• 4 November, 2026 - 12:22 AM

ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સોનું ખરીદતી વખતે શું કાળજી રાખવી જરૂરી છે

ધનતેરસ અને તહેવારોમાં સોનું ખરીદતી વખતે શું કાળજી રાખવી જરૂરી છે

જ્વેલરીની આખરી કિંમત માત્ર સોનાના વજન પર નહીં પરંતુ શુદ્ધતા, ઘડામણ અને ટેક્સ પર આધારિત હોય છે. સોનાના દાગીનાના ભાવ નક્કી કરવા માટે જ્વેલર્સ દ્વારા વપરાતું ગણતરી કરવા માટે સોનાનું કુલ વજન, સનાની શુદ્ધતાનું પ્રમાણ, મેકિંગ ચાર્જ-ઘડામણ, જે તે દિવસનો સોનાનો ભાવ, સોનાના દાગીના બનાવવામાં સોનાના થતાં બગાડ, હોલમાર્કિંગના ખર્ચ અને ચોખ્ખું વજનને ધ્યાનમાં લઈને સોનાના દાગીનાના ભાવ નક્કીક રવામાં આવે છે. દાગીનામાં નંગ જડેલા હોય તો તેનું વજન બાદ કર્યા પછીનું માત્ર સોનાનું જ વજન ગણતરીમાં લેવાય છે. તેમ જ સોનાની શુદ્ધતા એટલે કે વાસ્તવમાં સોનું કેટલા કેરેટનું છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સોના માટે શુદ્ધતાનો રેશિયો 0.916-91.6 ટકા ગણાય છે. સોનું 18 કેરેટનું હોય તો તે સોના માટે તે 0.750 એટલે કે 75 ટકા અને 9 કેરેટનું સોનું હોય તો તે પ્રમાણે ગણાય છે.

મેકિંગ ચાર્જ અને વેસ્ટેજ: જ્વેલર્સ ઘડામણનો ચાર્જ પ્રતિ ગ્રામ અથવા સોનાના મૂલ્યના ટકા લેખે વસૂલે છે. ઉપરાંત દાગીના બનાવતી વખતે થતા સોનાના બગાડનો ચાર્જ પણ ઉમેરે છે. તદુપરાંત તેના કુલ ચાર્જ પર 3 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરીને પછી ફાઈનલ વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે.

આમ સોનાના દાગીનાના ભાવને સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે 11 ગ્રામની 22 કેરેટની સોનાની ચેઇન ખરીદો છો. સોનાનો આજનો ભાવ રૂ. 10,000 પ્રતિ ગ્રામ છે. તેથી 11 ગ્રામ સોનાનું મૂલ્ય રૂ. 1,10,000 થાય છે. તેમાં મેકિંગ ચાર્જ રૂ. 10,000 ઉમેરવામાં આવે છે. બંનેનો સરવાળો રૂ. 1,20,000 થાય છે. તેના પર 3 ટકા જીએસટી ઉમેરાય છે. જીએસટી રૂ. 3600નો થાય છે. આમ 11 ગ્રામ સોનાની ચેઈનના રૂ. 1, 23,600ની કિંમત થાય છે. તદુપરાંત તેનું હોલમાર્કિંગ કરાવવાના રૂ. 45 વત્તા ટેક્સ ઉમેરાય છે. 

શું હીરાના દાગીના-ડાયમંડ જ્વેલરીના ભાવની ગણતરી અલગ હોય છે? હા. હીરાના દાગીનામાં સોના અને હીરાનું મૂલ્ય અલગ-અલગ ગણવામાં આવે છે. તેમાં ચાર સીનો સિદ્ધાંત લાગુ કરવામાં આવે છે. આ ચાર સીમાં હીરાના કેરેટ એટલે કે વજન, હીરા પર પાડેલા પાંસાઓ-કટ, હીરાનો કલર-રંગ અને હીરાની ક્લેરિટી-પારદર્શકતાને આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે.

ખરીદારોએ શું સાવચેતી રાખવી જોઈએ: હીરાના દાગીના ખરીદતી વખતે ખાસ ચકાસો કે જ્વેલર હીરાનું વજન પણ સોનાના ભાવે ન ગણી લે! સોનાનું ચોખ્ખું વજન અને હીરાનું વજન બિલમાં અલગ દર્શાવેલું હોવું જોઈએ. હીરા માટે GIA અથવા IGI સર્ટિફિકેટ માંગવું જરૂરી છે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા પકડાયેલી ગેરરીતિઓ અને જ્વેલર્સની યુક્તિઓઃ સોનાના દાગીનાની ખરીદીમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું પાલન થાય છે કે નહિ તે ચકાસવા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  દરોડા પાડે છે. દરોડા દરમિયાન ઘાલમેલ અને ગ્રાહકોને છેતરવાના કિસ્સાઓ પણ બહાર આવે છે.

પહેલી ગેરરીતિ હીરાના નંગનું વજન સોનાના ભાવે ગણીને ગ્રાહકોને છેતરવામાં આવે છે. કુલ કિંમત અને ચોખ્ખા વજનમાં ચીટિંગ થાય છે. ભારત અને ગુજરાતમાં ઘણા જ્વેલર્સ દાગીનામાં જડેલા કાચના નંગ, કિંમતી પથ્થર કે હીરા સાથેના કુલ વજન પર સોનાનો પ્રતિ ગ્રામ ભાવ લગાવી દે છે. ગ્રાહકે હંમેશાં પથ્થરોનું વજન બાદ કર્યા પછીનું સોનાનું ચોખ્ખું વજનને ધ્યાનમાં લઈને પછી જ તે પ્રમાણે ચોખ્ખા વજનને ગણતરીમાં લઈને જ નાણાં ચૂકવવા જોઈએ.

ઓછી શુદ્ધતાવાળા સોના પર બાવીસ કેરેટના હોલમાર્ક લગાવીને કરવામાં આવતી છેતરપિંડીઃ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા અનેક જ્વેલરી શોરૂમ્સ પર પડેલા દરોડામાં સામે આવ્યું છે કે 18 કેરેટ કે 20 કેરેટના દાગીના પર 916 એટલે કે 22 કેરેટનું સોનું હોવાનો ખોટો સિક્કો કે હોલમાર્ક લગાવીને 22 કેરેટના ભાવ વસૂલ કરવામાં આવે છે. બીજું, દાગીનાનું વેચાણ કરનારાઓ બોગસ કે નકલી હોલમાર્ક યુનિક આઈડી-ઓળખ નંબર પણ લગાવી દે છે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમ મુજબ દરેક હોલમાર્ક વાળા દાગીના પર 6-અંકનો અનોખો હોલમાર્ક આઈડી-ઓળખનો કોડ હોવો ફરજિયાત છે. દરોડા દરમિયાન કેટલાક વેપારીઓ ગ્રાહકોને બ્યુરો ઓફ ઇન્ડિયાન સ્ટાન્ડર્ડ  રજિસ્ટર્ડ ન હોય તેવો નકલી અને મનફાવે તેવા એટલેકે મનસ્વીપણે હોલમાર્ક યુનિક આઈડી-ઓળખ નંબર પ્રિન્ટ કરેલું બિલ આપતા પકડાયા છે.

વેસ્ટેજ (બગાડ) ના નામે બમણી કમાણી: આધુનિક મશીનરીથી દાગીના બનતા હોવા છતાં, કેટલાક જ્વેલર્સ 10 ટકાથી 15 ટકા જેટલું ઊંચું ‘વેસ્ટેજ’ અને સાથે અલગથી ‘મેકિંગ ચાર્જ’ બંને વસૂલીને ગ્રાહક પાસે બેવડો નફો રળે છે.

દાગીનાની ખરીદી કરતા પહેલાં આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો: એક, આઈટમાઈઝ્ડ (તમામ વિગતવાર) બિલ માંગો. બે, બિલમાં સોનાનો પ્રતિ ગ્રામ ભાવ, સોનાનું ચોખ્ખું વજન, શુદ્ધતા, મેકિંગ ચાર્જ, નંગની કિંમત, હોલમાર્ક ફી અને જીએસટી અલગ-અલગ દર્શાવેલા હોવા જોઈએ. ત્રણ, હોલમાર્કના યુનિક આઈડીની એપ-એપ્લિકેશનથી ચકાસણી કરો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કેર- CARE App તરીકે ઓળખાતી એપ પર જઈને દાગીના પર છપાયેલો યુનિક આઈડી નંબર નાખીને તેની સાચી શુદ્ધતા ઘરે બેઠા ચકાસી લો. ચાર, બેન્ચમાર્ક રેટની સરખામણી કરી લો. જ્વેલરના સ્ટીકર ભાવ પર ડિસ્કાઉન્ટ આપે તેના કરતાં તે દિવસના સરકારી કે બજાર ભાવ પર કેટલું પ્રીમિયમ લે છે તે ચકાસણી કરી લો. પાંચ, સોનાના દાગીના બાયબેક અને એક્સચેન્જ પોલિસીને સમજી લો. જૂનું સોનું બદલાવતી વખતે કે પરત વેચતી વખતે કયો ભાવ ગણવામાં આવશે તેની શરતોને પણ અગાઉથી લેખિતમાં સમજી લો.

Read Previous

ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેશનલ કોલ ટર્મિનેશન ચાર્જ 65 પૈસાથી વધારી રૂ. 5 કરી આપવા માગણી કરી

Read Next

આજે શેરબજારમાં શું કરી શકાય?

Most Popular