરી દીધી ? હવે નહીં લાગે દંડ – RBIનો નવો નિયમ જાહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular