• 1 November, 2026 - 9:53 AM

સાદા રમકડાં પર 5 ટકા અને ઇલેક્ટ્રોનિક્સથી ચાલતા રમકડાં પર 18 ટકા જીએસટી લાગશે

સાદા રમકડાં પર 5 ટકા અને ઇલેક્ટ્રોનિક્સથી ચાલતા રમકડાં પર 18 ટકા જીએસટી લાગશે

ભૂતકાળમાં ઓછો ટેક્સ ભરનારા પાસે ટેક્સ માગવામાં નહિ આવે અને વધુ ભરનારાઓને રિફંડ નહિ આપવામાં આવે

બિન-ઇલેક્ટ્રોનિક રમકડાં  ઉપર ૫% જીએસટી લાગશે. તેમ જ ઇલેક્ટ્રોનિક રમકડાં પણ 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સે ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સર્ક્યુલર નં. ૨૬૫/૧૧/ 2૦૨૬-GSTના માધ્યમથી પ્રસ્તુત સ્પષ્ટતા કરવામાં આવી છે. ગત આઠમી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મળેલી ૫૭મી જીએસટી કાઉન્સિલની ભલામણોના આધારે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એચએસએન (HSN) કોડ અને નોટિફિકેશનની ભાષાના અર્થઘટનને લઈને વિવિધ ક્ષેત્રોમાં પ્રવર્તતી ગેરસમજો, વિવાદો અને અસ્પષ્ટતાઓને દૂર કરી સમગ્ર દેશમાં એકસમાન કરવેરા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. રમકડાં ઉપરાંત ખાસ પ્રકારના પેપર-સબલિમેશન પેપર 18 ટકા જીએસટી લેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

રમકડાં પર જીએસટીના દરો અને સ્પષ્ટતા

જીએસટી નોટિફિકેશનમાં રમકડાં અંગેના ઉદાહરણો તરીકે માત્ર ‘ટ્રાયસિકલ, સ્કૂટર, પેડલ કાર વગેરે’ શબ્દો લખેલા હોવાને કારણે ફિલ્ડ ફોર્મેશન્સ-ટેક્સ અધિકારીઓ એવું સંકુચિત અર્થઘટન કરતા હતા કે માત્ર આ ચોક્કસ ઉદાહરણોમાં આવતા રમકડાં જ નીચા કે ચોક્કસ દર માટે પાત્ર છે, જેના કારણે અન્ય રમકડાંની વર્ગીકરણ બાબતે અસ્પષ્ટતા ઊભી થઈ હતી. તેને પરિણામે વેપારીઓ અને જીએસટી અધિકારીઓ વચ્ચે વિવાદો થતાં હતા. 

સીબીઆઈસી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કસ્ટમ્સ ટેરિફ એક્ટ, ૧૯૭૫ના હેડિંગ 9503 હેઠળ આવતા તમામ પ્રકારના રમકડાં પર પાંચ ટકા જીએસટી લાગુ પડશે. આ હેડિંગમાં વગેરે શબ્દનો વ્યાપ માત્ર વ્હીલવાળા રમકડાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ઢીંગલીઓ, ઢીંગલીઓની ગાડીઓ, સ્કેલ મોડેલ્સ સહિતના તમામ પ્રકારના પઝલ્સ અને અન્ય તમામ મનોરંજક રમકડાંનો સમાવેશ થાય છે.

સબલિમેશન પેપર (Sublimation Paper) પર જીએસટી દર અને સ્પષ્ટતા

સબલિમેશન પેપર (જેનો ઉપયોગ ટી-શર્ટ, મગ, કેપ અને ગિફ્ટ આઇટમ્સ પર હીટ-ટ્રાન્સફર પ્રિન્ટિંગ માટે થાય છે) નું વર્ગીકરણ કસ્ટમ્સ ટેરિફના હેડિંગ 4809 હેઠળ કરવું કે સબ-હેડિંગ 4810 22 હેઠળ કરવું તે અંગે વેપારીઓ અને ટેક્સ વિભાગ વચ્ચે વિવાદ ચાલતો હતો. આ વિવાદને શમાવી દેવા માટે સબલિમેશન પેપર પર 18 ટકા જીએસટી લાગુ પડશે તેવી સ્પષ્ટતા પણ પરિપત્રના માધ્યમથી કરી દેવામાં આવી છે. આ મુદ્દે ભૂતકાળના વિવાદો પર પણ આ સાથે જ પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. 

અગાઉના સમયના ટેક્સ વિવાદોને શમાવવા માટે જીએસટી કાઉન્સિલે ભૂતકાળના સમયગાળાને જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં જ રહેવા દેવાનો નિર્ણય લઈ લીધો છે. તેનો અર્થ એ થયો કે જૂની જોગવાઈ હેઠળ તેમણએ વાસ્તવ કરતા ઓછો જીએસટી ભર્યો હશે તો તેમની પાસેથી ખૂટતો જીએસટી માગવામાં આવશે નહિ. તેમ જ વાસ્તવ કરતાં વધુ જીએસટી જમા કરાવી દેનારાઓને તેનું રિફંડ પણ આપવામાં આવશે નહિ. આમ અગાઉની સ્થિતિ જેમ હતી જેમ જ પડી રહેવા દેવાનો પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. 

જૂના અને વપરાયેલા વાહનો 

સેકન્ડ હેન્ડ ગાડીઓ કે વાહનોના ડીલરો માટે ‘માર્જિન સ્કીમ’ અંતર્ગત વેચાણ પર ટેક્સ ચૂકવવાની જોગવાઈ છે. અગાઉ એવી અસ્પષ્ટતા હતી કે કન્સેશનલ દરનો લાભ લેતી વખતે શું ડીલરે પોતાના તમામ વ્યવસાયિક ખર્ચાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ગુમાવવી પડશે? બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા પરનો પ્રતિબંધ માત્ર તે જૂના વાહનોની ખરીદી પર ચૂકવેલા ટેક્સ પૂરતો જ મર્યાદિત છે. ડીલરો અન્ય બિઝનેસ ઇનપુટ્સ અને સર્વિસિસ જેવી કે સ્પેરપાર્ટ્સ, રિપેર અને મેન્ટેનન્સ, ટેક્નોલોજી સર્વિસિસ, ભાડું અને માર્કેટિંગ કે જાહેરાત સેવાઓ પર નિયમોનુસાર ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) નો દાવો કરી શકશે.

સીવીડ એક્સટ્રેક્ટ આધારિત બાયો-સ્ટીમ્યુલન્ટ્સ

પાકની વૃદ્ધિ અને ઉત્પાદકતા વધારવા માટે વપરાતા સી-વીડ દરિયાઈ શેવાળ કે વનસ્પતિના અર્ક-એક્સટ્રેક્ટ આધારિત બાયો-સ્ટીમ્યુલન્ટ્સ અંગે પણ વિવાદ હતો. પરિપત્ર મુજબ, ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર ૧૯૮૫ ના શેડ્યૂલ-VI હેઠળ રજીસ્ટર્ડ થયેલા આવા બાયો-સ્ટીમ્યુલન્ટ્સ કસ્ટમ્સ ટેરિફના હેડિંગ 3101 (ખાતરોની શ્રેણી) હેઠળ આવશે અને નોટિફિકેશન નં. ૦૯/૨૦૨૫ ના શેડ્યૂલ-૧ ના સિરિયલ નં. ૨૩૭ હેઠળ પાત્ર બનશે. આ કિસ્સામાં પણ ઓછો ટેક્સ ભરનાર પાસે વસૂલ ન કરવાનો અને વધુ ટેક્સ ભરનારાઓને રિફંડ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિને જેમની તેમ જ રહેવા દેવોનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read Previous

નવેમ્બર અને ડિસેમ્બર માસમાં નિફ્ટીના ઉછાળાની શક્યતાઓ

Read Next

૮માં પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના પેન્શનરોના પેન્શનમાં ફેરફાર થવાની સંભાવનાઓ 

Most Popular