ઇન્સાઇડર ટ્રેડિંગથી નાના અને સામાન્ય રોકાણકારોના ખિસ્સા પર ફેરવવામાં આવી રહેલી કાતર
ઇન્સાઇડર ટ્રેડિંગથી નાના અને સામાન્ય રોકાણકારોના ખિસ્સા પર ફેરવવામાં આવી રહેલી કાતર
સેબી પાસે વ્હીસલબ્લોઅરની ફરિયાદોમાં પાંચ ગણો ઉછાળો – જાણો સમગ્ર કૌભાંડનું ગણિતઃ અમેરિકામાં ઇન્સાઈડર ટ્રેડિંગના બાતમીદારને રૂ. 2000 કરોડનું ઇનામ અપાયું હતું આ જ રીતે ભારતમાં ઇન્સાઈડર ટ્રેડિંગના બાતમીદારને ઈનામ મળવા જોઈએ
જ્યારે કંપનીના પ્રમોટર્સ, ડિરેક્ટર્સ કે ઉચ્ચ અધિકારીઓ પાસે કંપનીના ત્રિમાસિક પરિણામો, કોઈ મોટો ઓર્ડર મળવાના કે મર્જરના સમાચાર આંતરિક રીતે ઉપલબ્ધ હોય અને તે માહિતી જાહેર બજારમાં આવે તે પહેલાં જ પોતાના કે સગાં-સંબંધિઓના નામે શેર્સની ખરીદ-વેચાણ કરી લે છે, ત્યારે તેને ‘ઇન્સાઇડર ટ્રેડિંગ’ (Insider Trading) કહેવામાં આવે છે. ઇન્સાઇડર ટ્રેડિંગ એ સામાન્ય અને રિટેલ રોકાણકારો સામે રમાતી એક અપ્રમાણિક રમત છે. જ્યારે કોઈ અંદરની વ્યક્તિ ખરાબ સમાચાર જાહેર થાય તે પહેલાં ઊંચા ભાવે પોતાના શેર વેચીને બહાર નીકળી જાય છે, ત્યારે તે જ શેર અજાણતા સામાન્ય રિટેલ રોકાણકાર ખરીદી લે છે. બાદમાં માર્કેટમાં ખરાબ સમાચાર આવતા જ શેરનો ભાવ ગગડી જાય છે અને સામાન્ય રોકાણકારે મોટી સંપત્તિ ગુમાવવી પડે છે. ટૂંકમાં, ઇન્સાઇડર્સ પોતાની ગેરકાયદેસર કમાણી સામાન્ય રોકાણકારોના ભોગે કરે છે, જેથી બજારમાં ‘લેવલ પ્લેઇંગ ફીલ્ડ’ (સમાન તક) રહેતી નથી.
વિસલબ્લોઅર અને સેબીના તાજેતરના આંકડા
સેબીના ઓગસ્ટ ૨૦૨૬માં જાહેર થયેલા વાર્ષિક અહેવાલ મુજબ દેશના મૂડીબજારમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (FY26)માં સેબીના ઓફિસ ઓફ ઇન્ફોર્મન્ટ પ્રોટેક્શનને ઇન્સાઇડર ટ્રેડિંગ સંબંધિત ૨૫ બાતમી-Tip-offs-Whistleblower Reports) મળી હતી. ડિસેમ્બર ૨૦૧૯ માં ઇનામી યોજના શરૂ થયા પછીના પ્રથમ ૬ વર્ષોમાં (FY20 થી FY25 સુધી) સેબીને કુલ મળીને માત્ર ૫ જ ફરિયાદો મળી હતી. તેની સામે એક જ વર્ષમાં ૨૫ ફરિયાદો મળવી એ વ્હીસલબ્લોઅર્સનો વધતો વિશ્વાસ દર્શાવે છે. આ સંદર્ભમાં મળેલી ૨૫ ટીપ-ઓફમાંથી ૧૪ કેસનો નિકાલ કરી દેવાયો છે. જેમાં અગાઉના વર્ષનો ૧ કેસ સામેલ હતો, જ્યારે ૧૨ કેસની તપાસ હાલ ચાલુ છે.
૧૦ કરોડનું ઇનામ અને અમેરિકાની SEC સાથે સરખામણી
સેબીએ ગુપ્ત માહિતી આપનાર વ્હીસલબ્લોઅરને ₹૧૦ કરોડ સુધીના નાણાકીય ઇનામ (Monetary Reward) ની જોગવાઈ કરી છે. છતાં નિષ્ણાતો માને છે કે ભારતમાં હજુ આ નીતિને વધુ મજબૂત કરવાની જરૂર છે. ડિન્ટન્સ લિંકના કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં નિયમો વધુ કડક અને પ્રોત્સાહક છે:
૧. મર્યાદા વગરનું ઇનામ: મે ૨૦૨૩માં યુએસ એસઈસીએ એક વ્હીસલબ્લોઅરને $279 મિલિયન (આશરે ₹૨,૦૦૦ કરોડથી વધુ)નું રેકોર્ડબ્રેક ઇનામ આપ્યું હતું.
૨. નોકરીમાંથી બરતરફી સામે કડક રક્ષણ: યુએસમાં જો કોઈ કર્મચારી કંપનીના કૌભાંડની જાણ સેબીને કરે અને કંપની તેને નોકરીમાંથી કાઢી મૂકે, તો તે કર્મચારી સીધો ફેડરલ કોર્ટમાં દાવો કરી શકે છે. તેને બે ગણો પગાર, નોકરીમાં પુનઃસ્થાપના અને કાનૂની ખર્ચ મેળવવાનો કાયદાકીય હક છે.
૩. ભારતની સ્થિતિ: સેબીના નિયમો મુજબ વ્હીસલબ્લોઅર્સ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ સેબી કંપનીને તે કર્મચારીને ફરજિયાત નોકરીમાં પાછા લેવા કે વળતર આપવાનો સીધો આદેશ આપી શકતી નથી.
નિષ્ણાતોના મતે કૌભાંડ અટકાવવામાં પડકારો અને સુધારા
૧. પારદર્શિતાનો અભાવ: રેગસ્ટ્રીટ લો એડવાઇઝર્સના સ્થાપક અને સેબીના પૂર્વ અધિકારી સુમિત અગ્રવાલે જણાવ્યું કે, OIP માળખામાંથી ખરેખર કેટલા વ્હીસલબ્લોઅર્સને ઇનામ અપાયા, કેટલા કેસોમાં દંડ થયો કે રિકવરી થઈ તેની જાહેર માહિતી ઉપલબ્ધ નથી. (આરટીઆઈ – RTI દ્વારા માંગેલી વિગતોમાં પણ સેબી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી).
૨. નિયમોનો વ્યાપ વધારવાની જરૂર: સુમિત અગ્રવાલના મતાનુસાર આ ઇનામી યોજના માત્ર ‘ઇન્સાઇડર ટ્રેડિંગ’ પૂરતી મર્યાદિત ન રાખવી જોઈએ. તેને ફ્રન્ટ રનિંગ, નાણાકીય હિસાબોમાં ગરબડ, શેરબજારમાં બોગસ મેનિપ્યુલેશન અને ગંભીર વચેટિયા ગેરરીતિઓ સુધી વિસ્તારવી જોઈએ.
૩. વિશાળ માર્કેટ અને સિસ્ટમ: FY19 પછી શેરબજારમાં ૧૮ કરોડથી વધુ નવા રોકાણકારો અને સેંકડો કંપનીઓ ઉમેરાઈ છે. સેબીએ ૩૦૦ થી વધુ નવા કર્મચારીઓ અને એઆઈ આધારિત એડવાન્સ સિક્યોરિટીઝ ટેકનોલોજી વસાવી છે, જેથી ડિજિટલ ટ્રેસ મેળવવો સરળ બન્યો છે.

