• 9 October, 2025 - 3:28 AM

રૉ મટિરિયલના ભાવ વધારા હેઠળ કચડાતા દવાના ઉત્પાદકો

ree

 
નોન શિડ્યુલ ડ્રગ્સના ભાવમાં 20 ટકાનો વધારો કરી આપવાની ફાર્મા ઉદ્યોગ દ્વારા માગણી કરવામાં આવી હોવાથી કોરોનાના કાળમાં દવાના ખર્ચ બોજ હેઠળ કચડાયેલી પ્રજાની હાડમારીમાં પણ વધારો થશે
ચીન ભારતમાં બનતા નવા પેપર્સને ગ્લોબલ ટેન્ડરમાં મોટા પાયે ખરીદી લઈને પછી તેને પલ્પ બનાવવામાં નાખી દેતું હોવાથી ભારતના બજારમાં પણ પેપરની મોટી અછત ઊભી થઈ છે
કોરોનાના દર્દીઓ માટે વપરાતી પેરાસિટામોલ બનાવવામાં વપરાતા કાચા માલ એમિનો ફેનોલના ભાવમાં ગયા વર્ષની તુલનાએ 100 ટકા વધારો જોવા મળ્યો

નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (એન.પી.પી.એ)એ જે દવાના ભાવ પર નિયંત્રણ નથી રાખ્યા તે દવાઓના દસ ટકા જેટલા ભાવ કંપનીઓ આપોઆપ જ વધારી શકે છે. આ દવાઓના ભાવમાં હવે મેન્યુફેક્ચરર્સને 20 ટકાનો વધારો જોઈએ છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ કે એન.પી.પી.એ.એ નક્કી કરેલા નિયમ મુજબ નોન શિડ્યુલ ડ્રગ બનાવનારાઓ દર વર્ષે તેમની દવાના ભાવમાં 10 ટકાનો આપમેળે વધારો કરી જ શકે છે. તેનું કારણ આપતા અમદાવાદની અલ્તાસ લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેયૂર શેઠ જણાવે છે કે, ” 2020-21ના ઓક્ટોબર મહિના પછી રૉ મટિરિયલના ભાવમાં જંગી વધારો થઈ રહ્યો છે. ત્યાં સુધી લૉકડાઉનને કારણે બિઝનેસ ડિસ્ટર્બ હતા.”

 
ree

કેયૂર શેઠ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અલ્તાસ લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ

 

આ વધારો મેન્યુફેક્ચરર્સને માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે. કેયૂર શેઠનું કહેવું છે, “બેઝિક કેમિકલમાં 38 ટકાથી 120 ટકાનો વધારો થયો છે. આ બેઝિક કેમિકલમાં સલ્ફ્યુરિક, કોસ્ટિક અને એચસીએલના ભાવમાં 38 ટકાથી 125 ટકાનો વધારો આવી ગયો છે. આ જ રીતે સોલ્વન્ટના ભાવમાં 45થી 120 ટકાનો ભાવ આવ્યો છે. ડ્રગ ઇન્ટરમિડિયેટ્સના ભાવમાં 10થી 25 ટકા ભાવ વધ્યા છે. આ બલ્ક ડ્રગ બહુધા આયાત કરાય છે. બલ્ક ડ્રગ પર ચીનના સપ્લાય પર જ મદાર બાંધવામાં આવ્યો છે. લોકલમાં પણ બલ્ક ડ્રગ મળે છે. ચીનથી આવતા બલ્ક ડ્રગના શિપમેન્ટના પણ બહુ જ મોટા ઇશ્યૂ છે. ચીને પણ બલ્ક ડ્રગના ભાવમાં વધારો કરી દીધો છે. બલ્ક ડ્રગની પ્રોસેસ દરમિયાન ફિલ્ટર ક્લોથ્સ વપરાય છે. તેના ભાવમાં પણ 30 ટકાનો ભાવ વધારો આવ્યો છે. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ ધરાવતા એકમોમાં એપીઆઈ તૈયાર કરવા માટેના પાવડર પ્રોસેસિંગના નોર્મ્સનું પાલન કરવા માટે વપરાતા ડિસ્પોઝેબલ ફેસમાસ્ક, ગ્લોવ્ઝ અને શૂ કવર અને હેડ કેપના ભાવમાં 30 ટકાનો વધારો આવ્યો છે. પહેલી એપ્રિલથી તો મિનિમમ વેજિસમાં પણ 5 ટકાનો વધારો આવી ગયો છે. આમ ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. એપીઆઈ-એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સની કોસ્ટ પર મોટી અસર આવી છે.” તેનું ઉદાહરણ આપતા તેઓ કહે છે. મજ્જાતંતુ એટલે કે ન્યુરોલોજિના પ્રોબ્લેમ ટ્રીટ કરવા માટે વપરાતી પ્રીગાબાલિનના ભાવ પણ વધી રહ્યા છે. આ એક એન્ટિકન્વલ્ઝન્ટ બલ્ક ડ્રગ છે. ન્યુરો પેઈન મેનેજમેન્ટ-ટ્રીટમેન્ટ માટે વપરાતા આ બલ્ક ડ્રગના ભાવમાં પણ વધારો આવી ગયો છે. આ જ રીતે ટાઈપ ટુ ડાયાબિટીસ એટલે કે જે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન જનરેટ કરવાની ક્ષમતામાં ઘટાડો થઈ ગયો હોય તેવી વ્યક્તિને માટે ડાયાબિટીસની દવા બનાવવા માટે બલ્ક ડ્રગ એટલે કે કાચા માલ તરીકે ગ્લિક્લાઝાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ભાવ એક કિલોના અંદાજે રૂ. 6000ની આસપાસનો હતો તે વધીને સીધો રૂ. 9000નો થઈ ગયો છે. આમ તેમાં 50 ટકાનો વધારો આવી ગયો છે. ટાઈપ ટુ ડાયાબિટીસના જે દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિન તો પેદા થયું હોય, પરંતુ શરીરમાંની વધારાની સુગરને ડાઈજેસ્ટ કરવા માટે શરીર તે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે. આ પ્રક્રિયાને ફરી ચાલુ કરવા માટે બલ્ક ડ્રગ મેટફોર્મિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ એન્ટિ બાયોટિક તરીકે પણ કરવામાં આવે છે. આ મેટફોર્મિનના ભાવ કિલોદીઠ રૂ. 140-145ની આસપાસ હતા તે વધીને રૂ. 225ની આસપાસ થઈ ગયા છે. તેના ભાવમાં થઈ રહેલા વધારાને જોતાં પંદરથી ત્રીસ દિવસમાં તેનો કિલોદીઠ ભાવ વધીને રૂ. 300ને આંબી જાય તો નવાઈ પામવા જેવું હશે નહિ. તેમનું કહેવું છે કે અત્યારના બજાર ભાવ એન.પી.પી.એ.એ નક્કી કરી આપેલી મહત્તમ મર્યાદા કરતાં ખાસ્સા નીચા જ છે. એન.પી.પી.એ. અમને આ ભાવ તેની અપર લિમિટ સુધી લઈ જવાની છૂટ આપવી જોઈએ. કોરોનાના દર્દીઓને માટે ખાસ વપરાતી પેરાસિટામોલ બનાવવા માટે વપરાતા કાચા માલ પેરા એમિનો ફેનોલ (પીએપી)ના ભાવમાં તો ગયા વરસની તુલનાએ 100 ટકાનો વધારો આવી ગયો છે. ભાવમાં મોટી વધઘટ કરીને ઉદ્યોગના તમામ ગણિતોમાં ઉથલપાથલ કરી દેનારા ચીન પાસે જ પીએપીના સપ્લાય પર મદાર બાંધવામાં આવી રહ્યો છે. તાવને કંટ્રોલમાં રાખવા માટેની દવા બનાવવામાં વપરાતા ડેરીવેટીવ્સ પીએપીના ભાવમાં ગયા વર્ષની તુલનાએ 100 ટકાનો વધારો થઈ ગયો છે. મલેરિયાની દવા બનાવવા માટેના રૉ મટિરિયલ આર્ટેમિસિનિનના ભાવ એક જ વર્ષમાં ત્રણ ગણા વધી ગયા છે. માનવ શરીરમાં ગયા પછી એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇનગ્રેડિયન્ટ્સ એટલે કે રોગના વિષાણુઓ પર અસર કરનારું ઘટક ઓગળીને બરાબર અસર કરે તે માટે વપરાતા પ્રોપીલિન ગ્લાયકોલ નામના ઘટકના ભાવમાં ચાર ઘણો વધારો આવી ગયો છે. મોઢેથી ગળવાની ગોળી કે પછી ઇન્જેક્શન તથા ચામડી પર ચોપડવાની દવા તમામમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી બીમારીઓ માટે વપરાતી જુદી જુદી પ્રવાહી દવાઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભાવ વધારાની અસર દરેક મેન્યુફેક્ચરર્સના ગણિતો ખોરવી રહી છે. તેની સાથે ટ્રાન્સપોર્ટના ખર્ચમાં પણ વધારો થયો છે. અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નિમિષ પટેલ કહે છે, “એક વર્ષમાં ડીઝલના ભાવમાં અંદાજે 25થી 30 ટકા ભાવ વધી ગયા છે. તેમાં અમે કોઈને ભાવના કમિટમેન્ટ આપીએ તે પછીય ડીઝલના ભાવમાં લિટેરે 50-75 પૈસાનો વધારો આવી જાય તો અમે ચાર્જ પણ રિવાઈઝ કરી શકતા નથી. ડીઝલના ભાવ મહિને એકવાર વધારવાની અમારી સરકારને દરખાસ્ત છે. પરંતુ સરકારે હજી તે ધ્યાન પર લીધી નથી, તેથી ખાસ્સી અનિશ્ચિતતા વધી ગઈ છે. “

 
ree

કે.ટી પટેલ, પ્રમોટર, કેસ્કેડ એન્જિનિયર્સ

આ ઓછું હોય તો પેકેજિંગ મટિરિયલના ભાવમાં પણ વધારો આવ્યો છે. કોરુગેટેડ બોક્સ બનાવતી કંપની અમદાવાદની જૂનામાં જૂની કંપનીઓમાંની એક કેસ્કેડ એન્જિનિયર્સના પ્રમોટર કે.ટી. પટેલનું કહેવું છે, “રૉ મટિરિયલના ભાવમાં 30થી 40 ટકાનો ભાવ વધારો આવી ગયો છે, કારણ કે પૂર્વ યુરોપના, યુરોપના દેશો, અખાતના દેશોમાં દેશોમાંથી આવતો પેપરનો વેસ્ટ (પસ્તી) બંધ થઈ ગઈ છે, કારણ કે કોરુગેટેડ બોક્સના અને પેપર બોર્ડ્સના ભાવમાં 25થી 45 ટકાનો વધારો આવી ગયો છે. પસ્તીની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી પેપર બનાવનારા એકમોને પલ્પની શોર્ટેજનો સામનો કરવો પડી રહ્યો છે.” તેમનું કહેવું છે કે, “વિશ્વના બજારમાં મળતો પેપર વેસ્ટ ચીન ઉપાડી લે છે. બીજું, ચાઈનાએ નવી પદ્ધતિ અપનાવી છે. ભારતમાંથી નવા પેપર વેચવા માટે જે ગ્લોબલ ટેન્ડરમાં ભારતનું નવા પેપર્સ મોટે પાયે ખરીદી લે છે. ત્યારબાદ તેને પલ્પમાં નાખી દે છે. તેને કારણે સ્થાનિક બજારમાં મોટો ગેપ ઊભો થયો છે. તેની અસર હેઠળ ભારતમાં પણ પેપર મોંઘા થઈ ગયા છે. તેને કારણે જ કોરુગેટેડ બોક્સ બનાવનારાઓને રૉ મટિરિયલ મળતું જ નથી. રૉ મટિરિયલ મળે તો તેના ઊંચા ભાવ ચૂકવવા પડે છે.” વાસ્તવમાં નોન શિડ્યુલ ડ્રગના ભાવમાં વધારો કરવા માટે આગોતરી મંજૂરી લેવી પડતી નથી. તેમ છતાંય નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી નોન શિડ્યુલ ડ્રગ્સના ભાવની વધઘટ પર નજર તો રાખે જ છે. એન.પી.પી.એ.ને લાગે કે દવાના ભાવનું નિયંત્રણ કરવું જરૂરી છે તો તેવા સંજોગોમાં તેઓ તેમાં દખલ કરે છે અને જરૂર જણાય તો મેન્યુફેક્ચરર્સના દવાના ભાવ વધારાના નિર્ણયમાં ફેરફાર કરવાની ફરજ પાડી શકે છે. એન.પી.પી.એ. નોન શિડ્યુલ ડ્રગમાં પણ અપર પ્રાઈસ લિમિટ એટલે કે મહત્તમ ભાવની મર્યાદા તો બાંધી જ આપી શકે છે. આમ ભાવ નિયંત્રણ હેઠળ આ દવાઓ ન હોવા છતાંય તેનું નિયંત્રણ કરવાની સત્તા તેમની પાસે છે. બાર જ મહિનાની વાત કરવામાં આવે તો પીવીસી, પીવીડીસી બ્લિસ્ટર ફોઈલ અને પીઈટીની બોટલના ભાવમાં અંદાજે 40 ટકાનો વધારો આવી ગયો છે. ક્રોમ આયુ ફાર્મના પ્રમોટર્સમાંના એક કમલેશ શાહનું કહેવું છે, “તેમને લેવા પડતા પકેજિંગ મટિરિયલના ભાવમાં 15થી 25 ટકાનો ભાવ વધારો આવી ગયો છે. તેની સીધી અસર દવાના ભાવ પર આવી શકે છે.” પેકેજિંગ મટિરિયલના ભાવમાં વધારો આવી ગયો હોવાનું કેયૂર શેઠ પણ સ્વીકારે છે. આ તમામ ભાવ વધારાઓએ મેડિસિન મેન્યુફેક્ચરર્સની કમર તોડવા માંડી છે. દરેક મોરચે જોવા મળેલા ભાવ વધારાએ ફાર્માસ્યૂટિકલ્સ મેન્યુફેક્ચરિંગની કામગીરીને ટકાવી રાખવી મુશ્કેલ બનાવી દીધી છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલ્સ મેન્યુફેક્ચરિંગનું હબ છે. તેથી તેના સંખ્યાબંધ એકમો પર તેની અસર પડી રહી છે. આ હકીકતને ધ્યાનમાં લઈને ઇડમા-ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશને નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સને એક પત્ર લખીને અત્યારે નિર્માણ થયેલી સ્થિતિમાંથી ફાર્મા ઉદ્યોગના મેન્યુફેક્ચરર્સ સરળતાથી બહાર આવી શકે તે માટેના પગલાં લેવા અને તેમણે ભાવ વધારવા માટે કરેલી દરખાસ્તને સ્વીકારી લેવા વિનંતી કરી છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ફાર્મા ઉદ્યોગ બીમાર ન પડી જાય તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. નોન શિડ્યુલ ડ્રગ્સના ભાવમાં 20 ટકાનો વધારો કરી આપવા અનુરોધ કર્યો છે. નોન શિડ્યુલ ડ્રગની સીલિંગ પ્રાઈસ એટલે કે મહત્તમ કિંમતમાં પણ વધારો કરી આપવાની માગણી તેમણે કરી છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સમાં કે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં આવતા વધારાના સમપ્રમાણમાં દવાની મહત્તમ કિંમતમાં વધારો કરી આપવાની માગણી કરવામાં આવી છે. આ અસાધારાણ સંજોગો હોવાથી આ માગણી મૂકવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

Read Previous

આજે બજારમાં શુ કરશો?

Read Next

ટેક્સટાઈલ પરના જીએસટીના દર વધારાના વિરોધમાં ગુજરાતભરના વેપારીઓએ શેરીમાં ઉતરી વિરોધ નોંધાવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular