• 5 November, 2026 - 12:18 AM

પશુદીઠ માત્ર રૂ. ૨૨૯નું પ્રીમિયન લઈને ગુજરાત સરકાર પ્રત્યેક પશુને રૂ.૪૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડશે

ગુજરાત સરકાર પશુદીઠ માત્ર રૂ. ૨૨૯નું પ્રીમિયન લઈને ગુજરાત સરકાર પ્રત્યેક પશુને રૂ.૪૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડશે

‘નેશનલ લાઈવસ્ટોક મિશન’ અંતર્ગત ‘પશુધન વીમા સહાય યોજના’ હેઠળ પશુદીઠ માત્ર રૂ. ૨૨૯નું પ્રીમિયન લઈને ગુજરાત સરકાર પ્રત્યેક પશુને રૂ.૪૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડશે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતો અને પશુપાલકો પોતાના મોંઘા અને આજીવિકા સમાન પશુઓને નજીવા પ્રીમિયમે સુરક્ષિત કરી શકશે. પશુપાલકે પોતાના એક પશુના ૧ વર્ષના વીમા કવચ માટે માત્ર રૂ. ૨૨૯ ની રકમ જ ચૂકવવાની રહેશે. આ નજીવા રોકાણ સામે પશુના મૃત્યુના કિસ્સામાં પશુપાલકને રૂ. ૪૦,૦૦૦ સુધીનું વીમા કવચ મળશે.

સરકારે પ્રીમિયમમાં 85 ટકાની જંગી સબસિડી આપવાની જાહેરાત કરી છે એક પશુના વીમાનું કુલ પ્રીમિયમ રૂ. ૧,૫૨૯ થાય છે, જેમાંથી ૮૫ ટકા એટલે કે રૂ.૧,૩૦૦નો ખર્ચ રાજ્ય સરકાર પોતે ભોગવશે. પશુપાલકના શિરે માત્ર ૧૫ ટકા જેટલો જ બોજ રહેશે. એક જ પરિવાર ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ઊંટ, આખલા, બળદ અને પાડા જેવા મહત્તમ ૧૦ મોટા પશુઓ અથવા ૧૦૦ નાના પશુઓ-ઘેટાં-બકરાં વગેરેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. 

બજેટ અને લક્ષ્યાંક (વર્ષ ૨૦૨૬-૨૭)

પશુઓના વીમા માટે ભારત સરકાર દ્વારા રૂ. ૨૫૦ લાખ એટલે કે અઢી કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેના પ્રથમ હપતા તરીકે રૂ.૧૧૫ લાખની ફાળવણી કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રૂ. ૫૫ લાખ ની ‘રાજ્ય પુરસ્કૃત પશુધન વીમા સહાય યોજના’ મંજૂરી આપવામાં આવેલી છે. ચાલુ વર્ષે રાજ્યના ૧,૦૦,૦૦૦ પશુઓને વીમા કવચ આપવાનો લક્ષ્યાંક છે. હાલ સુધીમાં ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર ૮૭,૧૪૭ પશુઓ માટે અરજીઓ મળી ચૂકી છે.

કેવા સંજોગોમાં આ વીમાથી પશુપાલકોને મોટી રાહત થશે?

પશુપાલક માટે તેનું પશુ એ માત્ર પ્રાણી નથી પરંતુ રોજગાર અને દૂધ ઉત્પાદન દ્વારા મળતી નિયમિત આવકનું સાધન છે. અચાનક પશુનું અવસાન થતાં પશુપાલક પરિવાર આર્થિક ભાંગી પડે છે. આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ યોજના સંજીવની સમાન સાબિત થાય છે: ચોમાસા કે શિયાળામાં અચાનક લમ્પી વાયરસ, ગલઘોંટો કે પશુઓમાં ફેલાતા ચેપી રોગચાળાને કારણે કોઈ દૂધાળી ભેંસ કે ગાયનું મૃત્યુ થાય ત્યારે વીમા કવચને લાભ મળી શકે છે. બનાસકાંઠાના એક સામાન્ય પશુપાલકે રૂ. ૭૦,૦૦૦ માં ખરીદેલી દૂધાળી ભેંસ અચાનક બીમારીથી મૃત્યુ પામે છે. જો વીમો ન હોય તો પશુપાલકને રૂ. ૭૦,૦૦૦ નું સીધું નુકસાન થાય અને તેની દૈનિક દૂધની આવક બંધ થઈ જાય. પરંતુ જો તેમણે માત્ર રૂ. ૨૨૯ ભરીને આ યોજના હેઠળ વીમો લીધો હોય, તો તેમને ત્વરિત રૂ.૪૦,૦૦૦ ની વીમા સહાય મળશે, જેનાથી તેઓ નવું પશુ ખરીદીને પોતાની રોજગારી પુનઃ શરૂ કરી શકશે.

ખેતરે કે સીમમાં ચરવા ગયેલા બળદ કે આખલા પર વીજળી પડે, પૂરના પાણીમાં તણાઈ જાય અથવા માર્ગ અકસ્માતનો ભોગ બને તો પણ વીમા કવચનો લાભ મળી શકે છે. સૌરાષ્ટ્રના એક ખેડૂતના ખેતીકામ માટેના બળદનું ચોમાસામાં વીજળી પડવાથી મૃત્યુ થાય છે. ખેતીની મોસમ વચ્ચે જ બળદ ગુમાવવાથી ખેડૂત પર નવું પશુ ખરીદવાનું આર્થિક દબાણ આવે છે. વીમા કવચ હોવાને કારણે મળતી રૂ. ૪૦,૦૦૦ ની સહાયથી ખેડૂત દેવાના ડુંગર હેઠળ દબાયા વગર નવો બળદ લાવી ખેતી ચાલુ રાખી શકે છે.

પશુપાલકો માટે મહત્વની અપીલ

ગુજરાતના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પશુપાલકોને અનુરોધ કર્યો છે કે પશુનો વીમો કરાવ્યા બાદ પશુના કાનમાં લગાવેલો ઓળખ ટેગ સાચવી રાખવો અને નોંધણી સમયે સાચી વિગતો દર્શાવવી, જેથી દાવાના સમયે ત્વરિત સહાય મેળવી શકાશે. 

Read Previous

સેબીએ IDFC ઓલ્ટરનેટિવ્સ સહિત ૮ જાણીતી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કંપનીઓનાં રજીસ્ટ્રેશન રદ કરી દીધાં

Read Next

ગુજરાતના 9 લાખ કર્મચારી-પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાની સરકારે જાહેરાત કરી

Most Popular