નિવૃત્તિ પછી નાગરિકોને પૂરતું પેન્શન ન આપીને સામાજિક સુરક્ષાની વ્યવસ્થા ન કરી શકતી સરકાર નિવૃત્ત કર્મચારીઓ પર વેરાનો બોજ વધારવાનું બંધ કરે

- નોકરિયાતના પ્રોવિડન્ટ ફંડ(PF)ની એકત્રિત થતી રકમમાં પર વર્ષે રૂ. 2.5 લાખથી વધુની વ્યાજની આવક થાય તો તેને વેરાપાત્ર બનાવી દેવામાં આવી છે
- જીવન નિર્વાહ ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે નિવૃત્ત કર્મચારીઓના એકત્રિત ભંડોળ પર અને તેના થકી થતી વ્યાજની આવક પર વેરો વસૂલવાનું સરકારે બંધ કરવું જોઈએ
- સરકારી હોસ્પિટલની કંગાળ સારવાર અને કોર્પોરેટ હોસ્પિટલના તોતિંગ ખર્ચબિલ સિનિયર સિટીઝન્સની કમર તોડી રહ્યા છે, સરકાર પ્રોવિડન્ટ ફંડની રકમ પર ચોક્કસ કિસ્સામાં થતી વ્યાજની આવક પર વેરો વસૂલવાનું અટકાવે
- એનપીએસમાંથી પણ પેન્શન માટે ફરજિયાત અલગ રાખવાની 40 ટકા રકમ થકી થતી પેન્શનની આવકને પણ વેરા પાત્ર બનાવવાનું અટકાવો
અમદાવાદઃ જિંદગીભર આવકવેરા સહિતના દરેક વેરાઓ ભર્યા કરનારા નિવૃત્ત કર્મચારીઓને(Retired employees) સામાજિક સુરક્ષા કવચ (lack of social security)પૂરું ન પાડી શક્તિ ભારત સરકારે કર્મચારીઓએ નિવૃત્તિ વય પછીના સમયગાળાને સલામત બનાવવા માટે કરવામાં આવેલી બચતના નાણાં પર એક યા અન્ય કારણોસર વેરા વસૂલવાનું બંધ કરવું જોઈએ. આ રીતે વેરા વસૂલવાની પ્રવૃત્તિ કર્મચારીઓનો પોતાની જીવન જરૂરિયાત સાથે સમાધાન કરવાની ફરજ પાડે છે. સિનિયર સિટીઝન્સ માટે બોજ રૂપ બની રહેલી વેરાની જોગવાઈઓને 2026-27નું બજેટ રજૂ કરતી વખતે પાછી ખેંચી લેવો જોઈએ તેવી સિનિયર સિટીઝન્સની લાગણી અને માગણી છે.
દરેક વ્યક્તિઓનો જીવન નિર્વાહ ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે નિવૃત્ત કર્મચારીઓના એકત્રિત ભંડોળ પર અને તેના થકી થતી વ્યાજની આવક પર વેરો વસૂલવાનું સરકારે બંધ કરવું જોઈએ તેવી તમામ સિનિયર સિટીઝન્સની લાગણી અને માગણી છે. તેમની સામાજિક સુરક્ષા વાજબી રહે તે જોવાની સરકારની જવાબદારી છે. નિવૃત્તિ પછી તેમને માટે આરોગ્ય વીમાના પ્રીમિયમ ભરવા પણ કઠિન બની ગયા છે ત્યારે સરકારે તેમની સ્વમાનપૂર્ણ જીવન જીવવાની દાયકાઓથી કરવા માંડેલી વ્યવસ્થાને ખોરવી ન નાખવી જોઈએ. સિનિયર સિટીઝન્સની જુદી જુદી આવક પર વેરા લાદવાની સરકારની વૃત્તિ સિનિયર સિટીઝન્સની સલામતી સામે સવાલ ઊભા કરી રહી છે.
નોકરિયાતના પ્રોવિડન્ટ ફંડ(PF)ની એકત્રિત થતી રકમમાં પર વર્ષે રૂ. 2.5 લાખથી વધુની વ્યાજની આવક થાય તો તેને વેરાપાત્ર બનાવી દેવામાં આવી છે. ફાઈનાન્સ એક્ટ 2020ના માધ્યમથી આ આવકને વેરા પાત્ર બનાવી દેવામાં આવી છે. આમ સરકાર વેરા માફીને દરેક લાભ આપવાનું બંધ કરી દેવા માંડી છે. તેને માટે જ કાયદાકીય જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાય છે.આ રીતે સરકાર ધીમી પણ મક્કમ ગતિએ કરદાતાઓને માત્ર ને માત્ર નવા ટેક્સ રિજિમમાં જ રિટર્ન ફાઈલ કરવા તરફ ધકેલી રહી છે.
વાાસ્તવમાં મધ્યમ કારકીર્દિ ધરાવતા મોટાભાગના નોકરિયાતો માટે પ્રોવિડન્ટ ફંડ જ એક માત્ર શિસ્તબદ્ધ બચત કરવાનું માધ્યમ છે. તેમ જ પોતાના ભવિષ્યને સલામત બનાવવાનો વિકલ્પ છે. આમ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપવો એ એક લક્ઝરી નથી, પરંતુ ભવિષ્યને સલામત બનાવવાનું એક માધ્યમ છે. કેન્દ્ર સરકાર નિવૃત્ત થયેલા કર્મચારીઓની સામાજિક સુરક્ષાની જવાબદારી અદા કરી શક્તિ નથી. છતાં નોકરિયાતો પોતાની રીતે સલામતી વધારવાનો પ્રયાસ કરે છે કે ત્યાર તેના પર સરકાર વેરો લાદીને તેમની કઠણાઈ વધારી રહી છે.
સારો પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાંથી 12 ટકાના દરે પ્રોવિડન્ટ ફંડ કાપવામાં આવે તો પણ તેમની તેના થકી થતી વાર્ષિક વ્યાજની આવક રૂ. 2.5 લાખની મર્યાદાને વળોટી જતી હોવાનું જોવા મળે છે. તેથી તેના પર થતી વ્યાજની આવક પર સારા પગારદાર કર્મચારીઓએ ટેક્સ ભરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં પગારદાર કર્મચારી જરૂર કરતાં વધુ રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા ન કરાવતો હોવા છતાંય તેની વ્યાજની આવક વેરાને પાત્ર બની જાય છે. આ કરદાતાઓને વેરામાફીનો વધુ લાભ મળી રહ્યો હોવાનું ગણીને સરકાર તેના પર વેરો વસૂલી રહી છે.
બીજીતરફ ભારતનો ફુગાવાનો દર બચતના નાણાં થકી થતી વ્યાજની આવકની ખરીદ શક્તિ-પરચેઝિંગ પાવરને સતત ઘટાડી રહ્યો છે. ફુગાવાને કારણે પેન્શન પણ ઓછું પડવા માંડી રહ્યું છે. આ સંજોગોમાં સરકાર તરફથી વ્યાજની આવક પર લેવામાં આવતો વેરો લેવામાં આવી રહ્યો છે તે એક ચિંતાજનક બાબત છે.
નેશનલ પેન્શન સ્કીમ-NPSમાં જિંદગીભર કરવામાં આવેલી બચતની રકમમાંથી કલમ 10(12A) હેઠળ કૂલ જમા થયેલી રકમમાંથી 60 ટકા રકમનો વેરામુક્ત ઉપાડ કરી શકાય છે. એનપીએસમાં રોકાણ કરનાર કર્મચારી નિવૃત્ત થાય ત્યારે કે પછી તેમાંથી નાણાંનો ઉપાડ કરે ત્યારે 60 ટકા રકમને વેરામુક્ત ગણવામાં આવે છે. બાકીની 50 ટકા રકમ ફરજિયાતપણે નિવૃત્તિના કાળાં પેન્શન મેળવવાની યોજનામાં રોકાણ કરવો પડી રહ્યો છે. જીવન વીમા નિગમ પાસેથી જ આ પ્લાન ખરીદવાનું ફરજિયાત કરી દેવામાં આવેલું છે. આ રકમ પર થતી પેન્શનની આવક સંપૂર્ણપણે વેરાપાત્ર બનાવી દેવામાં આવેલી છે. આ સંજોગોમાં કર્મચારીઓ દલીલ કરી રહ્યા છે કે એનપીએસની સો ટકા રકમ વેરામુક્ત હોવાનો સરકારનો દાવો આઁશિક રીતે ખોટો જ છે.
નિવૃત્ત કર્મચારીઓની બચત પર વેરાનો બોજ
કંપનીના માલિક દ્વારા પ્રોવિડન્ટ ફંડમાં આપવામાં આવતા ફાળો રૂ. 7.5 લાખથી વધારે થઈ જાય તે પછી તેના પર અને તેના થકી થતી વ્યાજની આવક પર વેરો વસૂલવામાં આવી રહ્યો છે.
કર્મચારીનો પોતાના પગારમાંથી કપાતા પ્રોવિડન્ટ ફંડના ફાળા થકી થતી વ્યાજની વાર્ષિક આવક રૂ. 2.5 લાખથી વધી જાય તો તેના પર આવકવેરો લાગુ પડે છે.
નિવૃત્તિ ટાણે એનપીએસ-નેશનલ પેન્શન સ્કીમ હેઠળ નોકરિયાતને થતી પેન્શનની આવક વેરાને પાત્ર બનાવી દેવામાં આવી છે.
પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવાની મુકરર કરેલી શરત કરતાં વહેલા ઉપાડ કરવામાં આવે તેવા સંજોગોમાં પણ તે ઉપાડને વેરા પાત્ર બનાવી દેવામાં આવ્યો છે.
આમ લાંબા ગાળાની બચત પર પણ સરકારે એક કરતા વધુ વેરા લાદી દીધા છે. તેથી જ સિનિયર સિટીઝન્સને હવે લાગી રહ્યું છે કે સરકાર નિવૃત્તિ કાળને સલામત બનાવવા માટેની તેમની જીવનભરની કવાયતને સરકાર લક્ઝરી ગણીને તેના પર વેરો વસૂલી રહી છે. સિનિયર સિટીઝન્સનું કહેવું છે કે સરકારે નિવૃત્તિ કાળ માટેની જરૂરિયાતને અનિવાર્ય બચત ગણવી જોઈએ, લક્ઝરી નહિ.
સરકાર દ્વારા જુદાં જુદાં તબક્કે અને જુદી જુદી પરિસ્થિતિઓમાં વેરા લાદી દેવામાં આવી છે. તેમની વ્યાજની આવકની મર્યાદાથી વધારાની આવક થાય તો તેને વેરાપાત્ર ગણી લેવામાં આવે છે. ગમે ત્યારે વેરાનો બોજ ચાલુ થઈ જાય છે. તેમ જ નવી વેરા વ્યવસ્થાનું પાલન કરવું સિનિયર સિટીઝન્સ માટે કઠિન બની જાય છે.
મેડિક્લેઈમ પણ સિનિયર સિટીઝન્સ માટે મોટો ખર્ચબોજ
સામાન્ય વીમા કંપનીઓએ સિનિયર સિટીઝન્સના આરોગ્ય વીમાના પ્રીમિયમ પણ એટલા ઊંચા કરી દીધા છે કે સિનિયર સિટીઝન્સે આખી જિંદગી જમા કરાવેલા પ્રીમિયમ અને આરોગ્ય વીમાના ક્લેઈમ ન કર્યા હોય તો પણ એક જ માંદગીમાં આવે તો પણ તેમના પર પ્રીમિયમનો બોજ વધી જાય છે. તેમના જમા બોનસને ચાંઉ કરી જાય છે. મેડિક્લેઈમ મૂકનાર સિનિયર સિટીઝન્સે બીજા વર્ષે ઊંચું પ્રીમિયમ જમા કરાવવું પડે છે. મેડિક્લેઈમની રકમમાંથી પણ 30 ટકા રકમ કાપી લેવામાં આવતી હોવાથી સિનિયર સિટીઝન્સે તેમને પોતાની બચતના નાણાંમાંથી ખર્ચ કરવો પડી રહ્યો છે. તેથી તેમની બચત ઘટી જાય છે. સમગ્ર પરિવાર નાણાકીય બોજ તળે કચડાવા માંડે છે. કોર્પોરેટ હોસ્પિટલ્સની બિલિંગમાં ચાલતી લૂંટ સિનિયર સિટીઝન્સની એક લાંબી બીમારી આખા પરિવારને બિલો પોવર્ટી લાઈન હેઠળ ઘસડી જવા માટે પૂરતી છે.



