• 3 November, 2026 - 11:05 PM

ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના કિસ્સામાં ૧,૫૯૭ એકમોની તપાસ, ૮૬૦ ધંધાર્થીઓ દંડાયા

દિવાળીના તહેવારોમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના કિસ્સામાં ૧,૫૯૭ એકમોની તપાસ, ૮૬૦ ધંધાર્થીઓ દંડાયા

નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા પવિત્ર તહેવારોની મોસમમાં ગ્રાહકો મીઠાઈ, ફરસાણ અને ડ્રાયફ્રુટ્સની મોટા પાયે ખરીદી કરતા હોય છે. પરંતુ આ તહેવારોની આડમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય અને કમાણી સાથે ચેડાં કરતી અનીતિ અને વજન-માપમાં થતી ગેરરીતિઓ સામે ગુજરાત સરકારના કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા અત્યંત આક્રમક અને સઘન રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી રમણભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ તંત્રએ બજારમાં બેફામ બનેલા વજન ચોરો અને છેતરપિંડી આચરનારા વેપારીઓ સામે લાલ આંખ કરી છે.

ઓક્ટોબરની 11મીથી 29મી ઓક્ટોબર દરમિયાન તોલમાપ ખાાત દ્વારા આ સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યભરની ૧,૫૯૭ જેટલી મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રુટની દુકાનો, હોલસેલ વેપારીઓ, સુપરમાર્કેટ અને મોટા મોલ્સ પર સામુહિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાયદા અને નિયમોની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા કુલ ૮૬૦ એકમો સામે ગંભીર ગુનાઓ નોંધીને કાયદેસરની દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, જે અંતર્ગત તંત્ર દ્વારા દંડ સ્વરૂપે રૂ. 20.23 લાખ રૂપિયાથી વધુની જંગી માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન બજારમાં ગ્રાહકોને લૂંટવા માટે વેપારીઓ દ્વારા અપનાવવામાં આવતી ચોંકાવનારી પદ્ધતિઓ અને ગેરરીતિઓ પકડાઈ હતી. એક, વજનકાંટાની ફેરચકાસણી કે મુદ્રાંકન ન કરાવીને વજનમાં ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સૌથી વધુ એટલે કે ૫૧૫ કેસો એવા પકડાયા જેમાં વેપારીઓએ વજનકાંટાનું સરકારી નિયમો મુજબ સમયાંતરે વેરીફિકેશન કે મુદ્રાંકન જ કરાવ્યું ન હતું. આ કેસોમાં તંત્રએ રૂ. ૬,૬૧,૩૦૦નો દંડ ફટકાર્યો છે.

પી.સી.આર. નિયમો હેઠળ ફરજિયાત ઉત્પાદક-પેકર રજીસ્ટ્રેશન ન મેળવનાર ૬૯ એકમો સામે કાર્યવાહી કરીને રૂ. ૫,૦૮,૦૦૦ વસૂલ કરવામાં આવ્યા છે. ગ્રાહકો સાથે થતી અન્ય અનિયમિતતાઓના ૧૪૫ કેસોમાં રૂ. ૩,૪૬,૫૦૦ની દંડકીય વસૂલાત કરાઈ છે.

ગ્રાહકોને વજનમાં ઓછું આપવું (વજન ચોરી): તહેવારોની ગ્રાહકોને મીઠાઈ કે ફરસાણનું વજન તોલમાં ઓછું પમાડવાના ગંભીર ગુનાના ૯૫ કેસો પકડીને રૂ. ૩,૧૩,૦૦૦/- દંડ વસૂલવામાં આવ્યો છે. તેમ જ છાપેલી છૂટક કિંમત કરતાં વધુ ભાવ વસૂલવા બદલ તથા કિંમતમાં ચેકચાક કરવાના ૩૬ કેસો પકડીને રૂ. 1,25,000 વસૂલ કરાયા છે.

ગ્રાહકો માટે જાગૃતિ અને ફરિયાદ નિવારણ

કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ગ્રાહકોના હકો સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં. જો કોઈપણ નાગરિકને ખરીદી કરતી વખતે વસ્તુના વજનમાં ઓછું આપવા બાબતે કે MRP કરતાં વધુ ભાવ લેવા બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, તો તેઓ તાત્કાલિક ગુજરાત સરકારની ટોલ-ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનના ૧૯૧૫ નંબર પર ફરિયાદ નોંધાવી શકાશે.

Read Previous

શેરના પરફોર્મન્સ માટે રિલાયન્સ રિટેઈલનું પરફોર્મન્સ સુધરવું જરૂરી

Read Next

ગારમેન્ટના નિકાસકારોને ROSCTLના લાભ ન મળતા વર્કિંગ કેપિટલનું સંકટ

Most Popular