ઇન્વિટેશન-ઓન્લી વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા અપાતી સ્ટોક ટીપ્સ ફ્રોડ હોય છેઃ સેબી
ઇન્વિટેશન-ઓન્લી વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા અપાતી સ્ટોક ટીપ્સ ફ્રોડ
વોટ્સ એપ પર ટીપ્સ આપનારાઓની વિરુદ્ધમાં મોટો નિર્ણય અને રોકાણકારોને સાવધ થઈ જવા કડક ચેતવણી
બજાર નિયામક સેબી-સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ 22 ઓક્ટોબર, 2026ના બહાર પાડેલી મહત્વપૂર્ણ અપીલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર આમંત્રણથી જોડાતા અને ગેરકાયદેસર રીતે સ્ટોક ટીપ્સ આપતા વોટ્સએપ ગ્રુપ્સ એક પ્રકારની નાણાકીય છેતરપિંડી છે. સેબીના આ નિર્ણયની સીધી અસર શેરબજારમાં રોકાણ કરતા સામાન્ય અને નવા રોકાણકારો પર પડશે જેઓ સોશિયલ મીડિયા પર મળતી ફ્રી ટીપ્સ કે ટ્રેડિંગ કોલ્સના આધારે રોકાણ કરીને પોતાની મૂડી જોખમમાં મૂકે છે, તેમજ આ નિર્ણયની મોટી અસર વિદેશી નંબરો અને અજાણ્યા સ્ત્રોતોથી બેકડોરથી ચાલતી ગેરકાયદેસર એડવાઈઝરી સંસ્થાઓ કે નકલી એક્સપર્ટ્સ પર પડશે. સેબીના આ પગલાથી સામાન્ય રોકાણકારોને આવી જાળમાંથી બચવામાં અને માત્ર નોંધાયેલા મધ્યસ્થીઓ સાથે કામ કરવાની સ્પષ્ટ દિશા મળશે.
સેબીની ચેતવણી અને આંતરિક પાસાઓ
સેબીએ જણાવ્યું છે કે આ ગેરકાયદેસર ઓપરેટરો પોતાના ગ્રુપને સાચું દર્શાવવા માટે કૃત્રિમ માહોલ ઊભો કરે છે. તેઓ કેટલાક ચોક્કસ સભ્યો દ્વારા નકલી પ્રોફિટ ક્લેમ (નફાના ખોટા સ્ક્રીનશોટ) અને પોતાની પ્રશંસા કરાવતી મેસેજિંગ કરાવે છે, જેને ટેકનિકલ ભાષામાં ‘Astroturfing-એસ્ટ્રોટર્ફિંગ’ કહેવામાં આવે છે. આ કારણે નવા રોકાણકારો છેતરાઈને ટ્રેડિંગ શરુ કરી દે છે.
ગ્રુપ પર પ્રતિબંધ મૂકાયા પછીનો નવો ખેલ
જ્યારે નિયામક એજન્સીઓ આવા કોઈ ગ્રુપને સસ્પેન્ડ કે ગ્રુપ પર પ્રતિબંધ મૂકે છે ત્યારે ઓપરેટરો નવા નંબરથી મેસેજ મોકલીને એવો દાવો કરે છે કે “સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિયમોના કારણે જૂનું ગ્રુપ બંધ થયું છે, તેથી આ નવા ગ્રુપમાં જોડાઓ”. સેબીએ રોકાણકારોને સ્પષ્ટ સલાહ આપી છે કે આવા કોઈ પણ કારણ આપીને નવું ગ્રુપ જોઈન કરવાની ઓફર સ્વીકારવી નહીં અને તરત જ એક્ઝિટ થઈ જવું.
વિદેશી નંબરોથી ઓપરેશન
મોટાભાગના આવા ગેરકાયદેસર ઓપરેટરો વિદેશી વોટ્સએપ નંબરોનો ઉપયોગ કરીને સક્રિય રહે છે જેથી કાયદાકીય તપાસથી બચી શકાય છે. બેંક એકાઉન્ટ અને ડિજિટલ ટ્રાન્સફરનું જોખમ પણ તેમાં જોખમ રહેલું છે. આ પ્રકારના ગ્રુપ્સમાં ભલામણ કરાયેલી અનધિકૃત ટ્રેડિંગ એપ્સ કે પ્લેટફોર્મ પર ખાતું ખોલવું, નાણાં ટ્રાન્સફર કરવા કે પોતાના પોર્ટફોલિયોની વિગતો શેર કરવી ખૂબ જોખમી છે.
રોકાણકારો માટે સેબી દ્વારા બહાર પાડવામાં આવેલી સલાહ
- અજાણ્યા વ્યક્તિઓ કે વિદેશી નંબરોથી ચાલતા ઇન્વિટેશન-ઓન્લી વોટ્સએપ ગ્રુપ્સમાંથી તરત બહાર નીકળી જવું.
- નકલી ટ્રેડ કન્ફર્મેશન કે પ્રોફિટના સ્ક્રીનશોટ જોઈને લાલચમાં ન આવવું.
- માત્ર સેબીમાં નોંધાયેલા મધ્યસ્થીઓ અને સત્તાવાર ટ્રેડિંગ એપ્લિકેશન્સનો જ ઉપયોગ કરવો.
- રોકાણ કરતા પહેલાં મધ્યસ્થીઓની માન્યતા ચકાસવા માટે સેબીની સત્તાવાર વેબસાઈટ પર વેરીફાઈ કરવું.
ઇન્વિટેશન-ઓન્લી વોટ્સએપ ગ્રુપ્સની સરળ સમજણ
‘ઇન્વિટેશન-ઓન્લી વોટ્સએપ ગ્રુપ્સ’ એવા સિક્રેટ કે બંધ ગ્રુપ્સ હોય છે જેમાં કોઈપણ વ્યક્તિ સીધી રીતે જોડાઈ શકતી નથી, પરંતુ કોઈ લિંક કે ખાસ આમંત્રણ દ્વારા જ ઉમેરાઈ શકે છે. શેરબજારમાં અજાણ્યા અને ગેરકાયદેસર ઓપરેટરો આવા ગ્રુપ્સનો ઉપયોગ રોકાણકારોને છેતરવા માટે કરે છે. તેઓ ‘ફ્રી ઇન્વેસ્ટર એજ્યુકેશન’ કે ‘શ્યોર-શોટ ટ્રેડિંગ ટીપ્સ’ની લાલચ આપીને લોકોને આવા ગ્રુપમાં ખેંચે છે. આ ગ્રુપ્સમાં નકલી નફાના સ્ક્રીનશોટ અને ખોટા પ્રોફિટ ક્લેમ્સ (Astroturfing-એસ્ટ્રોટર્ફિંગ) મૂકીને રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કરવામાં આવે છે. ત્યારબાદ તેમને અનધિકૃત એપ્સમાં નાણાં રોકવા કે ડિજિટલ ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરીને છેતરપિંડી આચરવામાં આવે છે. સેબીએ આવા ગ્રુપ્સથી એકદમ દૂર જ રહેવા ચેતવણી આપી છે

