top of page

સમગ્ર દેશને સોલાર પાવરથી ઝગમગાવશે અંબાણી અને અદાણી

  • Team Vibrant Udyog
  • Jan 7, 2022
  • 9 min read

સોલાર પાવરના ઉત્પાદનના ક્ષેત્રમાં દેશના બે મહારથીઓ જંપલાવી રહ્યા છે. આ બે મોટા ઉદ્યોગપતિઓમાં સમાવેશ થાય છે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો. સમગ્ર ભારત દેશને 2030 સુધીમાં સ્વચ્છ ઉર્જા પૂરી પાડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાંને સાકાર કરવા માટે બંને મહારથીઓએ બાથ ભીડી છે. ભારતના 10થી વધુ શહેરો ભયંકર પ્રદુષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હવામાં ભળતા કાર્બનડાયોક્સાઈડમાં-કાર્બનફૂટપ્રિન્ટમાં 2030 સુધીમાં 33 ટકાનો ઘટાડો કરી દેવા ભારત સરકાર વચનબદ્ધ છે. આ વચનને સાકાર કરવા ગ્રીન એનર્જી એક સરળ અને પ્રદુષણ મુક્ત વિકલ્પ છે. સૌર ઉર્જા અને પવન ઉર્જાથી વીજળી પેદા કરવાનો વિકલ્પ હવે વિશ્વના ઘણાં દેશો અપનાવી રહ્યા છે.


સોલાર ક્ષેત્રે મુકેશ અંબાણીનું રૂ. 75,000 કરોડનું રોકાણઃ


મુકેશ અંબાણીએ સોલાર પાવરમાં રૂ. 60,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ કરીને મુકેશ અંબાણી સોલાર ફોટો વોલ્ટેઇક મોડ્યુલ્સ, અત્યાધુનિક એનર્જી સ્ટોરેજ બેટરી, ઇલેક્ટ્રોલાઈઝર(પાણીના હાઈડ્રોજન અને ઓક્સિજનને વિભાજિત કરતી સિસ્ટમ) અને ફ્યુઅલ સેલ(હાઈડ્રોજનની કેમિકલ એનર્જીનો ઉપયોગ કરવામાં મદદ કરતું ઉપરકણ)નું ઉત્પાદન કરવાના ક્ષેત્રમાં સક્રિય થશે. આ ફ્યુઅલ સેલ વીજ ઉત્પાદનની પ્રક્રિયાને સરળ બનાવે છે. તેની મદદથી સૌર ઉર્જામાંથી કે પવન ઉર્જામાંથી વીજળી પેદા કરીને પર્યાવરણને પ્રદુષણ મુક્ત બનાવવાની દિશામાં મોટો ફાળો આપવાના છે. સોલાર પાવરના સેક્ટરમાં તેમના સાહસને સફળ બનાવવા માટે જોઈતી ભવિષ્યની ટેક્નોલોજી મેળવવા માટે, વેલ્યુ ચેઈન ઊભી કરવા માટે અને સારા ભાગીદાર શોધવા માટે બીજા રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે. આમ કુલ મળીને સોલાર પાવરના સેક્ટરમાં તે રૂ. 75000 કરોડનું રોકાણ કરશે. આગામી ત્રણ વર્ષમાં આ રોકાણ કરવાની તેમની ગણતરી છે. 2030ની સાલ સુધીમાં ઓછામાં ઓછી 100 ગીગાવોટ વીજળી પેદા કરી આપવાની વ્યવસ્થા ઊભી કરી દેવા મુકેશ અંબાણી મક્કમ છે. ડૉલરના મૂલ્યમાં જોવા જઈએ તો અંબાણીનું રોકાણ 10 અબજ ડૉલરનું થવા જાય છે.


ગૌતમ અદાણીની મહત્વકાંક્ષી જાહેરાતઃ


તેની સામે બિઝનેસની આ તકને જતી કરવા અદાણી ગ્રુપના સીઈઓ ગૌતમ અદાણી પણ તૈયાર નથી. તેમણે સોલાર પાવર જનરેટ કરવાના ક્ષેત્રમાં 20 અબજ ડૉલર એટલે કે રૂ. 1.5 લાખ કરોડનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી જાહેરાત કરી દીધી છે. આગામી દસ વર્ષમાં તેઓ સોલાર પાવર અને વિન્ડ પાવર (પવન ઉર્જાથી વીજળી પેદા કરવાના ક્ષેત્રમાં) આ રોકાણ કરવાના છે. તેમાંથી થોડું રોકાણ હાઈડ્રોજન પાવર પેદા કરવા તરફ પણ વાળવામાં આવશે.



પાવર સ્ટોરેજ પર રિલાયન્સનું ફોકસઃ


મુકેશ અંબાણી સોલાર પાવર ન વપરાય તો વેડફાઈ જાય તેવી સ્થિતિનો અંત લાવવા માગે છે. તેથી જ તેમણે પાવર સ્ટોરેજની દિશામાં ડગ માંડ્યું છે. આ માટે તેઓ ચાર ગીગા ફેક્ટરીઓમાં રોકાણ કરવાના છે. આ ફેક્ટરીઓમાં સ્ટોરેજ માટેની બેટરીઓ બનાવશે. તેમ જ ગ્રીન હાઈડ્રોજનનું પણ ઉત્પાદન કરશે. ગ્રીન હાઈડ્રોજન વીજળીના ઉત્પાદનની પ્રક્રિયા સરળ બનાવી દે છે. અત્યારે તેના એક કિલોનો ભાવ પાંચથી સાત ડૉલરની આસપાસનો છે. મુકેશ અંબાણી તેનો ભાવ ઘટાડીને કિલોદીઠ 1 ડૉલર સુધી લાવી દેવાની વેતરણમાં છે. જિઓ મોબાઈલ સર્વિસની માફક આ સેક્ટરમાં પણ મોટી ક્રાંતિ લાવવાની તેમની નેમ છે. ફ્યુઅલ સેલની ફેક્ટરી પણ ઊભી કરશે. બાકીના બે અબજ ડૉલરનો ઉપયોગ તે સોલાર પાવરના સેગમેન્ટની નવી ટેક્નોલોજી મેળવવા માટે, તેને માટે ભાગીદારી કરવા માટે કરશે. આ સાથે જ રિલાયન્સ સંપૂર્ણપણે નવા બિઝનેસ એટલે કે ઓઈલ તરફથી કેમિકલ તરફ ડાયવર્ટ થઈ રહ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.


સૌથી વધુ ગ્રીન એનર્જી પેદા કરતી કંપની બનવાનું અદાણીનું લક્ષ્યઃ


ગૌતમ અદાણીએ આગામી દસ વર્ષમાં દોઢ લાખ કરોડનું રોકાણ ઉર્જા ક્ષેત્રમાં કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ સોલાર પાવર પેદા કરવા પર અને તેના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની દિશામાં વધુ મજબૂતીથી આગળ વધવાનો ઇરાદો ધરાવી રહ્યા હોવાનું જણાય છે. તેની સાથે જ સોલાર પાવરના સાથે સંકળાયેલા પૂરજાઓ પણ બનાવવાની તેમની નેમ છે. તેઓ તેમના અત્યારના સક્રિય પ્રોજેક્ટ સહિત 25 ગીગાવૉટ વીજળીનો પોર્ટફોલિયો ઊભો કરવાનું લક્ષ્યાંક ધરાવી રહ્યા છે. ભારતની વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં લઈને તેમણે ગ્રીન બિઝનેસ પર વધુ ફોકસ કર્યું છે. ઓછું પ્રદુષણ ફેલાવતા સીએનજીના બિઝનેસ ઉપરાંત સોલાર પાવર પ્રોડક્શનના ક્ષેત્રમાં સિંહછલાંગ લગાવી છે. 2030ની સાલ સુધીમાં વિશ્વની સૌથી વધુ ગ્રીન એનર્જી પેદા કરતી કંપની તરીકેની સ્થાન અંકે કરી લેવાનું તેમનું સપનું છે. અત્યારે પણ અદાણી ગ્રુપને વેરા પૂર્વે થતાં નફાની 43 ટકા આવક ગ્રીન બિઝનેસ થકી જ થાય છે.



ગ્રીન ટેક્નોલોજી પાછળ ખર્ચ વધારશે અદાણીઃ


ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન એનર્જીના સેક્ટરની સૌથી વધુ સક્રિય કંપની છે. કંપની સોલાર પાવરની ગ્રીડ બનાવવાનું અને સોલાર પાવર પેદા કરીને તે વિતરણ કરવાનું પણ કામ કરે છે. સોલાર અને વિન્ડ પાવરના હાઈબ્રિડ પાર્ક પણ તે ધરાવે છે. તે અત્યારે અંદાજે 5.5 ગીગાવૉટ વીજળી સોલાર ને વિન્ડ પાવરથી પેદા કરે છે. હજી વધુ 19.8 ગીગા વોટ વીજળી રિન્યુએબલ એનર્જીના માધ્યમથી પેદા કરવાનું તેનું લક્ષ્યાંક છે. ગુજરાતમાં મુન્દ્રા ખાતે અદાણીએ પાંચ વર્ષ પહેલા સોલાર પાર્ક કર્યો છે. વીજળી વિના અંધારામાં અટવાતા લાખો લોકોના ચહેરા પર પ્રકાશ મળ્યાના આનંદથી સ્મિતને લહેરાતું કરવાની તેની નેમ છે. તામિલનાડુમાં પણ રામનાથપુરમમાં કામુથી પાસે પાંચ વર્ષ પહેલા તેણે સોલાર પાવર પ્લાન્ટ નાખ્યો હતો. તેમાં એક જ સ્થળેથી 648 મેગાવોટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. આ માટે અદાણીએ રૂ. 4550 કરોડનું રોકાણ કર્યું છે. આઠ મહિનાના ટૂંકા ગાળામાં આ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. 2022ની સાલ સુધીમાં સોલાર પાવરથી 175 ગીગાવોટ વીજળી પેદા કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનું છે. આ સપનાંને સાકાર કરવા માટે ગુજરાત સરકારે 30 ગીગાવોટ વીજળી પેદા કરવાનું બીડું ઝડપ્યું છે. ગૌતમ અદાણીનું કહેવું છે, “2030ની સાલ સુધીમાં તેમને કંપનીને વિશ્વમાં સૌથી વધુ સોલાર પાવર પેદા કરતી કંપનીની કક્ષામાં મૂકી દેવી છે. 2025ની સાલ સુધી અદાણી ગ્રુપ તેના કુલ ખર્ચમાંથી 75 ટકા ખર્ચ ગ્રીન ટેક્નોલોજી પાછળ કરવા માગે છે.”


ગ્રીન એનર્જી માટે નિર્ણાયક સમયઃ


મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી મળીને રૂ. 2.25 લાખ કરોડનું સોલાર પાવર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. મુકેશ અંબાણીના આયોજનનો વિચાર કરવામાં આવે તો તેઓ ખાસ કરીને સોલાર પાવર સેક્ટર માટેની મહત્વના ઉપકરણોનો પુરવઠો આપવાનું આયોજન કરવામાં છે. બીજીતરફ અદાણી સોલાર પાવર પ્રોડક્શનના સેક્ટરમાં છે જ છે. વીજ ટ્રાન્સમિશન અને વિતરણના ક્ષેત્રમાં પણ તેણે ખાસ્સી મજલ કાપી લીધી છે. 2030 સુધીમાં કુલ 25 ગીગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવાનું તેનું લક્ષ્યાંક કછે. જોકે ભારત સરકારે 2030 સુધીમાં સોલાર અને વિન્ડના માધ્યમથી 500 ગીગાવોટ વીજળી પેદા કરવાની જાહેરાત કરી દીધી છે. નવેમ્બર 2021માં યુનાઈટેડ નેશન્સની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ-સીઓપી 2માં કરેલી જાહેરાતને જોતાં આ ક્ષેત્રમાં ભારતમાંથી કુલ મૂડી રોકાણ રૂ.18 લાખ કરોડને આંબી જવાનું છે. આગામી વીસ વર્ષમાં ભારતમાં 750 ગીગાવોટ વીજળી રિન્યુએબલ સોર્સના માધ્યમથી એટલે કે કોલસા જેવા ફોસિલ્સ ફ્યુઅલનો વપરાશ કર્યા વિના જ થશે.


રિલાયન્સે ત્રણ કંપનીઓ સાથે સોદા કરી વ્યૂહાત્મક એન્ટ્રી લીધીઃ


બિઝનેસ ટુડેમાં છપાયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ સોલાર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતના અનુસંધાનમાં જ ઓક્ટોબર 2021માં રિલાયન્સે 1.2 અબજ ડૉલરનો ખર્ચ કરીને અમેરિકા અને નોર્વેના એમ્બરી અને આરઈસી ગ્રુપ સાથે મેન્યુફેક્ચરિંગ માટે સોદા કર્યા હતા. તેમ જ ભારતના સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર સાથે પણ સોદો કર્યો હતો. સ્ટર્લિગ એન્ડ વિલ્સન સોલાર એ શાપુરજી પાલોનજી ગ્રુપની કંપની છે. શાપુરજી પાલોનજી ગ્રુપ તેને વેચી દેવા ઉત્સુક હતું. આ ત્રણેય સાથે સોદા કરીને રિલાયન્સે સોલાર પાવરના સેગમેન્ટમાં વ્યૂહાત્મક એન્ટ્રી લીધી છે. રિલાયન્સે એમ્બરી ઇન્કોર્પોરેશનમાં 14.20 કરોડ ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. લાંબા ગાળા માટે બેટરીમાં પાવર સ્ટોરેજ કરી શકાય તે માટે એમ્બરી ઇન્કોર્પોરેશન લિથિયમ આયન સિવાયનો બેટરી માટેનો વિકલ્પ શોધી રહ્યું છે. તેમ જ સોલાર મોડ્યુલ્સ, સોલાર વેપર્સ અને હાઈડ્રોજનલ ઇલેક્ટ્રોલાઈઝર્સના મેન્યુફેક્ચરિંગમાં તે આવી શકે તે માટે રિલાયન્સે મહત્વનું પગલું લઈને ભારત અને વિશ્વના બજારમાં સોલાર પાવર યુનિટ્સના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના સેક્ટરમાં મહત્વનું સ્થાન અપાવ્યું છે. જોકે કેટલાક તેને રિલાયન્સ દ્વારા લેવાયેલા જોખમી પગલાં તરીકે પણ ઓળખાવે છે. અલબત્ત અન્ય નિષ્ણાતો માને છે કે રિલાયન્સ મેન્યુફેક્ચરિંગમાં પડ્યું હોવાથી આ બિઝનેસના ગણિતો ઝડપથી બદલાઈ જશે. આ ક્ષેત્રમાં અત્યારે ઘણાં નાના નાના મેન્યુફેક્ચરર્સ છે. 2024ની સાલથી રિલાયન્સ 20 ગીગાવોટ માટેના ઉપકરણો બજારમાં મૂકતું થઈ જશે. દસ વર્ષના ગાળામાં તે 120 ગીગાવોટના સ્કેલને આંબી જાય તેવી શક્યતા રહેલી છે. લાર્જસ્કેલ પ્રોડક્શનને કારણે હરીફ કરતાં ઓછા ભાવે સોલાર પાવર સોલ્યુશન્સ રિલાયન્સ પૂરું પાડી શકશે. વિશ્વના સોલાર એનર્જી માર્કેટમાં પણ રિલાયન્સ એક નોંધપાત્ર કે અગ્રણી ખેલાડી તરીકે ઊભરી આવશે. રિલાયન્સે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના ઉપકરણો પર પણ ફોકસ કરવું પડશે.



સોલાર ક્ષેત્રે સુપર પાવર બનવા અદાણીની સ્ટ્રેટજીઃ


બીજીતરફ અદાણી ગ્રુપ અત્યારે 5.4 ગીગાવોટ વીજળી પેદા કરતું થઈ ગયું છે. બીજી 13.4 ગીગાવોટ વીજળીના ઉત્પાદનની દિશામાં સક્રિય છે. આમ તેનું કુલ ઉત્પાદન 20 ગીગાવોટની નજીક પહોંચી જશે. અદાણી એન્ટરપ્રાઈસમાંથી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ નામની અલગ કંપની જૂન 2018ના અરસામાં ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ સોફ્ટ બેન્ક ગ્રુપ અને ભારતી એન્ટરપ્રાઈસ પાસેથી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 350 કરોડ ડૉલરનો સોદો કરીને બીજી 4.18 ગીગાવોટ સોલાર પાવર પ્રોડક્શનની કેપેસિટીમાં વધારો કર્યો હતો. તેની મદદથી 450 મેગાવોટ સોલાર અને 324 મેગાવોટ વિન્ડ પાવર જનરેટ કરશે. તેથી રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં પાવર પેદા કરવાની અદાણી ગ્રીનની ક્ષમતા 24 ગીગાવૉટથી વધી ગઈ છે. તેવી જ રીતે આઈનોક્સ પાસેથી 150 મેગાવૉટ અને એસેલ ગ્રીન એનર્જી પાસેથી 40 મેગાવોટ વીજળી પેદા કરવાની સુવિધા પણ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે હસ્તગત કરી લીધી છે. આ માટે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 2.5 અબજ ડૉલરનું ભંડોળ એકત્રિત કર્યું છે. તેને માટે એનર્જીના ક્ષેત્રની ફ્રાન્સની મોટી કંપનીને ટોટલને 20 ટકા હોલ્ડિંગ આપ્યું છે. ફ્રાન્સની કંપની ટોટલે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની 50 ટકા સોલાર એસેટ્સ મેળવી છે. તદુપરાંત 75 કરોડ ડૉલર ગ્રીન બોન્ડના વેચાણ થકી એકત્રિત કરવામાં આવ્યા છે. અદાણી ગ્રીનનના કન્સ્ટ્રક્શન હેઠળના પ્રોજેક્ટ માટે આ નાણાં એકત્રિત કરવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષમા સોલાર અને વિન્ડ પાવરના ક્ષેત્રમાં ખાસ્સી પ્રગતિ થવાની છે. બેટરી સ્ટોરેજના ક્ષેત્રે પણ સારી કામગીરી થવાની છે. ચાર વર્ષમાં સોલાર પાવર જનરેશનમાં ત્રણ ગણો વધારો પણ થવાનો છે. અદાણી ગ્રીન એનર્જી સોલાર પાવરની પેનલથી માંડીને તેના ઉપકરણ સહિતની વસ્તુઓના ઉત્પાદન પર પણ ફોકસ કરીને આગળ વધી રહ્યું છે. આ માટે જરૂર પડ્યે નવી કંપનીઓ સાથે ટાઈ અપ પણ કરશે. જોકે સરકારની વીજ વિતરણ કંપનીઓ સાથે જોડાણ કરવું અત્યાર સુધીની સ્થિતિને જોતાં જોખમી જણાય છે.



સોલાર ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્થાનિક પ્લેયર્સ માટે બિઝનેસની તગડી તકઃ


રિલાયન્સ ઇક્વિપમેન્ટ સપ્લાય પર જ વધુ ફોકસ કરશે. આ બિઝનેસ પર સરકારનું નિયંત્રણ વધુ હોવાથી રિલાયન્સ તેના ઉત્પાદન પર બહુ ફોકસ કરવા માગતું નથી. તેને બદલે તે વિશ્વ બજારમાં સોલાર પાવર માટે જોઈતા ઉપકરણોના સપ્લાયના બિઝનેસ પર ફોકસ કરવા માગે છે. જોકે અદાણી સોલાર પાવર પ્રોડક્શન ઉપરાંત તેની ગ્રુપ કંપનીઓના માધ્યમથી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનું પણ કામ કરે જ છે. આગામી અઠવાડિયાઓમાં અદાણી એનર્જી મધ્ય પ્રદેશમાં એસ્સારે લગાવેલા 1200 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટને પણ હસ્તગત કરે તેવી શક્યતા રહેલી છે. ફોટોવોલ્ટેઇક મોડ્યુલ્સ બનાવવામાં ભારત સામે મોટામાં મોટી હરીફાઈ ચીન તરફથી આવી શકે તેમ છે. ચીન ફોટોવોલ્ટેઈક મોડ્યુલ્સ જ નહિ, પરંતુ વેફર્સ, સેલ્સ અને પોલિસિલિકોનના ઉત્પાદનમાં પણ મજબૂત હરીફાઈ કરે તેમ છે. જોકે ભારતમં આ તમામ વસ્તુઓની વધી રહેલી ડિમાન્ડની તુલનાએ તેનો સપ્લાય બહુ જ ઓછો છે. તેથી અવકાશ પૂરો છે. તેને પરિણામે ભારતે આયાત પર નિર્ભર રહેવું પડે નહિ. ભારત પાસે ફોટોવોલ્ટેઈક મોડ્યુલ્સ, સેલ્સ, વેફર્સ અને પોલિસિલિકોનની સ્થાનિક ડિમાન્ડની સામે 35 ટકા જ સપ્લાય છે. સોલાર માટેના ઉપકરણો મેન્યુફેક્ચરિંગની ક્ષમતામાં વધારો કરવો ભારત માટે જરૂરી છે. ભારતમાં પીવી મોડ્યુલ્સ, સેલ્સ, વેફર્સ અને પોલિસિલિકોનની આયાત ઓછી થાય તે માટે ભારત સરકારે તેના પર 25 ટકા ડ્યૂટી લગાડી દીધી છે. એપ્રિલ 2022થી આ ડ્યૂટી લાગુ પડશે. સારી કાર્યક્ષમતાવાળા સોલાર મોડ્યુલ્સ બનાવવા માટે રૂ. 4500 કરોડની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ પણ ભારત સરકારે જાહેર કરેલી છે. આ સ્કીમ સ્થાનિક ઉત્પાદકો માટે પ્રોત્સાહન આપનારી સાબિત થશે.


સપ્લાય ચેઈન ડેવલપ કરે તો ઇન્ડસ્ટ્રીને લાભ થાયઃ કલ્પેશ કલથિયા



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન અને સોલાર પાવરના સેક્ટરમાં બે મહારથીઓનું મોટું રોકાણ આવી રહ્યું છે તે જોતાં ભારતના સોલર સેક્ટરનું ભાવિ ઉજ્જ્વળ જણાય છે. સોલાર પાવર સેક્ટરના અગ્રણી ખેલાડીઓમાંના એક કલ્પેશ કલથિયા કહે છે, "તેઓ સપ્લાય ચેઈનમાં આવે તો તેનો મોટો લાભ મળી શકે છે. તેઓ સપ્લાય ચેઈન ડેવલપ કરવામાં મદદ કરે તો ઇન્ડસ્ટ્રીને લાભ મળી શકે છે. તેઓ રો મટિરિયલ ઇમ્પોર્ટ કરવું પડે તેમાં આવે તો તે લાભદાયી બની શકે છે. બેકશિટ, ઇવીએ, જંક્શનબોક્સ, એલ્યુમિનિયમ ફ્રેમ, ગ્લાસમાં મોટું રોકાણ આવે તો ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો મળી શકે છે. તેમાં બીજા સપ્લાયર આવી શકે છે. તેનાથી આખી ઇન્ડસ્ટ્રીને લાભ થઈ શકે. સોલાર પેનલ બનાવવાનું રૉ મટિરિયલ માટે ચીન પણ ઓછો મદાર બાંધવો પડી શકે છે. અહીં તેનું ઉત્પાદન થતું હોય તો ચીન પરની ડિપેન્ડન્સી ઘટી શકે છે. તેમનું કહેવું છે કે સોલાર પ્લાન્ટ બનાવવાની ફેક્ટરી નાખવી હોય તો સસ્તા કે મોંઘી મળે તે તો પછીની વાત છે, પરંતુ ચીનથી લાવવા માટે લોજિસ્ટિકના પ્રોબ્લેમ હળવા થઈ શકે છે. શિપિંગ કંપનીઓની મનમાનીને કારણે પડતી અગવડો દૂર થઈ શકશે. સોલાર ફ્યુઅલ સેલ-સોલાર સેલ બનાવવા માટે તેઓ આગળ આવે તો ચીન પર ઓછો મદાર બાંધવો પડે છે. સોલાર પેનલ માટેના ગ્લાસ બનાવવાની ફેક્ટરી નાખવાની હોય તો તે માલ આસાનીથી મળી શકશે. શિપિંગ કંપનીઓ દ્વારા કન્ટેઈનર્સ માટે લેવામાં આવતા ભાડાં ઉપરાંતના ચાર્જને કારણે ખોરવાતા ગણિતો ખોરવાતા અટકી શકે છે. તેમ જ ચીન પર વધુ મદાર બાંધવા ન પડે તેવી પણ શક્યતા છે."



ભારતમાં ઉત્પાદન થશે તો આફ્ટર સેલ્સ સર્વિસ સરળતાથી મળી જશેઃ પાર્થ દવે



ગુજરાત સરકાર સાથે 2500 મેગાવોટ સોલાર પાવર જનરેટ કરવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરનાર ગુજરાતના 3968 સાહસિકોમાંના એક પાર્થ દવેનું કહેવું છે કે અત્યારે સોલાર સેલ્સ માટે ભારત સો ટકા ચીન પર નિર્ભર છે. સોલાર એનર્જીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવાનું કામ આ સેલ થકી થાય છે. પેનલ તો ભારતમાં બને છે. ભારતમાં પેનલની બાબતમાં ચીન પર 40થી 50 ટકા નિર્ભર છીએ. ઇન્વર્ટર માટે પણ ચીન પર જ ભારત મદાર બાંધે છે. સોલાર સેલમાં સૌર ઉર્જા ગ્રહણ થાય અને તેનું વીજળીમાં રૂપાંતર કરીને વીજળીને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તરફ ધકેલવાની કામગીરી કરતાં ઇન્વર્ટર પણ ચીન પાસેથી જ મેળવવામાં આવે છે. વીજળીને વિતરણ નેટવર્કમાં મોકલી આપવાની કામગીરી ઇન્વર્ટર કરે છે. સોલાર સેલના ભાવમાં ખાસ્સું ફ્લક્ચ્યુએશન આવે છે. તેના ભાવમાં 30થી 40 ટકાની વધઘટ આવે છે. સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન આવે તો ચીનમાં બનતા ઉત્પાદનોના ભાવમાં જે રીતે વધઘટ આવે છે તેટલી વધઘટ ન આવે તેવી સંભાવના છે. ભારતમાં અદાણી અને અંબાણી પણ સોલાર સેલ બનાવશે તો તેમણે તેનું રૉ મટિરિયલ બહારથી જ મેળવવું પડશે. તેથી તેઓ ભાવને કેટલા નિયંત્રણમાં રાખી શકશે તે એક મોટો સવાલ છે. સોલાર પાવર પેદા કરવા માટેની 80 ટકા આઈટેમ્સ ભારતની બહારથી લાવવામાં આવે છે. આ બધી જ તેઓ અહીં બનાવે તો કદાચ વિદેશની નિર્ભરતા ઓછી થઈ શકે, પરંતુ તેમના ભાવ કેટલા આવે છે તેના પર નિર્ભર છે. હા, સ્થાનિક કંપનીઓ હોવાને કારણે આફ્ટર સેલ સર્વિસ મળે છે. ચીનથી આયાત કરે, પણ પાંચ વર્ષ પછી તેમને આફ્ટર સેલ્સ સર્વિસ મળતી નથી. આ સમસ્યા હળવી થઈ શકે છે. પરંતુ તેમના સ્થાનિક સ્તરના ભાવ નીચા જ આવશે તેની કોઈ જ ખાતરી નથી. હા, તેના ભાવ નીચા આવે તો તેની સારી અસર ઉદ્યોગો પર આવી શકે છે. મોટા ગ્રુપો આવે તો નાના ગ્રુપનો કે કંપનીઓનો ધંધો ખેંચાઈ જવાની શક્યતા પણ રહેલી છે. તેથી તેમના ધંધા તૂટી જાય તો નવાઈ પણ પામવા જેવી નહિ હોય.

Comentarios


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page