બાય નાઉ પે લેટરઃ ચેતશો નહિ તો દેવાના ડુંગરમાં દબાઈ જશો
ગળાકાપ પ્રતિસ્પર્ધામાં ગ્રાહકોને જકડી રાખવા હવે કંપનીઓ પોતાના ખિસ્સામાંથી ખરીદી કરવા રૂપિયા આપતી થઈ ગઈ છે
પછી પૈસા ચૂકવવાની લાલચે આડેધડ ખરીદી કરતા ગ્રાહકો દેવાની જાળમાં ફસાઈ શકે છે

આપણા વડવા હંમેશાથી સલાહ આપતા- ચાદર જોઈને પગ પહોળા કરવા. અર્થાત્, ક્ષમતા કરતા વધારે ખર્ચ ક્યારેય કરવો નહિ. ઓનલાઈન શોપિંગના જમાનામાં તમે ફોન અનલોક કરો અને ફરી લોક કરો એટલા ગાળામાં પણ અણધારી ખરીદી થઈ જાય છે. યંગ જનરેશનના શોપિંગ કરવાના વલણને વધુ હવા આપી છે બાય નાઉ પે લેટર જેવી સ્કીમ્સે. ધારો કે, તમને લેટેસ્ટ લોન્ચ થયેલો આઈફોન ખરીદવાની ખૂબ ઈચ્છા છે, પરંતુ હાલ તમારી પાસે પૈસાની સગવડ નથી. આવામાં કોઈ તમને કહે કે હું તમને પૈસા આપુ છું ફોન ખરીદવા માટે. પછી અનુકૂળતાએ બે-ચાર મહિને તમે રૂપિયા પરત કરી દેજો. આ સંજોગોમાં તમે ફોન ખરીદશો કે નહિ? મોટા ભાગના લોકો હા જ પાડશે. બાય નાઉ પે લેટર સ્કીમ મારફતે શોપિંગ પ્લેટફોર્મ્સ, વિવિધ કંપનીઓ ગ્રાહકોને આ જ રીતે જરૂર કરતા વધુ શોપિંગ કરવા, ખર્ચ કરવા લલચાવે છે.
હવે ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ્સ, મોબાઈલ એપ્સ, અને બેન્કો પણ ગ્રાહકોને આ વિકલ્પ આપતી થઈ છે. સ્વીગી-ઝોમેટો જેવી ફૂડ એપ્લિકેશન પર પણ પે લેટરનો વિકલ્પ ઉપલબ્ધ છે. ઓલા પોસ્ટપેઈડ, એમેઝોન પે લેટર, એચડીએફસી બેન્કનું ફ્લેક્સી પે, લેઝી પે, સ્લાઈસ વર્ચ્યુઅલ કાર્ડ વગેરે કેટલાંક અગ્રણી પ્લેટફોર્મ્સ, એપ્સ છે જે ગ્રાહકોને બાય નાઉ પે લેટરની સુવિધા આપે છે. આ સ્કીમને શોર્ટ ટર્મ ફાયનાન્સિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જુદા જુદા સર્વિસ પ્રોવાઈડર તેમની સગવડ મુજબ 15થી 30 દિવસનો ઈન્ટરેસ્ટ ફ્રી પીરિયડ આપે છે. અર્થાત્, આ ગાળામાં તમારે રકમ ઉપર કોઈ વ્યાજ ચૂકવવાનું નથી. ત્યાર પછી ગ્રાહક એક સાથે અથવા તો 1 મહિનાથી 12 મહિના સુધીના હપ્તામાં આ રકમ ચૂકવી શકે છે.
બાય નાઉ પે લેટર સ્કીમની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે તેમાં ટ્રેડિશનલ બેન્ક લોનની જેમ કોઈ પેપરવર્ક કરવાની જરૂર પડતી નથી. યુઝર્સ તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેનો લાભ મેળવી શકે છે. આ માટે તેમણે ઈ-કેવાયસી આપવાના રહે છે. મોટા ભાગના કેસમાં તેનું વીડિયો ઓથેન્ટિકેશન પણ કરવામાં આવતું નથી. રિઝર્વ બેન્કે નિયમ બનાવ્યો છે કે ગ્રાહક તેના પૂરેપૂરા કેવાયસી ન આપે ત્યાં સુધી તેને 12 મહિના કરતા વધુ ગાળા માટે અને રૂ. 60,000 કરતા વધુ રકમની લોન આપવામાં ન આવે. આ જ વાત બાય નાઉ પે લેટરને પણ લાગુ પડે છે.

એક રીતે બાય નાઉ પે લેટર (BNPL) ડિજિટલ ક્રેડિટ કાર્ડનું ડિજિટલ કે એપ વર્ઝન જેવું જ છે. વાત એમ છે કે આ સ્કીમ હેઠળ હવે દરેક કંપનીને પોતે પોતાના ગ્રાહકોને ફાયનાન્સ કરવાની સત્તા મળી ગઈ છે. આ અંગે વાત કરતા ઓનલાઈન બિઝનેસ કન્સલ્ટન્ટ વિવેક સુરાની જણાવે છે, “ક્રેડિટ કાર્ડ બધા પાસે હોતું નથી. BNPL સ્કીમ અંતર્ગત કંપનીઓ પોતાના લોયલ કસ્ટમરને ક્રેડિટ આપતી થઈ ગઈ છે. BNPLનો વધતો ટ્રેન્ડ એ જ દર્શાવે છે કે હાલ માર્કેટમાં કેશ ક્રન્ચ કેટલી હદે વધારે છે. ગળાકાપ પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા કંપનીઓ હવે પોતાના ગ્રાહકોને કહે છે કે પૈસા અમે આપીશું, પણ તમે ખરીદી કરો. તમારી અનુકૂળતાએ પછીથી પૈસા આપી દેજો. કોઈપણ કંપની પોતાના હાથમાંથી ક્લાયન્ટ જવા દેવા નથી માંગતી અને તેને પોતાની સાથે જોડીને રાખવા માંગે છે. તેમના માટે આ સર્વાઈવલ ગેમ છે.”
ખાસ કરીને એમેઝોન, ઓલા, ફ્લિપકાર્ટ જેવી તગડું ટર્નઓવર ધરાવતી કંપનીઓ આ સ્કીમ મારફતે વધારે ગ્રાહકોને લલચાવવાની કોશિશ કરી રહી છે. તેમની પાસે પૈસા પૂરતા છે પરંતુ હવે બિઝનેસ ઝડપથી વધતો ન હોવાથી તેઓ ગ્રાહકોને થોડા સમય માટે પોતાના ખિસ્સામાંથી પૈસા આપીને પણ તેમના પ્લેટફોર્મ પરથી ખરીદી કરવા જણાવી રહ્યા છે.
જો કે આમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાની આઈટમ્સ વેચતા વેપારીઓને બખ્ખા થઈ ગયા છે. ગ્રાહકોને ખરીદી કરવા માટે પૈસા કંપનીઓ આપી રહી છે, આથી તેમને તો એક રૂપિયાનું પણ નુકસાન નથી. બીજી બાજુ, BNPLને કારણે ગ્રાહકો વધુ ખરીદી કરતા થયા હોવાને કારણે તેમનું વેચાણ પણ વધ્યું છે. કોરોના પછી મંદ પડી ગયેલા અર્થતંત્રમાં પ્રાણ પૂરવામાં પણ આવી સ્કીમો સારુ યોગદાન આપે છે. જો કે વિવેક સુરાની માને છે, “રિયલ માર્કેટ સિનારિયો જોઈએ તો હાલ બિઝનેસમાં જોઈએ એવો બૂસ્ટ મળ્યો નથી. જો સામાન્ય સંજોગોમાં આવી સ્કીમ લોન્ચ કરી હોત તો કંપનીઓનું ટર્ન ઓવર પાંચ ગણું વધી ગયું હોત. અત્યારે લોકો પૈસા મળતા હોવા છતાંય ખરીદી કરતા વિચારે છે. ધંધો સારો જ ચાલ્યા કરશે તેવી બાંહેધરી નથી અને વળી લોકો પાસે કોવિડને કારણે જોઈએ તેવું ફાયનાન્શિયલ બેક અપ પણ નથી રહ્યું. આથી આવી સ્કીમો લોન્ચ કર્યા પછી પણ બિઝનેસ મેળવવામાં કંપનીઓને મુશ્કેલી પડી રહી છે.”
ગ્રાહકો BNPLનો લાભ લેતા પહેલા ચેતી જાયઃ
BNPL સ્કીમ પહેલી દૃષ્ટિએ ખૂબ ફાયદાકારક અને લોભામણી લાગે છે. ગ્રાહકને થાય- હમણા ખરીદી લઉં, પછી પૈસાની વ્યવસ્થા થઈ જશે. પરંતુ આ ચક્કરમાં સંભાળીને નહિ ચાલો તો દેવાના ડુંગરમાં દબાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. આ સ્કીમના કેટલાંક ગેરફાયદા પણ જાણી લોઃ
– તમારો ખર્ચ વધી શકે છે.
– તમે ન જોઈતી ચીજો પણ ખરીદવા આકર્ષાઈ શકો છો, જેને કારણે લાંબે ગાળે તમારી આર્થિક મજબૂતી તૂટી શકે છે.
– ડેટ ટ્રેપ એટલે કે દેવા અને વ્યાજની જાળમાં ફસાઈ શકો છો જેમાંથી બહાર આવવું મુશ્કેલ બની શકે છે.
– સમયસર પેમેન્ટ ન કરી શકો તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે જેને કારણે ભવિષ્યમાં લોન લેવામાં તકલીફ પડી શકે છે.
BNPL પર પસંદગી ઉતારતા પહેલા આટલું ધ્યાન રાખોઃ
– ઈન્ટરેસ્ટ રેટ ચેક કરો. તમે સમયસર રૂપિયા નહિ ચૂકવી શકો તો કેટલું વ્યાજ ચડશે તે તમને ખબર હોવી જોઈએ.
– જુદી જુદી BNPLની સર્વિસની સરખામણી કરો. વધુ ફાયદાકારક લાગે તેની પસંદગી કરો.
– તમને કોણ કેટલા રિવોર્ડ પોઈન્ટ્સ કે બોનસ આપે છે તે ચેક કરો. વધુ લાભ મળતો હોય તે સ્કીમ પર પસંદગી ઉતારો.
– ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહો. તમે કયા સેગમેન્ટ (ફૂડ, કપડા, ઈલેક્ટ્રોનિક્સ વગેરે)માં વધુ ખર્ચ કરો છો તે તપાસો.

તમે સમયસર પેમેન્ટ ન કરી શકો તો?
ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોના મતે બાય નાઉ પે લેટર કલ્ચરને વધુ વેગ મળશે તો ભારતમાં પણ અમેરિકાની જેમ ઘણા લોકો નાદાર થઈ જશે. હમણા ખરીદો, પૈસા પછી આપજો- સ્કીમ દેખાય છે લલચામણી પરંતુ એ ભૂલવું ન જોઈએ કે પાછળથી તેના પૈસા તો આપવાના જ છે. કંપનીઓ ક્રેડિટની મર્યાદા પૂરી થાય પછી પ્રતિદિન રૂ. 50થી 100ની લેટ ફી વસૂલે છે. આ રકમ નાની લાગે પરંતુ ટકાવારીની દૃષ્ટિએ ઘણી વધારે છે. તેને કારણે અનેક લોકો દેવાની અનંત જાળમાં ફસાઈ શકે છે. ભારત જેવા દેશમાં 20 કરોડ લોકોને રૂ.1 પણ ક્રેડિટ પર આપવામાં આવે તો રૂ. 20 કરોડ થાય અને રૂ. 10 આપવામાં આવે તો રૂ. 200 કરોડ થાય. વાત હમણા નાની લાગે છે પણ ભવિષ્યમાં તે મોટું સ્વરૂપ લઈ શકે છે. વળી, જે લોકો પૈસા ચૂકવી ન શકે તેમની પાસેથી વસૂલી કરવા કંપનીઓ શું કરી શકે તેની અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. આથી ગ્રાહકોએ ખૂબ સમજી વિચારીને BNPLનો લાભ લેવો જોઈએ.
BNPL અંતર્ગત કોણ કેટલી ક્રેડિટ આપે છે?
(ગાળો 1 મહિનો)
લેન્ડર ઈનિશિયલ ક્રેડિટ ઈન્ટરેસ્ટ ફ્રી પીરિયડ
ફ્લિપકાર્ટ પે લેટર ₹10,000 35 દિવસ સુધી
એમેઝોન પે લેટર ₹10,000 45 દિવસ સુધી
HDFC બેન્ક ફ્લેક્સીપે ₹1000-60,000 15 દિવસ સુધી
ICICI બેન્ક પે લેટર ₹5000-20,000 45 દિવસ સુધી
લેઝી પે લેટર ₹500-9999 15 દિવસ સુધી
મોબિક્વિક ઝિપ ₹500-30,000 15 દિવસ સુધી
ભારત સરકારની સેવામાં પણ BNPL સુવિધાઃ
ભારત સરકાર હસ્તકના ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટમાં પણ બુક નાઉ પે લેટર (BNPL)ની સુવિધા આપવામાં આવે છે. જે ગ્રાહક એક મહિનામાં રૂ.10,000થી વધુના સ્પીડ પોસ્ટ કરે તેમને આ વિકલ્પ આપવામાં આવે છે. તેના માટે ઓથોરિટી સાથે ગ્રાહકે એક એગ્રીમેન્ટ કરવો પડે છે અને બેન્ક ગેરન્ટી પણ આપવી પડે છે. આ કોન્ટ્રેક્ટનો ગાળો 1 વર્ષનો હોયછે. જે મહિને બિલ બને તેના છેલ્લા દિવસ સુધીમાં ગ્રાહકે પૈસા ચૂકવી દેવાના રહે છે. જો ડ્યુ ડેટ સુધી પૈસા ન ચૂકવાય તો વાર્ષિક 12 ટકાના દરે પેનલ્ટી લાદવામાં આવે છે.

કોરોના બાદ લોકોમાં રિવેન્જ પરચેસ એટલે કે લાંબો સમય સુધી શોપિંગ ન કરી શકવાને કારણે બદલો લેવાની ભાવનાથી શોપિંગ કરવાનું વલણ વધ્યું છે. આ કારણે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે ફેસ્ટિવ સીઝન સેલની પહેલા પહેલા BNPL માટે એપ્લાય કરનારા ગ્રાહકોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. ઝેસ્ટમનીએ 50 ટકા નવા ગ્રાહકો મેળવ્યા છે જ્યારે CASHe પ્લેટફોર્મનો કસ્ટમર બેઝ માસિક ધોરણે 35 ટકા જેટલો વધઈ રહ્યો છે. તેમણે ફક્ત સપ્ટેમ્બરમાં જ 40,000 જેટલી BNPL લોન આપી હતી. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ટિયર 2 અને 3 એટલે કે નાના શહેરના યુવાનો પણ હવે આ માધ્યમથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. બાય નાઉ પે લેટર અપાતી લોનમાંથી લગભગ 80 ટકા લોન ચૂકતે થઈ જતી હોવાનું જોવા મળે છે.