• 15 January, 2026 - 8:28 PM

IPOની શેર્સ ઓફરમાં પ્રાઈસ ડિસ્કવરીને સચોટ બનાવવા સેબી ફેરફારો દાખલ કરશે

ડમી પ્રાઇસ બેન્ડ્સ યથાવત રહેવા દેશે, પરંતુ બેઝ પ્રાઇસને બુક વેલ્યુ સાથે વધુ સંકળાય તે રીતે બદલવામાં આવે તેવી શક્યતા

અમદાવાદઃ SEBI (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) IPO અને ફરીથી લિસ્ટ થનારા શેરો માટે લાગુ થતા Special Pre-Open Session (SPOS) ના નિયમોમાં ફેરફાર પર વિચારણા કરી રહ્યું છે. તેમાં ડમી પ્રાઇસ બેન્ડ, તેના ફ્લેક્સિંગ (વધઘટ)ના નિયમો અને બેઝ પ્રાઇસ નક્કી કરવાની પદ્ધતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી માર્કેટ પ્રાઈસ-બજારભાવ શોધવાની પ્રક્રિયામાં કોઈ જ અનિયમિતતા કે નબળાઈ ન રહે તેનું ધ્યાન રાખી શકાશે.

હાલના નિયમો મુજબ, ફરીથી લિસ્ટ થનારા શેરો માટે પ્રી-ઓપન સેશનમાં કોઈ અધિકૃત પ્રાઇસ બેન્ડ નક્કી કરાતા નથી, જેથી બજારના જ પરિબળ સાચો ભાવ શોધી શકે. જોકે, એક્સચેન્જો ડમી પ્રાઇસ બેન્ડ -85 ટકાથી માંડીને +50 ટકા સુધી રાખે છે. પરિણામે ટ્રેડર્સ ભૂલથી ખોટા ભાવ (fat finger error) નાખી શકતો નથી.

જોકે, બજાર ભાવ નક્કી કરવાની આ વ્યવસ્થા અંગે ગયા વર્ષે વિવાદ થયો હતો. તે વખતે Swan Defence કંપનીએ SEBI સમક્ષ રજૂઆત કરી હતી કે તેની શેરની બુક વેલ્યુ રૂ. 1,500થી વધુ હોવા છતાં, SPOS દરમિયાન તેનો ભાવ માત્ર રૂ. 36નો જ નક્કી કરી શકાયો હતો. કંપનીઓનું કહેવું હતું કે ફેસ વેલ્યુને બેઝ પ્રાઇસ રાખવી અને તેના પર ડમી બેન્ડ લાગુ કરવાના કારણે ભાવ કૃત્રિમ રીતે દબાઈ જાય છે અને શેરહોલ્ડર્સને નુકસાન થાય છે.

કોઈ શેર એક વર્ષથી વધુ સમય માટે સસ્પેન્ડ હોય ત્યારે બેઝ પ્રાઇસ તરીકે ફેસ વેલ્યુ અથવા બુક વેલ્યુમાં જે ઓછું હોય તે લેવામાં આવે છે.

એકસરખું (Uniform) ફ્લેક્સિંગ

SEBI ડમી પ્રાઇસ બેન્ડ્સને રિસ્ક મેનેજમેન્ટ માટે ચાલુ રાખવા માંગે છે, પરંતુ તેને વધુ લવચીક એટલે કે સ્થિતિ સ્થાપક અને એકસરખી પદ્ધતિથી લાગુ કરવાનું વિચારી રહ્યું છે, જેથી વધુ સારી રીતે બજાર ભાવની શોધ થઈ શકે છે. હાલમાં, એક્સચેન્જો ડમી બેન્ડ્સને 10 ટકાના પગથિયે, અન્ય એક્સચેન્જ સાથે સંકલન કરીને મેન્યુઅલી ફેરવે છે. તે પણ માત્ર સવારે 9:35 વાગ્યા પહેલા જ ફેરવે છે. ત્યારબાદ ભલે SPOS ચાલુ હોય, બેન્ડ બદલાઈ શકતો નથી. SEBI આ મર્યાદા દૂર કરવાની વિચારણા કરી રહ્યું છે.

સંતુલન ભાવ (Equilibrium Price) પર વધુ ભાર

SEBI ભાવ શોધ વધુ મજબૂત કરવા માટે, Investment Companies અને Holding Companies માટે વપરાતી Call Auction પદ્ધતિના કેટલાક તત્વો SPOSમાં સમાવી લેવાની તૈયારીમાં છે. સેબી તેને માટે પોતાનો પ્રસ્તાવ લાવી છે. SPOS ત્યારે જ સફળ માનવામાં આવશે જ્યારે ઓછામાં ઓછા 5 અલગ PAN ધરાવતા ખરીદદારો અને 5 વેચનારાઓના ઓર્ડર પરથી ભાવ નક્કી થવા માંડશે. જો પ્રથમ દિવસે ભાવ નક્કી ન થાય, તો આ સેશન આગામી ટ્રેડિંગ દિવસોમાં ચાલુ રહેશે. જ્યાં સુધી યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. તેમ થવાથી થોડા જ ટ્રેડ પરથી ભાવ નક્કી થવાની સમસ્યા અટકશે.

બેઝ પ્રાઇસમાં બદલાવ

SEBI ઇચ્છે છે કે બેઝ પ્રાઇસ વધુ વાસ્તવિક અને આર્થિક હકીકત દર્શાવતી હોવી જોઈએ, માત્ર મેકેનિકલ રીતે ફેસ વેલ્યુ કે જૂની બુક વેલ્યુ પરથી નહીં.

હાલમાં એક્સચેન્જો સ્ટેટ્યુટરી ઓડિટર પાસેથી મળેલી 6 મહિના કરતાં જૂની ન હોય તેવી બુક વેલ્યુને આધારે બેઝ પ્રાઈસ નક્કી કરે છે. તેમ જ ફેસ વેલ્યુને આધારે તે નક્કી કરે છે. તેમાં ઓછામાં ઓછી રૂ. 1ની ફેસ વેલ્યુ હોવી જરીરી છે. તેમાં જે ઓછું હોય તેને બેઝ પ્રાઇસ બનાવવામાં આવે છે. આ પદ્ધતિમાં ફેરફાર કરીને બુક વેલ્યુને વધુ મહત્વ આપવાની શક્યતા છે.આ પ્રસ્તાવો પર ઉદ્યોગના ભાગીદારો સહમત છે. હવે તે SEBI અંદર ચર્ચા બાદ જાહેર પરામર્શ (Public Consultation) માટે મૂકવામાં આવશે.

શેર્સના ભાવ નક્કી કરવાની નવી સિસ્ટમ સંભવતઃ આવી હશે

પબ્લિક ઇશ્યૂ લાવનારી કંપનીઓની ઓફર પ્રાઈસ અને વાસ્તવિક બજાર મૂલ્ય વચ્ચે બહુ ગાળો ન આવે તે માટે બજારમાં એક ગતિશીલ મિકેનિઝમ દાખલ કરવામાં આવશે. તેમાં બાયર અને સેલર મળીને કંપનીએ ઓફર કરેલા શેર્સનું ફાઈનલ અને વાજબી મૂલ્ય નક્કી કરે છે. આરંભિક ઓફર પ્રાઈસ નક્કી કર્યા બાદ મહત્તમ કિંમતની મર્યાદા નક્કી કરવામાં આવે છે. આમ બુકબિલ્ડંગની સિસ્ટમને ચાતરી જઈને હરાજી આધારિત લિસ્ટિંગની સિસ્ટમના તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. આમ માગ અને પુરવઠા વચ્ચે સંતુલન ઊભું કરે છે. આ રીતે સૌથી વધુ સ્વીકાર્ય મૂલ્ય નક્કી થઈ શકે છે. બજારમાં થતાં શેર્સના હાથબદલાને આધારે આ ભાવ નક્કી કરવામાં આવે છે. આમ શેર્સના અન્ડરરાઈટર દ્વારા નક્કી કરવામાં આવતા મૂલ્યની પદ્ધતિથી વાસ્તવિક બજારના પરિબળોએ નક્કી કરેલી મૂલ્યની પદ્ધતિ છે. તેનાથી રોકાણકારોનો આઈપીઓમાં ખરેખર કેટલો રસ છે તે પણ જાણી શકાય છે.

 

Read Previous

BCCLનો આઈપીઓ 100 ગણો સબસ્ક્રાઈબ થયો

Read Next

ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ખેડૂતોને મોટા ભાગના ખરીફ પાકોમાં MSP કરતાં 9ટકાથી 30 ટકા ઓછા મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular