કર્મચારીઓ પર વધતું નાણાકીય ભારણ વધતુ હોવાથી ભારતમાં ઈએસઓપી ટેક્સ નિયમોમાં સુધારાની જરૂરી

કર્મચારીઓ પર વધતું નાણાકીય ભારણ વધતુ હોવાથી ભારતમાં ઈએસઓપી ટેક્સ નિયમોમાં સુધારાની જરૂરી
ભારતમાં ઈએસઓપી પર ટેક્સ વસૂલવાની વર્તમાન પદ્ધતિમાં એક મોટી ખામી એ છે કે સરકાર ‘કાગળ પર થતા કાલ્પનિક નફા’ને જ રોકડ પગાર માનીને તેના પર ટેક્સ વસૂલે છે. શેર ખરેખર વેચાયા નથી અને હાથમાં કોઈ રોકડ રકમ આવી નથી, છતાં કર્મચારીએ પોતાની તિજોરીમાંથી મોટા પ્રમાણમાં ટેક્સ ચૂકવવો પડે છે. ઈએસઓપી એટલે ‘એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન’ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ કંપની તેના કર્મચારીઓને તેમના કામના બદલામાં કે પ્રોત્સાહન તરીકે કંપનીના શેર નીચા ભાવે (ઓફર ભાવે) ખરીદવાનો અધિકાર આપે છે, ત્યારે તેને ઈએસઓપી કહેવાય છે.
કાગળ પરનો નફો અને ટેક્સનું મોટું ભારણ
ધારો કે કોઈ કર્મચારીને રૂ.૧૦૦ ના ભાવે ૧૦,૦૦૦ શેર ખરીદવાનો વિકલ્પ-એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન મળ્યો છે. જ્યારે તે આ શેર ખરીદવાનો પોતાનો અધિકાર વાપરે છે ત્યારે તે શેરની બજાર કિંમત રૂ. ૧,૦૦૦ છે. આમ શેર ખરીદવા માટે કર્મચારીને રૂ. 10 લાખનો ખર્ચ થયો છે. પરંતુ શેરના ઓફર ભાવ રૂ. 900 ઓછા હોવાથી તેને રૂ. 90 લાખનો નફો થયેલો ગણાય છે. વાસ્તવમાં કર્મચારીના હાથમાં રૂપિયાનો એક પણ રોકડ નફો આવ્યો નથી, છતાં સરકાર આ રૂ.૯૦ લાખને ‘પર્કવિઝિટ’ – મળેલું વધારાનું સરકારી ભથ્થું કે લાભ) ગણીને ઊંચા ટેક્સ સ્લેબમાં આવતા કર્મચારીઓ પાસે તેના પર લગભગ ૩૯ ટકા સુધીનો ટેક્સ એટલે કે આશરે રૂ. ૩૫ લાખ વેરા તરીકે માંગે છે. આ થઈ બજારમાં લિસ્ટ થયેલી કંપનીઓના ઈએસપીઓમાં ઓફર કરાયેલા શેર્સની વાત. પરંતુ અનલિસ્ટેડ એટલે કે શેરબજારમાં ન નોંધાયેલી કંપનીઓમાં સ્થિતિ વધુ ગંભીર બને છે, કારણ કે ત્યાં શેરનો રૂ. ૧,૦૦૦ નો ભાવ માત્ર ફોર્મ્યુલા પર આધારિત હોય છે. શેર વેચવા માટે કોઈ ખરીદદાર ન હોવા છતાં કર્મચારીએ વર્ષો સુધી ન રોકવાયેલા નફા પર ટેક્સ ચૂકવવો પડે છે.
શેર વેચવાની મજબૂરી: શેરબજારમાં નોંધાયેલી કંપનીઓના કર્મચારીઓએ પણ રૂ.૩૫ લાખનો ટેક્સ ભરવા માટે પોતાની ઈચ્છા વિરુદ્ધ તાત્કાલિક પોતાના જ આશરે ૪૦ ટકા શેર વેચી દેવા પડે છે. બીજું, જો પાછળથી તે શેરના ભાવ ગગડી જાય અને કર્મચારીને નુકસાન થાય તો નિયમ મુજબ તે ખોટને પગારની આવક સામે સરભર કરી શકાતી જ નથી. એટલે કે, કાગળ પરના નફા પર સરકારે ઊંચા દરે ટેક્સ વસૂલ્યો, પણ ખરેખર થયેલી ખોટમાં કર્મચારીને કોઈ રાહત મળતી નથી.
વિશ્વના મોટા અર્થતંત્રો કર્મચારીઓના ઈએસઓપીને રોકડ પગારથી અલગ ગણે છે. અમેરિકામાં આઈએસઓ મોડેલ હેઠળ શેર ખરીદતી વખતે કોઈ સામાન્ય આવકવેરો લાગતો નથી. જ્યારે શેર ખરેખર વેચાય ત્યારે જ તેના પર મૂડી નફાનો ટેક્સ લાગે છે. બ્રિટનમાં એન્ટરપ્રાઈસ મેનેજમેન્ટ ઇન્સેન્ટિવ-ઈએમઆઈ અને કંપની શેર ઓપ્શન પ્લાન-સીએસઓપી સ્કીમ હેઠળ શેરના વેચાણ વખતે જ ટેક્સ ચૂકવવાનો રહે છે. બ્રિટનમાં નાની અને ઝડપથી વિકસતી કંપનીઓ માટે સૌથી લોકપ્રિય અને વધુ ટેક્સ-છૂટછાટ આપતી શેર યોજના છે. નાની અને ઊંચા જોખમવાળી કંપનીઓને ટેલેન્ટેડ કર્મચારીઓને આકર્ષવા અને રોકી રાખવામાં મદદ કરવાના હેતુથી આ સ્કિમ આપવામાં આવે છે. જો ઓપ્શન આપતી વખતે જે માર્કેટ વેલ્યુ નક્કી થઈ હોય તે જ કિંમતે કર્મચારી શેર ખરીદે છે. તેથી તેને ઇન્કમ ટેક્સ કે નેશનલ ઇન્સ્યોરન્સ ચૂકવવો પડતો નથી. સિંગાપોરમાં ઈએસઓપી પરના ટેક્સની ચુકવણીને ભવિષ્ય માટે પાછી ઠેલવાની સુવિધા આપે છે.
એક, ભારત સરકાર પણ સિંગાપોરની માફક ટેક્સની ચૂકવણી પાછળ ઠેલી શકે છે. હાલમાં પાત્રતા ધરાવતા-લાયક સ્ટાર્ટઅપ્સ માટે જે રાહત છે, તે તમામ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓને આપવી જોઈએ. જ્યાં સુધી કર્મચારીના હાથમાં રોકડ હાથમાં ન આવે એટલે કે તે શેર્સનું કાયદેસર વેચાણ ન થાય ત્યાં સુધી ટેક્સ ન લેવો જોઈએ. બીજું, અમેરિકા અને બ્રિટનની જેમ શેર ખરીદતી વખતે નહીં, પણ જ્યારે કર્મચારી શેર બજારમાં વેચે ત્યારે જ એક સાથે મૂડી નફાનો ટેક્સ લેવો જોઈએ. ત્રીજું, ઈએસઓપીમાં શેર્સની ખરીદી કરતી વખતેના ભાવના તફાવત પર નીચો રાહત દર રાખવો અને પાછળથી થતી કમાણી પર સામાન્ય કેપિટલ ગેઈન ટેક્સ લેવો જોઈએ.
ઈન્ડિયા પોતાની કંપનીઓમાં ‘ઓનરશિપ કલ્ચર’ એટલે કે કર્મચારીની કંપનીની માલિકીની ભાવનાને વધારવા માંગે છે. પરંતુ જો કર્મચારીને ખબર હોય કે શેરનો હક લેતા જ હાથમાં રોકડ આવ્યા વિના ૩૦-૪૦ ટકા ટેક્સ ભરી દેવો પડશે તો તે ઈએસઓપી લેવાને બદલે માત્ર રોકડ પગાર પસંદ કરશે. આથી, ઈએસઓપી ટેક્સ નિયમોમાં ફેરફાર કરવો એ માત્ર કર્મચારીનો જ નહીં પરંતુ ભારતના મૂડીબજારને સઘન બનાવવાનો મહત્વનો મુદ્દો છે.
