હવે ટેક્સ હેવન નથી રહ્યું UAE? 1 જૂન 2023થી 9 ટકા કોર્પોરેટ ટેક્સ લાગશે
– જો કે UAEમાં સ્ટાર્ટઅપ કરવું હશે તો ટેક્સ નહિ લાગે, નાના બિઝનેસમેનને અસર નહિ પડે
– દુબઈમાં બિઝનેસ ધરાવતી, બ્રાન્ચ ઑફિસ ધરાવતી મોટી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો બોજો આવશે
– UAEમાં બિઝનેસ કરતા કે કરવા માંગતા ઉદ્યોગ સાહસિકોએ અત્યારથી જ ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી

યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE) ભારતીય ઉદ્યોગસાહસિકો માટે ફળદ્રુપ જમીન રહી છે. વિશ્વના ઓઈલ હબમાં રહીને ઘણા ભારતીયોએ પોતાની ગ્લોબલ બ્રાન્ડ્સ વિકસાવી છે. ખાલી દુબઈમાં જ 3000થી વધુ સ્ટાર્ટઅપ્સ સક્રિય છે જેમાંથી 200 ભારતીયોના છે. વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રેષ્ઠતમ જીવનધોરણ, આવકવેરામાંથી મુક્તિ, આફ્રિકા, યુરોપ અને ભારતથી નજીકનું અંતર- આવા અનેક કારણસર ભારતમાંથી બિઝનેસમેન UAEમાં સેટલ થવાનું પસંદ કરે છે. આરબ દેશોમાં ભારતીયોની સંખ્યા 35 લાખથી વધુ છે. 2019માં જ દુબઈના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારતીયોનું રોકાણ લગભગ 110 અબજ દિરહામ જેટલું હતું. અત્યાર સુધી UAE ઉદ્યોગો માટે ટેક્સ હેવન હતું. હવે પહેલી વાર UAEએ બિઝનેસમાં થતા પ્રોફિટ પર 9 ટકા ફેડરલ કોર્પોરેટ ટેક્સ જાહેર કર્યો છે. આ ટેક્સ 1 જૂન 2023થી લાગશે પરંતુ ભારતીય બિઝનેસમેને આગોતરું આયોજન કરવું જરૂરી છે.
અબુ ધાબી, દુબઈ અને બીજા પાંચ એમિરેટ્સના સંગઠન UAEને હવે ઓઈલ સિવાય બીજા સ્રોતમાંથી આવક ઊભી કરવાની જરૂર જણાઈ રહી છે. આ કારણે તેમણે બિઝનેસ પ્રોફિટ ઉપર 9 ટકા કોર્પોરેટ ટેક્સ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. આને કારણે દુબઈમાંથી મળતી પ્રોડક્ટ્સ અને સેવાઓ હવે ભારતીયોને વધુ મોંઘા ભાવે મળે તેવી સંભાવના છે.
હાલ કોઈ ભારતીયએ UAEમાં બિઝનેસ શરૂ કર્યો હોય તો દુબઈના કોઈ સ્થાનિકનું 51 ટકા હોલ્ડિંગ જરૂરી છે. ત્યાં SEZની જેમ ફ્રી ટ્રેડ ઝોન પણ બનાવાયા છે. આવામાં 49 ટકા હોલ્ડિંગ ધરાવતા ભારતીય બિઝનેસમેન કે કંપનીને કેવી રીતે કોર્પોરેટ ટેક્સ લાગુ પડશે, કેવા એક્ઝેમ્પશન મળશે તે અંગે હજુ વધુ સ્પષ્ટતાની જરૂર છે.
ટેક્સની વાત કરતા પહેલા હાલ ગલ્ફ દેશોની આર્થિક સ્થિતિનો ચિતાર મેળવી લઈએ. હાલ UAEમાં ઉદ્યોગ-ધંધાનું ચિત્ર ધૂંધળુ છે. કોરોના મહામારીની તેના અર્થતંત્ર પર અવળી અસર પડી છે. દુબઈની 90 ટકા વસ્તી વિદેશીઓની છે જે ત્યાં નોકરી-ધંધા અર્થે આવીને વસ્યા છે. દુબઈની અગ્રણી ઈન્ડસ્ટ્રી જેવી કે રિયલ એસ્ટેટ, ટૂરિઝમ અને કન્સ્ટ્રક્શનમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી છે અથવા તો કપાત પગારે કામ કરી રહ્યા છે. આ કારણોસર UAE હાલ ફોરેન ઈન્વેસ્ટર્સને રોકી રાખવા ધમપછાડા કરી રહ્યું છે. તેમણે બિઝનેસ ઓનરશિપના નિયમો પણ હળવા બનાવ્યા છે અને અમુક લોકોને વધુ લાંબા ગાળા માટે વિઝા પણ આપ્યા છે.
આ તમામ કવાયત છતાંય UAEએ આસપાસના આરબ દેશો સાથે કટ્ટર હરિફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા ગલ્ફ દેશો પણ બિઝનેસને આકર્ષવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં UAEની ફાયનાન્સ મિનિસ્ટ્રીએ 1 જૂન 2023થી બિઝનેસમાં થતા નફા પર 9 ટકા ટેક્સની જાહેરાત કરી છે.
આ ટેક્સ કોને નહિ લાગુ પડે?
– ત્યાં નોકરી કરીને આવક મેળવતા, રિયલ એસ્ટેટ કે અન્ય ક્ષેત્રે રોકાણ કરનારા ભારતીયોને આ ટેક્સ નહિ લાગુ પડે.
– જો બિઝનેસનું લાયસન્સ UAEની બહારનું હશે તો પણ ટેક્સ લાગુ પડશે નહિ.
– સ્થાનિક કે ક્રોસ બોર્ડર પેમેન્ટ પર વિથહોલ્ડિંગ ટેક્સ નહિ લાગે.
– કોઈ કંપનીમાં શેરહોલ્ડિંગ હોય તો તેના કેપિટલ ગેઈન કે ડિવિડન્ડ પર કોર્પોરેટ ટેક્સ નહિ લાગે.
– બિઝનેસ ગૃપની અંદર અંદર ટ્રાન્ઝેક્શન કે રિસ્ટ્રક્ચરિંગ પર ટેક્સ નહિ લાગે.
કોને ટેક્સ લાગુ પડશે?
– મોટી કંપનીઝના AED 375,000થી વધુની આવકના નેટ પ્રોફિટ પર કોર્પોરેટ ટેક્સ લાગશે.
– ફ્રી ઝોન બિઝનેસને કોર્પોરેટ ટેક્સ ઈન્સેન્ટિવનો લાભ મળશે.
– કુદરતી સ્રોત કાઢવાના વ્યવસાયમાં એમિરેટ્સે નિશ્ચિત કરેલો કોર્પોરેટ ટેક્સ લાગશે.
– UAEમાં જેટલો કોર્પોરેટ ટેક્સ ભરવાનો થતો હોય તેની સામે ફોરેન ટેક્સ ક્રેડિટ કરી શકાશે.
9 ટકા ટેક્સ પાછળ શું આશય છે?
1. UAE બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટના લીડીંગ હબ તરીકે પોતાની પ્રતિષ્ઠા સ્થાપવા માંગે છે.
2. ટેક્સમાં ગોટાળા ન થાય અને પારદર્શિતા જળવાય તે માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ નિશ્ચિત થયા છે. UAE હવે તે પગલે ચાલવા માંગે છે.
3. ટેક્સની આવકમાંથી UAEને વધુ વિકસિત કરવાનો આશય છે.
4. UAE ઓઈલ સિવાય બીજી આવક ઊભી કરવા માંગે છે.
નાના બિઝનેસ, સ્ટાર્ટઅપ માટે હજુ પણ UAE ટેક્સ હેવન છેઃ

AED 375000 (લગભગ રૂ. 76 લાખ) કરતા ઓછી આવક હશે તેવી કંપનીઓએ ટેક્સ ભરવો નહિ પડે. બાકી ગલ્ફ દેશોમાં 30થી 40 ટકા જેટલો કોર્પોરેટ ટેક્સ છે. તેની સામે UAEનો ટેક્સ ઘણો ઓછો છે. નવા કોર્પોરેટ ટેક્સથી UAEમાં સ્થિત ભારતીય બિઝનેસ પર કેવી અસર પડશે, તે તો આ અંગે વધુ સ્પષ્ટતા પછી જ કહી શકાશે.
(લેખકઃ ઝીલ બંગડીવાલા, સી.એ)