કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે ઈન્ડિયાની ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી
ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રી વર્ષે 40%ના દરે વિકસવાનો અંદાજ, રૂ. 20560 કરોડની ઈન્ડસ્ટ્રી ધમધમી રહી છે
કોરોના લોકડાઉનનો સૌથી વધુ ફાયદો ગેમિંગ ઈન્ડસ્ટ્રીને થયો, યુઝર્સની સંખ્યામાં ધરખમ વધારો

એક વ્યક્તિ દિવસના સરેરાશ ત્રણથી ચાર કલાક મોબાઈલ ફોન પાછળ ખર્ચ કરે છે. આપણે પોતાની દિનચર્યા કે પછી આસપાસ નજર દોડાવીશું તો પણ અહેસાસ થશે કે આ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. ફોનમાં સોશિયલ મીડિયા અને ચેટિંગ સિવાય ગેમિંગ એપ્સ પણ યુઝર્સનો ઘણો સમય ખાઈ જાય છે. તેમાંય કોરોનાને કારણે લોકડાઉન જાહેર થતા ઘણા લોકો મોબાઈલ ગેમ્સના વ્યસની બની ગયા છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે પણ ઘરેથી કામ કરતા કર્મચારીઓ કામની વચ્ચે વચ્ચે ગેમ્સ રમવા માટે ગમે તેમ સમય કાઢી જ લે છે. પરિણામે, આજે ઈન્ડિયાની ગેમિંગ ઈન્ડસ્ટ્રી ફૂલીફાલી રહી છે.
એક અંદાજ મુજબ આખા વિશ્વમાં 281 કરોડ ગેમર્સ છે અને આ સંખ્યામાં પણ વર્ષે 5.6 ટકાનો વધારો થઈ રહ્યો છે. ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેમાં પણ યુવાનોની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણે ભારતમાં આગામી સમયમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીનું કદ એટલું મોટું થઈ જશે કે તેને અવગણી નહિ શકાય. આ ઈન્ડસ્ટ્રીમાં જેમ જેમ કમાણીની તકો દેખાઈ રહી છે તેમ તેમ દેશની અનેક કંપનીઓ પોતાની પણ ગેમ્સ બનાવતી થઈ છે. આ ઉપરાંત ભારતમાંથી આખા વિશ્વની ગેમ બનાવતી કંપનીઓ માટે આઉટસોર્સિંગનું કામ પણ મોટા પાયે થાય છે.
ડેલોઈટ ઈન્ડિયાના એક અંદાજ મુજબ ભારતમાં ઓનલાઈન ગેમિંગ સેક્ટર 40%ના CAGRથી વિકસવાની શક્યતા છે. આ સાથે જ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસમાં ગેમિંગ સેક્ટરનો ફાળો વધીને 45 ટકા થઈ જવાનો અંદાજ છે. ડેલોઈટ ઈન્ડિયાના અભ્યાસ મુજબ કોવિડ-19ને કારણે પણ ઓનલાઈન ગેમિંગના બિઝનેસમાં ધૂમ વધારો થયો છે. થિયેટર્સ-મોલ્સ અને હરવા ફરવાનું બંધ થઈ જતા લોકો મનોરંજન માટે ગેમિંગ તરફ વળ્યા હતા. આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું ત્યારે શરૂઆતના સમયમાં ગેમિંગ એપ્લિકેશન પર યુઝર્સ 21% વધુ સમય ગાળતા હોવાનું જાણવા મળ્યું હતું. રસીકરણે વેગ પકડતા હવે સ્થિતિ પૂર્વવત્ થાળે પડી ગઈ છે. આ કારણે ગેમ એપ્લિકેશન પાછળ યુઝર્સ પહેલા જેટલો સમય નથી આપી શકતા. પરંતુ ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રી હવે સ્પીડ પકડી ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં તેના ગ્રોથ પર કોઈ બ્રેક લાગે તેવી શક્યતા દેખાતી નથી.

મોબાઈલ ફોન નહતા ત્યારે પત્તાની રમતો અને બોર્ડ ગેમ્સ ભારતમાં ખાસ્સી પ્રચલિત હતી જ. હવે લોકો આ જ રમતો ઓનલાઈન પ્લેટફોર્મ પર રમે છે. લૂડો, કેરમ, સાપસીડી, ચેસ , રમી, તીન પત્તી, ડ્રીમ ઈલેવન જેવી રમતો ઓનલાઈન પ્લેટફોર્મ પર ખાસ્સી લોકપ્રિય છે. રમી સહિતની પત્તાની અનેક રમતોમાં તો ખેલાડીઓ રિયલ મની પણ દાવ લગાવે છે. પબજી જેવી ગેમ્સમાં પણ ખેલાડીઓ રૂપિયા ખર્ચતા ખચકાતા નથી. અમદાવાદના 27 વર્ષના એક ગેમર નામ ન આપવાની શરતે જણાવે છે, “કેટલાંક લોકો તો ગેમ્સ પાછળ મહિને 40થી 50,000 રૂપિયા પણ ખર્ચતા ખચકાતા નથી. તેઓ આ ગેમ્સનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને યુટ્યુબ પર મૂકી તેમાંથી કમાણીનો રસ્તો શોધી કાઢે છે. પબજી જેવી ગેમ્સમાં તમારે કેરેક્ટર અપગ્રેડ કરવા માટે પૈસા ખર્ચવા પડે છે. આ ગેમ્સના ક્રિએટર્સે ઈન્ડિયા માટે અલગ વર્ઝન બહાર પાડ્યું છે. આ ગેમમાં ગણેશ ચતુર્થી જેવો તહેવાર આવતો હોય તો ગણેશજીના ફોટોઝ વાળા ટી-શર્ટ મર્ચન્ડાઈઝમાં વેચાય છે. ગેમર એ ખરીદે તો તેને તેનું વર્ચ્યુઅલ કેરેક્ટર ગણેશજીના ટી-શર્ટમાં દેખાય છે. આ રીતે કેરેક્ટરના લૂકથી માંડીને વેપન અપગ્રેડ કરવા સુધી અનેક પ્રકારે ગેમર્સને પૈસા ખર્ચવા માટે લલચાવવામાં આવે છે.” તેઓ સ્વીકારે પણ છે કે કોવિડને કારણે ઘરથી બહાર જવાનું ઓછું થઈ જતા તે ગેમ પાછળ રોજના 4 કલાક ગાળતા હતા. તેઓ જણાવે છે, “કોરોનાને કારણે ઘરથી બહાર તો નીકળાતું નહતું. આવામાં ગેમ રમીએ તો માઈન્ડ ફ્રેશ થઈ જાય. વળી વર્ક ફ્રોમ હોમને કારણે પણ એસાઈન કરેલું કામ પૂરું થઈ જાય પછી ગેમ રમવા માટે સારો એવો સમય મળતો હતો.” ભારતમાં આવા યુવાનોની સંખ્યા ઘણી વિશાળ છે. એટલે જ હવે ઘણી આઈટી કંપનીઓ ગેમિંગ પર પોતાનું ફોકસ શિફ્ટ કરી રહી છે.
અમદાવાદ-સ્થિત ઝટૂન ગેમ સ્ટૂડિયોના ફાઉન્ડર અને સીઈઓ અભિનવ ચોખાવટિયા ગુજરાતની ગેમિંગ ઈન્ડસ્ટ્રી અંગે વાત કરતા જણાવે છે, “ગેમિંગ ક્ષેત્રે ગુજરાતમાં મોટા ભાગે આઉટસોર્સિંગનું કામ જ ચાલે છે. એટલે કે, ગુજરાતમાં ઘણી ઓછી એવી કંપનીઓ છે જે પોતાની ગેમ્સ બનાવે છે. વિદેશી કંપનીઓએ બનાવેલી ગેમ્સના આગળના લેવલ્સ ડેવલપ કરવાનું વગેરે કામ ગુજરાતમાં વધારે થાયછે. ” જો કે અભિનવ ભારપૂર્વક જણાવે છે કે ભારતમાં ગેમ્સ ડેવલપ કરવા માટે જે ટેલેન્ટ જોઈએ તેની તાતી અછત છે. ભારતીય પેરેન્ટ્સ હજુ પણ ગેમ્સને ટાઈમ પાસ તરીકે જ જુએ છે અને પોતાના બાળકને ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે બિલકુલ પ્રોત્સાહિત નથી કરતા. આ ઉપરાંત કોલેજીસમાં પણ ગેમિંગને કેન્દ્રમાં રાખીને કોઈ કોર્સ લોન્ચ કરવામાં આવતો નથી.
આ દ્વિધા અંગે વાત કરતા અભિનવ જણાવે છે, “અમે અમદાવાદ કે ગુજરાતની કંપનીઓ સાથે નહિ, ગ્લોબલ સ્તરે પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. આવામાં એ લેવલની ગેમ બનાવે, કેરેક્ટર્સ ડેવલપ કરી શકે કામ કરી શકે તેવી ટેલેન્ટ શોધવી મુશ્કેલ છે. કોલેજમાંથી ભણીને આવતા યુવાનો પાસે પણ ગેમિંગનું પૂરતું નોલેજ નથી. આથી અમારે આર્ટિસ્ટ કે ડેવલપરને હાયર કર્યા પછી ખાસ્સી ટ્રેનિંગ આપવી પડે છે. “
જો કે અમદાવાદનો 15 વર્ષનો જય મહેતા આ બાબતમાં અનોખો અપવાદ છે. જય ગૂગલ અને યુટ્યુબની મદદથી જાતે જ ગેમ ડેવલપ કરતા શીખ્યો છે અને એ આજે જુદા-જુદા દેશોની કંપનીઓ માટે ગેમ્સ બનાવે છે. છેલ્લા 1.5 વર્ષથી ગેમ ડેવલપમેન્ટ ક્ષેત્રે સક્રિય જય જણાવે છે, “હું હાઈપર કેઝ્યુઅલ અને વન ટેપ મોબાઈલ ગેમ્સ બનાવું છું. અત્યારે આવી ગેમ્સ ખાસ્સી ડિમાન્ડમાં પણ છે. ગેમ ડેવલપ કરીને હું પબ્લિશરને સેલ કરું છું. આપણે ગેમ જાતે પણ પબ્લિશ કરી શકીએ પરંતુ તેના માર્કેટિંગ અને પ્રમોશન માટે ખાસ્સા પૈસા ખર્ચવા પડે છે. આ કારણે જ મોટા ભાગે ઈન્ડિવિજ્યુઅલ ગેમ ડેવલપર્સ પબ્લિશરને ગેમ બતાવે છે અને તેમને પસંદ આવે તો કોન્ટ્રેક્ટ સાઈન કર્યા બાદ પબ્લિશર ગેમ પબ્લિશ કરે છે.” પબ્લિશર્સના કોન્ટેક્ટ્સ ઘણા મજબૂત હોય છે જેની મદદથી તે ગેમને મોટા પાયે પ્રમોટ કરી શકે છે જે ઈન્ડિવિજ્યુઅલ ગેમ ડેવલપર માટે શક્ય નથી. મારિયો, સબ-વે સર્ફર જેવી વન ટેપ ગેમ બનાવવા માટે ડેવલપરને $200-300ની આવક થાય છે.

હાલ ક્લાયન્ટ ઓર્ડર્સ પર આવી જ હાઈપર કેઝ્યુઅલ ગેમ્સ બનાવતો જય જણાવે છે, “વચ્ચે ભારતમાં ઓનલાઈન ગેમિંગની લોકપ્રિયતા બહુ વધી ગઈ ત્યારે મેં કૂતુહલથી તેના અંગે ગૂગલ કર્યું. ત્યાંથી મને યુનિટી ગેમ એન્જિન અંગે જાણવા મળ્યું. ત્યાર પછી ગૂગલની મદદથી અને યુટ્યુબ પર ટ્યુટોરિયલ જોઈને હું ગેમિંગમાં વપરાતી સી શાર્પ (C #) કોડિંગ લેંગ્વેજ શીખ્યો. મેં ફાઈવર વેબસાઈટ પર ફ્રીલાન્સ ગેમ ડેવલપર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યાંથી મને ઓર્ડર્સ મળ્યા કરે છે.” જયનું આયોજન અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારા સ્ટુડિયોમાં ગેમ ડેવલપર તરીકે જોડાવાનું છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દીની તકો ઉજળી છે અને ભારતીય યુવાનો તેના માટે જોઈતી આવડત કેળવી લે તો તે ફક્ત ઈન્ડિયા જ નહિ, વિદેશની ગેમિંગ કંપનીઓ માટે પણ કામ કરીને તગડી આવક ઊભી કરી શકે છે.
સરકાર ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર ફોકસ કરેઃ
ભારતમાં 66 ટકા વસ્તી યુવાનોની હોવા છતાં ગેમિંગ ઈન્ડસ્ટ્રી ફક્ત $2 બિલિયનની છે. વિશ્વમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીનું માર્કેટ $130 બિલિયનનું છે. ભારતમાં વધુ ગેમ્સ ios અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે જ બને છે. આ ઉપરાંત xbox, consol, vr (વર્ચ્યુઅલ રિયાલિટી) અને કોમ્પ્યુટર ગેમ્સનું માર્કેટ ઘણું વિશાળ છે. જો ભારત સરકાર ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં રસ દાખવે તો ઈન્ડિયા આખા વિશ્વનું ગેમ ડેવલપમેન્ટ હબ બની શકે છે. સરકાર આ માટે ઈન્સેન્ટિવ અને ટેક્સ બેનિફિટ આપીને ઈન્ડસ્ટ્રીનું પ્રોત્સાહન વધારી શકે છે. આ ઉપરાંત શૈક્ષણિક સ્તરે પર ગેમિંગ આર્ટિસ્ટ અને ડેવલપર માટે કોર્સ લોન્ચ કરાય તે આવશ્યક છે.