કોરોનામાં ઓક્સિમીટર, માસ્ક-સેનિટાઈઝરના ઊંચા ભાવ વસૂલનારાને 5 લાખનો દંડ
- Team Vibrant Udyog
- Jan 21, 2022
- 2 min read
વધુ ભાવ લેનારા ગુજરાતના કેમિસ્ટો પર તોલમાપ વિભાગના દરોડા
કોરોના કાળમાં વધેલી ડિમાન્ડનો ગેરફાયદો ઊઠાવી રહેલા કેમિસ્ટોને ઝપટમાં લેવાયા

આજે ગુજરાતમાં ઓમિક્રોન અને કોરોના વાયરસના ચેપના 24000થી વધુ કેસો નોંધાયા હોવાથી દર્દીઓ પાસે ખાનગી કેમિસ્ટ્સ દ્વારા દવાઓમાં કે અન્ય ઉપકરણ મોટા પ્રીમયમ આપીને ચલાવવામાં આવતી લૂંટને અંકુશમાં લેવા માટે આજે ગુજરાતના તોલમાપ ખાતાના અધિકારીઓએ સમગ્ર રાજ્યમાં 40થી વધુ કેમિસ્ટ કે મેડિકલ સ્ટોર્સ પર પણ દરોડા પાડીને રૂ. 5 લાખના દંડની વસૂલી પણ કરી લીધી છે.
કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે માસ્ક, સેનિટાઈઝર્, ઓક્સિમીટર, ડિજીટલ થર્મોમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ઈ.સી.જી. મોનિટરના ઊંચા ભાવ વસૂલીને કપરાં સમયમાં લૂંટ ચલાવી રહેલા અમદાવાદના ૫, વડોદરાના ૯, રાજકોટ-પાલનપુરના ૪-૪ કેમિસ્ટ સહિત કુલ મળીને ૪૦ કેમિસ્ટો પર તોલમાપ ખાતાના અધિકારીઓએ આજે દરોડા પાડયા હતા. આ દરોડાને અંતે કિંમત કરતાં વધુ નાણાં વસૂલનારાઓ પાસેથી રૃા. ૫ લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
કેમિસ્ટો દ્વારા કરાતી લૂંટ અટકાવવા અને દર્દીઓને યોગ્ય દામે તમામ વસ્તુઓ મળી રહે તે માટેના આ દરોડા પાડવામાં આવ્યા છે. તોલમાપ ખાતાના સૂત્રોનું કહેવું છે કે કાયદાકીય જોગવાઈ મુબજ પ્રોડક્ટ પર ઉત્પાદક, પૅકિંગ કરનાર, ઇમ્પોર્ટરનું નામ અને સરનામા સહિતની તથા પ્રોડક્ટ્સની વિગતો સહિતની વિગતો છાપવામાં આવેલી હોય છે. તેના મેન્યુફેક્ચરિંગની ડેટ અને ભાવ પણ લખેલા છે. તેના પરન લખાણ પ્રમાણેના પ્રોડક્ટ ન હોય કે તેના પર છાપેલી કિમત કરતાં વધુ કિંમલ લેનારાઓ ગુનો આચરી રહ્યા છે. કોરોના અને ઓમિક્રોનના ચેપને કારણે તેની ખરીદીનો તેઓ ગેરલાભ ઊઠાવતા હોવાનું જોવા મળ્યું છે.
ગુજરાતના ૪૦ એકમો પર દરોડા પાડીને તેમની પાસેથી રૂ. ૫ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. તમામ મેડિકલ ડિવાઈઝના વિક્રેતાઓને આ સાથે જ સરકાર તરફથી ચિમકી પણ આપી દેવામાં આવી છે.
અમદાવાદમાં રાધેશ્યામ મેડિસિન્સ સાયન્સ સીટી રોડ, સાયન્સ સીટી કેમિસ્ટ, એક્ઝોટિકા રિફ્રેશ-ગાંધીનગર, લાઈફ કેર મેડિકલ સાયન્સ સિટી, ક્રિસ્ટર હાઈજિન અમરાઈવાડી અમદાવાદ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની સામે રજિસ્ટ્રેશન ન કરાવવાનો, મેન્યુફેક્ચરિંગ ડેડ ન દર્શાવવાનો, એમ.આર.પીમાં (રૃ।) વિના કિંમત દર્શવવાનો ગુનો નોંધીને દંડ કરવામાં આવ્યો છે.
વડોદરામાં મયુર ધીરજલાલ ઠક્કર -સુભાનપુરા, પ્રફુલ પી. કચ્ચી, ચારભુજા કેમિસ્ટ, ફઝલ પટેલ, વિનોદ પટેલ, રાકેશ પટેલ, પિયૂષ પટેલ, (તમામ સુભાનપુરા) અને ઓમ. મેડિકલ સ્ટોર બોડેલી જિલ્લો છોટાઉદેપુર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તદુપરાંત પંચમહાલ આમંદ, કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, મહેસાણા, જામનગર, સુરેન્દ્રનગર અને પાલનપુરના કેમિસ્ટો અને મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે.
Comments