ક્રિપ્ટોમાં કરેલા રોકાણની જાહેરાત કરવા ઇન્વેસ્ટર્સને ત્રણ મહિનાની મહેતલ મળે !
- Team Vibrant Udyog
- Dec 8, 2021
- 2 min read

- ક્રિપ્ટો કરન્સીને નિયંત્રિત કરવાની કામગીરી સેબીને સોંપવામાં આવે તેવી સંભાવના
- ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કર્યા પછી થયેલી આવક પર ઘણાં ઇન્વેસ્ટર્સ કેપિટલ ગેઈન ટેક્સ કે અન્ય વેરો ન ભરતા હોવાથી ઇન્કમટેક્સ એક્ટમાં પણ સરકાર સુધારો કરશે
- બજેટ સત્રમાં આવકવેરા ધારામાં એમેન્ડમેન્ટ કરવામાં આવે તેવી સંભાવના
ક્રિપ્ટો કરન્સી અંગે સરકાર દ્વારા સંભવતઃ આજે જાહેર કરવામાં આવનારા નવા ધારાધોરણો હેઠળ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓને ક્રિપ્ટો કરન્સીમાંના તેમના રોકાણની વિગતો જાહેર કરવા માટે સરકાર તરફથી ત્રણ મહિનાની મહેતલ આપવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્રની કેબિનેટ દ્વારા આ મુદ્દે આજે સંભવતઃ આખરી નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રની કેબિનેટ આજે જ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 અંગે વિચારણાં કરશે.
બીજીતરફ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021ના માધ્યમથી રિઝર્વ બેન્કને સત્તાવાર ડિજિટલ કરન્સી વહેતી મૂકવા માટેની સુવિધા આપતું માળખા પણ તૈયાર થશે. અત્યારે ક્રિપ્ટો કરન્સીના વેપાર અને વહેવાર પર ભારત સરકારની કોઈપણ સંસ્થાનું કોઈપણ પ્રકારનું નિયંત્રણ છે જ નહિ. આ સ્થિતિમાં આરંભમાં સરકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીને જ ડિજિટલ કરન્સી માર્કેટનું નિયંત્રણ કરવાની જવાબદારી સોંપે તેવી સંભાવના છે. ક્રિપ્ટો કરન્સીમાં ડીલિંગ કરતાં તમામ એક્સચેન્જની કામગીરી પર નજર રાખવાનું દાયિત્વ સેબીને સોંપવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંસદના વર્તમાન સત્રમાં ક્રિપ્ટો કરન્સી અંગેનો ખરડો રજૂ કરી દેવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે. આ બિલના માધ્યમથી તમામ પ્રકારની પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર સરકાર પ્રતિબંધ મૂકી દેવા માગે છે. જોકે ક્રિપ્ટો કરન્સીની ટેકનોલોજીને અને તેના વપરાશને પ્રોત્સાહન મળે તે માટે તેમાં ચોક્કસ અપવાદો સરકાર રાખે તેવી સંભાવના છે. આ કરન્સીના વહેવારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાને બદલે સરકાર તેના પરના નિયંત્રણો સાથેના વહેવારો કરવાની આંશિક છૂટ આપે તેવી સંભાવના હોવાનું પણ જાણકારોનું કહેવું છે. હા, ખાનગી ક્રિપ્ટો કરન્સીને કાયદેસરના ચલણ તરીકે માન્યતા આપવાને બદલે ભારત સરકાર તેનું નાણાંકીય અસ્ક્યામત તરીકે વર્ગીકરણ કરી શકે છે.
આ બિલમાં માઈનિંગ, જનરેટિંગ, હોલ્ડિંગ અને સેલિંગ ઉપરાંત તે ઇશ્યૂ કરવા પર, તે ટ્રાન્સફર કરવા પર અને તેનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કે નિકાલ કરવા પર, મૂલ્ય તરીકે તેનો સંચય કરવા પર તેમ જ તેના યુનિટના એકાઉન્ટ રાખવા પર પાબંધી લગાવી દેતી જોગવાઈઓ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021માં કરવામાં આવેલી છે.
જોકે આ તબક્કે ખાનગી ક્રિપ્ટો કરન્સીને ફાઈનાન્શિયલ એસેટ તરીકેનું સ્ટેટ આપવું તે પણ જોખમી હોવાનું જણાય છે. તેથી તે અંગે નિર્ણય લેતા પહેલા પણ સરકાર સાતવાર વિચાર કરશે. કારણ કે તેમાં પણ જોખમ રહેલું છે. ક્રિપ્ટો કરન્સીના વેલ્યુએશનનો આધાર સોના જેવી કોઈ સંપત્તિને આધીન નથી. તેનાથી વાસ્તવિક આર્થિક પ્રવૃત્તિમાં કોઈ જ ઉમેરો થતો નથી. તેથી સટોડિયાઓ ગમે ત્યારે તેના મૂલ્યમાં મોટી વધઘટ લાવી શકે છે. તેથી તેમાં તોફાની વધઘટ આવે તો નાના ઇન્વેસ્ટર્સનું ધોવાણ થઈ જવાનો મોટો ખતરો રહેલો છે.
ક્રિપ્ટો કરન્સીને ટેક્સના દાયરામાં લાવવા માટે સરકાર આવકવેરાના ધારામાં પણ સુધારો કરવાનું આયોજન કરી રહી છે. આગામી બજેટ સત્રમાં કેટલાક આવકવેરા ધારામાં કેટલાક સુધારાઓ દાખલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. કેટલાક ઇન્વેસ્ટર્સ ક્રિપ્ટોમાં કરેલા રોકાણ થકી તેમને થયેલી આવક પર કેપિટલ ગેઈન ટેક્સ જમા કરાવી રહ્યા છે.
કેટલાક ઇન્વેસ્ટર્સ કેપિટલ ગેઈન ટેક્સ કે અન્ય સ્વરૂપે ટેક્સ જમા ન કરાવતા હોવાથી પણ સરકાર આવકવેરા ધારામાં સુધારા દાખલ કરવાનું આયોજન કરી રહી છે.
Comments