top of page

25 વર્ષના વિકાસ માટે પાયો નાખતા “SEED” બજેટ થકી સરકારે કર્યા સપનાના વાવેતર

  • Team Vibrant Udyog
  • Mar 7, 2022
  • 9 min read
સ્ટાર્ટઅપ્સ, એનર્જી, એજ્યુકેશન, ડિફેન્સ અને ડિજિટલાઈઝેશન પર ફોકસ કરી અર્થતંત્રને ગતિ આપવાનો બજેટમાં પ્રયાસ
MSMEને આડકતરી રીતે તગડો લાભ કરાવી આપશે આ બજેટ


નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આપેલા 2022ના બજેટમાં SEED-D (બીજ) પર ફોકસ કરવામાં આવ્યું છે. બીજના પાંચ સેગમેન્ટમાં સ્ટાર્ટ અપ, એનર્જી, એજ્યુકેશન, ડિફેન્સ અને ડિજિટલાઈઝેશનનો સમાવેશ થાય છે. ભૂતકાળની માફક MSMEને કોઈ સીધો લાભ આપવામાં આવ્યો નથી. પરંતુ હિડન બેનિફિટ ઘણાં છે. દા.ત. કોવિડમાં 20 લાખ કરોડનું પેકેજ જાહરે કર્યું તેવું કશું જ આ વખતે જાહેર કર્યું નથી. સિક્યોરિટી વિના ધિરાણ આપવાની વાત કરી નથી. છતાં લાંબાગાળે લાભ કરાવતું બજેટ છે. સામાન્ય નાગરિક બજેટથી નારાજ છે. માત્ર ઉદ્યોગોને જ નજરમાં રાખીને બજેટ તૈયાર કર્યું હોવાની ફરિયાદ કરે છે. સામાન્ય કરદાતા પર વેરાનો વધારાનો બોજ ન નાખીને સરકાર તેની પાસે ખર્ચવા વધુ નાણાં રાખ્યા છે. આમ ડિમાન્ડ જનરેટ કરવાનો રસ્તો ખોલ્યો છે. નાના મોટા મેન્યુફેક્ચરર્સના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધશે, જે અર્થતંત્રના ચક્રને ફરતું રાખવામાં મદદ મળશે. કોવિડને કારણે અર્થતંત્રની ગતિ મંદ પડી હતી. હવે આ અર્થતંત્રને વેગ આપી રોજગારીની નવી તક નિર્માણ કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે.




સ્ટાર્ટ અપથી જ આર્થિક વિકાસને વેગ

કેન્દ્ર સરકાર સ્ટાર્ટ અપને જ ભારતીય અર્થતંત્રના ડ્રાઈવિંગ ફોર્સ તરીકે વિકસાવવા માગે છે. કૃષિ ક્ષેત્રમાં ખેત ઉપજની વેલ્યુ ચેઈનમાં વધારો થાય અને ગ્રામીણ વિસ્તારમાં પણ વધુ સ્ટાર્ટ અપ્સ આવે તે માટે બજેટમાં નાબાર્ડની મદદથી ફાઈનાન્સ કરવાની જોગવાઈ કરી છે. સ્ટાર્ટ અપ એટલે નવો ધંધો ચાલુ કરવો તે નહિ. આ એક ખોટી માન્યતા છે. નવા આઈડિયા સાથે નવો વ્યવસાય ચાલુ કરવો અને સોસાયટીને તેના થકી ઘણો ફાયદો થતો હોય તેને સ્ટાર્ટઅપ કહી શકાય. બજેટમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા લેવાયેલા પગલાંથી સ્ટાર્ટઅપના સ્થાપકોનો, વેન્ચર કેપિટાલિસ્ટનો જુસ્સો વધશે. વેન્ચર કેપિટાલિસ્ટ સ્ટાર્ટઅપમાં મૂડી રોકીને તેના શેર્સ લેશે. આવા રોકાણકારોને પ્રોત્સાહન આપવા અનલિસ્ટેડ કંપનીના શેર્સ પર કેપિટલ ગેઈનનો ટેક્સ 20 ટકા જ રાખ્યો છે. પરંતુ તેના પરનો સરચાર્જ 37.5 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. જોકે તેના પર લાગતી સેસ ચાર ટકા યથાવત છે. આમ તેના પર લાગતો ઇન્કમટેક્સ 28.5 ટકાથી ઘટીને 23.92 ટકા પર આવી જશે, તેથી સ્ટાર્ટઅપમાં વેન્ચર કેપિટલિસ્ટ વધુ ફાઈનાન્સ કરશે.


સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનઃ

- એક, 2023 પહેલા સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા હોય તેમની પહેલા ત્રણ વર્ષની આવક વેરા માફીને પાત્ર ગણી છે. 2016થી ચાલુ કરેલી આ યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવાઈ છે.


-મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપને ગયા વરસથી મેન્યુફેક્ચરિંગ લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ આપી મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને વધી સંગીન બનાવાયો છે.


-સ્ટાર્ટઅપ માટે 100 જેટલા ઇન્ક્યુબેશન સેન્ટર ઊભા કરાશે, જે દર્શાવે છે કે સરકાર સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માંગે છે. સરકાર કરતાં ખાનગી લેવલે સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાનો વધુ પ્રયાસ થાય તેવું સરકાર ઇચ્છે છે.


-આજે બેન્ગ્લોર, હૈદરાબાદ, એસીઆર કે પૂણેમાંથી સારા સ્ટાર્ટઅપ તૈયાર થયા છે. ભારતમાં છેલ્લા બાર મહિનામાં ભારતમાં 33 જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ તૈયાર થયા છે જેનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ ડૉલરથી વધુ છે. કમનસીબે ગુજરાતમાં આ પ્રકારનું એક પણ સ્ટાર્ટ અપ તૈયાર થયું નથી.


-દેશના 568 જિલ્લામાં સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે. નવા સ્ટાર્ટ અપ જંગી વેલ્યુએશન નિર્માણ કરશે. તેનું ઉદાહરણ રિલાયન્સ જિયો છે. તે નેક્સ્ટ જનરેશન બિઝનેસ છે. રિલાયન્સ જિયો પાંચ વર્ષ જૂની કંપની છે. તેનું વેલ્યુએશન 4.5 લાખ કરોડનું છે. તેની સામે 45 વર્ષ જૂની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વેલ્યુએશન રૂ. 12 લાખ કરોડનું છે. સરકાર સ્ટાર્ટઅપ પાસેથી આવી જ અપેક્ષા રાખે છે.




એનર્જી અને એન્વાયરમેન્ટ પર ફોકસઃ


- એનર્જી સેક્ટરની વાત કરીએ. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 2070 સુધીમાં ભારતને ઝીરો એમિશન કંટ્રી બનાવવા માગે છે. આ માટે ક્રૂડનો વપરાશ ઘટાડવાનો પ્રયાસ બજેટના માધ્યમથી કરાયો છે.


-ક્રૂડની ઇમ્પોર્ટ ઘટાડી તેનો વિકલ્પે ઇલેક્ટ્રિક વેહિકલને (EV) પ્રમોટ કરવામાં આવ્યા છે. સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, જળ ઉર્જાને પ્રમોટ કરાયા છે.


- એક વ્યક્તિને EV ખરીદવા માટે 1.5 લાખનો લાભ આપવામાં આવ્યો છે. તેથી પેટ્રોલ પર દોડતા વાહનોની ખરીદી ઓછી થશે પરિણામે પ્રદૂષણ ઘટશે અને ઝીરો એમિશન સુધી જવાની સફર શરૂ થશે.


-સોલાર પાવરને પ્રમોટ કરવા પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરવામાં આવી છે.


એજ્યુકેશનથી સ્કીલ્ડ મેનપાવર જનરેશન કરાશે


-બજેટ 2022-23માં એજ્યુકેશન માટે રૂ. 63,499 કરોડ ફાળવ્યા છે. તેની સાથે ડિજિટલ યુનિવર્સિટી પર ફોકસ કરવામાં આવ્યું છે. ટેલિવિઝનના માધ્યમથી ક્લાસ લઈને દરેકને પ્રાદેશિક ભાષામાં જ્ઞાન આપવાનું પ્લાનિંગ છે.


-કોવિડને કારણે છેલ્લા બે વર્ષમાં કોવિડને કારણે શિક્ષણને થયેલું નુકસાન ભવિષ્યમાં ન થાય તે માટેનો પ્રયાસ છે. સરકારે 200 નવી સ્કૂલ ચાલુ કરવાનું આયોજન કર્યું છે. તેમાં ઉદ્યોગોની જરૂરિયાત સંતોષે તેવા નવા કરિક્યુલમ લાવવાનું આયોજન છે. આવનારા વરસોમાં આ ભારતના વિકાસમાં મોટું યોગદાન આપશે.


ડિફેન્સઃ શસ્ત્રોની નિકાસ પર ફોકસ


ચોથું, ડિફોન્સમાં આજ સુધી આપણે મિસાઈલ્સ, જેટફાઈટર સહિતની વસ્તુની આયાત કરીએ છીએ. ડિફેન્સ ટેક્નોલોજીમાં આપણે આત્મનિર્ભર નથી. સરકારે વિદેશી કંપની સાથે જોડાણ કરી ડિફેન્સમાં નવી ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યુસ કરવાનો પ્રબંધ બજેટ થકી કર્યો છે.

- ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવતી વિદેશી કંપનીઓને ભારતમાં પ્રોડક્શન કરવાની છૂટ આપી ટેક્નોલોજીથી ભારતને પરિચિત કરવાની શરત મૂકી છે. પરિણામે ડિફેન્સની ટેકનોલોજી સાથે પનારો પાડવાની ભારતીયોની કુશળતામાં વધારો થશે. તેમ જ ભવિષ્યમાં પોતાની રીતે તે ટેક્નોલોજીમાં સુધારો વધારો કરીને પોતાની રીતે ભારતીયો ડિફેન્સના સાધનો બનાવતા થશે.


-ડિફેન્સનો વર્લ્ડ લેવલે બહુ જ મોટો બિઝનેસ છે. તેનો લાભ લેવા માટે બીજારોપણ બજેટના માધ્યમથી કરવામાં આવ્યા છે. ડિફેન્સ ઇક્વિપમેન્ટ એક્સપો યોજી ડિફેન્સના ઇક્વિપમેન્ટનું બજાર શોધવાની અને વિકસાવવાની કવાયત થઈ છે.


- સરકારે ડિફેન્સના ઇક્વિપમેન્ટના નેટ એક્સપોર્ટર્સ બનવાની દિશામાં પણ પગલાં લીધા છે. ડિફેન્સ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટ ચાલુ રાખીને તેની સાથે ડિફેન્સની નિકાસ વધારવાની પર ફોકસ વધારવામાં આવ્યું છે.


-આથી ટ્રેડ ડેફિસિટ ઘટડવાનું પણ આયોજન છે. ટ્રેડ ડેફિસિટ એટલે આયાતના ખર્ચા અને નિકાસની આવક વચ્ચેનો નાણાંનો ગાળો.



ડિજિટલાઈઝેશનઃ કરચોરી રોકવાની દિશામાં લેવાયેલું પગલું


પાંચમું, ડિજિટલાઈઝેશન એક વધુ નક્કર આયોજન છે. તેના ફાયદા અનેક છે. ડિજિટલાઈઝેશનમાં ડિજિટલ પેમેન્ટ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


-ભીમ, યુપીઆઈ, પેટીએમ જેવા પેમેન્ટના માધ્યમથી આર્થિક વહેવારો વધારવામાં આવી રહ્યા છે. તેથી રોકડાના વહેવારો ઓછા થશે. રોકડવા વહેવારો ઘટતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક વધી છે, અને હજીય વધશે.

-જાન્યુઆરીમાં જીએસટીની આવક રૂ. 1.40 લાખ કરોડની આવક થઈ છે. અત્યારે જીએસટીની માસિક આવક રૂ. 1.25 લાખ કરોડથી 1.40 લાખ કરોડની છે. ટ્રાન્ઝેક્શન્સ ઓનલાઈન વધતા થવા માંડતા જીએસટીની આવક રૂ. 2 લાખ કરોડથી પણ આગળ જશે.


- હવે ગામડામાં પણ આજે દરેક ગલ્લા પર, કરિયાણાની દુકાન પર પેમેન્ટ માટેનો બારકોડ જોવા મળે છે. પારદર્શિતા વધતા, રોકડનો ઉપયોગ ઘટતા સરકારની વેરાની આવક વધશે.



સરકારની આવક વધતા સરકાર ઇન્કમટેક્સની આવક ઘટાડવાનો પ્રયાસ કરશે. ભારત સરકારની 10 લાખ કરોડની વધુ આવક ઇન્કમટેક્સના માધ્યમથી થાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આદિત્ય શાહ કહે છે, “સરકાર ઇન્કમટેક્સ ઘટાડવાના પગલાં લેશે. આવકવેરો ઓછો થતાં ટેક્સની ચોરી પણ ઘટશે. સરકારની ઇન્કમટેક્સની આવક પણ વધતી જશે. ઇન્કમટેક્સ ઘટતાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ભારતમાં વધશે. તેથી રેવન્યુ (સરકારની વેરાની આવક)અને એક્સપેન્ડિચર-ખર્ચ વચ્ચેનો ગાળો ઘટશે. આ સંજોગોમાં લાંબાગાળે ઇન્કમ ટેક્સના દર 15 ટકા સુધી આવી શકે છે.”


આમ 3 ટ્રિલિયનની ઇકોનોમિને 5 ટ્રિલિયનની ઇકોનોમિમાં કન્વર્ટ કરવાની દિશામાં આ બહુ જ મહત્વનું કદમ છે.


નિયોબેન્કથી MSME ફાઈનાન્સની સમસ્યા ઉકેલાશે

નિયો બેન્ક પણ ડિજિટલાઈઝેશનની દિશામાં લેવાયેલું બહુ જ મોટું પગલું છે. કોટક મહિન્દ્રાની કોટક 811, જ્યુપિટર, નિયોફિન જેવી ફિનટેક કંપનીઓ આગળ આવી રહી છે. તેઓ કોઈ પણ ફિઝિકલ બ્રાન્ચ ધરાવતા નથી. બ્રાન્ચ વિના જ બેન્કિંગનો તમામ વહેવાર તેના પર થાય છે. ઘેરબેઠાં નિયોબેન્કમાં ખાતું ખોલાવી શકાય છે અને આર્થિક વહેવારો કરી શકાશે.


-નિયોબેન્કથી દરેક નાગરિકનું ખાતું સરળતાથી ખૂલી શકશે. બ્રાન્ચ વિનાની નિયોબેન્ક પહેલા અર્બન એરિયામાં પરકોલેટ થશે. ત્યારબાદ રૂરલ એરિયાને પણ કવર કરી લેશે.


-નિયોબેન્કમાં બધું જ ઓનલાઈન થાય છે. ગ્રામીણ વિસ્તારમાં બેન્કની બ્રાન્ચ ખોલવી મોંઘી સાબિત થઈ રહી છે. તેનો ઉકેલ નિયોબેન્ક છે. નિયોબેન્કનો કોન્સેપ્ટ આગળ જશે તો બધું જ ઓનલાઈન થશે. ગ્રામીણ પ્રજા બેન્કિંગ સુવિધાથી વંચિત નહિ રહે.


-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આદિત્ય શાહનું કહેવું છે કે નિયોબેન્કને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાઈનાન્સ પણ સરળતાથી મળશે. નાના અને મધ્યમ ઉદ્યોગો નિયોબેન્કમાં તેમના ખાતા ખોલાવશે તો નાના અને મધ્યમ ઉદ્યોગોના વાર્ષિક ટર્ન ઓવરના પાંચ કે દસ ગણું ધિરાણ નિયોબેન્ક સામેથી આપી શકશે. નિયોબેન્કના ખાતામાંથી જ તેના દરેક આર્થિક વહેવારો થશે. તેથી ફંડ ડાયવર્ઝનની સમસ્યા હળવી થઈ જશે, એનપીએ થવાની સંભાવના પણ ઓછી થઈ જશે.


-નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા મલ્ટીપલ કરન્ટ એકાઉન્ટ ખોલાવીને ફંડ સાથે કરવામાં આવતી રમત પર પડદો પડી જવાની સંભાવના રહેલી છે.





વિશ્વમાં OECD-ઓર્ગેનાઈઝએશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ પેરિસ સ્થિત સંસ્થા છે. 36 દેશોનું આ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ દેશો માર્કેટ આધારિત અર્થતંત્રને ટકાવી રાખવા કટીબદ્ધ છે. આ દેશોએ કરાર કર્યા છે કે મિનિમમ 15 ટકા ઇન્કમટેક્સ રાખવો જ રાખવો. તેનાથી નીચે લાવે તો સીધું વિદેશી રોકાણ-ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તે જ દેશોમાં ઠલવાય. આ સ્થિતિ ન આવે તે માટે 15 ટકાની મર્યાદા મૂકવામાં આવેલી છે. ટેક્નોલોજી પર ફોકસ કરીને ભારત સરકાર આ સ્થિતિએ પહોંચવા માગે છે. ભારતનો ટેક્સનો દર ઘટશે તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્મટમેન્ટ આવશે અને તેનાથી જોબ જનરેશનના રસ્તાઓ પણ ખૂલશે.


ડિજિટલાઈઝેશનથી દરેક ખર્ચ પર નજર રહેશે


-ડિજિટલાઈઝેશનનો બીજો એક ફાયદો એ થાય છે કે દરેક વ્યક્તિની આવક અને ખર્ચ પર નજર રહેશે.


- હવે તમારી આવક, તમારા ખર્ચ અને તમારા ઇન્વેસ્ટમેન્ટની વિગતો તથા તમારા ઇન્વેસ્ટમેન્ટ થકી થતી ઇન્ટરેસ્ટ, ડિવિડંડ અને પ્રોફિટના આંકડાઓ એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં રિફ્લેક્ટ થશે.


-પહેલા 26એએસમાં ટીડીએસ જેવી મર્યાદિત માહિતી મળતી હતી. હવે કરદાતા ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવા જશે તો AISમાં સુધારો કરવો છે કે સ્વીકારી લેવું છે તેટલું જ જણાવવું પડશે. આમ રિટર્ન ફાઈલ કરવાની જફા પણ ઓછી થશે.


-સર્વિસ ટેક્સમાં પહેલા તમે નાણાં ચૂકવી દેતા હતા, પણ તે સરકારમાં જમા ન કરે તો તેના ઓડિટ થાય ત્યારે તેમાં પકડાય તો પકડાય નહિ તો સર્વિસ ટેક્સ ભર્યા વિના જ છટકી જતાં હતા. હવે તેમ કરવું અઘરું બનશે.


-જીએસટીમાં વેચનાર વેપારી સરકારમાં ટેક્સ જમા ન કરાવે તો ખરીદનાર વેપારી તેને ફોન કરીને પૂછશે. ભાઈ, અમારો જીએસટી કેમ જમા કરાવ્યો નથી. આમ સરકારે એક વેપારી પર બીજા વેપારીને નજર રાખતો કરી દીધો છે. આ જ દેશના અર્થતંત્રને આપેલો ટેક્નોલોજીનો બૂસ્ટર ડોઝ છે.



ડિજિટલ રૂપી તિજોરીમાં પડેલા રૂપિયાને બહાર લાવશે


હવે ડિજિટલ રૂપીની વાત કરીએ. ક્રિપ્ટોને લીગલાઈઝ કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવે છે. તેના પર 30 ટકા ટેક્સ લાદીને આ પગલું લેવામાં આવ્યું છે. ક્રિપ્ટો એ ઇન્ફ્રલેશન ગ્રુપ કરન્સી છે. તમારી પાસે રૂ. 100 પડ્યા છે. દસ વર્ષ પહેલા તમે તે રૂ. 100 આપ્યા હતા. તે વખતે તેનાથી બે બ્રેડ ખરીદી શકતા હતા. આજે તે રૂપિયાની ખરીદશક્તિ ઘટી ગઈ છે. કદાચ એક જ બ્રેડ ખરીદી શકશો. તેની સાથે જ એક ક્રિપ્ટો કોઈન પણ આપ્યો હતો. તે વખતે ક્રિપ્ટોના કોઈનથી 5000 ડોલરનું સોનું લઈ શકતા હતા. આજે તે ક્રિપ્ટોથી 75000 ડૉલરના મૂલ્યનું સોનું લઈ શકશો.


- ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવાથી વધુ લોકો તેમાં ગેરકાયદે વહેવારો કરતાં થાય. તેથી તેના પર પ્રતિબંધ મૂકવાને બદલે તેમાં થતાં વહેવારો થકી થતી આવક પર 30 ટકાના દરે ટેક્સ લગાવી દીધો છે. ક્રિપ્ટો લીગલ ટેન્ડર ન હોવા છતાંય તેને એલાવ કર્યા, તેના પર ટેક્સ લાદીને આવક ઊભી કરી.


- બજેટમાં નાણાંમંત્રીએ ડિજિટલ રૂપી લાવવાની જાહેરાત કરી છે. ડિજિટલ રૂપી ડિજિટલ વોલેટમાં જ રહેનારી કરન્સી છે. તેનાથી તમારા પાકીટમાં રોકડા રૂપિયા રાખવા પડશે નહિ. તેનો એક મોટો ફાયદો એ થશે કે જે બ્લેક મની તિજોરીમાં થોકડીના સ્વરૂપે પડ્યા રહે છે, તે બહાર આવી જશે. દરેક ઘરની તિજોરીમાં પડી રહેતા રૂપિયાને જોવામાં આવે તો તેનું મૂલ્ય કરોડો અને અબજોનું થાય છે. ચલણી નોટ પણ ઓછો થઈ જશે.


-ડિજિટલ કરન્સીમાં બેન્કમાંથી પૈસા ઉપાડવા જશે તો તે ઉપાડની રકમ ડિજિટલ વોલેટમાં આપી દેવામાં આવશે. સરકાર રોકડા રૂપિયા આપશે જ નહિ. તેથી પૈસા તિજોરીમાં પડ્યા રહેશે નહિ. વોલેટમાં પડેલા પૈસા વપરાશે. મેન્યુફેક્ચરિંગ થતાં માલના વેચાણ વધશે. આ વ્યવસ્થાનો સીધો ફાયદો એમએસએમઈને થશે. તેમની આવક વધશે.



રોજગારીની તક નિર્માણ થશે કે નહિ?


2017થી 2020ના ગાળામાં બેરોજગારી ઘટવા કરતાં વધી છે. કોરોનાથી દેશનું અર્થતંત્ર સતત ધીમું પડ્યું છે. બીજું, અન્ડર એમ્પ્લોયમેન્ટ સતત વધી રહ્યું છે એટલે કે રોજગારી હોવા છતાંય અપેક્ષા પ્રમાણેનો ગ્રોથ થતો નથી. નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસે આપેલા આંકડાઓ મુજબ 2019-20ના નાણાંકીય વર્ષમાં બેરોજગારીનો દર 8.8 ટકા જેટલો ઊંચો હતો. સાડા ચાર દાયકામાં બેરોજગારીનો આ ઊંચામાં ઊંચો દર છે.


-કોરોનાની પહેલી અને બીજી વેવ્સમાં હજારો લોકોએ રોજગારી ગુમાવી છે. જે રોજગારી ટકાવી શક્યા છે તેમના પગારો કપાઈ ગયા છે. પગારો કપાયા પછી નોર્મલ લેવલે હજીય ઘણી જગ્યાએ ચાલુ થયા નથી. કોરોનાની માંદગીને કારણે આવી પડેલા અણધાર્યા ખર્ચાઓને પરિણામે લોકોની બચત ખતમ થઈ ગઈ છે. આર્થિક સંગીનતા તળિયે આવી રહી છે. પરિણામે રોજગારી નિર્માણ કરીને લોકોની આવકમાં વૃદ્ધિ કરવી અનિવાર્ય બની ગઈ છે.


-તેથી જ મૂડી ખર્ચ વધારીને રૂ. 7.5 લાખ કરોડ કરવામાં આવ્યો છે. જોકે ત્રીજો વેવ એટલો ઘાતક અને ખર્ચાળ રહ્યો નથી. સરકારે કોરોના કાળમાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા હતા, તે સમયની જરૂરિયાત કરતાં ઘણાં જ ઓછા હતા.


-કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધારીને રેલવે, રસ્તા, જળમાર્ગ સહિત અન્ય સુવિધાઓ ઊભી કરાશે. તે બ્લ્યુ કોલર (મજૂરોના) જોબની તક નિર્માણ કરશે. તેની સાથે સંકળાયેલી કંપનીઓ વધુ રોજગારી આપશે, જે વ્હાઈટ કોલર જોબ પણ જનરેટ કરશે.


-રાજ્યોની સરકાર માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે બહુ મોટા ખર્ચા કરી શકતી નથી. કેન્દ્ર સરકારના માળખાકીય સુવિધા માટેના આયોજનમાં 19-20નો ફેરફાર કરીને રાજ્યના બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે. તેથી સરકાર દ્વારા કરવામાં આવતા મૂડી ખર્ચની તુલનાએ ખાનગી મૂડી પણ ઇન્વેસ્ટમેન્ટ તરીકે બહાર આવે તો રોજગારી વધુ નિર્માણ થઈ શકે છે.



સ્ટાફિંગ ફેડરેશન, દિલ્હીના પ્રમુખ લોહિત ભાટિયાએ વાઈબ્રન્ટ ઉદ્યોગ સાથે વાતચીતમાં જણાવ્યું હતુઃ “બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓના માધ્યમથી નાના મોટા ઉદ્યોગો થકી અંદાજે 1.2 કરોડ રોજગારી નિર્માણ થવાનો અંદાજ છે. સરકારે પોતે જ પીએલઈ સ્કીમને એક્સટેન્ડ કરીને 60 લાખ જોબ જનરેટ કરવાનો અંદાજ સરકારે મૂક્યો છે. 13 સેક્ટર માટે પીએલઆઈ જાહેર થયેલી છે. પીએલઆઈના માધ્યમથી 2 લાખ કરોડના સબસિડી લાભ આપવામાં આવ્યા છે, જે લાભ લેવા માટે નવી મેન્યુફેક્ચરિંગ સુવિધા ઊભી કરવી પડશે. બે લાખ કરોડની સબસિડી મેન્યુફેક્ચરિંગની નવી નિર્માણ થનારી ક્ષમતાના 5 ટકા જ છે. આમ મેન્યુફેક્ચરિંગ કેપેસિટીમાં 20 ગણો વધારો કરવો પડશે. આમ 40 લાખ કરોડનું પ્રોડક્શન આઉટપુટ વધારવું પડશે. સામાન્ય રીતે પ્રોડક્શન કેપેસિટી વધારવા માટે કરવામાં આવતા ખર્ચમાંથી 8થી 10 ટકા ખર્ચ વેતન ખર્ચ 8થી 10 ટકા હોય છે. આમ 3.2 થી 4 લાખ કરોડનો ખર્ચ વેતન પાછળ કરવામાં આવશે. એવરેજ સેલેરી 20,000ની ગણવામાં આવે અને વાર્ષિક રૂ. 2 લાખનું વેતન ગણવામાં આવે તો 4 લાખ કરોડને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો અંદાજે 2 કરોડ રોજગારી નિર્માણ થઈ શકે છે. આ રોજગારી નિર્માણ થતાં બેથી અઢી વર્ષ લાગી જશે. હવે સરકાર ટાઈમબાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ બનાવી દે તો તેનો વધુ સરળતાથી અંદાજ આવી શકશે.”


-આજે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની જીડીપીમાં 20થી 25 ટકાનો ફાળો છે. તેમાં 15 ટકા લોકોને જોબ મળે છે. તેનો અર્થ એ થયો કે રિટેઈલ, બેન્કિંગ, ટ્રાવેલ, ટુરિઝમમાં પણ જોબ જનરેટ થાય છે. ઉપરાંત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને તેને સંલગ્ન ક્ષેત્રમાં પણ જોબ જનરેશન થશે. બીજી તરફ, દર વરસે ભારતમાં 50 લાખ યુવાનો ભણીને તૈયાર થઈને જોબ માર્કેટમાં એન્ટ્રી લે છે. તેની સામે સરેરાશ માત્ર 12 લાખ રોજગારીનું નિર્માણ થશે. બીજા સેક્ટરના જોબને જોઈએ તો પણ 20થી 25 લાખ યુવાનોને માટે જોબ એક સમસ્યા જ રહે તેવી સંભાવના છે.



Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page