• 5 November, 2026 - 1:40 PM

 ફાર્માસિસ્ટ વિના કેમિસ્ટ્સ દ્વારા દવાના વેચાણ કરી રહેલા ગુજરાતભરના કેમિસ્ટો,

ફાર્માસિસ્ટ વિના જ વેપાર કરી રહેલા ગુજરાતના 80 ટકા કેમિસ્ટ

ગેરકાયદે વેપાર સામે ફાર્મસી કાઉન્સિલ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીના અધિકારીઓનું મૌન

ફાર્માસિસ્ટ વિના કેમિસ્ટ્સ દ્વારા દવાના વેચાણથી દર્દીઓના જીવન સામે જોખમ

ભારતભરમાં અને વિશેષરૂપે ગુજરાતમાં મોટાભાગના મેડિકલ સ્ટોર્સ (કેમિસ્ટ શૉપ્સ) પર નિયમો વિરુદ્ધ જઈને ફાર્માસિસ્ટની હાજરી વગર જ દવાઓનું વેચાણ થતું જોવા મળે છે. ગુજરાતમાં 80 ટકા કેમિસ્ટ્સ ફાર્માસિસ્ટ વિના જ દવાઓનું વેચાણ કરી રહ્યા છે. કાયદાકીય જોગવાઈ મુજબ દરેક મેડિકલ સ્ટોર પર લાયસન્સ પ્રાપ્ત ફાર્માસિસ્ટની હાજરી અનિવાર્ય છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ દવાઓ વેચાવી જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે ફાર્માસિસ્ટનું માત્ર નામ ‘ભાડે’ લેવામાં આવે છે અથવા તેમને દર મહિને પાંચ-દસ હજાર રૂપિયા આપીને તેમના નામ અને ફોટા દુકાનમાં લટકાવી દેવામાં આવે છે અને દવાનું વેચાણ કરવામાં આવે છે. ગુજરાતના ફૂડ અને ડ્રગ કમિશનરની કચેરી આ હકીકતથી અજાણ નથી જ નથી. ફાર્માસિસ્ટ વાસ્તવમાં અન્યત્ર નોકરી કરતા હોય છે અથવા હાજર જ હોતા નથી. આ ગંભીર બેદરકારીને કારણે દર્દીઓને ખોટી કે જોખમી દવાઓ અપાઈ જવાની સંભાવના રહે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. કેમિસ્ટોના બે મહિના પૂર્વના ભારત બંધના દિવસે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક કેમિસ્ટ સ્ટોર બંધ કરાવવા ગયા ત્યારે તે સ્ટોર પણ વગર ફાર્માસિસ્ટે ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ પણ આ હકીકત સામે આંખ આડા કાન જ કરી રહી છે.

આ વ્યવસાયના જાણકારોનું કહેવું છે કે, ફાર્માસિસ્ટ લાઈસન્સ ભાડે આપીને આઠ આઠ કલાકની નોકરી કરે છે. તેનાથી કેમિસ્ટોનો ખર્ચ ઘટે છે, પરંતુ ફાર્માસિસ્ટની વેલ્યુ ઘટી રહી છે. ફાર્માસિસ્ટની વેલ્યુ વધારવા માટે પણ કેમિસ્ટોને ફાર્માસિસ્ટ વિના શોપ ચલાવવાની છૂટ ન આપવી જોઈએ. ફાર્માસિસ્ટ હાજર રહેવા જોઈએ તેવો નિયમ હોવા છતાંય આપણે તેમની ગેરહાજરીમાં દવાનો વેપાર કરવાની છૂટ કેમ આપીએ છીએ. બાર કે આઠ કલાકની શિફ્ટમાં તેમને નોકરી આપવામાં આવે તો એક જ દુકાનમાં બે કે ત્રણ ફાર્માસિસ્ટને નોકરી મળશે. નાના કેમિસ્ટ જ નહિ, મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં પણ ફાર્માસિસ્ટ વિના જ કેમિસ્ટની શોપ ચલાવવમાં આવી રહી છે. એપોલો જેવી મોટી હોસ્પિટલ પણ તેમાં આવી જાય છે.

ફાર્માસિસ્ટની ગેરહાજરીથી ઊભા થતા ગંભીર જોખમો 

જો કાઉન્ટર પર દવાની યોગ્ય જાણકારી ધરાવનાર પ્રોફેશનલ (ફાર્માસિસ્ટ) હાજર ન હોય, તો સામાન્ય વેચાણકર્તાની ભૂલથી કેવા ભયાનક પરિણામો આવી શકે છે કોઈ દર્દીને હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની બીમારી હોય અને તે અન્ય દવાઓ લેતો હોય, તો ડૉક્ટરની ચિઠ્ઠી વગર અથવા અજાણતા જ તે દરદી માટે ડિક્લોફેનાક કે ઇબુપ્રોફેન જેવી પેઈન કીલર આપી દેવામાં આવે તો કિડની અથવા હૃદય પર ગંભીર આડઅસર કરી શકે છે. ફાર્માસિસ્ટ વગરના દુકાનદારને આ ડ્રગ ઇન્ટરેક્શનની કોઈ સમજ પણ હોતી નથી. આ જ રીતે કોઈ અસ્થમાના દર્દીને કાઉન્ટર પર બેઠેલો બિન-અનુભવી સેલ્સમેન ડૉક્ટરની સ્પષ્ટ સલાહ વગર ‘એસ્પિરિન’ અથવા ‘બીટા-બ્લોકર’ આપી દે, તો દર્દીને ત્વરિત શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ શકે છે અને તેનું જીવન જોખમાઈ શકે છે.

દવાની વધુ પડતો ડોઝ અપાવાનો અને આડઅસરનું જોખમ

બાળકો કે વ્યાધિગ્રસ્ત વૃદ્ધો માટે દવાની માત્રા-ડોઝ મિલીગ્રામ મુજબ અત્યંત ચોક્કસ હોવી જોઈએ. ફાર્માસિસ્ટ ન હોવાને કારણે ખોટી માત્રાવાળી દવા અપાઈ જવાનું જોખમ રહે છે. શરદી-ખાંસી માટે આપવામાં આવતી સીરપ કે એન્ટિબાયોટિક્સમાં જો ડોઝની ખોટી સમજણ અપાય, તો નાના બાળકમાં લીવર ડેમેજ કે ભારે એલર્જી જેવી પ્રતિક્રિયાઓ થઈ શકે છે.

દવાના નામમાં નાનકડો ફેર અને તેના ગંભીર પરિણામો

ફાર્માસી અને મેડિકલ ક્ષેત્રમાં એક સરખી જ દેખાતી અને એક સરખા જ નામને કારણે એક સરખાજ ઉચ્ચારવાળી-Look-Alike Sound-Alike) ડ્રગ્સ એટલે કે દેખાવમાં સરખી લાગતી અથવા બોલવામાં એક સરખા ઉચ્ચાર વાળી દવાઓ સૌથી મોટો પડકાર છે. ફાર્માસિસ્ટ વગરની દુકાનોમાં આ ભૂલ થવાની સંભાવના સૌથી વધુ રહે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો મેડઝોલ, જે ઊંઘ લાવવાની અથવા એન્ઝાયટી માટેની દવા છે. તેમ જ મેન્નીટોલ દવા, જે મગજના સોજા અથવા પ્રેશર ઘટાડવા માટે ઇન્જેક્શન કે દવા છે તે દવા જો કાઉન્ટર પર બેઠેલો સામાન્ય વેચાણકર્તા પ્રિસ્ક્રિપ્શન બરાબર વાંચ્યા વગર અથવા ઉચ્ચારની સરખાામણીમાં મેડઝોલની જગ્યાએ ભૂલથી મગજના દર્દી માટેની કે અન્ય સમાન ઉચ્ચાર ધરાવતી મેન્નીટોલ નામની હાઇ-પાવર દવા આપી દે, તો દર્દીના બ્લડ પ્રેશરમાં અચાનક મોટો ઘટાડો થઈ શકે છે અથવા તે કોમામાં જઈ શકે છે. આ જ રીતે હાઈડ્રાલાઝાઈન-Hydralazine બ્લડ પ્રેશરની દવા છે અને હાઈડ્રોક્સિઝાઈન –Hydroxyzine એલર્જીની દવા છે. તેમનાનામ લગભગ સરખા છે. જો એકની જગ્યાએ બીજી દવા અપાઈ જાય, તો દર્દીનું પ્રેશર ઘાતક સ્તરે ડાઉન થઈ શકે છે. આવા ગંભીર ભૂલ માત્ર લાયસન્સધારક ફાર્માસિસ્ટ જ રોકી શકે છે.

નિયમોનું ઉલ્લંઘન કરીને ફાર્માસિસ્ટ વિના ચાલતી મેડિકલ શૉપ્સ અને ડ્રગ ફાફિંગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિસ્ટ્રેશન (FDCA – Gujarat) દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે. ગુજરાતમાં એફડીસીએ દ્વારા ફાર્માસિસ્ટની ગેરહાજરી અથવા ડમી ફાર્માસિસ્ટના નામે ચાલતી દુકાનોના લાયસન્સ રદ કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે. પરંતુ એફડીસીએ (FDCA)ની સત્તાવાર યાદીઓ અનુસાર, નિયમોનો ભંગ બદલ દર વર્ષે સેંકડો મેડિકલ સ્ટોર્સના લાયસન્સ સસ્પેન્ડ કે કેન્સલ પણ કરવામાં આવે છે.

એક જ ફાર્માસિસ્ટ હોવા છતાંય રાતના બાર બાર વાગ્યા સુધી કેમિસ્ટ શોપ ચલાવવામાં આવી રહી છે. આઠ કલાકથી વધુ દુકાન ચાલતી હોય તો બે ફાર્માસિસ્ટ રાખવા પડે છે. સરકારી અધિકારીઓ સાંજના છ સાત વાગ્યા પછી તપાસ કરતાં જ નથી તેનો ગેરલાભ ઊઠાવીને કેમિસ્ટો મોડી રાત સુધી એક જ ફાર્માસિસ્ટ સાથે દુકાન ચલાવતા હોય છે. તેમાંય માત્ર તેના લાઈસન્સ પર જ ધંધો પણ કરવામાં આવી રહ્યો છે. 

Read Previous

આજે નિફ્ટી સ્પોટમાં શું કરી શકાય?

Most Popular