• 5 November, 2026 - 6:42 AM

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી થતી નાણાકીય છેતરપિંડીથી બેન્કો-ફિનટેક કંપનીઓ બચે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી થતી નાણાકીય છેતરપિંડીથી બેન્કો-ફિનટેક કંપનીઓ બચે

કેન્દ્રીય સાયબર સુરક્ષા એજન્સીની બેંકો અને ફિનટેક કંપનીઓને ચેતવણી આપી

દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા વ્યાપ વચ્ચે હવે સાયબર ગુનેગારો પણ બેંકો, નાણાકીય સંસ્થાઓ અને ફિનટેક કંપનીઓને નિશાન બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટેકનોલોજી તરીકે દુરુપયોગ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રીય સાયબર સેલ ‘I4C’ (ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર) અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળની સંસ્થા ‘CERT-In’ દ્વારા દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઈઝરી (ચેતવણી) જારી કરવામાં આવી છે.

AI દ્વારા કેવા પ્રકારના જોખમો ઊભા થઈ રહ્યા છે?

પરંપરાગત રીતે સાયબર હુમલાખોરો કે હેકર્સ જાતે સમય લઈને સિસ્ટમમાં ઘૂસણખોરી કરતા હતા, પરંતુ હવે તેઓ ‘AI એજન્ટ્સ’ નો ઉપયોગ કરી રહ્યા છે.

સુપરફાસ્ટ સ્પીડે સિસ્ટમ હેક કરવી: માનવ હેકર કરતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા સોફ્ટવેર લાખો ગણી ઝડપે કામ કરે છે. તે ઓટોમેટિક રીતે બેંક કે એપની સિસ્ટમમાં નાની સરખી ક્ષતિ (ખાંચી) શોધીને પળવારમાં કરોડો રૂપિયાનું ટ્રાન્સફર કરી લે છે. ગ્રાહકો જે એપ્લિકેશન કે વેબસાઇટ દ્વારા ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરે છે, તેને જોડતી બેક-એન્ડ સિસ્ટમને હેક કરીને હેકર્સ સીધા કરોડો રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી લે છે. પૈસાની ચોરી કર્યા પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ બેંકની સિસ્ટમમાંથી પોતાના તમામ ડિજિટલ પુરાવા અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી (રેકોર્ડ) ડિલીટ (સાફ) કરી દે છે, જેથી તપાસ એજન્સીઓ માટે ગુનેગારો સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બની જાય છે.

‘મ્યુલ’ (ભોળા લોકોના) ખાતામાં ફંડ ટ્રાન્સફર: ચોરી કરેલી રકમ તરત જ અલગ-અલગ બેંકોના સામાન્ય લોકોના ખાતાઓમાં (Mule Accounts) ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને ક્ષણોમાં IMPS કે NEFT દ્વારા ઉપાડી લેવામાં આવે છે.

ઓટોમેટિક લોન અથવા પેમેન્ટ ડિસ્બર્સમેન્ટ હુમલો: ધારો કે કોઈ ફિનટેક કંપની ગ્રાહકોને મોબાઈલ એપથી ત્વરિત ૧ મિનિટમાં લોન આપે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હેકિંગ સોફ્ટવેર આ એપની સુરક્ષા ખામીનો લાભ લઈને પોતાની મેળે જ નકલી ગ્રાહકોના નામે એક સાથે હજારો લોન મંજૂર કરાવીને કરોડો રૂપિયા ગુનેગારોના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે અને ટ્રાન્ઝેક્શનનો કોઈ રેકોર્ડ પણ રહેવા દેતું નથી. કોઈ બેંક ગ્રાહક સેવા કે ફરિયાદ માટે ઓનલાઈન સિસ્ટમ વાપરે છે. હેકર્સ આ ફરિયાદો વાળા ઓનલાઈન પોર્ટલ દ્વારા બેંકના મુખ્ય સર્વરમાં પ્રવેશી જાય છે અને બેંકના પેમેન્ટ ગેટવે પર કબજો કરીને કરોડો રૂપિયા બારોબાર ઉપાડી લે છે.

બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે જરૂરી સૂચનાઓ

૬ કલાકમાં રિપોર્ટિંગ: જો કોઈ બેંક કે ફિનટેક કંપનીમાં આવો સાયબર હુમલો થાય, તો તેમણે બનાવ બન્યાના ૬ કલાકની અંદર CERT-In અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના DAKSH પોર્ટલ પર ફરજિયાત જાણ કરવાની રહેશે. 

  • નકામી સિસ્ટમ બંધ કરવી: બેંકોને તેમની જૂની, બિનઉપયોગી કે માત્ર ટેસ્ટિંગ માટે રાખેલી તમામ ઓનલાઈન કનેક્ટિવિટી સિસ્ટમ્સ તુરંત બંધ કરવા આદેશ અપાયો છે.

ભારતમાં સાયબર છેતરપિંડીના ચોંકાવનારા આંકડા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર પોર્ટલ (NCRP) ના આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં (નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬):

  • કુલ નોંધાયેલી ફરિયાદો: ૫૩,૮૭,૯૦૫ થી વધુ

  • દાખલ થયેલી FIR: ૧,૮૧,૨૭૧ થી વધુ

  • કુલ છેતરપિંડીની રકમ: રૂ. ૫૬,૦૮૭ કરોડથી વધુ

  • હોલ્ડ (Lien) કરાયેલી રકમ: રૂ. ૯,૦૭૯ કરોડથી વધુ

  • પીડિતોને પરત અપાયેલી રકમ: રૂ. ૨૦૬ કરોડથી વધુ

Read Previous

દરિયાની ગરમી વધતા માછલીઓના સ્થળાંતરથી માછીમારોને માછલી પકડવામાં પડી રહેલી તકલીફ

Read Next

આજે શેરબજારમાં શું કરી શકાય?

Most Popular