top of page

બજેટ 2022: કોવિડમાંથી બેઠા થયેલા ભારતના અર્થતંત્રને ટેક્નોલોજીનો બૂસ્ટર ડોઝ

  • Team Vibrant Udyog
  • Feb 4, 2022
  • 4 min read


- ફાયનાન્સથી માંડીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા સુધીની બધી જ સેવાઓ ડિજિટાઈઝ કરવા પર સરકારનું ફોકસ
- 2022માં 5G ઓક્શન સાથે ઈન્ટરનેટ અને દેશના વિકાસની સ્પીડ પણ સડસડાટ વધશે
- EV, ગેમિંગ, ક્રિપ્ટોકરન્સી સહિતના નવા વિકસતા ક્ષેત્રોમાંથી લાભ મેળવવા પર સરકારની નજર
- ટેક્નોલોજી અને પોલિસીના તાલમેલથી કોવિડમાંથી બેઠા થયેલા દેશના અર્થતંત્રને જોરદાર બૂસ્ટ મળવાની સંભાવના



છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની... નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2022ના રોજ જાહેર કરેલા બજેટમાં સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે કે સરકાર હવે ભવિષ્ય પર ફોકસ કરવા માંગે છે. એમ્બેડેડ પાસપોર્ટ, ડિજિટલ કરન્સી, ઈલેક્ટ્રિક વ્હીકલ, ગતિ શક્તિ માસ્ટર પ્લાન, પોસ્ટ ઑફિસમાં કોરબેન્કિંગ સહિતની સરકારની તમામ મોટી જાહેરાતોમાં ટેક્નોલોજી પર ફોકસ રાખવામાં આવ્યું છે.

ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત સરકાર રોડ, રેલવે, એરપોર્ટ, પોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વોટર ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડિજિટાઈઝ કરીને તેની એફિશિયન્સી વધારવાની દિશામાં ડગ માંડી રહી છે. આ જ રીતે પોસ્ટ ઑફિસમાં નેટ બેન્કિંગની સિસ્ટમ લાવીને ગામડેગામ સુધી ડિજિટલ બેન્કિંગ પહોંચાડવાનો સરકાર પ્રયાસ કરી રહી છે.


બજેટમાં નાણાંમંત્રીએ 2022માં 5G ઓક્શનની પણ જાહેરાત કરી છે. આ દર્શાવે છે કે સરકાર ડિજિટલ ઈનિશિયેટિવની સાથેસાથે તેને ટેકો આપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે પણ પ્રયત્નશીલ છે. ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લાદીને નાણાંમંત્રીએ તેને આડકતરી રીતે કાયદેસર પણ ઘોષિત કરી દીધી છે.

ઈ-પાસપોર્ટ, ગેમિંગ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન, ઈલેક્ટ્રિક વ્હીકલ માટે બેટરી સ્વેપિંગ પોલીસી સહિતની ભારત સરકારની અનેક પહેલ સૂચવે છે કે તેમનું ફોકસ ભારતને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ દેશોની હરોળમાં મૂકી દેવાનું છે. વળી, સરકારે જે ક્ષેત્રો પર ભાર આપ્યો છે તે તમામ ક્ષેત્રો ડિજિટલ-નેટિવ એટલે કે ટેક્નોલોજીના જમાનામાં જન્મેલા અને ઉછરેલા યુવાનોને અપીલ કરે તેવા છે. આ પાછળ આગામી ચૂંટણીમાં વધુને વધુ યુવા મતદારોને આકર્ષવાનું ભાજપનું ગણિત હોય તો પણ નવાઈ નહિ. જો કે એક વાત સ્વીકારવી રહી કે અર્થતંત્રને આધુનિક ઓપ આપવા માટે અને વિશ્વના બીજા વિકસિત દેશો સાથે ખભેથી ખભો મિલાવવા માટે દેશને ટેક્નોલોજીથી સજ્જ કરવાની દિશામાં સરકારે 2022ના બજેટમાં પ્રયત્ન કર્યા છે.



માળખાકીય સુવિધા વધારી વિકાસની કેડી પર પગરણ


ગતિ એક શક્તિ છે. 100 લાખ કરોડના ગતિશક્તિ પ્રોજેક્ટને આગળ ધપાવીને આગામી 25 વર્ષ સુધી દેશના વિકાસને વેગ આપવાનો પાયો નાખવાની શરૂઆત 2022ના બજેટથી કરી દેવામાં આવી છે. તેથી જ કેન્દ્રિય બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર 5.40 લાખ કરોડથી વધારીને 7.5 લાખ કરોડ કરી દેવાયો છે. રસ્તાઓ, ધોરીમાર્ગ, રેલવે, શિપિંગની સુવિધાઓ, બંદર, જળમાર્ગ અને શહેરી વિસ્તારમાં આવાસો સહિતની ઔદ્યોગિક વિકાસ માટેની અન્ય સુવિધાઓ ઊભી કરવા માટેના ખર્ચ પર ફોકસ કરીને વિકાસની કેડી પર ઝડપથી આગળ વધવાની નેમથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022 રજૂ કર્યું છે. લાંબા ગાળાની આ અસ્ક્યામતો ઊભી થતાં તેમાંથી સરકારને આવક પણ થશે અને ઔદ્યોગિક માલની હેરફેર પણ સરળ બનશે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂ. 48000 કરોડની ફાળવણી પણ તેનો જ એક હિસ્સો છે. આ ખર્ચ અન્યની આવક બનશે અને તેના થકી બજારમાં નવી ડિમાન્ડ ઊભી થશે. જે રોજગારી નિર્માણ કરવામાં મદદરૂપ થશે. દેશમાં 3.8 કરોડ ઘરોમાં નળથી પાણી પૂરું પાડવા માટે રૂ. 60,000 કરોડનો ખર્ચ કરવાનું આયોજન કર્યું છે. પાંચ પ્રોજેક્ટ રિવર લિન્કના છે. નોર્થ ઇસ્ટના રાજ્યોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કરાયું છે. બે લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી બાળકોનું આરોગ્ય સુધરશે. કેપિટલ એક્સપેન્ડિચર વધારવાથી માળખાકીય સુવિધા વધે અન તેના થકી સપ્લાય ચેઈન સંગીન બને છે, જે વેપાર-ઉદ્યોગના સંગીન વિકાસ માટેનો પાયો બનાવે છે. તેનો સીધો લાભ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મળશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ મળતા નવી રોજગારી નિર્માણ થવાની સંભાવના વધી જશે.



કોરોનાને કારણે કફોડી સ્થિતિનો સામનો કરી રહેલા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ઈસીએલજી-ઇમરજન્સી ક્રેડિટ ગેરન્ટી સ્કીમને માર્ચ 2024 સુધી લંબાવીને રોજગારી નિર્માણ કરતાં નાના ઉદ્યોગોને ટેકો આપવાનો પ્રયાસ કર્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુવ્રત શાહનું કહેવું છે કે, "બજેટમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવી ઘણી સ્કીમ છે." આમ તૂટી રહેલા ઉદ્યોગોને વધુ એક વર્ષ માટે આર્થિક સહારો પૂરો પાડવાની કવાયત કરી છે. આ સાથે જ એમએસએમઈના રેટિંગ માટે રૂ. 6000 કરોડના ખર્ચ સાથેની એક સ્કીમ લોન્ચ કરવાનું પણ આયોજન કર્યું છે. સ્ટાર્ટ અપ્સમાં વધુ રોકાણ આવે ને પ્રતિભાશાળી લોકો તેના તરફ આકર્ષાય તે માટે એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પરનો મહત્તમ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પરનો સરચાર્જ 15 ટકા કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. સ્ટાર્ટઅપના ઇન્વેસ્ટર્સની લાંબા સમયની માગણીને સંતોષીને તેમાં વધુ રોકાણને આકર્ષવાનું આયોજન કર્યું છે. પરિણામે સ્ટાર્ટઅપ્સના પ્રમોટર્સ-ફાઉન્ડર્સ લિસ્ટ ન થયેલા શેર્સનું વેચાણ કરી શકશે. વેન્ચર કેપિટાલિસ્ટનું સ્ટાર્ટઅપ્સમાં તેનાથી રોકાણ વધશે. અગાઉ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા પછી થતા લોન્ગટર્મ કેપિટલ ગેઈન પર 37 ટકા સરચાર્જ લાગતો હતો. સરકારી યોજનાના લાભ સ્ટાર્ટઅપ્સને આપવાની મુદત હજી એક વર્ષ લંબાવી આપવામાં આવી છે. ડિફેન્સના ઉપકરણો બનાવવામાં આત્મનિર્ભર બનવા રૂ. 5.25 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.


બીજીતરફ સબસિડીનો બોજો ઓછો કરવાના પગલાં પણ લેવામાં આવ્યા છે. ફૂડ અને ફર્ટિલાઈઝર પરની સબસિડી ઓછી કરવામાં આવી છે. સબસિડીના બિલ 27.1 ટકા ઘટાડીને 3.56 લાખ કરોડ સુધી નીચે લાવવામાં આવ્યું છે. દેશનું અર્થતંત્ર પેન્ડેમિકની અસરમાંથી બહાર આવી રહ્યું હોવાનો નિર્દેશ આ સાથે જ આપવામાં આવ્યો છે.


કરદાતાઓ માટે રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાની મુદત બે વર્ષ લંબાવી આપી છે. હા, તેના પર ભરવાપાત્ર ટેક્સ ઉપરાંત 50 ટકા ટેક્સ, સરચાર્જ અને ઇન્ટરેસ્ટ ભરવાની જોગવાઈ દાખલ કરી છે. આમ ન દર્શાવેલી આવક દર્શાવી આપવાનો રસ્તો ખોલ્યો છે. જોકે વ્યક્તિગત કરવેરાના દરમાં કોઈ જ સુધારો કે વધારો ન કરીને સામાન્ય નાગરિકો અને સિનિયર સિટીઝન્સને નારાજ કર્યા છે.


ખેડૂતોને હાઈટેક સર્વિસ પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ઊભી કરવામાં આવનારી વ્યવસ્થામાં કૃષિ ઉપજની વેલ્યુ ચેઈન માટે લાભદાયી પુરવાર થશે. કિસાન ડ્રોનની મદદથી પાકની આકારણી અને જમીનનો ડિજિટાઈઝ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. કિસાન સન્માન નિધિ પેટે રૂ.68,000 કરોડની ફાલવણી કરવામાં આવી છે. ખેડૂતોને વરસે રૂ.2000ના ત્રણ હપ્તા આપવાના આયોજનનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે રૂ. 15,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જોકે ગયા વર્ષની રૂ. 15,989.39 કરોડ કરતાં આ જોગવાઈ ઓછી છે. જોકે પ્રાઈસ સપોર્ટ સ્કીમ માટે ગયા વર્ષના 3595 કરોડ સામે 2022-23માં રૂ. 1500 કરોડની જ જોગવાઈ કરી છે. પર ડ્રોપ મોર ક્રોપની યોજના માટેની જોગવાઈમાં પણ 50 ટકાનો કાપ મૂકીને રૂ. 2000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ ઔદ્યોગિક વિકાસ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું હોવાનો નિર્દેશ આપ્યો છે.


આ તમામ વચ્ચે ભારતનો વિકાસદર 8થી8.5 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ભારતનો વિકાસ દર 9.2 ટકા રહેવાનો અંદાજ મૂકે છે. તેની સામે ભારતે ચોમાસું, કોરોના જેવી બીમારી કે ક્રૂડના ભાવ એકાએક વધી જાય તતા તેના જેવી અન્ય સમસ્યાઓને કારણે ખલેલ પડે તો ગણતરી ખોટી ન પડે તેવા આશયથી વિકાસદર 8થી 8.5 ટકા થવાનો અંદાજ મૂક્યો છે.

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page