પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરનારાઓ માટે પહેલી ઓગસ્ટથી અમલમાં આવી રહેલા નવા નિયમો
પહેલી ઓગસ્ટથી યુપીઆઈ માટે નવા નિયમો અમલમાં આવશેઃ આડેધડ બેલેન્સ ચેક કર્યા કરશો તો પેમેન્ટ સિસ્ટમ અટકી પડશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર તા, 26 જુલાઈ 2025
યુનિફાઈડ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ(UPI)ના ટૂંકા નામથી ઓળખાતી પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને આજકાલ યુવાનો મોટાભાગના પેમેન્ટ કરે છે. તેની પાસે રોકડા હાથમાં કે પર્સમાં હોતા જ નથી. તેઓ તમામ કામગીરી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી જ ચલાવી રહ્યા છે. તેમના આ વલણને પરિણામે બિનહિસાબી નાણાંનો વહેવાર ઘટી રહ્યો છે. સરકારને ટેક્સની આવક વધી રહી છે. આવકવેરા અને જીએસટી બંનેની આવકમાં વધારો થઈ રહ્યો છે. પહેલી ઓગસ્ટથી આ સિસ્ટમને સરકાર વધુ સંગીન બનાવવા જઈ રહી છે. તેને માટે તેમાં કેટલાક ફેરફાર કરી રહી છે.
NPCI દ્વારા મેનેજ કરાતી પેમેન્ટ સિસ્ટમ
હોટલના, ચાની લારીના, મિત્રો સાથે ફિલ્મ જોવા માટેની ટિકીટના કે પછી બસમાં કે ઓલા, ઉબેર અને રેપિડો જેવી ટેક્સિ રિક્ષા સર્વિસનો ઉપયોગ કર્યા પછીના પેમેન્ટ યુપીઆઈના માધ્યમથી જ કરવામાં આવી રહ્યા છે. પોતાના બેન્ક એકાઉન્ટમાંના બેલેન્સની ચકાસણી પણ તેઓ યુપીઆઈની એપનો ઉપયોગ કરીને જ કરી રહ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-એનપીસીઆઈ(NPIC) યુપીઆઈની સંપૂર્ણ પેમેન્ટ સિસ્ટમને મેનેજ કરે છે. તેણે પહેલી ઓગસ્ટથી અમલમાં મૂકવાના નવા નિયમો તૈયાર કર્યા છે. યુપીઆઈ સિસ્ટમ પરનો બોજ હળવો કરવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. યુપીઆઈના માધ્યમથી થતાં પેમેન્ટની ઝડપ વધારવા માટે તથા યુપીઆઈ એપ પરથી થતાં પેમેન્ટને વધુ સલામત બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ફેરફારનો કરોડો વપરાશકારોને ફાયદો થશે.
દિવસમાં માત્ર 25 વાર બેલેન્સ ચેક કરી શકાશે
બેલેન્સ ચેક કરવા માટેને આવતી ફાલતુ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે નહિ. બેલેન્સ ચેક કરવા પર મર્યાદા મૂકી દેવામાં આવી. યુપીઆઈની એક એપ પર દિવસના 25 વાર જ બેલેન્સ ચેક કરી શકાશે. જૂની વ્યવસ્થામાં દિવસના 50 વાર બેલેન્સ ચેક કરી શકાતા હતા. વારંવાર બેલેન્સ ચેક કરી આપવાની રિક્વેસ્ટને કારણે યુપીઆઈના વહેવારોની ગતિ મંદી પડી જતી હોવાનું જોવા મળે છે.
ઓટો પ્લે માટેનો અલગ ટાઈમ સ્લોટ મળશે
બિલ, સબસ્ક્રિપ્શન અથવા તો ઇન્વેસ્ટમન્ટ માટેના ઓટો પ્લે માટે વપરાશકારોએ અલગ ટાઈમ સ્લોટ પસંદ કરવો પડશે. પીક અવર્સમાં ઓટો પ્લે બિલ, સબસ્ક્રિપ્શનની સુવિધા વહેલી સવારે, બપોરે અને મોડી રાત્રે આ સુવિધા મળશે નહિ. તેનાથી સર્વર ધીમું પડી જતાં હોવાથી ઉપરોક્ત ત્રણ ટાઈમ સ્લોટમાં ઉપર જણાવેલી ત્રણ સુવિધાઓ મળશે નહિ. પરિણામે સામાન્ય પેમેન્ટ ઝડપથી થઈ શકશે.
ટ્રાન્ઝેક્શન ફેઈલ ગયું છે કે નહિ તેની દિવસમાં માત્ર ત્રણવાર જ ચકાસણી કરી શકાશે. એકવાર ચેક કર્યા પછી બીજીવાર ચેક કરવા માટે વપરાશકારે નેવું સેકન્ડ સુધી રાહ જોવી પડશે. તમારા ટ્રાન્ઝેક્શન ફેઈલ ગયા છે કે નહિ તેની ચકાસણી કરવા માટે તમે વારંવાર રિફ્રેશ બટન દબાવ્યા કરશો તો તમને તમારા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાની વિગતો મેળવવામાં વધુ તકલીફ પડશે. આ સિસ્ટમ વધુ સરળતાથી કામ કરે તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
યુપીઆઈનો ઉપયોગ કરવા માટેના નિયમોનું ચુસ્ત પાલન કરો નહિ તો
યુપીઆઈનો ઉપયોગ કરવા માટેના નિયમનું ચુસ્ત પાલન ન કરવામાં આવે તો એનપીસીઆઈ તમારા ટ્રાન્ઝેક્શન બ્લોક કરી શકે છે. તમને કેટલીક સેવાઓથી વંચિત કરી દેવામાં આવે તેવી સંભાવના છે. સમગ્ર સિસ્ટમને સ્થિર રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. તેને પરિણામે સિસ્ટમમાં નવા વપરાશકારોનો ઉમેરો કરી શકાશે. સિસ્ટમ એકદમ સ્લો ન થઈ જાય તે માટેની તકેદારી રૂપે આ પગલાં લેવાયા છે.
સિક્યુરિટીના નિયમો અમલમાં આવી ગયા
સિક્યોરિટી માટેના નિયમોનો તો 30મી જૂનથી જ અમલ ચાલુ કરી દેવામાં આવ્યો છે. યુપીઆઈની પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી થતાં પેમેન્ટને સમર્થન આપતા પહેલા નાણાં મકલનારનું નામ નાણાં રીસિવ કરનાર જોઈ શકશે. તેને પરિણામે ખોટા પેમેન્ટ થતાં અટકી જશે. તેમ જ સિસ્ટમનો વપરાશ કરનારા ગ્રાહક સાથે ફ્રોડ થતાં ઓછા થઈ જશે. આ નિયમોને કારણે સિસ્ટમમાં વિલંબ થતો અટકી જશે.