• 25 October, 2026 - 7:11 AM

જૂના ને મોટા મ્યુચ્યુઅલ ફંડોને ટક્કર આપી રહેલા નવા ફંડો, પરફોર્મન્સમાં મોખરે

જૂના ને મોટા મ્યુચ્યુઅલ ફંડોને ટક્કર આપી રહેલા નવા ફંડો પરફોર્મન્સમાં મોખરે

રૂપિયા 87-લાખ કરોડથી વધુના ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દાયકાઓ જૂના અનુભવ અને વિરાટ નેટવર્ક ધરાવતા જૂના (પ્રસ્થાપિત) ફંડ હાઉસીસની સરખામણીએ 2023 અને તે પછી શરૂ થયેલા નવા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ બજારની વર્તમાન અસ્થિરતા વચ્ચે સારું પ્રદર્શન કરી રહ્યા છે.  હવે એસેટ અંડર મેનેજમેન્ટનું વિશાળ કદ એ સફળ રોકાણ માટેનો સૌથી મોટો અવરોધ બની શકે છે. જેમ ફંડનું કદ વધે છે, તેમ ફંડ મેનેજરે નબળા સ્ટોક્સ પસંદ કરવા પડે છે અથવા મર્યાદિત સ્ટોક્સમાં જ મોટું રોકાણ જાળવી રાખવું પડે છે. તેની સીધી  અસર વિરાટ કદના ફંડના માધ્યમથી રોકાણકારોને મળી રહેલા વળતર પર પડી રહી છે. નવા ફંડ હાઉસીસ પોતાની ફ્લેક્સિબિલિટી (લવચીકતા) અને નાના પોર્ટફોલિયો સાઈઝના કારણે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં સહેલાઈથી યોગ્ય સ્ટોક્સની પસંદગી કરી શકે છે, જે મોટો એસેટ બેઝ ધરાવતા જૂના ફંડ્સ માટે મુશ્કેલ બને છે.

નવા વિ. જૂના મ્યુચ્યુઅલ ફંડ્સ: ૧-વર્ષના રિટર્નની સરખામણી

કેટેગરી (Category) નવું ફંડ સ્કીમ (New AMC Scheme) નવા ફંડનું ૧-વર્ષનું રિટર્ન (%) પ્રસ્થાપિત ૩ મોટા ફંડ્સનું સરેરાશ રિટર્ન (%) બેન્ચમાર્ક / ઇન્ડેક્સ રિટર્ન (%)
સ્મોલ કેપ બજાજ ફિન સર્વસ સ્મોલ કેપ +7.5 ટકા -2.6 ટકા -1.9 ટકા (નિફ્ટી સ્મોલ કેપ 250)
ફોકસ્ડ  ફંડ ઓલ્ડ બ્રિજ ફોકસ્ડ  +5.4 ટકા -3.5 ટકા -7.8 ટકા (નિફ્ટી 500 ટીઆરઆઈ)
મલ્ટી કેપ બજાજ ફિન સર્વ મલ્ટી કેપ +0.9 ટકા -7.6 ટકા –
મિડ કેપ હેલિયોઝ મિડ કેપ -0.6 ટકા -3.4 ટકા –
ફ્લેક્સિ કેપ-એસઆઈપી યુનિફિ ફ્લેક્સિ કેપ +4.6 ટકા (SIP) -7.6 ટકા -8.9, ટકા 
લાર્જ કેપ બજાજ ફિન સર્વ લાર્જ કેપ -6.9 ટકા -9.5 ટકા –

(નોંધ: ફ્લેક્સિ કેપ જેવા કેટલાક નવા ફંડ્સે -9.7 ટકાનું નેગેટિવ રિટર્ન પણ આપ્યું છે, જે દર્શાવે છે કે માત્ર ‘નવું ફંડ’ હોવું એ જ સફળતાની ગેરંટી નથી.)

વર્તમાન બજાર સ્થિતિમાં રોકાણકારો માટે માર્ગદર્શન અને વ્યૂહરચના

બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોએ ઉતાવળમાં કે લાગણીવશ થઈને નિર્ણયો ન લેવા જોઈએ. તમારા રોકાણના માળખાને મજબૂત બનાવવા માટે નીચે મુજબના ચોક્કસ ફેરફારો કરવા જરૂરી છે. 

જૂના ફંડ્સમાં રોકાણ ચાલુ રાખવું કે બ્રેક મારવી?

  • જૂના ફંડ્સ બંધ ન કરો, પણ સરેરાશ નવો પ્રવાહ ડાયવર્ટ કરો: જૂના અને સ્થાપિત ફંડ્સ પાસે વિવિધ માર્કેટ સાયકલ (તેજી-મંદી)નો લાંબો ટ્રેક રેકોર્ડ અને રિસ્ક મેનેજમેન્ટની સિસ્ટમ હોય છે. તેથી, ચાલી રહેલી જૂની SIP ને તાત્કાલિક બંધ કે રિડીમ (કેશ) કરવાની ભૂલ ન કરો.

  • નવા નાણાંનું આયોજન: જો તમે નવી SIP શરૂ કરવા માંગતા હોવ અથવા વધારાનું કેપિટલ ઉમેરતા હોવ, તો તેમાંથી અમુક હિસ્સો (દા.ત. ૨૦-૩૦ ટકા) સારા ગ્રોથ પોટેન્શિયલ ધરાવતા નવા ફંડ હાઉસીસમાં ફાળવી શકો છો.

રોકાણના વ્યૂહમાં ફેરફાર 

સ્મોલ એસેટ બેઝનો લાભ : મોટા પ્રમાણમાં અસ્ક્યામતોનું નિયમન કરવાની જવાબદારી ધરાવતા જૂના ફંડ્સ સ્મોલકેપ અથવા મિડકેપ શેરોમાં નાનું રોકાણ કરી શકતા નથી, કારણ કે તેનાથી તેમના પોર્ટફોલિયો રિટર્ન પર ખાસ અસર પડતી નથી. જ્યારે નવા ફંડ્સ ઝડપથી વધતા નાના શેરોમાં રોકાણ કરીને સારો નફો રળી શકે છે. યુનિફિ ફ્લેક્સિ કેપએ સાઉથ ઇન્ડિયન બેંકમાં પોતાનો હિસ્સો ૨.૨ ટકાથી વધારીને ૪.૭ ટકા કર્યો અને એ સ્ટોક ૬ મહિનામાં ૩૫ ટકા ઉછળ્યો. તેવી જ રીતે બજાજ ફિન સર્વ સ્મોલ કેપે વેલસ્પન કોર્પમાં એલોકેશન વધાર્યું જે ૯૯ ટક  જેટલો વધી ગયો છે.

ફ્લેક્સિબિલિટી અને સેક્ટર રોટેશનઃ નવા ફંડ હાઉસીસ પોતાના પોર્ટફોલિયોને કેપિટલ ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રિયલ્સ જેવા ઉભરતા સેક્ટર્સ તરફ ઝડપથી શિફ્ટ કરી શકે છે. જો તમારી પાસે માત્ર લાર્જ-કેપ જૂના ફંડ્સ જ હોય, તો તમે ‘સેટેલાઇટ પોર્ટફોલિયો’ તરીકે ૨૦ ટકા જેટલું રોકાણ ફ્લેક્સી-કેપ કે મલ્ટી-કેપ કેટેગરીના નવા ફંડ્સમાં ઉમેરીને ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન સુધારી શકો છો.

અંતિમ અવલોકન 

નવા ફંડ્સનું ૧-વર્ષનું પ્રદર્શન આકર્ષક છે, પરંતુ ૧ થી ૨ વર્ષનો સમયગાળો લાંબા ગાળાના નિર્ણય માટે ટૂંકો ગણાય. રોકાણકારોએ જૂના ફંડ છોડીને એકાએક બહાર ન નીકળી જવું જોઈએ. જૂના ફંડના રોકાણ તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપે છે. તેથી નવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા વધારાનું રોકાણ કરતી વખતે સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા નવા ફંડ્સમાં એટલે કે બજાજ ફિનસર્વ, હેલયોઝઅને ઓલ્ડ બ્રિજ કે પછી યુનિફિ જેવા ફંડમાં રોકાણ કરવાનો પણ વિચાર કરી શકે છે. રોકાણકારોએ તેલ અને તેલની ધાર જોઈને નિર્ણય લેવા જોઈએ. બજારના ટ્રેન્ડ ઉપરાંત જૂના ફંડોએ કયા શેર્સમાં અને ક્યાં રોકાણ કર્યું છે તથા તેમાં કરેલું રોકાણ હવે સેચ્યુરેશન પોઈન્ટ પર એટલે કે વધુ વળતર ન આપે તેવા તબક્કામાં પહોંચી ગયું છે કે કેમ તેનો અભ્યાસ કરીને નિર્ણય લેવાનો રહેશે. અન્યથા નિષ્ફળતા મળવી નિશ્ચિત જ છે.

Read Previous

ઇન્સાઇડર ટ્રેડિંગથી નાના અને સામાન્ય રોકાણકારોના ખિસ્સા પર ફેરવવામાં આવી રહેલી કાતર

Read Next

સોમવારથી શરૂ થતાં સપ્તાહમાં જુદાં જુદાં ઇન્ડેક્સની ચાલ કેવી રહી શકે છે

Most Popular