બાયોગેસનો ફ્યુઅલ તરીકે ઉપયોગ ભારતીય અર્થતંત્રની સિકલ બદલી નાંખશે
- Team Vibrant Udyog
- Jul 19, 2022
- 3 min read
પર્યાવરણને બચાવવાથી માંડીને અર્થતંત્રને મજબૂત કરવા માટે બાયોગેસનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવો આવશ્યક બની ગયો છે
બાયોગેસથી નાના અને મોટા ઉદ્યોગોની ઓપરેશન કોસ્ટ નીચે લાવવામાં મદદ મળશે
ક્રૂડ ઓઈલ પરનો મદાર ઘટતા તેની આયાત પાછળ ખરચવા પડતા દસ લાખ કરોડથી વધુના વિદેશી હૂંડિયામણની બચત થશે
નેચરલ ગેસથી દોડતા વાહનોને કારણે માર્કેટમાં રોજગારીની વિપુલ તકો નિર્માણ થશે

બાયોગેસ એ આવનારા દિવસનું ફ્યુઅલ બની રહેશે. બાયો ગેસ કે કુદરતી ગેસ પેદા કરવાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી લેવામાં આવશે તો ભારત દેશની ક્રૂડ પરની નિર્ભરતા ઘટી જશે. અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે. કેન્દ્ર સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે 9.50 રૂપિયા અને 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેમ છતાંય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ બેરલદીઠ 111 ડૉલર હોવાથી ભારતના અર્થતંત્રનો પાયો હચમચી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલથી વાહનો દોડાવવા તેમને મોંઘા પડી રહ્યા છે. કારપુલિંગ વધી રહ્યું છે. બીજીતરફ વાયુનું પ્રદુષણ પણ વધી રહ્યું હોવાથી ઓછું પ્રદુષણ કરતો કુદરતી ગેસ પણ વર્તમાન સમયની તાતી જરૂરિયાત બની ગયું છે. નોમુરા ક્લિન મોબિલીટીએ તાજેતરમાં કરેલો સરવે પણ આ જ હકીકત પર ભાર મૂકી રહ્યો છે.
વર્તમાન સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલ કરતા લગભગ 75થી 90 ટકા વધુ અવરેજ આપતા સીએનજીનો ઉપયોગ વધે તે પણ તેટલું જ જરૂરી છે. જોકે છેલ્લા બેથી અઢી માસમાં આંતરરાષ્ટ્રીય બજારના ભાવોને નામે સીએનજીના કિલોદીઠ ભાવ રૂ. 82.60ની સપાટીએ લઈ જવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ત્યારબાદ સીએનજીના ભાવમાં અદાજે બે ડૉલરનો ઘટાડો આવી ગયા પછીય ભારતીય કંપનીઓ સીએનજીના ભાવ ઘટાડવા તૈયાર ન હોવાનું જણાય છે. તેની નકારાત્મક અસર પડી શકે છે. સીએનજી તરફ વળનારા ખચકાશે. તેથી મોંઘુ વિદેશી હૂંડિયામણ ખર્ચાવતા ક્રૂડની આયાતમાં ઘટાડો કરીને હૂંડિયામણ બચાવવાનો ઉદ્દેશ સિદ્ધ થશે નહિ. તેમ જ વાયુનું પ્રદુષણ સીમિત કરવાની મહેચ્છા પણ મનમાં જ રહી જશે. આપણે બાયોગેસના ઉત્પાદન તરફ વધુ જોરશોરથી વળીએ તો બાયોગેસથી દેશની વર્તમાન જરૂરિયાત પૂરી થઈ શકે છે. તદુપરાંત 54 લાખ વાહનો દોડાવી શકાય તેટલો બાયોગેસ પેદા કરી શકાય તેમ છે.
નોમુરો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ક્લિન મોબિલીટી અંગે કરેલા સરવેમાં જાણવા મળ્યું છે કે મેસ્સે ફ્રેન્કફર્ટની એનજીવી ઇન્ડિયા સમિટ 2022માં નેચરલ ગેસથી દોડતા વાહનોના વપરાશમાં વધારો થાય તેના અનુસંધાનમાં ભારતમાં કેવી સ્થિતિ છે તેનો અંદાજ આપવામાં આવ્યો છે. અત્યારે ક્રૂડ પર દોડતા વાહનોને કારણે વધી રહેલા પ્રદુષણને પરિણામે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના કામકાજ પર પણ અવળી અસર પડી રહી છે.
નોમુરો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે અર્થતંત્રની શિકલ બદલવા માટે બ્લ્યુ હાઈડ્રોજનના વપરાશ પર ફોકસ કરવાની ભલામણ કરી છે. તેને માટે સીટિ ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો વ્યાપ વધારવો જરૂરી છે. તેમ જ સીએનજીનો સપ્લાય આપતા પમ્પ્સની સંખ્યામાં વધારો થવો જરૂરી છે. બીજા ઇંધણની તુલનાએ સીએનજી સસ્તું હોવાથી અન તેનાથી વાહનની એવરેજ ઘણી સારી આવતી હોવાથી લોકો સીએનજીથી દોડતા વાહનો તરફ વળી રહ્યા છે.
આ માટે દેશમાં કુદરતી ગેસનું ઉત્પાદન વધારવું જરૂરી છે. ભારતના પેટાળમાં ગેસનો અનામત જથ્થો ઘણો વધારે છે. તેને બહાર લાવવાની કામગીરી જોઈએ તેવી ઝડપથી થતી જ નથી. બીજું, કુદરતી ગેસના વધી રહેલા ભાવ પણ આ દિશામાં લોકોને આગળ વધતા અટકાવી રહ્યા છે. તેથી સીએનજીનો ઉપયોગ વધતો અટકી જશે.

મૂળભૂત રીતે જાપાનની અને એશિયાના દેશોમાં કામકાજ ધરાવતી એનઆરઆઈ કન્સલ્ટિંગ એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડતી કન્સલ્ટિંગ કંપની નોમુરો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર પાર્ટનર અને ગ્રુપના વડા અશિમ શર્મા કહે છે, “ ભારતમાં ઓટોમોબાઈલના માર્કેટનું વોલ્યુમ સારુ છે અને પરિસ્થિતિ એકદમ અનુકૂળ છે ત્યારે કુદરતી ગેસ પર ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવામાં આવે તે માટે તેને પ્રમોટ કરવા જરૂરી છે. જોકે કુદરતી ગેસના વધેલા ભાવ કુદરતી વાહનોના વપરાશનો વ્યાપ વધારવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે. કુદરતી ગેસ પર ચાલતા વાહનો ખરીદનારા ગ્રાહકો પર નકારાત્મક અસર લાવી રહ્યોછે. ત્યારે સરકારે અને કુદરતી ગેસ પર ચાલતા વાહનો બનાવનારાઓએ તેનો વ્યાપ વધે તે માટે સાથે મળીને કામ કરવું જોઈએ.”
નોમુરો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ક્લિન મોબિલીટી અંગે કરેલા સરવેમાં પછી સૂચવવામાં આવ્યું છે કે કુદરતી ગેસ પર ચાલતા વાહનોનો વ્યાપ વધારવા માટે વધુ માળખાકીય સુવિધા આપવાની સાથોસાથ તેને માટે ખાસ પ્રોત્સાહનોની પણ સરકારે જાહેરાત કરવી જોઈએ. સીએનજીની સિસ્ટમ તૈયાર કરવા માટે ઓછા વજનવાળા પદાર્થોનો ઉપયોગ કરી કુદરતી ગેસથી ચાલતા વાહનની કિંમત અને વાહનનું વજન ઓછું કરવાનો પ્રયાસ કરવો જરૂરી છે. આ માટે ટાઈપ-4 ટેન્કનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ.

સરકાર અને ઓટો ઉદ્યોગ કેવા પગલાં લઈ શકે?
ટૂંકા ગાળાના પગલાં
કુદરતી ગેસથી ચાલતા વાહનો-એનજીવી-નેચરલ ગેસ વેહિકલ અને તેમાંય ખાસ કરીને સીએનજીથી ચાલતા વાહનો લોકો લેતા થાય તે ટૂંકા ગાળાના પગલાં સરકારે લેવા જોઈએ.
આકર્ષક વ્યાજ દરે ધિરાણ આપવાની સુવિધા આપવી જોઈએ. નેટવર્કનું વિસ્તરણ થાય તે માટે સીજીડી સેક્ટરને વધુ ફાળવણી કરવી જોઈએ. એલએનજીથી ચાલતી ટ્રકની કિંમત ઓછી કરવા માટે સ્થાનિક સ્તરે જ ક્રાયોજેનિક સિલિન્ડરનું ઉત્પાદન થાય તે માટેના પગલાં લેવા જોઈએ. તેમ કરવાથી તેની કિંમત ઘટશે. અત્યારે ક્રાયોજેનિક સિલિન્ડરની આયાત કરવામાં આવે છે. તેથી તેની કિંમત ઊંચી છે.
મધ્યમ ગાળાના પગલાં
ગેસના ભાવ ઊંચા ન જાય તે માટે સ્થાનિક સ્તરે કુદરતી ગેસનું ઉત્પાદન વધારવું જરૂરી છે. તેની સાથે જ પાઈપલાઈનનું નેટવર્ક ઊભું કરવા અને ગેસ સ્ટેશન બનાવવા માટે જમીન હસ્તગત કરવાને લગતા નિયમો સરળ બનાવવા જરૂરી છે. ગેસના ભાવ નીચા રહેશે તો કુદરતી ગેસથી ચાલતા વાહનોની ડિમાન્ડ જળવાઈ રહેશે. એલએનજી-લિક્વિડ નેચરલ ગેસથી દોડતા વાહનો માટે અલગ કોરિડોર બનાવવો પણ જરૂરી છે.
લાંબા ગાળાના પગલાં
કુદરતી ગેસનું ઉત્પાદન વધારવા માટે વિગતવાર આયોજન કરવું જરૂરી છે. તેમ કરવાથી કુદરતી ગેસનું ઉત્પાદન કરવાની મહત્તમ ક્ષમતા સુધી પહોંચી શકાશે. લાંબા અંતર સુધી જતી ટ્રકને એલએનજી-લિક્વિડ નેચરલ ગેસ સરળતાથી માર્ગમાં મળી રહે તે માટે એલએનજી ગેસના પમ્પ ઠેર ઠેર ઊભા કરવા જરૂરી છે.
Comentários