• 9 October, 2025 - 9:04 AM

સાપ ગયા અને લીસોટા રહ્યાઃ જૂના કાયદાને કારણે પારાવાર મુશ્કેલીમાં ભીંસાતો ટિમ્બર ઉદ્યોગ

ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસની માત્ર વાતોઃ લાકડાનું વહેરકામ ન થતું હોય તેવા શોરૂમ્સ અને ગોડાઉન્સને પણ હેલ્થ લાઈસન્સ લેવાની ફરજ પડાઈ રહી છે
બોમ્બે એક્ટ સમયની હેલ્થ લાઈસન્સની જોગવાઈને રદ કરવા માટે અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ્સ એસોસિયેશનની પ્રબળ માંગ
કોરોના બાદ માલના એક્સપોર્ટમાં પડતી તકલીફોને કારણે ટિમ્બર ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક વેપારીઓ ભીંસમાં
 
 
ree

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની વાત આવે ત્યારે ભારત સરકારની પોલીસી હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવી છે એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. સાવ સરળ વાત છે, વેપારી આસાનીથી બિઝનેસ શરૂ કરી શકે અને ઓછામાં ઓછી જફા સાથે તેને ચલાવી શકે તેને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ કહેવાય. આ માટે સરકારે જૂના અને બિનઅસરકારક કાયદા રદ કરીને વેપારીઓની બદલાતી જરૂરિયાતો મુજબ નવા કાયદા બનાવવા પડે તે પાયાની વાત છે. જો કે ઘણા કિસ્સામાં એવું બની રહ્યું છે કે વેપારીઓ દ્વારા સરકારને વેપાર-ધંધો કરવામાં પડતી અગવડો અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે તો પણ સરકાર દ્વારા કોઈ ઠોસ પગલા ભરવામાં આવતા નથી. આ કારણે દેશમાં વેપાર-ધંધા જોઈએ તેવા ખીલી શકતા નથી. ગુજરાતની છબિ તો ફક્ત ભારત જ નહિ, આખી દુનિયામાં બિઝનેસ-ફ્રેન્ડલી રાજ્ય તરીકેની છે. આમ છતાં, ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસની વાત આવે ત્યારે ઘણે મોરચે સરકારની ઉદાસીનતા ઊડીને આંખે વળગે તેવી છે.

 
ree

અલય નાગોરી, પ્રમુખ, અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ્સ એસોસિયેશન

ગુજરાતના ટિમ્બર ઉદ્યોગનું જ ઉદાહરણ લઈ લો. 1952માં રચાયેલા બૉમ્બે એક્ટની જોગવાઈઓને કારણે હાલ આ ઉદ્યોગનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. વેપારીઓની રજૂઆત અવારનવાર સરકારના બહેરા કાને જ અથડાઈ છે. વિગતે વાત કરીએ તો 1952માં બોમ્બે એક્ટ અંતર્ગત ટિમ્બર ઉદ્યોગ માટે હેલ્થ લાઈસન્સનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત બનાવાયું હતું. એ વખતે બેન્સા પર લાકડું ચીરવાની પ્રથા પ્રચલિત હતી. તેને કારણે લાકડાનો પુષ્કળ વહેર ઊડતો અને કારીગરોના સ્વાસ્થ્યને લાંબે ગાળે નુકસાન થતું. ત્યાર પછી 70 વર્ષમાં લાકડું વહેરવાની ટેકનિકથી માંડીને ટિમ્બર ઉદ્યોગની સિકલ સુધી ઘણું બધું બદલાઈ ગયું છે છતાંય આ કાયદામાં સમયાનુસાર બિલકુલ ફેરફાર નથી કરાયો. અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ અલય નાગોરી જણાવે છે, “અમદાવાદમાં ટિમ્બરને લગતી 1000થી 1500 દુકાન હશે. તેમાં માંડ 100થી 200 દુકાનમાં લાકડુ વહેરવાનું કામ ચાલતું હશે. હવે 100-200 માટે થઈને બધા માટે હેલ્થ લાયસન્સ ફરજિયાત બનાવાય તે યોગ્ય નથી. મોટાભાગે વેપારીઓ હવે તૈયાર બોર્ડનું જ વેચાણ કરે છે. કાયદા મુજબ જે ટિમ્બરનો સ્ટોક રાખતા હોય તે તમામ માટે હેલ્થ લાયસન્સ ફરજિયાત છે. હવે ગોડાઉન કે શોરૂમમાં તો વહેરવાનું કામ થતું જ નથી, તો પછી તેમના માટે હેલ્થ લાયસન્સ શા માટે ફરજિયાત હોવું જોઈએ?” અચ્છા, સરકારના કાયદા મુજબ વેપારી હેલ્થ લાયસન્સ લેવા જાય તો પણ લાયસન્સ મેળવતા તેને આંખે પાણી આવી જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ લાયસન્સ ઈશ્યુ કરવા માટે બીયુ પરમિશનની માંગણી કરે છે. અલય નાગોરી જણાવે છે, “ટિમ્બરનો માલ રાખતા વેરહાઉસ પતરાના બનેલા હોય છે. સ્ટોકિસ્ટના આવા ગોડાઉનમાં બીયુ પરમિશન કેવી રીતે મળે? આવામાં શોરૂમમાં પાટિયું પડ્યું હોય તેના માટે પણ સરકાર હેલ્થ લાયસન્સ મેળવવું ફરજિયાત બનાવે તે કેટલું યોગ્ય ગણાય?” હા, જે વેપારીઓ લાકડું વહેરવાના કામ સાથે સંકળાયેલા છે તે તો સમયે સમયે પોતાનું હેલ્થ લાયસન્સ રિન્યુ કરાવે જ છે. જો કે આ પ્રક્રિયા પણ લોઢાના ચણા ચાવવાથી કમ નથી. હેલ્થ લાયસન્સ રિન્યુ કરાવતા પહેલા વેપારીએ ફાયર એનઓસી મેળવવું પડે છે, ત્યાર પછી જ તેમની ફાઈલ આગળ ચાલે છે. ફાયર એનઓસીના વખતોવખત બદલાતા નિયમોને કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસોસિયેશનના પ્રમુખ અલય નાગોરી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, “સો મિલ માટે ફાયર એનઓસી અને એસ્ટિન્ગ્વિશર જરૂરી છે. પરંતુ જો સરકારે ખરેખર ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ લાવવું જ હોય તો તેમણે આમાંથી શોરૂમ અને ગોડાઉનને બાકાત કરવા જોઈએ. ઑફિસ અને ફેક્ટરી માટે કાયદા એક સરખા ન હોવા જોઈએ. ” ગુજરાતમાં ટિમ્બરના ઉદ્યોગ સાથે જોડાયેલી 15,000 કરતા પણ વધારે દુકાન છે જેમાં ફર્નિચર શોપ્સનો સમાવેશ થતો નથી. ફર્નિચર માટે કાચા માલનો સપ્લાય કરતી ટિમ્બર ઈન્ડસ્ટ્રીના અમદાવાદમાં 1350 જેટલા રજિસ્ટર્ડ અને 500થી 700 જેટલા અનરજિસ્ટર્ડ વેપારીઓ છે. ગીતા મંદિર પાસે આવેલું લાટી બજાર તેનું મુખ્ય કેન્દ્ર છે. ઋષિલ ડેકોર, રોયલ ટચ, મેઘદૂત જેવી લેમિનેટ્સની જગવિખ્યાત અને અબજોનું ટર્નઓવર કરતી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સનું મેનુફેક્ચરિંગ પણ અમદાવાદમાં જ થાય છે. આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રિટેલ ટ્રેડર્સનું ટર્ન ઓવર લગભગ રૂ. 1200થી 1500 કરોડ જેટલું છે. ગુજરાતમાં ટિમ્બર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મોટા ભાગના વેપારીઓ રિસેલરો અને હોલસેલરો છે, ઉત્પાદનનું કામ લગભગ ગુજરાત બહાર થાય છે. મોટી સંખ્યામાં રોજગારી ઉત્પન્ન કરતી અને વિશાળ સંખ્યામાં ગ્રાહકોની જરૂરિયાત સંતોષતી આ ઈન્ડસ્ટ્રીની ફરિયાદોને સરકારે જોઈએ તેવી દાદ આપી નથી. ટ્રકમાં આવતા માલનો મુદ્દો પણ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. અવારનવાર આ અંગે રજૂઆત છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલા ભરાયા નથી.

 
ree

ઈન્દ્રવદન મિસ્ત્રી, ઉપપ્રમુખ, અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ્સ એસોસિયેશન

અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ્સ એસોસિયેશન ના વાઈસ પ્રેસિડન્ટ ઈન્દ્રવદન મિસ્ત્રી આ સમસ્યા અંગે વિગતે વાત કરતા જણાવે છે, “ગુજરાતમાં પંજાબ તથા હરિયાણાના યમુનાનગરમાંથી તથા કંડલાથી ટિમ્બરનો ખાસ્સો માલ આવે છે. હોલસેલમાં માલ લાવતી ટ્રકોને શહેરમાં સવારે 8થી 10 દરમિયાન જ પ્રવેશની અનુમતિ આપવામાં આવે છે. ટ્રક સવારે વહેલી શહેરમાં આવી તો જાય છે પણ પછી તેને અનલોડિંગ માટે ત્રણથી ચાર કલાકનો સમય લાગી જાય તો સવારની 8 વાગ્યાની મર્યાદા નડી જાય છે અને રાત્રે 10 સુધી ક્યાંય ખસી શકતી નથી. આ કારણે આખા ગુજરાતમાં માલનો સપ્લાય કરતા ગીતામંદિર લાટી બજારમાં ટ્રાફિકની પુષ્કળ સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત વેપારીને આર્થિક ફટકો પડે છે તે નફામાં. ટ્રક જો કંડલાથી માલ ભરીને આવી હોય તો ટ્રાન્સપોર્ટર આખો દિવસ ટ્રક મૂકી રાખવાનું રૂ. 2000-3000 એક્સ્ટ્રા ભાડુ વસૂલે છે. પંજાબ-હરિયાણાથી આવતી ટ્રકો માટે તો વેપારીઓએ દિવસના રૂ. 7000થી 8000 એક્સ્ટ્રા ચૂકવવા પડે છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટને અવારનવાર રજૂઆત કરાઈ હોવા છતાં સમસ્યાનું યોગ્ય સમાધાન થયું નથી.” કોરોના બાદ જ્યારે બધા બિઝનેસ ડાઉન છે ત્યારે આવા ભાડાના હજારો રૂપિયા ખોટા ખર્ચવા વેપારીઓને ભારે પડી રહ્યા છે. અન્ય બિઝનેસની જેમ ટિમ્બર ઈન્ડસ્ટ્રી પર પણ કોરોનાની અસર પડી જ છે અને મોટાભાગના વેપારીઓનો બિઝનેસ 20થી 25 ટકા ડાઉન ચાલે છે. મહિનાઓ સુધી લોકડાઉનને કારણે ઘરમાં પૂરાઈ રહેલા લોકોને સારા ઘરનું મહત્વ સમજાતા ઘણા લોકોએ રિનોવેશન કરાવવાની પહેલ કરી છે. તેની હકારાત્મક અસર ટિમ્બર ઈન્ડસ્ટ્રી પર પડી છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું માનવું છે કે આ ગાળામાં સરકારનો સપોર્ટ મળી જાય તો તેમની ઈન્ડસ્ટ્રી સારો એવો ગ્રોથ કરી શકે તેમ છે. ખાસ કરીને આયાત-નિકાસને લગતા પ્રશ્નોને સરકારે તાબડતોબ હાથ ધરીને તેના નિકાલની દિશામાં પ્રયત્નો કરવા જોઈએ એવું ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સનું માનવું છે.

 
ree

નોબેલ લેમિનેટ્સ પ્રા.લિ.ના ડિરેક્ટર પંકજ ઠક્કર માલની આયાત-નિકાસમાં પડતી તકલીફો અંગે વાત કરતા જણાવે છે, “અગાઉ ભારતમાં ઘણા કન્ટેનરો ચીનમાંથી મંગાવવામાં આવતા હતા. ભારત-ચીન વચ્ચે સંઘર્ષ વધતા હાલ સરકાર વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપી રહી છે જેને કારણે અનેક ઈન્ડસ્ટ્રીઓએ ચીનથી આયાત ઘટાડી દીધી છે. આની સાઈડ ઈફેક્ટ સ્વરૂપે ખાલી કંટેનરો પોર્ટ પર આવવાની સિસ્ટમ ધીમી પડી ગઈ છે. આ કારણે માલની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લગભગ 4 ગણી વધી ગઈ છે. વિદેશ માલ મોકલવા માંગતા વેપારીઓને કંટેનર મળતા જ નથી. આમાં કેન્દ્ર સરકારે છેલ્લા બે મહિનાથી કસ્ટમ ક્લીયરન્સ માટે ફેસલેસ સિસ્ટમ લાગુ પાડી છે. અગાઉ ચોક્કસ અધિકારીઓ ડોક્યુમેન્ટ ક્લીયર કરતા હતા. હવે ફેસલેસ સિસ્ટમને કારણે કોની પાસે ડોક્યુમેન્ટ જાય છે તે ખબર જ નથી પડતી. આ કારણે માલ અટવાઈ રહે છે. સમયસર માલ ન મળતા બજારમાં તેના ભાવ પણ ઊંચકાયા છે.” ટિમ્બર ઈન્ડસ્ટ્રીમાં રો મટિરિયલ ફોર્મલ ડિહાઈડની ખાસ્સી માંગ રહે છે. તેનું મુખ્ય ઉત્પાદન ગુજરાત અને ઉત્તર ભારતમાં થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) થોડા સમય પહેલા ઉત્તર ભારતના ફોર્મલ ડિહાઈડના પ્લાન્ટ બંધ કરી દેવાનો હુકમ કર્યો હતો. આ કારણે ગુજરાતના પ્લાન્ટના માલની ડિમાન્ડમાં એકાએક પુષ્કળ વધારો થઈ ગયો હતો અને તેની કિંમત રાતોરાત વધી ગઈ હતી. મંદીના સમયમાં કિંમત વધવાથી ટિમ્બર ઈન્ડસ્ટ્રી માટે પડ્યા પર પાટા જેવો ઘાટ થયો હતો. જો કે અપીલ બાદ NGTએ પ્લાન્ટ શરૂ કરવાની પરવાનગી આપતા ડિમાન્ડ હવે સ્થિર થઈ છે અને કાચા માલના ભાવ ફરી નીચા આવશે તેવી આશા ઉજળી થઈ છે. ટિમ્બર ઈન્ડસ્ટ્રી કોરોનાની પકડમાંથી ધીરેધીરે છૂટી રહી છે. આવામાં અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ્સ એસોસિયેશનની અપેક્ષા છે કે તેમને આપેલા સૂઝાવ પર સરકાર ગંભીરતાથી વિચાર કરે તો ઈન્ડસ્ટ્રીની ગાડી ફરી સડસડાટ પાટા પર ચડી જશે.

Read Previous

Adani University accorded status by Gujarat Legislative Assembly

Read Next

આજે સ્ટોક માર્કેટમાં ઊછાળે વેચવાલી જોવા મળી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular