• 15 January, 2026 - 8:14 PM

રોજની રૂ. 100ની બચત કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો 30 વર્ષ પછી રૂ. 50 લાખ મળી શકે

– રોજરોજ ઓફિસમાં રિક્ષા કે ટેક્સીમાં જવું આવવું, રોજની આઠ દસ ચા બહાર પીવી, પાન મસાલા અને ગુટકા પાછળ રૂ. 50નો ખર્ચ કરવો, સિગારેટ પાછળ રૂ. 100 ફૂંકી મારવા જેવી આદતો તમારી ભાવિ બચતના ભંડોળમાં કરોડોના ગાબડાં પાડે છે

– નાની નાની આદતોમાં રોજના બિનજરૂરી રૂ. 300થી 500 ખર્ચાઈ જતાં 25થી 30 વર્ષમાં રૂ. એકથી બે કરોડનો ખાડો પડી જાય છે 

  • નિવૃત્તિ ટાણે બદલાતા ખર્ચાઓ પણ આ જ રીતે તમારો ખર્ચ બોજ વધારે છે, આવક સીમિત થઈ ગયેલી હોય છે.

આજે તમે વિચાર્યા વગર રોજના રૂ. 100 વધુ ખર્ચ કરતાં હોવ તો તમને લાગે છે તેના કરતાં ઘણું વધુ નુકસાન તમને કરી શકે છે. સમય જતાં રોજિંદી નાની ખર્ચની આદતો  શાંતિથી તમારી નિવૃત્તિની જરૂરિયાતને કરોડોમાં લઈ જાય છે. આજના નાના ખર્ચો આવતીકાલે કેવી રીતે મોટા નાણાકીય પરિણામો લાવી શકે છે.

મોટાભાગના લોકોને એવું લાગે છે કે નિવૃત્તિ આયોજન એટલે માત્ર ફંડ્સમાં રોકાણ કરવું પડે.  પરંતુ હકીકતમાં નિવૃત્તિ આયોજનની શરૂઆત આપણા રોજિંદા ખર્ચની એવી નાની આદતોથી થાય છે, જેનો આપણને ઘણી વખત ખ્યાલ પણ રહેતો નથી. સામાન્ય રીતે તમને એવું કહેવામાં આવે કે બચત કરો અને રોકાણ કરો – એટલું જ પૂરતું છે. પરંતુ અહીં એક અલગ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. વારંવાર થતા ખર્ચ પર અને એ કેવી રીતે તમારા જીવનનિર્વાહ ખર્ચને વધારતા જઈને લાંબા ગાળાના નિવૃત્તિ બજેટમાં મોટો ખાડો ઊભો કરે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ 100નો ખર્ચ બહુ નાનો લાગશે. આ ખર્ચને ગણતરીમાં લેવાનું કોઈ પસંદ કરશે નહિ. પરંતુ જો એ ખર્ચ આપમેળે થતી આદત બની જાય, તો આખી જિંદગી માટે તમારો જીવનનિર્વાહ ખર્ચ ધીમે ધીમે વધી જાય છે.

લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશનનું મૌન ગણિત

દરરોજ ચા-કોફી લેવી, જાહેર વાહન બદલે ટેક્સી લેવો, કે ઓનલાઈન “એક વસ્તુ વધુ” ઉમેરવી  આવી રોજિંદી સુવિધાઓ મહિને ખાસ ખર્ચ બોજ વધારતી નથી. પરંતુ સમય જતાં એ ઊંચા જીવનસ્તરની આદત પાડી દે છે. આ આદતો જો નિવૃત્તિના 25-30 વર્ષ અને મોંઘવારી સાથે ચાલુ રહે, તો તેનો કુલ પ્રભાવ શરૂઆતમાં કલ્પના કરતાં ઘણો મોટો બને છે. આ જ રૂ. 100નો વધારાના ખર્ચનો નિયમ મોટી અસર લાવે છે. તમે તે રૂ. 100ને બચતમાં રૂપાંતરિત કરી દેવાનો આજે નિર્ણય લેશો તો આવતીકાલે તમારી નિવૃત્તિની જરૂરિયાતમાં કરોડો ઉમેરાઈ શકે છે.

રૂ. 100નો ખર્ચ બહુ નાનો લાગે છે

રૂ. 100 મોટાભાગના લોકો માટે મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય લાગતો નથી. એ ન તો મહિને બચત પર અસર કરે છે, ન તો ખિસ્સાને ખાસ તેનો ભાર લાગે છે. તેથી લોકો વિચારે પણ નહીં. સ્થિર આવક હોય ત્યારે, કોફી કે ટેક્સી જેવા નાના ખર્ચ સુવિધા તરીકે સહેલાઈથી ન્યાયસંગત લાગે છે, કારણ કે તેનો તરત કોઈ મોટી અસર પડતી હોવાનું જોવા મળતું નથી. તેથી જ આ ખર્ચ રોજિંદી જીવનનો સામાન્ય ભાગ બની જાય છે. ધારો કે તમે ક્યારેક રૂ. 150ની ટેક્સી લો છો. શરૂઆતમાં ખાસ લાગતું નથી, પરંતુ ધીમે ધીમે તમે રોજ ઓફિસ આવ-જાવ માટે ટેક્સી લેવાનું શરૂ કરી દો છો. આ આદત તમને સહજ જરૂરિયાત લાગે છે. પરંતુ ગણતરી કરીએ તો મહિને તેનાથી મોટો ખર્ચ થઈ જાય છે. તમારે ઓફિસ આવવા અને જવાના રોજના રૂ.300નો ખર્ચ આવે છે. આ ખર્ચ મહિને બાવીસ કે છવ્વીસ દિવસ કરવાનો આવે છે. મહિનાના અંતે આ ખર્ચ વધીને રૂ. 6600થી રૂ. 7800નો થઈ જાય છે. વરસે આ ખર્ચ રૂ. 79200નો થઈ જાય છે. તેમ જ મહિનાના 26 દિવસ થાય તો મહિને આ ખર્ચ રૂ. 93,600નો થઈ જશે.

આ તો માત્ર એક જ આદતની વાત છે. પરંતુ જો રોજની કોફી, લંચ ઓર્ડર, એપ સબ્સ્ક્રિપ્શન ઉમેરો, તો સહેલાઈથી ₹2-3 લાખ વર્ષે ખર્ચ થઈ જાય છે. આ વસ્તુઓ પરનો ખર્ચ નાનો લાગે છે. આ નાની આદતો લાંબા ગાળે નિવૃત્તિ માટે કરોડો વધારાની જરૂરિયાત ઊભી કરી શકે છે. તેની અને તમને ખબર પણ ન પડે તેવી શક્યતા છે. રોજિંદો ખર્ચ તમે વિચારો એ કરતાં ઝડપી ઉમેરાય છે. ખર્ચમાં રૂ. 100 પ્રતિ દિવસ વધે તો 365 દિવસે કુલ ખર્ચ રૂ. 36,500નો થઈ જાય છે. આમ આખા વર્ષની આ મોટી રકમ લાગતી નથી. પરંતુ જો તેમાં 6 ટકા મોંઘવારી 20 વર્ષ માટે ગણીએ, તો આજનો રૂ. 100 પ્રતિ દિવસનો ખર્ચ આવતીકાલે લગભગ રૂ. 1.16 લાખ વર્ષે થઈ શકે છે. આ રકમનું રોકાણ કરવામાં આવે અને તમે 25-30 વર્ષ પછી નિવૃત્ત થશો, તો માત્ર આ એક ખર્ચ માટે જ લગભગ રૂ. 1 કરોડ વધારાની જરૂર પડશે.

તમે રોજના રૂ.100 બચાવ્યા નહીં તો કરોડો ગુમાવી શકો છો. જો તમે રોજ રૂ. 100 બચાવીને 12 વ્યાજે 25 વર્ષ માટે રોકાણ કરો, તો તે રકમ રૂ. 50 લાખથી વધુ થઈ શકે છે. સામાન્ય રીતે એસઆઈપીમાં 12થી 14 ટકા વળતર મળતું જ હોય છે. આમ રૂ.200 પ્રતિ દિવસનો વધારાનો ખર્ચ તમારી ભાવિ બચતમાં રૂ. 1 કરોડથી વધુનું ગાબડું પાડે છે. આમ તમે સમજી શકો છો કે આજના નાના ખર્ચો આવતીકાલે તમારા નિવૃત્તિ ફંડમાંથી કરોડો ઘટાડે છે.

 મોટાભાગના લોકો પાસે માત્ર એક રૂ. 100નો ખર્ચ નથી કરતાં, પરંતુ ₹150ની કોફી, ₹200ની ટેક્સી, ₹50 પાનમસાલા, ગુટકા, રૂ. 100ની સિગારેટ સહિતના ખર્ચ સાથે રોજના રૂ.500થી 600નો ફાલતું ખર્ચ કરે છે. આ જ રકમ 25 વર્ષ માટે રોકાણ કરશો તો 12 ટકાના દરે તેના પર વળતર મળે તો રૂ. 2.8 કરોડની બચત વધી શકે છે. નિવૃત્તિ પછી ખર્ચ ઓછો થતો નથી. ખર્ચની પેટર્ન બદલાય છે. ઘણા લોકો માને છે કે નિવૃત્તિ પછી ખર્ચ ઘટશે. પરંતુ તેમની આ માન્યતા સદંતર ખોટી જ છે. નિવૃત્તિ પછી આરોગ્ય-હેલ્થકેર, ઘરેલુ મદદ, મુસાફરી, સુવિધાઓ, મનોરંજન વધે છે. નિવૃત્તિ આયોજન માત્ર રોકાણ નથી. રોજિંદી ખર્ચની સમજ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. રૂ. 100 નિયમ બલિદાન વિશે નથી. આ નિયમ જાગૃતિ વિશે છે. લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન વહેલું નિયંત્રિત કરો, જેથી ભવિષ્યની બચત સરળતાથી થવા માંડે છે.

 

 

Read Previous

ભારતનું હર્બલ અને આયુર્વેદ ક્ષેત્ર વિશ્વાસ મજબૂત કરવા પારદર્શિતા અને ક્લીન લેબલિંગને પ્રાથમિકતા આપે છે

Read Next

EoDB માટે વૈશ્વિક ધોરણોની માન્યતા ધરાવતી કંપનીઓને આયુષ ક્વોલિટી માર્ક મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular