• 9 October, 2025 - 5:51 AM

મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટમાંથી ક્યારે બહાર નીકળી જવું જોઈએ?

શેરબજાર રોકાણકારોમાં કન્ફ્યુઝનઃ માર્કેટ પૂર તેજીમાં છે ત્યારે પ્રોફિટ બુક કરીને નીકળી જવું જોઈએ કે પછી રોકાણ ચાલુ રાખવું જોઈએ?
 
ree

 

અત્યારે શેર બજાર રોજ નવી સપાટી સ્પર્શી રહ્યું છે ત્યારે ઘણા રોકાણકારોને કન્ફ્યુઝન છે કે શું તેમણે હમણા માર્કેટમાંથી પ્રોફિટ બુક કરીને નીકળી જવું જોઈએ? માર્કેટ નીચે જાય ત્યારે ફરી એન્ટ્રી લેવાની તક ઝડપી લેવાય? માર્કેટનું ટાઈમિંગ ક્યારે કેવું હશે તે કહેવું અશક્ય છે. મારો વિશ્વાસ કરો કે તમે આજે એક્ઝિટ લેશો અને પછી રિ-એન્ટર થવાનો પ્રયત્ન કરશો તો તમારે આજના લેવલ કરતા પણ ઊંચા લેવલે એન્ટર થવું પડશે. જુદી-જુદી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને જુદા-જુદા સ્ટોક માટે આ ગણિત જુદા પડી શકે છે.

 

એક રોકાણકાર તરીકે તમારે એક વાત મગજમાં રાખવી જોઈએ. શેર બજારમાં કોઈપણ વ્યક્તિ સાચા સમયે પ્રવેશી શકે છે પરંતુ ફક્ત સમજુ ઈન્વેસ્ટર જ બજારમાંથી સાચા સમયે એક્ઝિટ લઈ શકે છે. તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા સમય સુધી ઈન્વેસ્ટ કરશો તો ઈન્વેસ્ટમેન્ટનો ગાળો પૂર્ણ થયા પછી તમને ખરેખર સારુ રિટર્ન મળશે. ખાસ કરીને જો તમે ઈક્વિટી ફંડમાં ઈન્વેસ્ટ કર્યું હશે તો. પરંતુ અમુક સંજોગો ઊભા થાય તો તમારે ડ્યુરેશન પૂરુ થતા પહેલા જ મ્યુચ્યુઅલ ફંડમાંથી એક્ઝિટ લઈ લેવી જોઈએ. હું હંમેશાથી ભારપૂર્વક જણાવતો રહ્યો છું કે તમારે તમારા ઈન્વેસ્ટમેન્ટનો ટ્રેક રાખવો જોઈએ. એસેટ એલોકેશન અને ડાઈવર્સિફિકેશનથી તમે ઘણા અંશે માર્કેટમાં આવતા ઉતાર-ચડાવથી તમારા રોકાણને બચાવી શકો છો. પરંતુ ઘણા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી એક્ઝિટ થવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. નીચેના પાંચ સંજોગોમાં તમારે ફંડ ક્લોઝ કરાવવાની દિશામાં વિચાર કરવો જોઈએ.

 

1. ફંડનું પરફોર્મન્સ સતત ખરાબ રહેતું હોયઃ

 

જો તમારા ફંડનું પરફોર્મન્સ સતત, લાંબા ગાળા માટે ખરાબ રહેતું હોય તો તમારે તેને નવી દૃષ્ટિથી જોવાનો સમય પાકી ગયો છે. એનો મતલબ એ નહિ કે એક મહિના માટે કોઈ ફંડનું પરફોર્મન્સ ખરાબ હોય તો તમે સ્કીમમાંથી એક્ઝિટ લઈ લો. ફંડના પરફોર્મન્સને છેલ્લા ચાર ક્વાર્ટરના એવરેજ પરફોર્મન્સ સાથે સરખાવીને જુઓ. તમારા ફંડનું પરફોર્મન્સ કેમ ખરાબ થયું છે તેના કારણોનું વિવરણ કરો.

જો ફંડે કોઈ ખોટા સમયે કોઈ ખોટા સેક્ટરમાં રોકાણ કર્યું હોય તો પણ તેનું પરફોર્મન્સ ખરાબ થઈ શકે છે. બીજા કેસમાં ડેટ ફંડે ક્રેડિટ રેટિંગ ઓછુ કે ખરાબ હોય તેવી સિક્યોરીટીઝમાં રોકાણ કર્યું હોય તો પણ અપેક્ષા પ્રમાણે ઊંચુ રિટર્ન ન મળતું હોય તેવું બની શકે છે. જો તમારુ ઈક્વિટી ફંડ ઈન્ડેક્સ ફંડ કે પછી બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરતા ખરાબ પરફોર્મ કરતું હોય તો તે પણ સારા એંધાણ નથી. જો આમાંથી કોઈ પણ કારણસર તમારુ ફંડ સારુ પરફોર્મ ન કરતું હોય તો તમારે એ સ્કીમમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ.

 

2. તમારો અને તમારા ફંડનો હેતુ અલગ પડતો હોયઃ

 

તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ઈન્વેસ્ટ કરતા હોવ ત્યારે એ વાતની ખાતરી કરો કે તમારો અને તમારા ફંડનો રોકાણનો હેતુ એક સમાન હોય. ઘણી વાર ફંડ બદલાવના ગાળામાંથી પસાર થતો હોય છે. તે ફાર્મા ફંડ બનવાની કોશિશ કરતો હોય કે પછી ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડ બનવાની કોશિશ પણ કરતો હોય. આ કારણે તમારા ફંડનું ધ્યાન એક જ પ્રકારના સેક્ટર પર ફોકસ થતું હોવાથી રિસ્ક વધી જાય છે. એવી સ્થિતિ પણ આવી શકે છે જ્યારે તમારુ ફંડ કોઈ બીજી સ્કીમ સાથે મર્જ થતું હોય. બીજા ઉદાહરણ તરીકે, તમારા ફંડનો ઝુકાવ બદલાઈ રહ્યો હોય તો આવી સ્થિતિને કારણે તમારા ફંડના મુખ્ય પ્રકારમાં ફેરફાર થઈ શકે છે. તમે જો આ પરિવર્તનથી ખુશ ન હોવ તો તેને તમારા પોર્ટફોલિયોમાંથી કાઢી નાંખો.

 

3. તમારા પોર્ટફોલિયોને રિબેલેન્સ કરવા માટેઃ

 

મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટની શરૂઆતમાં એસેટ એલોકેશન કરી લો. ધારો કે તમારું ઈક્વિટી અને ડેટ ફંડમાં ટાર્ગેટ એલોકેશન 50:50 હોય તો એક વર્ષ બાદ તે બદલાઈ જવાની શક્યતા છે. તાજેતરમાં જ સ્ટોક માર્કેટ ઊંચકાતા પોર્ટફોલિયોના ઈક્વિટી કોમ્પોનન્ટમાં NAV (નેટ એસેટ વેલ્યુએશન)માં ઈક્વિટીનું પલડું ભારે હોવાને કારણે આમ થઈ શકે છે. અન્ય કેસમાં માઈક્રોઈકોનોમિક પોલિસીમાં ફેરફારને કારણે બીજા શેર્સ કરતા લાર્જ-કેપ શેર્સ વધુ સારા પરિણામો આપે તેવું પણ બની શકે છે. આ પગલા ભરીને તમે પોર્ટફોલિયોને રિબેલેન્સ કરી શકો છો. હાલમાં જે ફંડ તમને અપ્રસ્તુત લાગે તેને તમે વેચી શકો છો. તમે એ જ રૂપિયા સારુ વળતર આપતા ફંડમાં ઈન્વેસ્ટ કરી શકો છો.

 
ree

 
 

4. આર્થિક લક્ષ્ય પૂરા કરવા માટેઃ

 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો હેતુ આયોજનબદ્ધ રીતે આર્થિક લક્ષ્યાંકો પૂરા કરવાનો છે. ઘણા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને એટલું ભંડોળ ભેગું કરવા માંગતા હોય છે જેનાથી તેઓ રિટાયરમેન્ટ પછી સરસ સગવડભર્યું જીવન જીવી શકે. કલ્પના કરો કે તમે ઈક્વિટી ફંડમાં રોકાણ ચાલુ કર્યું અને થોડા જ વર્ષોમાં તમે રિટાયર થવાના છો. જો તમારો લક્ષ્ય પૂર્ણ થવામાં હોય તો પણ તમારે તમારા મ્યુચ્યુઅલ ફંડમાંથી એક્ઝિટ લઈ લેવી જોઈએ. બીજા ઉદાહરણ તરીકે, તમે તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે SIP શરૂ કરી હોય. તો તે પ્રસંગે તમારે મ્યુચ્યુઅલ ફંડ વિથડ્રો કરી લેવા જોઈએ. ખાસ કરીને તમારો પ્રસંગ હોય તેના 6થી 12 મહિના પહેલા આ નિર્ણય લઈ લેવો જોઈએ.

 

માર્કેટ ઉતાર-ચડાવથી ભરપૂર છે. આથી તમારા ફંડના મૂલ્યમાં ઝડપી ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહિ. બધું એક જ સાથે ઉપાડી લેવાને બદલે તમે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP)મારફતે તબક્કાવાર ઈન્વેસ્ટમેન્ટ ઉપાડી શકો છો. તેમાં તમે તમારી મૂડી ઈક્વિટી ફંડથી લિક્વિડ ફંડ જેવા સુરક્ષિત ફંડમાં ડાઈવર્ટ કરી શકો છો. SWPમાં તમે તમારા ચાલુ ફંડમાંથી તબક્કાવાર બહાર નીકળી શકો છો.

 

5. ફંડ મેનેજર બદલાય ત્યારેઃ

 

તમારા ફંડને નવી દૃષ્ટિએથી જોવાનું આ મહત્વનું કારણ છે. વિચારો કે તમારુ ફંડ કોઈ નવા મેનેજરને એપોઈન્ટ કરે છે. તે એવી નવી સ્ટ્રેટેજી લઈને આવે છે જે વ્યવહારિક નથી. આ ઉપરાંત તેને કારણે ફંડનું પરફોર્મન્સ ખરાબ થઈ રહ્યું છે. જો તમે તમારા ફંડ મેનેજરના નિર્ણયથી અસંતુષ્ટ હોવ તો તમારે ફંડમાંથી એક્ઝિટ લઈ લેવી જોઈએ. તમે તમારો હેતુ સિદ્ધ થાય તેવા બીજા ફંડમાં રોકાણ કરવું જોઈએ.

 

મ્યુચ્યુઅલ ફંડ એક્ઝિટ કરો ત્યારે આટલું ધ્યાન રાખોઃ

 

ફંડ એક્ઝિટ કરતા પહેલા તમારા વિકલ્પો પસંદ કરી લેવા જરૂરી છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે નવા ફંડ તમારી જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે કે નહિ. દાખલા તરીકે, તમે જોખમ ઓછું કરવા માટે લાર્જ-કેપ ફંડમાં રોકાણ કર્યું હોય અને તમારુ ફંડ હવે મિડ-કેપ ફંડમાં મર્જ થઈ ગયું હોય તો તમે તે ફંડમાંથી હિસ્સો કાઢીને ફક્ત લાર્જ-કેપમાં જ રોકાણ કરતા ફંડમાં રોકી શકો છો. આ સાથે જ તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને પણ ધ્યાનમાં લેવો જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે પૈસા કાઢવાથી તમને મોટું આર્થિક નુકસાન તો નથી કરી બેસતા ને? આ માટે તમારે તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરનો સંપર્ક કરવો જોઈએ.

 

(લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના ફાયનાન્શિયલ પ્લાનર અને વેલ્થ એડવાઈઝર છે.)

Read Previous

કઈ ઈન્શ્યોરન્સ પોલીસી વધુ ફાયદાકારક? ફાયર કે પછી ઓલ રિસ્ક કવરેજ?

Read Next

આજે NIFTY FUTUREમાં શુ કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular