ગારમેન્ટના નિકાસકારોને ROSCTLના લાભ ન મળતા વર્કિંગ કેપિટલનું સંકટ

આરઓસીટીએલના લાભથી નિકાસકારો પાંચ માસથી વંચિત
ગારમેન્ટના નિકાસકારોને ROSCTLના લાભ ન મળતા વર્કિંગ કેપિટલનું સંકટ: નિકાસના ઓર્ડર સમયસર પૂરા કરવા માટે કાચો માલ ખરીદવા મૂડીની ઊભી થઈ રહેલી અછતથી ઉત્પાદકો પરેશાન
ઇ-સ્ક્રોલ ઇશ્યૂ કરી દેવામાં આવ્યો હોવા છતાંય સંબંધિત અધિકારીઓ ક્વેરીઓ કાઢતા રહી મંજૂરી આપવામાં વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ
ભારત સરકાર દ્વારા રેડીમેડ ગારમેન્ટ અને ટેક્સટાઇલ ક્ષેત્રને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવાના ઉદ્દેશથી રીબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સિસ એન્ડ લેવીઝની જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ મળવા પાત્ર નિકાસકારોને છેલ્લા પાંચ માસથી ન મળતા હોવાથી તેમને વકગ કેપિટલની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ યોજના હેઠળ ગારમેન્ટના નિકાસકારોને આરઓસીટીએલના ૧.૫ ટકાથી માંડીને ૬.૦૫ ટકા સુધીના લાભ આપવામાં આવે છે. આ લાભ આપી દેવા માટે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ તરફથી ગત જુલાઈ મહિનામાં સ્ક્રોલ ઇશ્યૂ થઈ ગયા હોવા છતાં હજી સરકાર તરફથી નાણાં મળ્યા નથી. તેમ આ જ આગામી ડિસેમ્બર-જાન્યુઆરી સુધી ન મળે તેવા અણાસાર મળી રહ્યા હોવાથી નિકાસકારોની હાલાકીનો પાર રહ્યો નથી. દુનિયાના કોઈપણ દેશમાં નિકાસ કરનારાઓને આરઓએસસીટીએલનો લાભ આપવામાં આવે છે.
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલય તથા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને કેન્દ્રીય પરોક્ષ વેરા અને કસ્ટમ્સ બોર્ડના નિયમો અનુસાર નિકાસકારોને વસ્તુઓના નિકાસ માટેના જહાજ સુધીના ખર્ચ અને ઉત્પાદન મૂલ્યના કુલ નાણાંના ૧.૫ ટકા થી ૬.૦૫ ટકા સુધીના અપ્રત્યક્ષ કરના રિફંડ તરીકે આરઓએસસીટીએલના લાભ આપવાની સત્તાવાર જોગવાઈ છે. એચએસએન કોડ એટલે કે ચીજવસ્તુઓની ઓળખના કોડ હેઠળ કરવામાં આવેલા વર્ગીકરણ મુજબ આ લાભો આપવામાં આવે છે. નિકાસ માટે ડીજીએફટી-ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના નિયમોને લ ગતા ચેપ્ટર ૬૨ હેઠળ વણેલા કાપડમાંથી બનેલા રેડીમેડ ગારમેન્ટ્સ અને એક્સેસરીઝ તથા ચેપ્ટર ૬૩ હેઠળ બનાવવાં આવેલી ટેક્સટાઇલની તૈયાર આઇટમ્સ, મેડ-અપ્સ, હોમ ટેક્સટાઇલ્સ અને બેડશીટ્સના ઉત્પાદકોને મળે છે.
ગત જુલાઈ મહિનામાં માલની નિકાસ થઈ ગયા પછી કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ઈ-સ્ક્રોલ ઇશ્યૂ કરી દીધા છે. આમ નિકાસ કરવામાં આવેલી વસ્તુઓ બરાબર છે. તેને માટે તેમને આરઓએસસીટીએલ હેઠળ મળવાપાત્ર નાણાંકીય લાભ આપી શકાય તેમ હોવાનું કસ્ટમ્સના અધિકારીઓએ સ્પષ્ટ જણાવી દીધુંં હોવા છતાંય આજ સુધી તેમને મળવાપાત્ર લાભના નાણાં સરકાર તરફથી જમા આપવામાં આવ્યા નથી. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન કસ્ટમ્સના ગેટવે-આઈસગેટે આ ઇ-સ્ક્રોલ આપોઆપ જનરેટ કરી દીધા હોવા છતાંય નિકાસકારો આ લાભોથી છેલ્લા ૪ થી ૬ મહિનાથી વંચિત છે. કારણ કે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા બજેટરી ફાળવણીમાં વિલંબ કરી રહ્યું છે. તેમ જ પોર્ટલના ટેકનિકલ બેકલોગના કારણે આ પ્રોત્સાહક રકમ નિકાસકારોના ડિજિટલ ખાતામાં જમા થઈ નથી. નિકાસકારોને આવનારા ડિસેમ્બર-જાન્યુઆરી સુધી આ પૈસા મળે તેવા કોઈ સંકેતો દેખાતા નથી, એમ ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પાર્થિવ દવેનું કહેવું છે.
ગારમેન્ટ ક્ષેત્રમાં નફાનું માજન પાતળું હોવાથી ત્રણથી પાંચ ટકા સુધીના આરઓએસસીટીએલના લાભ અટકાવાતા નિકાસકારોની નફાકારકતા નેગેટિવ બની જાય છે. પરિણામે, કાચો માલ ખરીદવા, મજૂરી ચૂકવવા અને વીજળી જેવા ઓપરેશનલ ખર્ચ પૂરા કરવા માટે નિકાસકારોએ પોતાની બેંક લિમિટ વધારીને અથવા માર્કેટમાંથી ઊંચા વ્યાજ દરે વધારાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડી રહ્યું છે. નાણાકીય કટોકટીના કારણે નવો કાચો માલ સમયસર ખરીદી શકાતો નથી, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ શિડયુલ પર પડે છે અને વૈશ્વિક બજારમાં ભારતીય નિકાસકારો પોતાના ઓર્ડર ગુમાવી રહ્યા છે.
આરઓએસસીટીએલના ક્લેઇમ મંજૂર કરવાની સત્તા ધરાવતા આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ સ્ક્ટિનીના નામે નિકાસકારો પાસેથી નીતનવા પુરાવાઓ માંગી રહ્યા છે. તેઓ બેંક દ્વારા વિદેશી હૂંડિયામણ આવ્યા અંગેનું ઈ-બીઆરસી કે આઈઆરએમ કન્ફર્મેશન, કાચા માલની ખરીદીના જીએસટીઆર ૩બી અને ઇનવોઇસ, માલ સેલ્ફ-મેન્યુફેક્ચરિંગ છે કે જોબવર્કથી બનેલો છેો તેના પુરાવા, તથા એચએસએન કોડના યોગ્ય વર્ગીકરણ અંગેના ચોક્કસ સટફિકેટ્સ માંગી રહ્યા છે. આ પ્રકારની પ્રોસિજરલ જટિલતાઓ અને વારંવારની ચકાસણીના કારણે સામાન્ય પ્રોસેસિંગમાં વધારાનો ૯૦ થી ૧૨૦ દિવસનો વિલંબ થાય છે.
