ગુજરાતના 9 લાખ કર્મચારી-પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાની સરકારે જાહેરાત કરી

ગુજરાતના 9 લાખ કર્મચારી-પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાની સરકારે જાહેરાત કરી
ગુજરાત સરકારે ગુજરાતના 9 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાની સરકારે જાહેરાત કરી છે. આસાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલા સરસ ભેટ આપી છે. આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે વિગતો આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે અને કોને લાભ મળશે?
કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં વધારો: આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને તેમના મૂળ પગાર કે પેન્શન પર ૩ ટકા વધુ મોંઘવારી ભથ્થું મળશે. આ વધારાનો સીધો અમલ ૧ જુલાઈ, ૨૦૨૬ ની અસરથી કરવામાં આવશે. છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવા, પંચાયત સેવા તેમજ અન્ય સંસ્થાઓના કુલ ૪.૬૨ લાખ કર્મયોગીઓ અને ૫.૦૭ લાખ નિવૃત્ત પેન્શનરો મળીને કુલ ૯.૬૯ લાખથી વધુ પરિવારોને આ આર્થિક ફાયદો મળશે.
ચાર મહિનાનું એરિયર્સ નવેમ્બરના પગાર સાથે એક જ હપ્તામાં મળશે
તહેવારોની ઉજવણી વધુ આનંદદાયક બને તે માટે સરકારે એરિયર્સની ચૂકવણી અંગે પણ વિશેષ જોગવાઈ કરી છે. જુલાઈ-૨૦૨૬થી ઓક્ટોબર-૨૦૨૬ સુધીના ચાર માસની તફાવતની રકમ નવેમ્બર માસમાં જ ચૂકવવામાં આવશે. આ ૪ મહિનાના એરિયર્સની રકમ કોઈ વિલંબ વગર નવેમ્બર-૨૦૨૬ ના પગાર કે પેન્શન સાથે એક જ હપ્તામાં કર્મચારીઓ અને પેન્શનરોના બેન્ક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે.
સરકારી તિજોરી પર નાણાકીય ભારણ
-
એરિયર્સ ચુકવણી: ૪ માસના એરિયર્સ પેટે રાજ્ય સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને કુલ રૂ.૫૨૩ કરોડની એરિયર્સ રકમ ચૂકવશે. મોંઘવારી ભથ્થામાં ૩ ટકાના વધારાને કારણે રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક ₹૧,૫૬૯ કરોડનું વધારાનું નાણાકીય ભારણ આવશે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું કે, રાજ્યના સુશાસન અને ગુડ ગવર્નન્સમાં સમર્પિત ભાવથી સેવા આપતા કર્મયોગીઓની સુખાકારી અને તેમના તહેવારોનો આનંદ બેવડાય તે માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ પણ છે.
