• 1 December, 2025 - 6:14 AM

હવે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે સેસ વસૂલશે

 રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે સેસ વસૂલવા કેન્દ્ર સરકાર નવું બિલ લાવશે
તંબાકુ પર GST નો અસરકારક દર જાળવવામાં મદદ મળી શકે છે

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે એક નવા સેસનો પ્રાવધાન કરતો ખરડો- બિલ સંસદમાં લાવવા તૈયારીમાં છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં બિલ રજૂ કરશે. આ નવો સેસ તંબાકુ પર લાગતા હાલના GST વાળા કમ્પન્સેશન સેસનો વિકલ્પ બની શકે છે. જીએસટી સાથે વસૂલવામાં આવી રહેલા કોમ્પેન્સેશન સેસ વસૂલી માટેની સમયમર્યાદા ટૂંક સમયમાં સમાપ્ત થઈ જવાની છે. શિયાળુ સત્રના પ્રથમ દિવસે રજૂ કરવામાં આવનારા બે નવા બિલોમાંથી આ એક બિલ હોવાનું માનવામાં આવે છે.

લોકસભાના કામકાજની યાદીમાં જણાવ્યા અનુસાર નાણાં મંત્રી સીતારમણ હેલ્થ સિક્યુરિટી સે નેશનલ સિક્યુરિટી સેસ બિલ2025 રજૂ કરવા માટેની મંજૂરી માગશે. બિલનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય માટેના ખર્ચને પૂરો પાડવા વધારાના સ્ત્રોતો ઉભા કરવાનું છે. એ માટે નિર્ધારિત મશીનો અથવા ઉત્પાદન પ્રક્રિયાઓ દ્વારા બનેલા ચોક્કસ માલ પર સેસ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જો આ સેસ તંબાકુ અને તેના ઉત્પાદનો પર લાગુ થશે.

ઓપરેશન સિન્દુર બાદ વધારાના નાણાંકીય સ્ત્રોતોની જરૂરિયાત ઊભી થઈ રહી છે. ઉપરાંત, આ વર્ષે શરૂઆતમાં સંસદીય સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે સેનાના સુસજ્જ કરવા માટે અને ભવિષ્યના યુદ્ધ માટે જોઈતું ભંડોળ બનાવવામાં આવ્યું છે તેને માટે પણ ભંડોળની જરૂરિયાત ઊભી થઈ રહી છે. ભવિષ્યની તકનીકોની અસરનો અભ્યાસ કરવા ફ્યુચર એનાલિસિસ ગ્રુપ બનાવવાની પણ ભલામણ કરવામાં આવેલી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રક્ષણ ખર્ચ માટે નાણાંની કોઈ મર્યાદા રાખવામાં આવશે નહિ.

જાહેર આરોગ્યની વાત કરીએ તો, સરકાર અનેક યોજનાઓ ચલાવે છે જેમાં મુખ્યત્વે આયુષ્માન ભારત છે, જે અંતર્ગત લગભગ 55 કરોડ લાભાર્થીઓને દર વર્ષે પ્રતિ પરિવાર રૂ. 5 લાખનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્ર માટે વધુ નાણાંની માંગ સતત વધી રહી છે.

હાલમાં, આવકવેરા પર 4 ટકા હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ વસૂલ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ પર બે અલગ-અલગ સેસ એટલે કે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વસૂલ કરવામાં આવે છે. તંબાકુ પર પણ સેસ વસૂલ કરવામાં આવે છે. આ તમામ સેસ કેન્દ્ર સરકાર પાસે જ રહે છે અને રાજ્યો સાથે વહેંચવાનો નિયમ નથી. તેની રાજ્યો દ્વારા સતત ટીકા કરવામાં આવી રહી છે.

એક્સાઇઝ કાયદામાં ફેરફાર

દ્વિતીય બિલ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, 1944 માં સુધારા માટે છે. માનવામાં આવે છે કે GST અમલ બાદ કોલોનિયલ યુગના આ કાયદાને આધુનિક કરવાની દિશામાં ફેરફારો લાવવાના છે. પરંતુ ટેક્સનો વ્યાપ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. હાલ આ કર માત્ર ક્રૂડ તેલ, પેટ્રોલ, ડીઝલ, ATF, નેચરલ ગેસ અને તંબાકુ ઉત્પાદનો પર લાગુ પડે છે.

નવો સેસ: મુખ્ય મુદ્દા

નવા બિલનું કાયદામાં રૂપાંતર થયા પછી નિર્ધારિત હેતુ માટે વધારાનો કર વસૂલવામાં આવશે. કરદાતાઓએ પોતાના કરપર વધારાના સેસ રૂપે ચૂકવવાનો આવશે. સંરક્ષણ ક્ષેત્ર માટે FY26ના વર્ષમાં ફાળવણી ₹6.18 લાખ કરોડથી વધુની કરવામાં આવી છે. ભારતની સીમા પરની સતત તાણભરી પરિસ્થિતિને કારણે વધારાના નાણાંની જરૂર ઊભી થઈ છે. FY2025-26 માં આરોગ્ય ક્ષેત્રને લગભગ ₹1 લાખ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે.

રાષ્ટ્રીય આરોગ્ય નીતિ મુજબ GDP ના 2.5 ટકા જેટલો ખર્ચ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કરવો જરૂરી છે. નેશનલ હેલ્થ એકાઉન્ટ્સ મુજબ 2021-22 માં કેન્દ્ર અને રાજ્યોનો કુલ ખર્ચ GDP ના 1.8 ટકા જેટલો કર્યો હતો. વિશ્વના અન્ય દેશોની તુલનાએ આ ખર્ચ 1.4 ટકા ઓછો હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે.

 

Read Previous

વિદ્યા વાયર્સ લિમિટેડના પબ્લિક ઇશ્યૂમાં રોકાણ કરવુ જોઈએ કે નહિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular