સોના-ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નરમાઈ, જાણી લો સ્થાનિક બજાર પર તેની અસર ને સંભાવનાઓ
સોના-ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નરમાઈ, જાણી લો સ્થાનિક બજાર પર તેની અસર ને સંભાવનાઓ
સમાજના મધ્યમ વર્ગના લોકો અત્યારની સ્થિતિમાં સોનું ખરીદી શકે તેમ નથી. તેમ જ ચાંદીમાં રોકાણ કરવામાં કે ચાંદીના દાગીના ખરીદવામાં સમાજમાં સ્ટેટસ વધતું હોવાનું તેમને બહુ જણાતું નથી. તેથી જ તેઓ ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચઢાવીને સોનાના દાગીના ખરીદ્યાનો સંતોષ માની લેતા હોવાનું જોવા મળે છે. છતાંય સોના અને ચાંદીમાં વિશ્વબજારમાં નરમાઈ જોવા મળી રહી છે. તેથી તેમાં ખરીદી કરી લેવાની લાલચ વધી રહી છે.
વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટવાના મુખ્ય કારણો
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓ પર મંદીવાળાઓની પકડ મજબૂત બની છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટીને $3,875.70 પ્રતિ ઔંસ (સાપ્તાહિક 3 ટકાનો ઘટાડો) અને ચાંદીના ભાવ ઘટીને $48.90 પ્રતિ ઔંસ (સાપ્તાહિક 9.3 ટકાનો કડાકો) પર આવી ગયા છે. વૈશ્વિક સ્તરે અમેરિકી ડોલર અને બોન્ડ યીલ્ડમાં મજબૂતી, કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં ફેરફારના સંકેતો અને રોકાણકારો દ્વારા ઊંચા મથાળે નફો રળવાની હોડને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ પર મોટું દબાણ સર્જાયું છે. વૈશ્વિક સોનું હાલ તેના મહત્વના લોંગ-ટર્મ ટ્રેન્ડલાઇન સપોર્ટ લેવલ તરફ આગળ વધી રહ્યું છે.
વિશ્વ બજારના કડાકાની ભારતીય બજાર (MCX) પર અસર
વિશ્વ બજારમાં આવેલા કડાકાની સીધી અસર ભારતીય વાયદા બજાર (MCX) પર પણ જોવા મળી છે. એમસીએક્સ પર ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 1,38,485 પ્રતિ 10 ગ્રામ (2.5 ટકાનો ઘટાડો) અને સિલ્વર ફ્યુચર્સ ₹1,79,132 પ્રતિ કિલો (8.5 ટકાનો ઘટાડો) પર આવી ગયા છે. સોનાના વાયદાએ રૂ. 1,41,000 અને રૂ. 1,40,000ના મજબૂત સપોર્ટ લેવલ સહેલાઈથી તોડી નાખ્યા છે. જો આંતરરાષ્ટ્રીય સોનું $3,850ની સપાટી તોડશે તો ભારતીય બજારમાં વધુ વેચવાલી આવી શકે છે, જેનાથી સોનું રૂ. 1,36,500 અને ત્યારબાદ રૂ. 1,33,300 સુધી ગગડી શકે છે. તે જ રીતે, ચાંદી વૈશ્વિક સ્તરે $46-$48ની સપોર્ટ ઝોન તોડશે તો MCX પર ભાવ રૂ. 1,52,000 સુધી નીચે આવી શકે છે.
તહેવારોની ડિમાન્ડ: વૈશ્વિક ઘટાડા સામે સ્થાનિક બજારમાં ઘટાડો સીમિત કેમ?
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં મોટો કડાકો બોલાયો હોવા છતાં ભારતીય હાજર અને છૂક બજારમાં તે પ્રમાણમાં ભાવ ઘટોડો જોવા મળ્યો નથી. તેનું મુખ્ય કારણ દિવાળી અને ધનતેરસના તહેવારોને કારણે ઘરેલુ બજારમાં સોના-ચાંદીના આભૂષણો અને સિક્કાઓની ભારે માંગ છે. ઉપરાંત, ડોલર સામે ભારતીય રૂપિયાની સ્થિતિ અને આયાત ડ્યુટીના પરિબળોને લીધે સ્થાનિક વેપારીઓ પાસે પૂરતો સ્ટોક હોવા છતાં તહેવારોના પ્રીમિયમ અને સ્થાનિક ખરીદીના ટેકાના કારણે રિટેલ ભાવ વૈશ્વિક મંદીની સરખામણીએ પ્રમાણમાં મજબૂત પકડ ધરાવે છે.
વર્તમાન સ્થિતિમાં રોકાણકારો અને ખરીદદારોએ શું કરવું?
લગ્નસરા કે પ્રસંગ માટે ખરીદી કરનારાઓ માટે: જે ઘરોમાં લગ્નપ્રસંગ છે અને સોનું ખરીદવું અનિવાર્ય છે, તેમણે એકસાથે બધી ખરીદી કરવાને બદલે ‘સિસ્ટમેટિક બાઇંગ’ (ટુકડે-ટુકડે ખરીદી) કરવી જોઈએ. વૈશ્વિક સોનું $3,850 અને ચાંદી $48 ના મહત્વના સપોર્ટ ઝોન પર છે. જો આ લેવલ તોડશે તો સ્થાનિક બજારમાં વધુ રૂ.2,000 થી રૂ.5,000 નો ઘટાડો મળી શકે છે. તેથી થોડી રાહ જોઈને કે તબક્કાવાર ખરીદી કરવી હિતાવહ છે.
રોકાણકારો માટે: રોકાણકારોએ હાલ નવો મોટો દાવ લગાવવાથી બચવું જોઈએ. MCX ગોલ્ડમાં જ્યાં સુધી ભાવ રૂ. 1,50,000 ની સપાટી પાર ન કરે ત્યાં સુધી બુલિશ આઉટલુક નકારી શકાય નહીં. જો વૈશ્વિક સપોર્ટ તોડશે તો નીચા ભાવે ખરીદી કરવાની ઉત્તમ તક મળશે.
સોના-ચાંદીના બજારની સંભાવનાઓ
ટૂંકા ગાળામાં નરમાઈનું વલણ: વૈશ્વિક ચાર્ટ પર સોનામાં $3,850 અને ચાંદીમાં $46-$48 નું ઈમિડિએટ સપોર્ટ છે. જો આ સ્તર તૂટશે તો ટૂંકા ગાળામાં MCX સોનું રૂ.1,36,500 થી રૂ. 1,33,300 અને ચાંદી રૂ.1,67,000 થી રૂ.1,52,000 સુધી ઘટી શકે છે.
મધ્યમ ગાળાનું ભવિષ્ય: જો વૈશ્વિક સોનું $3,850 ના સપોર્ટથી રિકવર થાય છે, તો એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર્સ ફરી રૂ. 1,40,000 થી રૂ. 1,41,000 અને ચાંદી રૂ. 2,00,000 ના રેઝિસ્ટન્સ લેવલ સુધી બાઉન્સબેક થઈ શકે છે.
લાંબા ગાળાનું ભવિષ્ય: ફુગાવો (Inflation), વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tensions) અને સેન્ટ્રલ બેંકોની ગોલ્ડ રિઝર્વ વધારવાની નીતિને કારણે સોના-ચાંદીમાં લાંબા ગાળાનો ટ્રેન્ડ સકારાત્મક જ રહેશે.
ચાંદીના ઈટીએફમાં રોકાણ કરવાના મુખ્ય ફાયદાઓ
ફિઝિકલ ચાંદી (ચાંદીની ઈંટો કે સિક્કા) સાચવવા માટે લોકર કે ઘરની સલામતીનો મોટો ખર્ચ અને ડર રહે છે. જ્યારે સિલ્વર ઇટીએફ સંપૂર્ણપણે ડીમેટ સ્વરૂપે ડિજિટલ ફોર્મેટમાં રહે છે, જેથી ચોરી થઈ જવાની કે ખોવાઈ જવાની કોઈ ચિંતા રહેતી જ નથી. બીજું, સોનારના વેપારી કે જ્વેલર્સ પાસેથી ફિઝિકલ ચાંદી ખરીદતી વખતે તેની શુદ્ધતા અંગે હંમેશાં શંકા રહે છે. પરંતુ સિલ્વર ઇટીએફ પાછળ અસલી ભૌતિક ચાંદી (99.9% શુદ્ધ) બેંકમાં સુરક્ષિત પડેલી હોય છે, જેથી શુદ્ધતાની પૂરી ગેરંટી મળે છે. ત્રીજું, જ્યારે તમે બજારમાંથી ચાંદીના ઘરેણાં કે સિક્કા ખરીદો છો, ત્યારે તમારે 5 ટકાથી 15 ટકા સુધીનો ભારેભરખ્ખ ‘મેકિંગ ચાર્જ’ કે પ્રીમિયમ ચૂકવવું પડે છે. પરંતુ ઇટીએફમાં માત્ર વાસ્તવિક બજાર ભાવ પર જ ટ્રાન્ઝેક્શન થાય છે, જેમાં કોઈ મેકિંગ ચાર્જ લાગતો નથી. ચોથું, સ્ટોક એક્સચેન્જ એટલે કે એએસઈ અને બીએસઈ પર શેરની જેમ સિલ્વર ઇટીએફની લેવડ-દેવડ માર્કેટ અવર્સ દરમિયાન ગમે ત્યારે સોદા થઈ શકે છે. જ્યારે જરૂર પડે ત્યારે સેકન્ડોમાં તેને વેચીને પૈસા સીધા તમારા બેંક ખાતામાં મેળવી શકાય છે. પાંચ, સામાન્ય રીતે ફિઝિકલ ચાંદી કિલો કે મોટા ગ્રામમાં ખરીદવી પડે છે, જે મોંઘી પડે છે. પરંતુ સિલ્વર ઇટીએફનો એક યુનિટ ખૂબ જ ઓછી કિંમતે પણ (ઘણીવાર 1 ગ્રામ કે નાના હિસ્સામાં) ઉપલબ્ધ હોય છે, જેથી નાના રોકાણકારો પણ સરળતાથી રોકાણ શરૂ કરી શકે છે.
વર્તમાન ભાવ ઘટાડા પછી સિલ્વર ઇટીએફમાં રોકાણ કરવાની રણનીતિ
ચાંદીના ભાવ હજુ વૈશ્વિક સ્તરે સપોર્ટ લેવલ પર પરીક્ષણ કરી રહ્યા છે ($46-$48 ની રેન્જ). તેથી, એકસાથે બધી મૂડી રોકી દેવાને બદલે ‘સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ (SIP) અથવા ‘ડિપ બાઇંગ’ (ઘટાડે ખરીદી) ની રણનીતિ અપનાવો. જેમ જેમ ભાવ ઘટે તેમ તેમ થોડા-થોડા યુનિટ્સ ખરીદતા જવું જેથી એવરેજ સારી બેસે છે. બીજું, ચાંદીમાં ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ (સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રિક વાહનો, અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે) સતત વધી રહી છે. ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે જો તમે 3 થી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરશો, તો ઉત્તમ રિટર્ન મળવાની સંભાવના રહે છે. ત્રીજું, તમારા કુલ રોકાણના માત્ર 5% થી 10% ભાગ જ કિંમતી ધાતુઓ (સોના-ચાંદી)માં ફાળવવો જોઈએ. ચાંદી એ સોના કરતાં વધુ અસ્થિર ધાતુ છે, તેથી જોખમની ક્ષમતા મુજબ જ રકમ રોકવી જોઈએ.
વર્તમાન બજાર સ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જોઈએ?
આજની સ્થિતિમાં રોકાણકારોએ એકસાથે બધી મૂડી રોકી દેવાને બદલે તબક્કાવાર ખરીદી એટલે કે ડૉલરના ખર્ચની સરેરાશ પ્રમાણે ખરીદી કરવાની અથવા તો એસઆઈપીની પદ્ધતિએ રોકાણ કરવાની રણનીતિ અપનાવવી જોઈએ. બીજું, તેલ જુઓ, તેલની ધાર જુઓવૂ કહેવતને અનુસરીને હાલ વૈશ્વિક સોનું તેના મહત્વના સપોર્ટ લેવલ ($3,850 પ્રતિ ઔંસ) પર પરીક્ષણ કરી રહ્યું છે. જો આ સપોર્ટ ટકી રહે અને સોનું અહીંથી બાઉન્સબેક કરે, તો તે ખરીદી માટેનો ઉત્તમ સમય સાબિત થશે. પરંતુ જો આ સપોર્ટ તૂટે, તો બજારમાં વધુ થોડી નરમાઈ (વેચવાલી) આવી શકે છે. તેથી, બજારનું વલણ બરાબર પારખીને જ મોટું રોકાણ કરવું સમજદારી ભરેલું છે.
વર્તમાન બજારમાં કમાણીની શક્યતાઓ અને તેના કારણો
જ્યારે બજારમાં ભાવ ઊંચા હોય ત્યારે ખરીદવા કરતાં સુધારા બાદ એટલે કે નીચા ભાવે એન્ટ્રી લેવાથી લાંબા ગાળે પ્રોફિટ માર્જિન વધી જાય છે. હાલ ગોલ્ડ ઇટીએફમાં નીચા ભાવે યુનિટ્સ મળતા હોવાથી ભાવ જ્યારે ફરી પુનરાગમન કરશે ત્યારે સારો નફો મળવાની શક્યતા ઉજળી બને છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા, ભૌગોલિક-રાજકીય તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રાખવાને કારણે સોનાનું ફંડામેન્ટલ મજબૂત છે. ટૂંકા ગાળાની નરમાઈ ભલે દેખાય, પરંતુ મધ્યમથી લાંબા ગાળે સોનું હંમેશાં ફુગાવા સામે રક્ષણ આપીને શાનદાર વળતર આપે છે. ફિઝિકલ સોનાની જેમ ગોલ્ડ ઇટીએફમાં કોઈ મેકિંગ ચાર્જ કે સંગ્રહનો ખર્ચ હોતો નથી. જેટલા ભાવે સોનું વધશે, તેટલો પૂરેપૂરો સીધો ફાયદો રોકાણકારને મળશે.
અંતિમ અવલોકન
જો તમે લાંબા ગાળાના (૩ થી ૫ વર્ષ કે તેથી વધુ) રોકાણકાર છો, તો વર્તમાન ઘટાડો તમારા માટે સોનેરી તક છે. ટુકડે-ટુકડે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનું શરૂ કરો, જેથી બજારની અસ્થિરતાનો લાભ તમને સરેરાશ નીચા ભાવ મેળવવામાં મળી રહે. ડૉલર કોસ્ટ એવરેજિંગ અથવા તો એસઆઈપીનો રળ અર્થ એ છે કે, બજારમાં ભાવ ગમે તે હોય, દર મહિને કે સમયાંતરે એક નક્કી કરેલી ચોક્કસ રકમ જ રોકાણ કરવી જોઈએ. આ રણનીતિથી રોકાણકાર બજારની અસ્થિરતા (ઉતાર-ચઢાવ) નો મોટો ફાયદો ઉઠાવી શકે છે.
ધારો કે તમારી પાસે દર મહિને રૂ. 1,000 ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા માટે નક્કી કરેલા છે. પહેલા મહિને જ સોનાનો ભાવ વધીને રૂ. 100 પ્રતિ ગ્રામ થયો છે. તેથી તમે ઇન્વેસ્ટ કરવા ધારેલા રૂ. 1000માંથી તમને 10 ગ્રામ સોનું મળશે. બીજે મહિને સોનાના ભાવમાં કડાકો આવ્યો અને ભાવ ઘટીને રૂ. 50 પ્રતિ ગ્રામ થઈ ગયો. પરિણામે ભાવ ઘટવાથી તમારા એ જ રૂ. 1,000 માં તમને 20 ગ્રામ સોનું મળશે. ત્રીજે મહિને ભાવ થોડો સુધરીને રૂ. 80 પ્રતિ ગ્રામ થયો. તમારા રૂ. 1,000 માં તમને 12.5 ગ્રામ સોનું મળશે.
આનો મોટો ફાયદો શું થયો?
-
કુલ રોકાણ: રૂ.3,000 (રૂ.1,000 x 3 મહિના)
-
કુલ મળેલ સોનું: 42.5 ગ્રામ (10 + 20 + 12.5)
-
સરેરાશ ખરીદ ભાવ: રૂ. 3,000માં 42.5 ગ્રામ સોનું ખરીદી શકાયું. આમ સોનાની સરેરાશ ખરીદી કિંમત રૂ. 70.58 પ્રતિગ્રામ થાય છે. જો તમે શરૂઆતમાં જ બધા રૂ. 3,000 એકસાથે રોકી દીધા હોત, તો તમને રૂ. 100 ના ભાવે માત્ર 30 ગ્રામ જ સોનું મળ્યું હોત. પરંતુ ડોલરના ખર્ચને આધારે ખરીદવાની પદ્ધતિ કે પછી એસઆઈપીને કારણે ભાવ ઘટવાનો ફાયદો મળ્યો અને તમારી સરેરાશ કિંમત રૂ. 100 થી ઘટીને માત્ર રૂ. 70.58 થઈ ગઈ છે.
-
બજારના ટાઇમિંગની ચિંતા નહીં: તમારે બજાર ક્યારે બોટમ (સૌથી નીચું) બનાવશે તેની રાહ જોવી પડતી નથી.
-
મોટા જોખમથી બચાવ: એકસાથે મોટો નાણાકીય ધક્કો લાગવાનું જોખમ દૂર થાય છે.
-
અનુશાસિત રોકાણ: નાની રકમથી પણ નિયમિત બચત અને રોકાણ કરવાની ટેવ પડે છે.
બુલ માર્કેટ (તેજી) અને બેર માર્કેટ (મંદી)માં ડૉલરના ખર્ચની સરેરાશ અને એસઆઈપી અને એકસાથે મોટી રકમનો ખર્ચ કરીને સોનાથી ખરીદી કરવાની કામગીરી અને રિટર્નની સરખામણી નીચે મુજબ છે:
બીજીતરફ બુલ માર્કેટમાં શેર કે સોનાના ભાવ સતત ઉપર તરફ જતા હોય છે. ત્યારે એક સામટી મોટી રકમ લગાવીને ખરીદી કરી લેવામાં લાભ જણાય છે. જ્યારે બજાર સતત વધી રહ્યું હોય, ત્યારે શરૂઆતમાં જ એકસાથે રોકેલી તમામ રકમને તેજીની ઊંચી ગતિનો પૂરેપૂરો લાભ મળે છે. જોકે તમે દર મહિને થોડા થોડા નાણાં રોકો છો, પરંતુ બજાર દર મહિને મોંઘું થતું જાય છે. આનાથી તમારી ખરીદીની સરેરાશ કિંમત ઊંચી જતી રહે છે, જેથી લમસમ મોટી રકમના કરવામાં આવતા રોકાણની તુલનાએ ઓછું રિટર્ન મળે છે.
બેર માર્કેટમાં ભાવ સતત ઘટી રહ્યા હોય છે અથવા મોટો કડાકો આવતો હોય ત્યારે ડોલરન કોસ્ટ એવરેજિંગની પદ્ધતિથી રોકાણ કરવું લાભ દાયક ગણાય છે. મંદીમાં DCA રોકાણકાર માટે સુરક્ષા કવચ બની જાય છે, કારણ કે ઘટતા બજારમાં દરેક હપ્તે સસ્તા ભાવે વધુ યુનિટ્સ ખરીદવાની તક મળે છે. જો તમે મંદીની શરૂઆતમાં જ બધી મૂડી રોકી દો, તો ભાવ તૂટવાને કારણે તમારા પોર્ટફોલિયોમાં મોટું નુકસાન દેખાશે અને મૂડી ધોવાઈ જશે. ભાવ ઘટવાથી તમારા એ જ રૂપિયામાં વધારે યુનિટ્સ/ગ્રામ મળશે. તમારી સરેરાશ કિંમત નોંધપાત્ર રીતે નીચી આવી જશે. જ્યારે બજાર ફરી રિકવર થશે, ત્યારે તમને ખૂબ ઝડપી અને મોટું રિટર્ન મળશે.
| બજારની સ્થિતિ | ઉત્તમ વિકલ્પ | મુખ્ય કારણ |
| બુલ માર્કેટ (તેજી) | Lump sum (એકસાથે) | શરૂઆતથી જ નીચા ભાવનો પૂરેપૂરો લાભ મળે છે. |
| બેર માર્કેટ (મંદી) | DCA / SIP (તબક્કાવાર) | ઘટતા ભાવે ખરીદીની સરેરાશ કિંમત (Cost Average) નીચી આવે છે. |
| અસ્થિર બજાર (Volatile) | DCA / SIP (તબક્કાવાર) | જોખમ ઘટે છે અને ભાવના ઉતાર-ચઢાવનો ફાયદો પણ મળે છે. |

