સુપ્રીમ કોર્ટે સરકારી તંત્ર અને ફાર્મા લોબી વચ્ચેની મિલીભગત સામે ઉઠાવ્યો સવાલઃ દવા ઉત્પાદકોને જ કેમ લાભ મળી રહ્યો છે
સુપ્રીમ કોર્ટે સરકારી તંત્ર અને ફાર્મા લોબી વચ્ચેની મિલીભગત સામે ઉઠાવ્યા ગંભીર સવાલો: દવા ઉત્પાદકોને જ કેમ લાભ મળી રહ્યો છે?
નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી સાવ જ નિષ્ક્રિય સંસ્થા બની હોવાથી ફાર્મા લોબીને મોકળું મેદાન મળી ગયું છે
સુપ્રીમ કોર્ટે સવાલ ઊઠાવ્યો છે કે દરેક નિર્ણયને અંતે દવાના ઉત્પાદકોને જ કેમ લાભ મળી મળ્યો છે? દવાઓની મહત્તમ વેચાણ કિંમત અને રિટેલરોને મળતી કિંમત વચ્ચેના ભયાનક તફાવત અંગે કેન્દ્ર સરકારનો ઉધડો લેતા સુપ્રીમ કોર્ટે આ તીખો સવાલ કર્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે દેશમાં દવાઓની કિંમતો અંગે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરતી વખતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર આ બધું પોતાની આંખો સામે થવા દઈ રહી છે. શું આ સિસ્ટમ આમ જ બેફામ ચાલવા દેવી જોઈએ?”
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રના નિયામક અને કિંમતો પર અંકુશ રાખતી સંસ્થા ‘નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી’-એનપીપીએની કામગીરી સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે એનપીપીએ હાલમાં “સંપૂર્ણપણે નિષ્ક્રિય” સંસ્થા બની ગઈ હોય તેમ લાગે છે. સરકાર તરફથી રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલે જ્યારે એવો બચાવ કર્યો કે ભારતમાં દવાની કિંમતો વિશ્વમાં સૌથી ઓછી છે અને સરકાર આખી ઇકોસિસ્ટમને નિયંત્રિત કરવા નથી માંગતી, ત્યારે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સરકારની નીતિઓને કારણે ફાર્મા લોબીને મોકળું મેદાન મળી રહ્યું છે. આ અગાઉની સુનાવણીમાં કોર્ટે કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાના સરકારના નિર્ણયને “અપૂરતો” ગણાવ્યો હતો અને અન્ય તમામ આવશ્યક દવાઓ પર પણ માર્જિન કેમ નક્કી કરવામાં નથી આવતું તે અંગે જવાબ માંગ્યો હતો.
દવાના ભાવ ઘટે તો પણ દર્દીઓને લાભ કેમ નથી મળતો?
હાલની સિસ્ટમમાં સરકાર જ્યારે પણ કોઈ દવાના ઉત્પાદન ખર્ચ કે જથ્થાબંધ ભાવ પર અંકુશ મૂકે છે, ત્યારે ફાર્માસ્યૂટિકલ્સ ઉત્પાદકો અને વિતરકો એમઆરપી ભયાનક રીતે ઊંચી રાખીને ગ્રાહકોની લૂંટ ચલાવે છે. વિતરકો-ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલરોને આકર્ષવા માટે ઉત્પાદકો દવાઓ પર ૧૦૦ ટકા થી લઈને ૧૦૦૦ ટકા સુધીનું ટ્રેડ માર્જિન આપે છે. પરિણામે જે દવાની બનાવટ અને રિટેલર કિંમત રૂ. ૧૦ હોય, તેની મહત્તમ છૂટક કિંમત રૂ. ૧૦૦ કે રૂ. ૧૫૦ રાખવામાં આવે છે. બીજું, ઊંચા માર્જિન વાળી જનરિક કે બ્રાન્ડેડ દવાઓ લખવા માટે ફાર્મા કંપનીઓ દ્વારા હોસ્પિટલો અને ડૉક્ટરોને મોટા કમિશન અને ભેટસોગાદો આપવામાં આવે છે, જેથી દર્દી પાસે મોંઘી દવા ખરીદવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
મિલીભગત અને પોલંપોલના અધિકૃત ઉદાહરણો
ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રમાં સરકારી તંત્રની ઢીલી નીતિઓ અને લોબીંગના કારણે દર્દીઓ કેવી રીતે લૂંટાય છે. આ રહ્યા તેના ઉદાહરણો. એક, રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકારના ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ના જાહેર થયેલા હેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ કેન્સરની ૪૨ બિન-નિયંત્રિત જીવનરક્ષક દવાઓ પર ફાર્મા કંપનીઓ અને હોસ્પિટલો ૯૧૭ ટકા સુધીનું ટ્રેડ માર્જિન વસૂલતી હતી. સરકાર અને ઉત્પાદકોની મિલીભગતથી ચાલતી આ સિસ્ટમમાં દર્દીઓ પાસેથી મૂળ કિંમત કરતાં ૧૦ ગણા નાણાં વસૂલવામાં આવતા હતા. ત્યારબાદ સરકારે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ટ્રેડ માર્જિન ૩૦ ટકા કેપ કરવું પડ્યું હતું. બીજું, 18મી ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં ચાલેલી કાર્યવાહી દરમિયાન ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી પિટિશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના રિપોર્ટનો ટાંકો આપવામાં આવ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે ‘ડોલો-૬૫૦’ દવાની નિર્માતા કંપની-માઈક્રોલેબ્સે ડૉક્ટરોને આ જ તાવની દવા વધુ પ્રમાણમાં પ્રિસ્ક્રાઇબ કરવા માટે રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની ભેટસોગાદો અને પ્રવાસો સ્પોન્સર કર્યા હતા. ડોલો ૫૦૦ એમ.જી. સુધીની દવાના ભાવ સરકારી અંકુશ હેઠળ હતા, જેથી કંપનીએ અંકુશમાંથી બચવા ૬૫૦ એમ.જી.ની ગોળી બનાવીને ભયાનક નફો રળ્યો હતો.
સિસ્ટમની પોલંપોલ ઉઘાડી પાડતા અધિકૃત નિવેદનો
સરકારી તંત્ર અને ફાર્મા લોબી વચ્ચેની મિલીભગત પર નિષ્ણાતો અને સંસ્થાના પ્રતિનિધિઓએ આપેલા નિવેદનો સિસ્ટમની વાસ્તવિકતા છતી કરે છે. મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ એસોસિયેશનના પીટીશનર એડવોકેટ સંજય પારેખી જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા ફાર્મા કંપનીઓ માટે બનાવાયેલા ‘વોલન્ટરી યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યૂટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસિસ’ માત્ર કાગળ પર છે કારણ કે તે સ્વેચ્છાએ પાળવાનો છે, કાયદાકીય નથી. આ કાયદાકીય છટકબારીને કારણે જ ફાર્મા કંપનીઓ ડૉક્ટરોને લાંચ અને ફ્રીબીઝ આપીને મોંઘી દવાઓ વેચાવે છે અને સરકારી તંત્ર મૌન પ્રેક્ષક બનીને જોઈ રહે છે.”
ઓલ ઇન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કઃ “સરકાર જે દવાઓના ભાવ નિયંત્રિત કરે છે, તેના બદલે ફાર્મા કંપનીઓ તુરંત જ દવાના સોલ્ટ કે ડોઝમાં સહેજ ફેરફાર કરીને તેને બિન-નિયંત્રિત કેટેગરીમાં મૂકી દે છે. નેશનલ ફાર્માસ્યૂટકલ પ્રાઈઝિંગ ઓથોરિટી પાસે આ છટકબારી રોકવા માટે કોઈ કડક કાયદાકીય સત્તા કે ઈચ્છાશક્તિ નથી, જે સાબિત કરે છે કે સરકારી નિયામક સંસ્થાઓ જનતાના હિત કરતાં કંપનીઓના નાણાકીય હિતોનું રક્ષણ કરી રહી છે.”
સુપ્રીમ કોર્ટના તીખા અવલોકનોએ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં આરોગ્ય સેવાઓ અને દવાઓની કિંમતોના માળખામાં ભારે પોલંપોલ ચાલી રહી છે. જ્યાં સુધી ટ્રેડ માર્જિન પર સમગ્ર રીતે કાયદાકીય કેપિંગ લાવવામાં નહીં આવે અને એનપીપીએ જેવી સંસ્થાઓને મજબૂત કાયદાકીય સત્તાઓ આપવામાં નહીં આવે, ત્યાં સુધી ફાર્માસ્યૂટિકલ્સ ઉત્પાદકો અને અધિકારીઓની મિલીભગતનો ભોગ આપણા દેશનો સામાન્ય નાગરિક જ બનતો રહેશે.

