• 28 October, 2026 - 2:47 PM

દેશ અને ગુજરાતમાં કપાસનો પાક ૧૨ થી ૧૮% ઘટવાનો અંદાજઃ સરકાર કપાસની ડ્યૂટી મુક્ત આયાત ડિસેમ્બર સુધી લંબાવવા તૈયારી

દેશ અને ગુજરાતમાં કપાસનો પાક ૧૨ થી ૧૮% ઘટવાનો અંદાજ વચ્ચે સરકાર દ્વારા કપાસની ડ્યૂટી મુક્ત આયાત ડિસેમ્બર સુધી લંબાવવાની તૈયારી

ઓક્ટોબરથી શરૂ થયેલી નવી ૨૦૨૬-૨૭ ની ચોમાસુ સીઝનમાં દેશમાં કપાસના ઉત્પાદનમાં ૧૨ થી ૧૮ ટકાનો મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક બજારમાં કપાસની અછત અને સપ્લાય પ્રેસર ન સર્જાય તે માટે કેન્દ્ર સરકાર કપાસની ડ્યૂટી-ફ્રી આયાતની મુદત વધુ બે મહિના એટલે કે ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવવાની ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. અગાઉ સરકારે જૂન ૧ થી ઓક્ટોબર ૩૧ સુધી ૧૧ ટકા કસ્ટમ્સ ડ્યૂટી માફ કરી હતી. જો આ મુદત લંબાવવામાં આવશે તો અમેરિકા, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાથી કપાસની આયાત સરળ બનશે, જેનાથી સ્થાનિક ટેક્સટાઈલ મિલ માટે આ કાચો માલ વાજબી ભાવે ઉપલબ્ધ બનશે અને સ્થાનિક કિંમતો પર અંકુશ રહેશે.

ભારત અને ગુજરાતમાં કપાસ ઉત્પાદન

અધ્યતન અહેવાલો અને ટ્રેડ એસોસિએશનના ડેટા અનુસાર, અપૂરતો વરસાદ અને ઉચ્ચ તાપમાનને કારણે મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોમાં પાકને ભારે નુકસાન થયું છે. ૨૦૨૫-૨૬માં દેશમાં ૩૩ મિલિયન બેલ્સ (૧ બેલ = ૧૭૦ કિલો) કપાસનું ઉત્પાદન થયું હતું, જે ૨૦૨૬-૨૭ ની સીઝનમાં ૧૨-૧ ટકા ઘટીને માત્ર ૨૯ મિલિયન બેલ્સ સુધી સીમિત રહેવાનો અંદાજ છે. ગુજરાતમાં પાછલા વર્ષની સરખામણીએ કપાસનું ઉત્પાદન ૧૨ ટકા ઘટવાની ધારણા છે. અન્ય રાજ્યોમાંથી આવતા કપાસ સાથે ગુજરાતનું પ્રોસેસિંગ/પ્રેસિંગ ૬.૨ થી ૭.૦ મિલિયન બેલ્સની વચ્ચે રહેવાનો અંદાજ છે.

મહારાષ્ટ્ર: સૌથી વધુ ૨૦% નો ઘટાડો (ઉત્પાદન: ૮.૫ – ૯.૨ મિલિયન બિલ્સ, મરાઠવાડામાં ૪૦-૫૦% નુકસાન).

આંધ્રપ્રદેશ: ૩૫% નો ઘટાડો (૧.૩ – ૧.૪ મિલિયન બિલ્સ).

કર્ણાટક: ૩૦-૩૫% નો ઘટાડો (૧.૯ – ૨.૦ મિલિયન બિલ્સ).

તેલંગાણા: ૨૦% નો ઘટાડો (૩.૫ – ૩.૭ મિલિયન બિલ્સ).

ઓડિશા: અતિવૃષ્ટિના કારણે ૩૦% નો ઘટાડો (૦.૨ – ૦.૨૫ મિલિયન બિલ્સ).

મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત: ઉત્પાદન અનુક્રમે ૧.૭-૧.૮ મિલિયન અને ૨.૮-૩.૦ મિલિયન બિલ્સ સાથે સ્થિર રહેવાની શક્યતા છે.

 ટેક્સટાઈલ ઉદ્યોગની જરૂરિયાતમાં ઘટ અને તેની અસર

ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગની વાર્ષિક કપાસની જરૂરિયાત આશરે ૩૧ થી ૩૩ મિલિયન બિલ્સની આસપાસ રહેતી હોય છે. જ્યારે આ વર્ષે દેશમાં ઉત્પાદન માત્ર ૨૯ મિલિયન બિલ્સ થવાની ધારણા છે, ત્યારે ટેક્સટાઈલ પ્રોસેસિંગ યુનિટ્સ અને સ્પિનિંગ મિલ માટે ૨ થી ૪ મિલિયન બિલ્સની સીધી અછત ઊભી થશે. નવી સીઝનની આવકો શરૂ થવા છતાં સ્થાનિક બજારમાં કપાસના ભાવ રૂ. ૯,૦૦૦ પ્રતિ ૧૦૦ કિલો (ક્વિન્ટલ) પર રહ્યા છે, જે સરકારે નક્કી કરેલા રૂ. ૮,૭૧૭ ના લઘુત્તમ ટેકાના ભાવ કરતાં વધુ છે. કાચો માલ મોંઘો થવાના કારણે ટેક્સટાઈલ મિલોનો ઇનપુટ કોસ્ટ (ઉત્પાદન ખર્ચ) નોંધપાત્ર રીતે વધી જશે.

ટેક્સટાઈલ નિકાસ પર પડનારી અસર

જો ભારત સરકારે આયાત ડ્યૂટી માફ ન કરી હોત, તો ભારતીય ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ (યાર્ન, કાપડ અને ગારમેન્ટ્સ) બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીનની સરખામણીએ આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘી થઈ ગઈ હોત, જેનાથી ભારતની નિકાસને ફટકો પડ્યો હોત. સપ્લાય ચેઇનમાં કપાસની અછત અને ઊંચી કિંમતોના કારણે વિદેશી ખરીદદારો પાસેથી મળતા લાંબા ગાળાના નિકાસના ઓર્ડર્સ મેળવવામાં ભારતીય એક્સપોર્ટર્સ માટે માર્જિન જાળવવું મુશ્કેલ બનશે.

સરકારનો ડ્યૂટી-ફ્રી આયાત લંબાવવાનો નિર્ણય ટેક્સટાઈલ ઉદ્યોગની પડતર કિંમતો ઘટાડવામાં અને ઉત્પાદન ક્ષમતા જાળવવામાં ચોક્કસ મદદ કરશે. પરંતુ, વેપારીઓનો એક વર્ગ દલીલ કરે છે કે આ નિર્ણયથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને તેમના પાકના પૂરા ભાવ નહીં મળે. તે સામે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) પાસે પૂરતો સરકારી સ્ટોક ઉપલબ્ધ હોવાથી આયાત નીતિ અને કિસાન હિત વચ્ચે સંતુલન જાળવવું એ પણ કેન્દ્ર સરકાર માટે મોટો સવાલ બની રહેશે.

Read Previous

આજે નિફ્ટી સ્પોટમાં શું કરશો?

Read Next

લાંબી રેસના મજબૂત ઘોડા ગણાતા આ ચાર શેર્સમાં રોકાણ કરવાનું વિચારી શકાય

Most Popular