• 15 January, 2026 - 7:28 PM

ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ખેડૂતોને મોટા ભાગના ખરીફ પાકોમાં MSP કરતાં 9ટકાથી 30 ટકા ઓછા મળ્યા

સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અને સંખ્યાબંધ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને લઘુતમ ટેકાના ભાવ નક્કી કરે છે, પરંતુ બજારના પરિબળો તેના પર પાણી ફેરવી દે છે

અમદાવાદઃ ડાંગર સિવાય તમામ ખરીફ પાકો ઓક્ટોબર–ડિસેમ્બર 2025ના મુખ્ય કાપણી ગાળામાં તેમની લઘુત્તમ ટેકાના ભાવ-MSP કરતાં ખેડૂતોને 9 થી 30 ટકા ઓછા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકોના ભાવ ઘટવાથી કૃષિ ક્ષેત્રના કુલ મૂલ્યવર્ધન-ગ્રોસ વેલ્યુ એડિશન-GVA પર ખાસ્સી અસર પડી છે. છતાં ખેડૂતોએ આ વર્ષે રવી પાકનો વિસ્તાર 3 ટકા વધાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં મોટાભાગે ઘઉંનું વાવેતર થયું છે.

Agmarknet પોર્ટલ પરથી મળેલા સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં ધાન (સામાન્ય જાત)નો સરેરાશ ભાવ ₹2,407 પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. આ ભાવ સરકારે નક્કી કરેલા MSP રૂ. 2,389 કરતાં આશરે 1 ટકા વધારે છે. પરંતુ મકાઈના ખેડૂતોને સરેરાશ માત્ર રૂ. 1,684 પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા. આ ભાવ સરકારે નક્ક કરેલા ટેકાના ભાવ-MSP રૂ. 2,400 કરતાં 30 ટકા ઓછા છે. મધ્યપ્રદેશમાં તો ખેડૂતોને રૂ. 1,582 પ્રતિ ક્વિન્ટલ જેટલો ઓછો ભાવ મળ્યો હોવાની વિગતો બહાર આવી રહી છે. આમ ખેડૂતોની આવક વધારવાના સરકાર આયોજનો કરી રહી છે, પરંતુ બજારના પરિબળો અને વધારે નફો મેળવવાની માનસિકતા ધરાવતા વેપારીઓને કારણે જ સંભવતઃ ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ બજારમાંથી મળી રહ્યા હોવાનું માનવામાં આવે છે. તેના વાસ્તવિક કારણોની તપાસ થવી જરૂરી છે.

જુવારનો સરેરાશ ભાવ રૂ. 3,357 પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. જુવારનો ખેડૂતોને મળેલો ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ-MSP કરતાં 9 ટકા ઓછો છે. આ જ રીતે બાજરી (મિલેટ)ના ક્વિન્ટલદીઠ ભાવ રૂ. 2,318 મળ્યા હતા. આ ભાવ ટેકાના-MSP ભાવ કરતાં 16.5 ટકા ઓછા છે.

દાળોમાં ભારે ઘટાડો

મગ એટલે કે ગ્રીન ગ્રામનો સરેરાશ ક્વિન્ટલદીઠ ભાવ રૂ. 6,575 મળ્યો છે. પરંતુ આ ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં 25 ટકા ઓછો છે. આ જ રીતે તુવેર-અરહરના ક્વિન્ટલદીઠ રૂ.6,599 ઉપજ્યા છે. જે ટેકાના ભાવ કરતાં 17.5 ટકા ઓછો છે. અડદ-કાળી દાળના મળેલા ક્વિન્ટલદીઠ રૂ. 6,090 છે. આ ભાવ સરકારે નક્કી કરી આપેલા ટેકાના નક્કી કરેલા ભાવ કરતાં 22 ટકા ઓછા છે. કર્ણાટકમાં મગના સૌથી ઓછા ભાવ મળ્યા છે. તેમને ક્વિન્ટલદીઠ રૂ. 4,949 મળ્યા છે. રાજસ્થાનમાં તુવેરના ક્વિન્ટલદીઠ રૂ.5,040 અને તેલંગણામાં અડદના ક્વિન્ટલદીઠ રૂ. 4,804 જ મળ્યા છે.

આ જ રીતે સોયાબીનનો સરેરાશ ક્વિન્ટલદીઠ ભાવ રૂ. 4,197 મળ્યો છે. આ ભાવ સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ કરતાં 21 ટકા ઓછા છે. આ જ રીતે મગફળી ક્વિન્ટલદીઠ રૂ. 5,583ના મળેલા ભાવ સરકારે નક્કી કરી આપેલા ટેકાના ભાવ કરતાં 23 ટકા ઓછા છે. મહારાષ્ટ્રમાં સોયાબીનનો ભાવ સૌથી ઓછો રૂ. 4,186 રહ્યો હતો. હરિયાણામાં મગફળીના ક્વિન્ટલદીઠ બજાર ભાવ રૂ. 4,821 રહ્યા હતા. આ સોયાબિન અને મગફળીનું ઉત્પાદન કરતાં રાજ્યોના ખેડૂતોને મળેલા ભાવની તુલનાએ ઓછામાં ઓછા ભાવ છે.

 કપાસ અને કૃષિ અર્થવ્યવસ્થા

લાંબા રેશાવાળા કપાસનો સરેરાશ ક્વિન્ટલદીઠ ભાવ રૂ. 7,034 પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. આ ભાવ સરકારે નક્કી કરી આપેલા લઘુતમ ટેકાના ભાવ-MSP રૂ. 8,110 કરતાં 13 ટકા ઓછા છે. ભારતની અર્થવ્યવસ્થામાં 17 ટકા યોગદાન આપતું કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર 2025-26માં રૂ. 25.54 લાખ કરોડ-ગ્રોસ વેલ્યુ એડિશન-GVA રહેશે. તેમ જ તેમાં 3.1 ટકાનો વધારો થશે, એમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના પ્રથમ અંદાજમાં જણાવવામાં આવ્યું હતું. 2024-25માં આ ક્ષેત્રનું GVA રૂ. 24.77 લાખ કરોડ અને વૃદ્ધિ દર 4.6 ટકાનો રહ્યો હતો. પરંતુ વર્તમાન ભાવ પર ત્રિરાશી માંડવામાં આવે તો વાસ્તવિક GVA 2025-26માં માત્ર 0.8 ટકા વધીને રૂ. 54.28 લાખ કરોડ થયું છે, જે 2024-25માં રૂ. 53.85 લાખ કરોડ હતું. કોમોડિટી માર્કેટના નિષ્ણાતો કહે છે કે ઉત્પાદન રેકોર્ડ સ્તરે હોવા છતાં પાકોના ભાવ ઘટવાથી આવકમાં વધારો થયો નથી.

સરકારે મૂકેલા અંદાજ મુજબ ખરીફ અનાજ ઉત્પાદન 173.33 મિલિયન ટન થવાની સંભાવના છે. તેમાં 2.3 ટકાનો વધારો થવાની ધારણા છે. આ જ રીતે રવી અનાજનું ઉત્પાદન 169.17 મિલિયન ટન થવાની ધારણા મૂકવામાં આવી છે. તેમાં 5.7 ટકાનો વધારો થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

 

Read Previous

IPOની શેર્સ ઓફરમાં પ્રાઈસ ડિસ્કવરીને સચોટ બનાવવા સેબી ફેરફારો દાખલ કરશે

Read Next

આજે બજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular