એલ્યુમિનિયમ ધાતુમાં 2022માં તેજી જોવા મળશે
- Team Vibrant Udyog
- Feb 14, 2022
- 6 min read
દેશમાં પ્રાઈમરી એલ્યુમિનિયમનું ઉત્પાદન 40 લાખ ટન, સ્ક્રેપનું રિસાઈકલિંગ 12.5 લાખ ટન
આ વર્ષે એલ્યુમિનિયમના ભાવમાં અફરાતફરી જોવા મળી શકે છે
રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષની સીધી અસર એલ્યુમિનિયમના ભાવ પર પડી શકે છે

ભારતમાં પ્રાઈમરી અને સેકન્ટરી એલ્યુમિનિયમનું અંદાજે 52.5 લાખ ટનનું ઉત્પાદન થાય છે. તેમાં વર્જિન-પ્રાઈમરી એલ્યુમિનિયમનું ઉત્પાદન 40 લાખ ટન થાય છે. જ્યારે એલ્યુમિનિયમના સ્ક્રેપને રિસાઈકલ કરીની તેમાંથી 12.5 લાખ ટન એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવામાં આવે છે. એલ્યુમિનિયમના ઉત્પાદનનું કુલ ટર્નઓવર ભારતમાં 1.15 લાખ કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે.
ત્રણ જ કંપની કરે છે એલ્યુમિનિયમનું ઉત્પાદનઃ
પ્રાઈમરી એલ્યુમિનિયમ બોક્સાઈટમાંથી બને છે. આ કામગીરી ત્રણ જ કંપનીઓ કરે છે. આ ત્રણ કંપનીઓમાં હિન્દાલકો, નાલકો અને વેદાન્તાનો સમાવેશ થાય છે. દેશના કુલ એલ્યુમિનિયમના ઉત્પાદનના 77 ટકા ઉત્પાદન આ કંપનીઓ કરે છે. જ્યારે એલ્યુમિનિયમ રિસાઈકલિંગ ઉત્પાદન સાથે સંકળાયેલા એકમોની સંખ્યા અંદાજે 5000થી વધુ છે. તેમાંથી અંદાજે 500 જેટલા મોટા પ્લેયર્સની કેટગરીમાં આવી શકે છે. આ 5000 પ્લાન્ટ થકી અંદાજે 1 લાખથી વધુ લોકોને સીધી રોજગારી મળે છે. આડકતરી રોજગારીનું પ્રમાણ અંદાજે 2.50 લાખ હોવાનો અંદાજ છે.
આ વર્ષે એલ્યુમિનિયમના ભાવ ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચી શકે છેઃ
પ્રાઈમરી એલ્યુમિનિયમનો વર્તમાન બજાર ભાવ 2.25 લાખ રૂપિયા ટનનો છે. જ્યારે રિસાઈકલ એલ્યુમિનિયમનો ભાવ ટનદીઠ રૂ. 2 લાખનો છે. પ્રાઈમરી એલ્યુમિનિયમનું ટર્નઓવર રૂ. 90000 કરોડનું છે. તેની સામે સ્ક્રેપને રિસાઈકલ કરીને તૈયાર કરવામાં આવતા એલ્યુમિનિયમનું ઉત્પાદન મૂલ્ય અંદાજે રૂ. 25000 કરોડનું છે. ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એક્ઝિમ એસોસિયેશનના માનદ સચિવ જયંત જૈનનું કહેવું છે, "2022ના વર્ષમાં એલ્યુમિનિયમની ડિમાન્ડ વધતા તેજી રહેવાની સંભાવના છે. તેના ભાવ વર્તમાન સપાટીથી ઊંચા જઈ શકે છે."
અત્યારે એટલે કે 27મી જાન્યુઆરીની આસપાસ બજારમાં પ્રાઈમરી એલ્યુમિનિયમના ટનદીઠ ભાવ રૂ. 2.25 લાખ અને સ્ક્રેપમાંથી તૈયાર કરેલા રિસાઈકલ એલ્યુમિનિયમના ટનદીઠ ભાવ રૂ. 2 લાખની આસપાસની રેન્જમાં છે. આ ભાવ હજીય ઉપર જઈ શકે છે. બે દાયકાથી મેટલ માર્કેટ સાથે સંકળાયેલા દિનેશ છાજેડનું કહેવું છેઃ “અત્યારે એલ્યુમિનિયમના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ છે. લંડન મેટલ એક્સચેન્જમાં ને એમસીએક્સ(કોમોડિટી એક્સચેન્જ ભારત)માં ભારતીય રૂપિયામાં પણ તેના ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે. ગયા વરસે કોવિડને કારણે તથા ચીનની ઊંચી માગને પરિણામે અન્ય દેશો દબાણમાં રહ્યા હતા. 2022નું વર્ષ એલ્યુમિનિયમના ભાવમાં અફરાંતફરી જોવા મળી શકે છે. વિશ્વભરમાં એલ્યુમિનિયમની ડિમાન્ડ વધવાની છે. પરંતુ અમેરિકાના બજારમાં લિક્વિડિટીની પોઝિશન ટાઈટ રહેવાને પરિણામે દરેક કોમોડિટીના ભાવ દબાણ હેઠળ રહેશે. ઉપરાંત યુક્રેનની સમસ્યાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેથી એલ્યુમિનિયમના ભાવની 2022 માટે આગાહી કરવી થોડી કઠિન બની રહી છે. તેમ છતાંય વિશ્વ બજારમાં એલ્યુમિનિયમના ભાવ આજ સુધી ન જોઈ હોય તેટલી ઊંચી સપાટીએ જઈ શકે છે.”
રશિયા-યુક્રેનનો સંઘર્ષ નિર્ણાયક ભૂમિકા ભજવશેઃ
એલ્યુમિનિયમના મોટા ઉત્પાદકોમાંના એક રશિયાએ યુક્રેન પર આક્રમણ કરવાનું વલણ અપનાવ્યું છે. તેથી રશિયા-યુક્રેનની બોર્ડર પર 10 દિવસથી તાણ વધી રહી છે. આ સંઘર્ષમાં અમેરિકા રશિયા સામે આર્થિક નાકાબંધીનું પગલું લે તો પણ એલ્યુમિનિયમના ભાવમાં ભડકો થઈ શકે છે.
ઈન્ડસ્ટ્રીઝમાં વધી રહ્યો છે એલ્યુમિનિયમનો વપરાશઃ
એલ્યુમિનિયમના ભાવ વધવાના બીજા પણ અનેક કારણો છે. એક, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી વાહનની એવરેજ વધે તે માટે વાહનનું વજન ઓછું કરવા એલ્યુમિનિયમ જેવી ઓછા વજનવાળી પણ મજબૂત ધાતુનો ઉપયોગ વધારી રહી છે. કાસ્ટ આયર્નનો ઉપયોગ ઘટશે. વાહનમાંનો તેનો ઉપયોગ વધતા તેની ડિમાન્ડ વધશે. ઇલેક્ટ્રિક વાહન તરફ દેશ અને દુનિયા આગળ વધી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોની બનાવટમાં પણ એલ્યુમિનિયમનો વપરાશ વધશે. હા, અમુક અંશે પ્લાસ્ટિકની બનાવટો પણ વાહનનું વજન ઓછું કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. વાહનનું વજન ઘટતા તેની એવરેજમાં સુધારો થશે. તેને પરિણામે ઇંધણનો વપરાશ ઘટશે. પરિણઆમે કાર્બન એમિશન-હવામાં કાર્બન ડાયોક્સાઈડ ભળતો ઓછો થશે.
ડિફેન્સમાં, વીજળીકરણમાં, એરોસ્પેસમાં, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સમાં અને પેકેજિંગમાં પણ એલ્યુમિનિયમનો વપરાશ ખાસ્સો વધારે થઈ રહ્યો છે.

સ્ક્રેપમાંથી બનેલા એલ્યુમિનિયમની ઊંચી ડિમાન્ડઃ
તેમાંય પ્રાઈમરી કરતાં સ્ક્રેપમાંથી બનેલા એલ્યુમિનિયમનો ફાળો મોટો રહેવાની સંભાવના છે. તેનાય કારણો છે. બોક્સાઈટમાંથી પ્રાઈમરી એટલે કે વર્જિન કે ફ્રેશ એલ્યુમિનિયમ બને છે. બોક્સાઈટમાંથી 1 ટન એલ્યુમિનિયમ બનાવવા માટે 14000 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. તેની સામે અન્માના જયંત જૈન કહે છે, "સ્ક્રેપને રિસાઈકલ કરીને 1 ટન એલ્યુમિનિયમ બનાવવા માટે માત્ર 500 યુનિટ વીજળીનો જ વપરાશ થાય છે. એલ્યુમિનિયમ બનાવવા માટે વીજળીનો ઊંચો વપરાશ તેમને પરવડે તેવો જ નથી, પરંતુ પ્રાઈમરી એલ્યુમિનિયમ ઉત્પાદકો કેપ્ટિવ પાવર પ્લાન્ટ (પોતાના માટે જોઈતી વીજળી પોતાના એકમમાં જ વીજળીનો પ્લાન્ટ નાખીને કરી લેતી હોવાથી) તેમને ઓછા દામની વીજળી મળે છે. તેથી બજારની સ્પર્ધામાં તેઓ ટકી રહ્યા છે." રિસાઈકલ સ્ક્રેપમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં વીજળી ઓછી વપરાય છે. પરંતુ તેનો ભંગાર-સ્ક્રિપ રૂ. 160ની આસપાસના ભાવે મળતો હોવાથી રિસાઈકલ એલ્યુમિનિયમનો ભાવ અને પ્રાઈમરી એલ્યુમિનિયમના ભાવમાં માંડ 10થી 12 ટકાનો જ તફાવત દેખાય છે. જોકે ભારતમાં બનતા રિસાઈલક એલ્યુમિનિયમ જેટલી કે તેનાથી વધુ પ્રાઈમરી એલ્યુમિનિયમની નિકાસ થઈ જાય છે. તેથી ભારતમાં 40 લાખ ટનની ડિમાન્ડ જેટલો જ સપ્લાય હોવાથી ડિમાન્ડ વધે તો ભાવ પણ વધી શકે છે. લંડન મેટલ એક્સચેન્જમાં એલ્યુમિનિયમના ભાવમાં જોવા મળતી વધઘટ પ્રમાણે જ એલ્યુમિનિયમના ભાવમાં વધઘટ આવે છે. તેથી તેની ડિમાન્ડ વધતા ભાવ વધે તેવી આશા છે.
આખા વિશ્વમાં રિસાઈકલ થયેલા એલ્યુમિનિયમની ધૂમ ડિમાન્ડઃ
આજે ભારતમાં જ નહિ, વિશ્વના બજારોમાં પણ સ્ક્રેપને રિસાઈકલ કરીને બનાવવામાં આવતા એલ્યુમિનિયમની ડિમાન્ડ છે. અમેરિકા, યુરોપિયન સંઘના દેશોમાં પણ ખાસ્સી છે.
એલ્યુમિનિયમના ભાવવધારાના મુખ્ય પરિબળોઃ
1. તમને કદાચ માન્યામાં નહિ આવે પરંતુ BMW અને મર્સિડીઝ જેવી કારના ઉત્પદકો પણ ક્વોલિટી કંટ્રોલ સાથે રિસાઈકલ એલ્યુમિનિયમમાંથી ભારતમાં તેના મોટરપાર્ટ્સ -પૂરજા બનાવડાવે છે. મહારાષ્ટ્રની એક કંપની આ કંપનીઓ માટે પાર્ટ્સ બનાવીને તેની નિકાસ કરે છે.
2. એલ્યુનિમિયમમાંથી બનતી આઈટેમ્સના કુલ ઉત્પાદનના 10 ટકા મોટરકારના પૂરજા બનાવવા માટે વપરાઈ જાય છે.
3. ઓટોમોબાઈલ ઉપરાંત સોલાર પેનલ બનાવવામાં પણ એલ્યુમિનિયમનો ઉપોયગ 30થી 35 ટકાનો છે. અત્યારે આપણો દેશ 2030 સુધીમાં મહત્તમ સોલાર પાવર એટલે કે 175 ગીગાવોટ 1.75 લાખ મેગાવોટ વીજળી પેદા કરવાનું લક્ષ્યાંક રાખીને બેઠો છે. તેમાં સૌથી વધુ ફાળો સોલાર પાવરથી આવે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. તેમાં પણ એલ્યુમિનિયમનો વપરાશ વધી જવાની શક્યતા રહેલી છે. ગ્રીન એનર્જી માટેની દોટ એલ્યુમિનિયમના ભાવને તેજીની સપાટીએ મૂકી દેશે.
4., સરકાર રેલવે ટ્રેઈન્સને પણ લાઈટ વેઈટ બનાવવાની કોશિશ કરી રહી છે. રેલવે આધુનિક ટ્રેન માટે લાઈટ વેઈટ કોચ તૈયાર કરી રહી છે. તેમાં સ્ટીલને બદલે એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકનો વપરાશ વધારી રહી છે. આ કારણે પણ એલ્યુમિનિયમની ડિમાન્ડ વધી રહી છે.
5. એલ્યુમિનિયમમાંથી ડાઈ કાસ્ટિંગ બનાવવાનું વલણ વધ્યું છે. ભારતમાં સારી ડાઈ કાસ્ટિંગ બને છે. આ ડાઈકાસ્ટિંગની ભારતમાંથી અમેરિકા અને યુરોપના દેશોમાં નિકાસ થાય છે. પહેલા ચીન પર આ માટે મદાર બાંધવામાં આવતો હતો. હવે કોરોના ફેલાવવા માટે ચીન જવાબદાર હોવાનું માનતા અમેરિકાના ડાઇકાસ્ટ બનાવનારાઓ ભારત પર વધુ મદાર બાંધતા થઈ ગયા છે. આમ ડાઈકાસ્ટના એક્સપોર્ટનો વધી રહેલો બિઝનેસ પણ એલ્યુમિનિયમની ડિમાન્ડમાં વધારો કરશે.

એલ્યુમિનિયમ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી વધારવા માંગ
કોરોનાના આગમન પછી એલ્યુમિનિયમની વૈશ્વિક ડિમાન્ડ પર મોટી અસર થઈ હતી. તેથી તેના ભાવ છેલ્લા દોઢેક વર્ષમાં ઘટી ગયા પછી તેમાં તેજીની ચાલ જોવા મળી છે. હવે દેશ અને વિદેશમાં તેની ડિમાન્ડ વધી રહી છે. પ્રાઈમરી એલ્યુમિનિયમના ભારતીય ઉત્પાદકોએ એટલે કે વેદાન્તા, હિન્દાલકો અને નાલકોએ દેશમાં આયાત કરવામાં આવતા એલ્યુમિનયમ અને તેના ઉત્પાદકો પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાં વધારો કરવાની માગણી કરી છે. એલ્યુમિનિયમના સ્થાનિક ઉત્પાદકોનો માર્કેટ હિસ્સો ઘટી રહ્યો છે. એલ્યુમિનિયમની અને તેની ઉપજોની આયાત વધી રહી છે. કાચા માલના ભાવ વધી રહ્યા છે. દરિયાઈ માર્ગે માલની હેરફેર કરવા માટેના નૂરદર-ફ્રેઈટમાં વધારો થઈ રહ્યો છે. તેમ જ કોલસાના વધી રહેલા ભાવ અને અછતને પરિણામે એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝના ગણિતો બદલાઈ રહ્યા છે. તેથી પ્રાઈમરી એલ્યુમિનિયમના ઉત્પાદકોએ રિસાઈકલ કરવા માટેના સ્ક્રેપની આયાતને મોંઘી કરવાની માગણી કરી છે. તેના પર ઇમ્પોર્ટ ડ્યૂટી લગાડવાની માગણી કરી છે.
જોકે એન્માના જયંત જૈન કહે છે કે, "જાપાન સહિતના વિશ્વના ઘણાં દેશો એલ્યુમિનિયમ સ્ક્રેપને રિસાઈકલ કરીને તેમાંથી બનતા એલ્યુમિનિયમ પર જ વધુને વધુ મદાર બાંધતા થયા છે. આ સ્થિતિમાં એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત પરની ડ્યૂટીમાં વધારો કરવાનો નિર્ણય ઉચિત જણાતો નથી." તેમ છતાંય જો મોટા ત્રણ પ્લેયર્સને સાચવવા માટે સરકાર આ પ્રકારનો નિર્ણય લેશે તો તેને કારણે સ્ક્રેપમાંથી એલ્યુમિનિયમ બનાવનારાઓ પર અવળી અસર પડી શકે છે. અલબત્ત ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની મોટા પ્લેયર્સની માગણી પાછળનો હેતુ તેમના પ્રાઈમરી એલ્યુમિનિયમને માટે વધુ મોટું બજાર મળી રહે તેવી હોવાનું જણાય છે. પરંતુ સરકાર પર્યાવરણને વધુ બગડતુ અટકાવવા મક્કમ છે. તેથી સરકાર સ્ક્રેપને રિસાઈકલ કરવાના ઉદ્યોગ પર અવળી અસર પડે તેવા પ્રયાસો કરે તેમ લાગતું નથી.
વેરાના બોજ તળે કચડાઈ રહી છે એલ્યુમિનિયમ ઈન્ડસ્ટ્રીઃ
એલ્યુમિનિયમનો ઉત્પાદન ખર્ચ પણ કાચા માલના વધી રહેલા ભાવને કારણે ઊંચે જઈ રહ્યો છે. સીપી કોક, એલ્યુમિના, કોસ્ટિક સોડા અને એલ્યુનિનિયમ ફ્લુરાઈડ જેવા કાચા માલ પરના જીએસટી સહિતના વેરા ઊંચા છે. કાચા માલ પરના વેરા ઊંચા છે અને તૈયાર માલ પરના વેરા નીચા છે. તેથી આ બિઝનેસ પણ ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટક્ચર પ્રેરિત સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેથી તેમના ટેક્સ ક્રેડિટ સરકારની તિજોરીમાં જમા પડી રહે છે અને તેમણે નવી મૂડી લગાવવી પડે છે. બીજીતરફ કોલસા પરની સેસ, ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી, પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને કારણે ઊંચે ગયેલી ટ્રાન્સપોર્ટ કોસ્ટ પણ તેમના ઉત્પાદન ખર્ચને ઊંચે લઈ જઈ રહી છે. એલ્યુમિનિયમ પરના કેન્દ્ર અને રાજ્યના મળીને કુલ 15 ટકાનો ટેક્સનો બોજો આવી રહ્યો છે. તેથી સ્થાનિક ઉદ્યોગને ગેરલાભ થઈ રહ્યો છે. વિશ્વના બજારમાં હરીફાઈ કરવી તેમને માટે કઠિન પડી રહી છે. વિશ્વના બીજા દેશોમાં સ્થાનિક ઉત્પાદકોને ટેક્સમાં રાહત આપીને એલ્યુમિનિયમના ઉત્પાદકોને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિશ્વના અન્ય દેશોમાં એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ પણ સારા આપવામાં આવી રહ્યા છે. ભારત પાસે બોક્સાઈટનો વિશ્વનો પાંચમા ક્રમનો સૌથી મોટો જથ્થો અને કોલસાનો અનામત જથ્થો પણ મોટો હોવા છતાંય વિશ્વ બજારમાં સ્પર્ધા કરવામાં ભારતના ત્રણ મોટા ઉત્પાદકોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેથી જ કોલસા પરના સેસને સમતોલ કરવાની માગણી પણ કરવામાં આવી રહી છે. આજે કોલસા પર મેટ્રિકટન દીઠ રૂ. 400નો સેસ લેવામાં આવે છે. પ્રાઈમરી એલ્યુમિનિયમના ઉત્પાદનમાં એક ટને 14000 યુનિટ વીજળીને વપરાશ થતો હોવાથી તેની અસર તેના ભાવ પર મોટી આવે છે. પહેલા મેટ્રિકટને રૂ. 50ની સેસ હતી તે વધતી વધતી રૂ. 400 સુધી પહોંચી ગઈ છે. તેનાથી એલ્યુમિનિયમનો ઉત્પાદન ખર્ચ ટનદીઠ 64 ડૉલર જેટલો વધી જાય છે. જીએસટી કોમ્પેન્સેશન સેસ પહેલા પાંચ વર્ષ માટે જ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તે નીકળી જશે કે કેમ તે અંગે આશંકા છે. નિયમ મુજબ પહેલી જુલાઈ 2022થી આ સેસ નીકળી જ જવો જોઈએ.
Commentaires