ગુજરાતમાં વધુ તેલ આપતી મગફળીની વરાયટી ગિરનાર-4 અને ગિરનાર-5 વાવેતર વધ્યું
ઓલિક એસિડ વધારે ધરાવતી વરાયટીમાંથી તૈયાર થતું તેલ દસથી બાર મહિના સુધી ખોરું થઈ જતું નથી. અન્ય મગફળીનું તેલ 3થી 4 મહિનામાં ખોરું થઈ જાય છે.
ગિરનાર-4 અને ગિરનાર-5 વરાયટીમાંના ઓલિક એસિડના ઘટકો વધુ હોવાને કારણે સ્થાનિક સ્તરે અને નિકાસના બજારમાં તેની ખપત વધી જશે
– જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ મગફળીની નવી ડેવલપ કરેલી વરાયટીને ડીમાન્ડ વધીઃ 1.20 લાખ કિલો બિયારણનું વેચાણ થયું
દેશમાં 20000 એકરથી વધુ જમીનમાં નવી વરાયટી ગિરનાર-4 અને ગિરનાર-5નું વાવેતર થવાની શક્યતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ.આર.કે.કાચડિયા, આઈસીએઆર-ડીજીઆરના ડૉ. ટી. રાધાકૃષ્ણન, આઈસીઆરઆઈએસએટીના ડૉ. એસ.એન. નિગમે મળીને દસ વર્ષના પ્રયાસોને અંતે નવી તન્દુરસ્તી વધારતી વરાયટી વિકસાવી
એક એકરે 1000 કિલો સિંગનું ઉત્પાદન આપતી વરાયટી હોવાથી ખેડૂતોને થતાં ફાયદામાં વધારો થશે
નવી વરાયટીના દાણા અને તેલની અમેરિકા, યુરોપ અને જાપાનના બજારમાં તેની ડિમાન્ડ વધશે. પરિણામે નિકાસકારો તેના પ્રીમિયમ પ્રાઈસ મેળવી શકશે.
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ મગફળીની નવી વરાયટી ગિરનાર-4 અને ગિરનાર-5 ડેવલપ કરી છે. આ વરસે ગુજરાતમાં નવી વરાયટીના બીજની ધૂમ લેવાલી રહી છે. આ મગફળીનું 12 લાખ કિલો બિયારણ વેચાઈ ગયું છે. જૂનાગઢના બે અને હૈદરાબાદના ચાર મળીને છ વિજ્ઞાનીઓએ દસ વર્ષ સુધી સંશોધન કરીને તૈયાર કરેલી વરાયટી સિંગતેલ ખાનારાઓની તન્દુરસ્તી સાચવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ગિરનાર-4 અને ગિરનાર-5 તરીકે ઓળખાતી મગફળીની વરાયટી ડેવલપ કરનારા વિજ્ઞાનીઓમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ.આર.કે.કાચડિયા, આઈસીએઆર-ડીજીઆરના ડૉ. ટી. રાધાકૃષ્ણન, આઈસીઆરઆઈએસએટીના ડૉ. એસ.એન. નિગમનો સમાવેશ થાય છે. ગિરનાર-4 અને ગિરનાર-5 વરાયટીમાંના ઓલિક એસિડના ઘટકોને કારણે સ્થાનિક સ્તરે અને નિકાસના બજારમાં તેની ખપત વધારી દેશે તેમાં કોઈ જ બેમત નથી. તેમાંય ખાસ કરીને તન્દુરસ્તીની બાબતમાં સભાન વ્યક્તિઓ તેનો વપરાશ કરવા આકર્ષાશે.
ઓલિક એસિડ વધારે ધરાવતી વરાયટીની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાંથી તૈયાર થતું તેલ દસથી બાર મહિના સુધી ખોરું થઈ જતું નથી. અન્ય મગફળીનું તેલ 3થી 4 મહિનામાં ખોરું થઈ જાય છે. તેથી પ્રીઝર્વેટિવનો વપરાશ ઓછો થશે. અમેરિકા, યુરોપ અને જાપાનના બજારમાં તેની ડિમાન્ડ વધશે. પરિણામે નિકાસકારો તેના પ્રીમિયમ પ્રાઈસ મેળવી શકશે. મગફળી અને તેલ બંનેના ઊંચા ભાવ મળી શકશે. રેડી ટુ ઇટ પેકેટ્સ બનાવીને વેચતા ઉદ્યોગ માટે ઉપયોગી તેલ છે. કારણ કે તળવાની પ્રક્રિયા દરમિયાન તેલની ગુણવત્તા બગડતી નથી. તેનો વપરાશ વધુવાર કરી શકાય છે. એક વાર તળ્યા પછી તેને ફેંકી દેવાની નોબત આવશે નહિ. ગિરનાર-4 અને ગિરનાર-5માંનું ઓલિક એસિડનું ઊંચું હોવાથી તે લિટરદીઠ રૂ. 3000ના ભાવના ઓલિવ ઓઈલ જેવા જ લાભ આપે છે.
ગિરનાર-4 અને ગિરનાર-5માંનું ઓલિક એસિડનું ઊંચું પ્રમાણ બીજું કઈ જ નહિ, પરંતુ મોનોસેચ્યુરેટેડ ઓમેગા-9 ફેટી એસિડ જ છે. ઓલિવ ઓઈલમાં અને એવોકાડાના ઓઈલમાં તેનું ઘટક વધુ જોવા મળે છે. ઓલિવ ઓઈલ એક લિટરે રૂ. 3000ના ભાવે મળે છે. જ્યારે મગફળીનું તેલ રૂ.200ના લિટરદીઠ ભાવે મળે છે. નવા ઘટકને કારણે તેના કિલોદીઠ ભાવમાં રૂ. 50થી 100નો ઉમેરો થઈ શકે છે. કોમર્શિયલ ધોરણે તેનું ઉત્પાદન અને વેપાર કરનારાઓ તેનો લાભ ઊઠાવશે.
મગફળીમાંનો ઓલિક એસિડ લૉ ડેન્સિટી લિપો પ્રોટીન-એલડીએલનું પ્રમાણ ઘટાડી શકે છે. એલડીએલનું પ્રમાણ વધી જાય તો મનુષ્યને હાર્ટએટેક આવી શકે છે. આમ ગિરનાર-4 અને ગિરનાર-5 મગફળીમાંથી કાઢવામાં આવતા તેલમાં 80થી 82 ટકા ઓલિક એસિડ હોવાથી તે માનવ હૃદય માટે તન્દુરસ્તી આપનાર તેલ તરીકે ઓળખાય છે. તેના વપરાશથી હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન(હાર્ટ એટેક સામે રક્ષણ આપતું કોલેસ્ટરોલ વધે છે. તેનાથી પક્ષાઘાતનો હુમલો આવવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીમાંથી કાઢવામાં આવેલા સિંગતેલનો વપરાશ કરનારની શિરા અને ધમનીઓમાં પરત બાઝતી નથી. તેથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જવાની સંભાવના ઘટી જાય છે. તેમ જ ધમની અને શિરા કે રક્તવાહીનીઓ બરડ થઈ જવાની એટલે કે તેની સ્થિતિસ્થાપકતા ઘટી જવાની સંભાવના સીમિત થઈ જાય છે. રક્તવાહિનીનો માર્ગ સંકોચાઈ જતો નથી. રક્તવાહિનીનો માર્ગ સંકોચાઈ જાય તો લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને સમય જતાં માનવ તન્દુરસ્તીને ખરાબ કરી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો હૃદય, મગજ અને અન્ય અવયવોની કામગીરી ખોરવી નાખે છે. ખરાબ કોલેસ્ટરોલ વધે તો ટ્રાયગ્લિસરાઈડ પણ વધે છે. તેનાથી આરોગ્યને લગતાં જુદાં જુદાં પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. માનવ શરીરની ચયાપચયની ક્રિયાને સુધારે છે એમ અમેરિકન હાર્ટ એસોસિયેશન પણ સ્વીકારે છે. ચયાપચયની ક્રિયા સુધરતા વજન વધવાની સમસ્યા પણ હળવી થાય છે.
સંધિવાના દર્દીઓ માટે પણ ગિરનાર-4 અને ગિરનાર-5 વરાયટીની મગફળીનું તેલ લાભ દાયક બની શકે છે. ખોરાક ન પચવાની અને ખાટા ઓડકાર આવવાની સમસ્યા ઓછી થાય છે. અલ્ઝાઈમર જેવા રોગ સામે પણ ઓલિક એસિડ રક્ષણ આપી શકે છે. ઓલિક એસિડ માનવ શરીરની ચામડીનો ભેજ જાળવી રાખવામાં મદદ કરતું હોવાથી ચામડીના કોશની અખંડિતતા જળવા રહે છે. કોશનો નાશ થવાની પ્રક્રિયા ધીમી પડે છે.
ગિરનાર-4 ને ગિરનાર-5ની ખાસિયતો 22
ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીમાં ઓલિક એસિડનું પ્રમાણ વધારે છે.
ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીની મગફળીનો પાક 105થી 110 દિવસમાં તૈયાર થઈ જાય છે.
ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીનો છોડ ટટ્ટાર ઊભો રહે છે. દૂરથી જોઈએ તો દરેક છોડ એક સમાન જ લાગે છે.
એક એકરમાં અંદાજે 1000 કિલોનું ઉત્પાદન આપે છે.
હૃદયરોગ સામે રક્ષણ આપે છે. કોલેસ્ટરોલનું લેવલ સામાન્ય રાખે છે. ઓલિવ ઓઈલની જેમ જ ઓલિક એસિડના વધુ ઘટકો ધરાવતું મગફળીનું તેલ વધુ તન્દુરસ્ત ગણાય છે.
ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીમાં મગફળીના કુલ વજનમાં દાણાનું વજન 70 ટકા હોય છે.
ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીમાં ઓલિક એસિડનું પ્રમાણ 80થી 82 ટકા હોય છે. જ્યારે જૂની જીજી-20 તરીકે ઓળખાતી મગફળીમાં ઓલિક એસિડનું પ્રમાણ 35થી 45 ટકા જેટલું હોય છે.
લિનોલિક એસિડનું પ્રમાણ ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીમાં 4થી 6 ટકા હોય છે. જૂની વરાયટીમાં તેનું પ્રમાણ 20થી 30 ટકા રહેતું હતું.
ગિરનાર-4 અને ગિરનાર-5ની વરાયટીમાં તેલનું કન્ટેન્ટ 50થી 52 ટકા હોય છે. જ્યારે જૂની વરાયટીમાં તેલું પ્રમાણે 46 ટકાની આસપાસનું રહેતું હોય છે.
ગિરનાર-4 અને ગિરનાર-5 વરાયટીના તેલની શેલ્ફલાઈફ વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ તેલ 10થી 12 મહિના સુધી ખોરું થઈ જતું નથી. ઓલિક અને લિનોલિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી આ શક્ય બન્યું છે.
ગિરનાર-4 અને ગિરના-5 વરાયટીના તેલમાંથી બનાવેલી વાનગીઓની લાઈફ પણ સામાન્ય વાનગી કરતાં વધુ રહે છે.